"તીખારો"
"કોલેજના એન્ટ્રન્સ જોડે ઉભો છું,
મળવું છે તને..
એકવાર પ્લીઝ આવી જા....!"
વૉર્ડમાં 15 પેશન્ટના કેસ લઈને તેમની ટ્રીટમેન્ટના ઑર્ડર લખતી વખતે પ્લેટફોર્મ પર પડેલા રોમાના 'વોટ્સએપ' માં રાત્રે બાર વાગે વૈભવનો એક મેસેજ બ્લીંક થયો.
વૈભવ નામ વાંચીને તરત જ રોમાની આંખોમાં રહેલો ઉજાગરો જાણે ઉતરી ગયો અને શક્ય એટલી ઝડપથી એ મેસેજ રોમાએ વાંચ્યો.
બે સેકન્ડ માટે તો રોમાની ખુશીઓનો પાર જ જાણે ના રહ્યો પણ એ આનંદ તરત જ ઓસરાઈ ગયો.
રોમા નું વૈભવ સાથે છ મહિના પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું હતું.
"તું તારા ઘરવાળાને મારા માટે મનાવી કેમ નહીં શકે? જો તારે તારી વાત પરથી ફરી જ જવું હતું તો મારી સાથે આ સંબંધ જ કેમ રાખ્યો??"
છ મહિના પહેલા વૈભવ સાથે રોમાની થયેલી એ છેલ્લી મુલાકાત અને તેના છેલ્લા શબ્દો તેને યાદ આવી જાય છે.
"જે મારી સાથે મેરેજ કરવા કમિટ ના કરી શકે એને પ્રેમ કરીને શું ફાયદો..?"
આટલું મનમાં વિચારી શક્ય એટલી હિંમત ભેગી કરીને એણે રીપ્લાય કર્યો,
"સોરી, મને તને મળવાની કોઈ ઈચ્છા નથી."
રોમા એના પક્ષે સાચી હતી પણ એ ત્રણ વર્ષનો પ્રેમ કઈ રીતે ભૂલવો..?
અને એ પણ એમબીબીએસના વર્ષોમાં થયેલો એ પહેલો પ્રેમ.
વૈભવના એક મેસેજે તેને આ ત્રણ વર્ષ ની બધી જ યાદો ફરી તાજી કરાવી દીધી.
વૈભવની સાથે વિતાવેલી એક એક પળ દ્રશ્યોની જેમ તેની આંખોની સામે વારેવારે આવી રહી હતી.
અને જે કાગળ પર ટ્રીટમેન્ટ ના ઑર્ડર લખવાના હતા, એના પર આંસુઓ જાણે પથરાવા લાગ્યા,
એ કાગળ આખો ભીનો થઇ ગયો પણ યાદો સુકાવાનું નામ જ લેતી ન હતી.
અચાનક રોમાને પાછળથી એક અવાજ સંભળાયો,
"શું થયું પાછુ તને આજે? "
અવાજ રોમાના સિનિયર પરીક્ષિતનો હતો.
"કંઈ નહીં પરીક્ષિત ભાઈ, અમસ્તું જ એ તો..!"
લાગણીઓને માંડ માંડ સંભાળતા રોમા બોલી.
"પહેલા તો તું ભાઈ ભાઈ ના કરીશ આખો દિવસ..!"
પરીક્ષિતે ગુસ્સાથી કહ્યું.
રોમાનું ધ્યાન હજી વૈભવની યાદોમાં જ ડૂબેલું હતું.
"રોવું શેનું આવે હંમેશા આટલું પણ...??"
પરીક્ષિતે ઘાટો પાડતાં કહ્યું..
રોમાથી હવે ના રહેવાયું,
બધા જ કેસ પ્લેટફોર્મ પર જોરથી પછાડીને તે ઉભી થઇ અને ગુસ્સામાં બોલી,
"શું છે તમારે.?
આવે રડવાનું, દુઃખ થાય તકલીફ થાય એટલે આંખોમાં પાણી આવે જ..! "
બોલતા બોલતા ફરીથી રોમાની આંખોમાંથી આંસુ છલકાયા અને ગળામાં ડૂમો બાઝી પડ્યો.
"એક જ માણસ છે આ દુનિયામાં..?
જે વાત પતી ગઈ એ પતી ગઈ એને વારે-વારે યાદ કરીશ તો દુઃખી જ થઈશ. આજુબાજુ નજર તો કર, શું ખબર કોઈ બીજો સારો છોકરો પણ તને મળી જાય..!"
પરીક્ષિતે સાંત્વના આપતા કહ્યું.
"તમે નહીં સમજો પરીક્ષિત.. "
રોમાએ માથું નીચે કરીને ઉદાસીમાં જવાબ આપ્યો.
"શું નહીં સમજો..?
મારી સામે જો, હું નથી ગમતો તને...?"
ગુસ્સામાં પરીક્ષિતે કહ્યું.
રોમાનું મગજ જાણે બંધ જ થઈ ગયું.
પહેલી ૨ મિનિટ તો એ કંઈ બોલી જ ન શકી પછી ધીમેથી બોલી,
"તબિયત તો સારી છે ને તમારી,
અચાનક શું થઇ ગયું તમને..?"
"અચાનક નહીં, છેલ્લા છ મહિનાથી..!
દેખ મને તો બહુ ગમે છે પણ તારો ટાઈમ તું લે મને કંઈ ઉતાવળ નથી. હું રાહ જોઈશ તારા જવાબની. આજે બહુ હિંમત કરીને મારા દિલની વાત કરી છે તને..!" પરીક્ષિતે થોડી શબ્દો માં નરમાશ લાવી કહ્યું.
આવું તીખું પ્રપોઝલ રોમાની સમજ માં જ ના આવ્યું, તે તરત જ ત્યાંથી જતી રહી..
આખી રાત મોડા સુધી તેણે વિચાર્યું .
છેલ્લા છ મહિનામાં પરીક્ષિત દ્વારા મળેલા ઘણા ઈશારા નો અર્થ પણ તેને આજે સમજાયો.
મેડિકલ ફીલ્ડ માં સિનિયર અને જુનિયર વચ્ચેનો સંબંધ ખટરાગ થી ભરપૂર જ હોય છે.
એટલે રોમાએ એ નજરોથી ક્યારેય પરીક્ષિતને જોયેલો જ નહીં અને પરીક્ષિત સ્વભાવથી થોડો કઠોર હોવાથી રોમા તો શું તેના બીજા જુનિયર્સ પણ પરીક્ષિત થી ડરતા.
કઈ કેટલીયે ગડમથલ બાથ રોમાને ઉંઘ આવી.
બીજા દિવસે સવારે રાઉન્ડ પત્યા પછી રોમા કન્સલ્ટન્ટ વડે પેશન્ટના માટે આપવામાં આવેલા ચેન્જ પતાવતી હતી ,ત્યાં અચાનક પરીક્ષિત વોર્ડમાં આવ્યો અને એક ખુરશી લઈને રોમાની સામે બેસી ગયો.
"પછી શું વિચાર્યું કાલનું,,?
દેખ કોઇ ફોર્સ નથી. મને તું ગમે છે એટલે મેં કીધું,
તું ના પાડવાની હોય તો પણ ના પાડી શકે છે મને ખોટું નહીં લાગે...!"
ઘણા પ્રેમથી પરીક્ષિતે આજે વાત કરી..
"એ ના પાડી દો એટલે..?
ટાઇમપાસ માટે પ્રપોઝ કર્યું હતું..?
આવું જ કરવું હતું તો પૂછ્યું છે કેમ..!
રોમાએ સામે થોડી મજા લેતા કહ્યું..!!
"અય હય...!!
એવું નહીં બકા..."
પરીક્ષિત પોતાના લાક્ષણિક ટોનમાં ખુશીથી બોલ્યો.
"મને એક મહિનો આપો તમારો સ્વભાવ સમજવા માટે. એટલો સમય તો જોઇશે જ મને...!"
રોમાએ રિસ્પોન્સ આપતા કહ્યું.
પરીક્ષિત માટે આટલો જવાબ પુરતો હતો.
"તો આજે સાંજે જમવા જઈએ ક્યાંક જોડે?
જો તને વાંધો ના હોય તો?? "
પરીક્ષિતે સામે પૂછ્યું.
સામેથી આવેલી રોમાની સ્માઈલ ગ્રીન સિગ્નલ સમાન હતી...!
મુલાકાતો વધી, એકમેકને ઓળખવા માટે સમય પણ પૂરતો મળ્યો અને એક મહિના પછી એક કેફેમાં કોર્નર ટેબલ પર બેઠેલા પરીક્ષિતને રોમાએ સવાલ કર્યો,
"તમારે મારા પાસ્ટ વિશે કંઈ પણ પૂછવું હોય તો અત્યારે પૂછી લેજો, પછી ભવિષ્યમાં જો વારે વારે એ સવાલ ઊભો થશે તો મને વધારે દુઃખ થશે..!"
"મારે જેટલું જાણવું હતું અે તે મને કહી જ દીધું છે, મને કોઈ રસ પણ નથી એ વાતને ફરી છંછેડવામાં..!"
જ્યૂસ પીતા પીતા પરીક્ષિતે કહ્યું..!
"બસ તો હવે થોડું વજન ઓછું કરી દો અેટલે પપ્પાને મલાવી દઉં તમારી જોડે, મારા મીઠા સ્વભાવ પર તમારો થોડો ગુસ્સાવાળો તીખારો બહુ જામશે..!! "
મીઠી સ્માઈલ સાથે રોમાએ જવાબ આપ્યો...!!
રેસીડેન્સીની આ સફરમાં બે ડોક્ટરને પોતાનો પ્રેમ મળ્યો..
એક છોકરી હંમેશા એક છોકરા તરફથી એક જ વસ્તુ ઈચ્છે છે,
"કમિટમેન્ટ" કે તારી સાથે જીવનની બધી જ તકલીફોમાં હું ઉભો રહીશ..
પીડીયાટ્રીકસ ના કેસ સોલ્વ કરતાં કરતાં મેં જોયેલી ડોક્ટર કપલની આ સ્ટોરી હ્રદયને હંમેશા ખાસ રહેશે...!! ""
ડૉ. હેરત ઉદાવત.