Pishachini - 15 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | પિશાચિની - 15

Featured Books
Categories
Share

પિશાચિની - 15

(15)

જાણે કોઈ મોટી-શક્તિશાળી

તોપમાંથી ગોળો છૂટે એટલી ઝડપે માટીની હાંડી જિગર તરફ ધસી આવી અને જિગર કંઈ સમજે એ પહેલાં જ એ હાંડી જોરથી તેના માથા સાથે ટકરાઈને ફૂટી. અને એ સાથે જ અત્યારે જિગરની આંખો સામે કાળા-ધોળા ધબ્બાં દેખાયા. બીજી જ પળે એ ધબ્બાઓમાં ચીસો પાડતા ભયાનક ચહેરાં તરવરી ઊઠયાં. તેણે બન્ને હાથે પોતાનું માથું પકડી લીધું. તેના પગ વાંકા થયા અને તે ઘૂંટણિયે પડયો, ત્યાં જ તેને એવું લાગ્યું કે, તે કોઈ ઊંડી ખાઈમાં ગબડી રહ્યો છે..., ગબડી રહ્યો છે અને ત્રીજી પળે તે એ ઊંડી ખાઈમાં આલોપ થઈ ગયો ! ! !

દૃ દૃ દૃ

જિગરની આંખો ખૂલી એ સાથે જ તેના માથા પર સણકો આવ્યો. તેણે માથું દબાવતાં જોયું તો કાળું આકાશ દેખાયુ. તે કયાં હતો એનો તેને ખ્યાલ આવ્યો નહિ. તે બેઠો થયો, ત્યાં જ તેની નજર, સામેના જૂના વડના ઝાડ નીચે, ગોળ સફેદ રેખા-મંડળ વચ્ચે મંત્રનો જાપ જપતા બેઠેલા પંડિત ભવાનીશંકર પર પડી.

અને આ સાથે જ જિગરને આખી વાત યાદ આવી ગઈ.

તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીનાને વશમાં કરવા માટે આ ભવાનીશંકર અહીં સ્મશાનમાં મંત્રનો જાપ જપવા બેઠો હતો. એના આ મંત્રનો જાપ તોડવા માટે તે દીપંકર સ્વામી પાસેથી એક માટીની હાંડી લઈને અહીં આવ્યો હતો. દીપંકર સ્વામીના કહેવા પ્રમાણે તેણે હાંડી ભવાનીશંકર તરફ ફેંકી હતી, પણ હાંડી ભવાનીશંકરના શરીરને વાગી નહોતી અને એના માથાની ઉપર હવામાં સ્થિર થઈ ગઈ હતી. ત્યાં જ દીપંકર સ્વામી આવી પહોંચ્યા હતા અને ભવાનીશંકરને કરગરતા, એની સામે પીડાથી આળોટવા લાગ્યા હતા.

ત્યાં જ ભવાનીશંકરના માથા પર સ્થિર રહેલી હાંડી તેમની તરફ આગળ વધી હતી. હાંડી પહેલાં જમીન પર આળોટી રહેલા દીપંકર સ્વામીની ઉપર હવામાં થોડીક પળો સ્થિર રહી અને પછી હાંડી તેની તરફ આવી હતી અને જોરથી તેના માથા સાથે ટકરાઈને ફૂટી હતી. એ સાથે જ તે કોઈ ઊંડી ખાઈમાં ગબડીને આલોપ થઈ ગયો હોય એવું તેને લાગ્યું હતું. એ પછી અત્યારે તેની આંખ ખુલી હતી.

અત્યારે સામે ભવાનીશંકર મંત્રનો જાપ જપતો બેઠો હતો, પણ દીપંકર સ્વામી દેખાતા નહોતા. જિગરે આસપાસમાં નજર ફેરવી ને એને ડાબી બાજુ, થોડાંક પગલાં દૂર જમીન પર દીપંકર સ્વામી લાશની જેમ પડેલા દેખાયા.

જિગરે દીપંકર સ્વામી પરથી નજર હટાવીને કલ્પનાની આંખે જોયું. તેના માથા પર શીના સવાર હતી. અત્યારે શીના હાડપિંજર જેવી લાગતી હતી. એ સાવ ઢીલી થઈને બેઠી હતી. એની નજર સામે મંત્રનો જાપ કરી રહેલા ભવાનીશંકર તરફ તકાયેલી હતી.

‘શીના !’ જિગરે ધીરેથી પૂછયું : ‘શું થયું, શીના ?’

શીનાએ જિગરને કોઈ જવાબ આપ્યો નહિ અને જિગર સામે જોયું પણ નહિ.

જિગરે હવે શું કરવું ? ! એની સમજ પડી નહિ.

શીના હજુ પણ તેના માથા પર સવાર હતી. સામે પલાંઠી વાળીને ભવાનીશંકર શીનાને તેની પાસેથી આંચકીને પોતાના વશમાં કરવા માટેના મંત્રનો જાપ કરી રહ્યો હતો.

આ ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવા માટે તેની મદદ કરનાર દીપંકર સ્વામી અત્યારે જમીન પર પડયા હતા. દીપંકર સ્વામીના કહેવા પ્રમાણે આજે વહેલી સવારના ચાર વાગ્યે ભવાનીશંકરના શીનાને વશમાં કરવાના મંત્રનો જાપ પૂરો થતો હતો.

જિગરે કાંડા ઘડીયાળમાં જોયું. ચાર વાગવામાં ફકત પાંચ મિનીટની વાર હતી.

જિગરે ફરી કલ્પનાની આંખે શીના તરફ જોયું. અત્યારે શીના તેની તરફ જ જોઈ રહી હતી. શીનાના ચહેરા પર એ પોતાની કોઈ પ્યારી વ્યકિત પાસેથી હંમેશ માટે વિદાય લઈ રહી હોય એવા દુઃખ અને ગમગીનીના ભાવ દેખાતા હતા.

‘તો શું હવે તું ભવાનીશંકર પાસે ચાલી જઈશ ? ! શું તું મારી પાસે જ રોકાઈ રહે એવો કોઈ રસ્તો બાકી રહ્યો નથી ? !’ જિગરના હોઠે આ શબ્દો આવ્યા, પણ તે બોલવા જાય એ પહેલાં શીનાને જાણે જોરદાર કરન્ટ લાગ્યો હોય એમ એ પગથી માથા સુધી ધ્રુજી. બીજી જ પળે શીના રોકેટની જેમ તેના માથા પરથી આકાશ તરફ ઊડી ગઈ ને દેખાતી બંધ થઈ ગઈ અને એ સાથે જ જિગરના માથા પરનો ભાર હળવો થઈ ગયો.

જિગરે સામે મંત્રનો જાપ કરી રહેલા ભવાનીશંકર સામે જોયું અને એ જ પળે ભવાનીશંકરે આંખો પરની પાંપણો ખોલી.

અત્યારે ભવાનીશંકરની આંખોમાં અનેરી ચમક આવી ગઈ હતી અને એણે મંત્રનો જાપ પણ રોકી દીધો હતો.

‘આ ભવાનીશંકરે મંત્રનો જાપ રોકી લીધો હતો, એનો મતલબ શું એ હતો કે, ‘શીના ભવાનીશંકરના વશમાં ચાલી ગઈ હતી ? !’ જિગરનામગજમાંથી વિચાર દોડી ગયો.

ભવાનીશંકર ઊભો થયો.

જિગર ફફડી ઉઠયો. તેણે ફરી ભાગી છુટવા માટે પગ ઊપાડવાનો પ્રયત્ન કર્યો, પણ આ વખતેય તેના પગ જમીન સાથે ચોંટી ગયા હોય એમ તે પગ ઊપાડી શકયો નહિ.

ભવાનીશંકર મંડળની બહાર નીકળ્યો અને જિગરની નજીક આવીને ઊભો રહ્યો.

જિગર ફફડતા જીવે ભવાનીશંકર સામે જોઈ રહ્યો.

‘જિગર !’ ભવાનીશંકર બોલ્યો : ‘તેં શીનાને વશમાં કરવા માટેનો મારો જાપ તોડવા માટે જે કંઈ કર્યું, એનાથી મને તારી પર એટલો ગુસ્સો ચઢયો હતો કે મને થતું હતું કે, હું તને ભસ્મ કરી નાંખું. પણ મને તારી પત્નીની દયા આવી. હું તને ભસ્મ કરી નાંખું તો એ બીચારી વિધવા બની જાય અને એટલે મેં તને અત્યારે જીવતો જવા દીધો છે.’ અને ભવાનીશંકરે જિગરના ખભે હાથ મુકયો. જિગરના શરીરમાંથી એક કંપારી પસાર થઈ ગઈ.

‘શીના જેવી બલાને વશમાં કરવા માટે અમારા જેવા પંડિતોએ કંઈ કેટલાંય તંત્ર-મંત્ર કરવા પડે છે અને ત્યારે એ બલા વશમાં આવે છે. પણ શીના તારી પર મોહી પડી અને સામેથી તારી પાસે આવી ગઈ. શીના બલા જ એવી છે કે, એ માણસને રાતોરાત માલામાલ કરી દે અને એટલે તારા જેવા પૈસાના પૂજારીને કદિ એને છોડવાનું મન ન થાય.’ ભવાનીશંકરના ચહેરા પર હવે જીતભર્યું હાસ્ય આવી ગયું : ‘ગમે તેમ પણ હવે શીના તારી પાસેથી નીકળીને મારી પાસે આવી ચુકી છે. એ મારા વશમાં છે અને મારી દાસી બની ચુકી છે.’

જિગરે ભવાનીશંકરના માથા તરફ જોયું.

ભવાનીશંકર હસી પડયો : ‘હવે એ તને નહિ દેખાય, જિગર !’

જિગરના ચહેરા પર નિરાશા આવી ગઈ.

‘તેં શીનાથી ફાયદો મેળવ્યો છે, એટલે તું એને ભુલી નહિ શકે. જોકે, તારી ભલાઈ એમાં જ છે કે, તું એને ભુલી જાય.’ અને ભવાનીશંકર તેનો ખભો થપથપાવીને ત્યાંથી સ્મશાનના ઝાંપા તરફ આગળ વધી ગયો.

જિગર ઝાંપા તરફ ફર્યો અને આ વખતે જમીન સાથે ચોંટેલા તેના પગ ઊખડી ગયા અને તે સહેલાઈથી ફરી શકયો. તેણે જોયું તો ભવાનીશંકર સ્મશાનના ઝાંપાની બહાર નીકળી ગયો.

જિગર લાશની જેમ પડેલા દીપંકર સ્વામી પાસે પહોંચ્યો.

દીપંકર સ્વામીએ આંખો ખોલી.

હમણાં દીપંકર સ્વામી તેની પર ગુસ્સે થઈ જશે એવો ગભરાટ જિગરના મનમાં જાગ્યો, ત્યાં જ દીપંકર સ્વામીએ તેનો હાથ પકડી લીધો. ‘મને ઊભો કર.’ એમણે પીડાભર્યા અવાજે કહ્યું.

જિગરે એમને ઊભા કર્યા.

‘મારા ધારવા કરતાં ભવાનીશંકર વધુ શક્તિશાળી પુરવાર થયો.’ દીપંકર સ્વામીએ કહ્યું : ‘એ શીનાને વશમાં કરી ગયો અને મારા હાથપગ તોડી ગયો.’

‘...હું દિલગીર છું, સ્વામીજી ! મારા કારણે...,’ જિગર આગળ બોલવા જાય એ પહેલાં જ દીપંકર સ્વામી બોલ્યા : ‘....એમાં તારો કોઈ વાંક નથી. ચાલ, મને ઘરે મૂકી દે.’

‘હા, સ્વામીજી !’ કહેતાં જિગર એમને લઈને સ્મશાનની બહારની તરફ આગળ વધ્યો, અને ત્યારે જિગર તેના માથેથી અદૃશ્ય શક્તિ શીના હંમેશ માટે ચાલી ગઈ હતી એ વાતથી મનોમન રડી રહ્યો હતો.

દૃ દૃ દૃ

દીપંકર સ્વામીને એમના ઘરે મૂકીને જિગર ઘરે પહોંચ્યો ત્યારે સવારના સવા પાંચ વાગવા આવ્યા હતા.

માહી ચિંતાભેર તેની વાટ જોઈ રહી હતી. ‘શું થયું ? ! માહીએ પૂછયું : ‘શીના પાછી આવી કે...’

‘ના !’ જિગર દુઃખી અવાજે બોલ્યો : ‘એ પંડિત ભવાનીશંકર પાસે ચાલી ગઈ.’ અને જિગર આંખોમાં આવી ગયેલા આંસુઓને ખાળતાં બેડરૂમ તરફ આગળ વધી ગયો.

જિગરને પાછલા કેટલાંક મહિનાથી શીનાની ટેવ પડી ગઈ હતી. શીનાએ તેને માલદાર બનાવ્યો હતો અને એના લીધે જ માહીના પિતા દેવરાજશેઠ માહીના લગ્ન તેની સાથે કરવા તૈયાર થયા હતા. ટૂંકમાં અદૃશ્ય શક્તિ શીનાની મદદથી જિગરે મબલખ રૂપિયા, કાર, ફલેટ, ફેકટરી અને પત્ની બધું જ મેળવ્યું હતું. એ અદૃશ્ય શક્તિ શીના તેને હંમેશ માટે છોડીને ચાલી ગઈ હતી, એનાથી તે દુઃખી અને હતાશ થાય એ સ્વાભાવિક હતું.

જિગર અત્યારે માહી સામે આંસુ ખાળી રહ્યો હતો, પણ મનોમન તો શીના માટે રડી જ રહ્યો હતો. તે પલંગ પર લેટયો.

માહી જિગર પાસે બેઠી અને જિગરના માથે વહાલથી હાથ ફેરવવા માંડી. એે જિગરના મનની સ્થિતિને સમજી શકતી હતી. એને જિગરને માથેથી શીના ચાલી ગઈ હતી એ બદલ બેવડી લાગણી થતી હતી. શીના ગઈ એના કારણે જિગર દુઃખી હતો એ વાતનો એને રંજ થઈ રહ્યો હતો, તો શીના જેવી એક બલા જિગરના માથેથી હંમેશ-હંમેશ માટે દૂર ચાલી ગઈ હતી એ વાતની એને રાહત પણ થઈ રહી હતી.

દૃ દૃ દૃ

સવારના સાડા દસ વાગ્યા હતા. જિગર સ્મશાનેથી આવ્યો હતો એ પછી ઊંઘતા સવારના છ વાગ્યા હતા, એટલે જિગર અને માહી અત્યારે પણ હજુ ઊંઘમાં જ હતાં. ત્યાં જ અત્યારે જિગરનો મોબાઈલ ફોન રણકયો. જિગર ઝબકીને જાગ્યો. માહીની આંખ પણ ખૂલી ગઈ.

જિગરે બાજુની ટિપૉય પર પડેલો મોબાઈલ ફોન ઊઠાવીને કાને ધર્યો અને મોબાઈલમાં વાત કરી એ સાથે જ તે ‘શું ? ! ઓહ નો !’ કહેતાં બેઠો થઈ ગયો : ‘હું હમણાં જ આવું છું !’

‘જિગર !’ માહીએ પણ બેઠી થઈ જતા ચિંતાભેર પૂછયું : ‘શું થયું ? !’

‘ફેકટરીમાં આગ લાગી છે !’ જિગર ઊભો થયો અને ઝડપી પગલે મેઈન દરવાજા તરફ આગળ વધ્યો.

‘જિગર ! તું ચિંતા ન કરીશ, હિંમત રાખજે, બધું સારું થશે !’ જિગરને કહેતાં માહી જિગર પાછળ મેઈન દરવાજા સુધી પહોંચી.

જિગરે કોઈ જવાબ આપ્યો નહિ અને લિફટ તરફ આગળ વધી ગયો. તે લિફટમાં દાખલ થઈને દેખાતો બંધ થયો એટલે માહીએ દરવાજો બંધ કર્યો.

જિગર નીચે, પાર્કિંગમાં પડેલી કાર પાસે પહોંચ્યો ને તેણે કારને ફેકટરી તરફ દોડાવી ત્યારે તેને એે ખ્યાલ નહોતો કે, આ તો તેની બરબાદીની શરૂઆત હતી !

દૃ દૃ દૃ

માનવામાં ન આવે અને કોઈ વાર્તામાં જ બને એવું કંઈક જિગર સાથે બન્યું હતું.

જિગરના માથા પર અદૃશ્ય શક્તિ શીના સવાર થઈ, ત્યારે જિગર એક કૉમ્પ્યુટરની કંપનીમાં સાત હજાર રૂપિયાના પગારે નોકરી કરતો હતો. પણ શીના તેના માથા પર સવાર થતાં જ તેની હાલત ચમત્કારિક રીતના પલટાઈ હતી. તે થોડાંક મહિનાઓમાં જ માલદાર બની ગયો હતો. ફલેટ, કાર અને ફેકટરીનો માલિક બની ગયો હતો. એ પછી એ થોડાંક મહિના સુધી પૈસામાં ખેલતો રહ્યો હતો.

પણ દોઢ મહિના પહેલાં પંડિત ભવાનીશંકરે એકસો એક દિવસના મંત્રનો જાપ પૂરો કરીને શીનાને તેની પાસેથી છીનવી લીધી હતી, એ પછી બીજા દિવસની સવારે જ તેની ફેકટરીમાં આગ લાગ્યાની ઘટના બની હતી. ને એ દિવસથી જ જાણે તે બરબાદીની ખાઈમાં ગબડવા માંડયો હતો. જે ઝડપથી અને આશ્ચર્યજનક રીતે તેની પાસે માલ-મિલકત આવ્યા હતાં, એટલી જ ઝડપે અને આશ્ચર્યજનક રીતે એ બધું એના હાથમાંથી સરકી ગયું.

આ બધું કેવી રીતના બન્યું, એ તેની સમજમાં આવી ગયું હતું. આ બધું જ શીનાને લીધે બન્યું હતું. શીના તેની પાસેે હતી ત્યાં સુધી તેની પાસે માલ-મિલકત બધું જ હતું, અને એ ચાલી ગઈ એ સાથે જ તેની પાસેની માલ-મિલકત પણ ચાલી ગઈ હતી.

એ પાછો એક રૂમ-રસોડાના મકાનમાં આવી ગયો હતો.

અને ગઈકાલે માહીના પિતા દેવરાજશેઠ આવી પહોંચ્યા હતા. તેઓ ગુસ્સામાં હતા.

તે માલદાર બન્યો હતો, એટલે કરોડપતિ દેવરાજશેઠે પોતાની દીકરી માહીના લગ્ન તેની સાથે કર્યા હતા. પણ તે પાછો એક રૂમ રસોડામાં રહેવા આવી ગયો હતો એટલે દેવરાજશેઠ તેને જેમ-તેમ બોલીને માહીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા હતા. તેણે માહીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, માહી તેની પાસે રોકાવા માંગતી હતી એવું તેને લાગ્યું પણ હતું, પણ દેવરાજશેઠની જોર-જબરજસ્તીની આગળ એ હારી ગઈ હોય એમ એ તેને છોડીને ચાલી ગઈ હતી.

ગઈકાલે દેવરાજશેઠ માહીને લઈને ચાલ્યા ગયા એ પછી જિગર ઘરમાં જ બેસી રહ્યો. તેને એમ હતું કે, માહીનો મોબાઈલ ફોન આવશે. પણ મોબાઈલ આવ્યો નહિ. ગઈકાલે આખો દિવસે તે પોતાની ગરીબી અને માહીના એના પપ્પાને ત્યાં ચાલ્યા જવા બદલ રડતો રહ્યો, ગુંગળાતો રહ્યો.

પણ આજે બીજા દિવસે તે તૈયાર થઈને બહાર નીકળ્યો. તે બસ સ્ટેન્ડ તરફ આગળ વધ્યો. તેને રૂપિયાની કિંમત સમજાઈ હતી અને તે ફરી પાછો રૂપિયા કમાવવા માંગતો હતો. રૂપિયા આવે એટલે દેવરાજશેઠ પાછા માહીને સામે ચાલીને તેની પાસે મૂકી જશે એની જિગરને ખાતરી હતી. જોકે, તેને ખબર હતી કે, ફરી ફલેટ, કાર અને ફેકટરી લેવા જેટલા રૂપિયા કમાવવા એ આસન કામ નહોતું.

અગાઉ તો અદૃશ્ય શક્તિ શીના તેના માથા પર સવાર થઈ હતી અને શીનાએે તેને રાતોરાત માલદાર બનાવ્યો હતો, અને એ કારણે જ તે પોતાની પ્રેમિકા માહીને પત્ની તરીકે મેળવી શકયો હતો.

પણ એ શીના પંડિત ભવાનીશંકર પાસે ચાલી ગઈ હતી અને પાછી ફરે એમ નહોતી.

‘ઈશ્વર કરે અને શીના મારી પાસે પાછી ફરે તો...’ અને જિગરના મગજમાંનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ તેની નજર સામે બસ સ્ટેન્ડ પર ઊભેલી એક યુવતી પર પડી અને તે ચોંકી ઊઠયો. ચોંકી શું, પણ તે પગથી માથા સુધી ખળભળી ઊઠયો.

તે આંખો ફાડી-ફાડીને એ યુવતી તરફ જોઈ રહ્યો.

તેને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહિ.

તે જે જોઈ રહ્યો હતો એ શું હકીકત હતી ? ! તે જાગતો હતો ને ? ! તે સપનું તો જોતો નહોતો ને ?

તેણે ગાલે ચુંટલી ખણી.

ના તે ઊંઘમાં નહોતો. તે સપનું જોતો નહોતો. તે જાગતો હતો. તે જે જોઈ રહ્યો હતો એ એક સચ્ચાઈ હતી.

સામે એક યુવતી.., એટલે કે શીના ઊભી હતી !

શીના ? ! !

હા, શીના ! ! અદૃશ્ય શક્તિ શીના ! ! !

અગાઉ જિગરના માથા પર સવાર થઈને તેને માલામાલ બનાવનાર અને પછી ભવાનીશંકરના વશમાં ચાલી ગયેલી અદૃશ્ય શક્તિ શીના અત્યારે તેની સામે બસ સ્ટેન્ડ પર ઊભી હતી ! ! ! !

અગાઉ જિગરે કલ્પનાની આંખે શીનાને કંઈ કેટલીયવાર જોઈ હતી,

અને એટલે અત્યારે એ શીના જ તેની સામે ઊભી હતી એ વાતમાં જિગરના મનમાં બે મત નહોતા કે, જરાય શંકા નહોતી !

( વધુ આવતા અંકે )