sundari chapter 18 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૧૮

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૧૮

અઢાર

“ઘણા દિવસે તને ટાઈમ મળ્યો આ વખતે તો? એટલી તો કેટલી બીઝી રહે છે?” સુંદરીને તેની જ કોલેજના સિનીયર પ્રોફેસર અરુણા પટેલે તેને સવાલ કરતા પૂછ્યું.

અરુણા પટેલ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા અને સુંદરી જ્યારે એ જ કોલેજમાં વિદ્યાર્થી હતી ત્યારે તેની મનગમતી વિદ્યાર્થીનીઓમાંથી એક હતી. ભલે સુંદરીનો મુખ્ય વિષય ઈતિહાસ હતો પરંતુ તેણે ફર્સ્ટ સબસીડરી તરીકે અંગ્રેજી પસંદ કર્યું હતું અને અરુણાબેન સાથે તેણે બે વર્ષ એ રીતે પસાર કર્યા હતા. અરુણાબેન સુંદરીની મા ની ખોટ પૂરી કરતા હતા. ખબર નહીં પણ કેમ અરુણાબેન અને સુંદરી વચ્ચે સુંદરીના કોલેજના પહેલા વર્ષથી જ લાગણીનું એક અનોખું બંધન બંધાઈ ગયું હતું જે પાંચ વર્ષમાં વધુને વધુ મજબૂત બન્યું હતું.

અરુણાબેન ગુજરાત યુનિવર્સીટીના ભાષા ભવનમાં પણ એમ.એના લેક્ચર્સ લેવા જતા હતા જ્યાં સુંદરી સમાજશાસ્ત્ર ભવનમાં ઇતિહાસમાં એમ.એ કરતી હતી એટલે અહીં પણ તેમનો સંપર્ક જળવાઈ રહ્યો. જો કે તે માટે બંનેનું ગુજરાત યુનિવર્સીટીના કેમ્પસમાં વારંવાર ભેગું થવું જ કારણ ન હતું. અરુણાબેન એક માત્ર એવી વ્યક્તિ હતા જે સુંદરીના સીધા સંપર્કમાં હોવા છતાં બેધડક તેને ઘેર જઈ શકતા હતા અને તે પણ સુંદરીને આગોતરી જાણકારી આપ્યા વગર. પ્રમોદરાયને પણ આ બંને એકબીજાને મળે અને વાતો કરે તે માટે કોઈજ વાંધો ન હતો. કદાચ પ્રમોદરાયને અરુણાબેનની ઉંમર સાથે વાંધો ન હતો કે જે સુંદરીને તેમણે નક્કી કરેલી ડિસીપ્લીન તોડવા માટે કોઇપણ પ્રોત્સાહન આપે.

સુંદરીના કોલેજના પહેલા વર્ષના અભ્યાસ દરમ્યાન થોડા સમયમાંજ તેણે અરુણાબેન સમક્ષ પોતાનું મન ખુલ્લું અને ખાલી કરી દીધું હતું. અનુભવી અરુણાબેનને ખ્યાલ આવી ગયો હતો કે સુંદરી ભણવામાં હોંશિયાર તો છે જ પરંતુ તેને એ ઉપરાંત લાગણીની ખૂબ જરૂર છે અને જો તેઓ સુંદરીની આ ખૂટતી કડી બની જાય તો સુંદરી જે અત્યારસુધી ફક્ત જિંદગીની ઘરેડના એક ભાગરૂપે જ ભણવા આવી હતી, તે ફક્ત ભણવાનું કામ પૂરું કરીને પિતા દ્વારા નક્કી કરેલા પુરુષ સાથે ગોઠવાઈ જઈને તેના સંસારમાં સેટ થઇ જશે અને ભગવાન ન કરે અને એ પુરુષ પણ પ્રમોદરાય જેવો જ નીકળ્યો તો આ છોકરીનું જીવન બરબાદ થઇ શકે અને તો પણ એ ચૂં કે ચાં પણ નહીં કરે.

આથી અરુણાબેને સુંદરીને માત્ર લાગણી આપવાનું જ શરુ ન કર્યું પરંતુ પોતાની બંને દીકરીઓની જેમ સુંદરીને પણ મનોમન પોતાની ત્રીજી દીકરી સમજી લીધી અને તેની અંદર સુઈ ગયેલા સ્વપ્નાઓને ધીમે ધીમે જગાડવાનું શરુ કર્યું. આ અરુણાબેનની જ મહેનત અને કાળજી હતી કે સુંદરીને એમ.એ સુધી ભણવાની અને પછી એમ.ફિલ કરવાની ઈચ્છા થઇ. પ્રમોદરાય આમ પણ કોઈ વ્યક્તિ વધુને વધુ ભણે એ પ્રત્યે વધારે હકારાત્મક રહેતા એટલે તેમણે પણ પોતાની પુત્રી સુંદરીના આગળ ભણવાની ઈચ્છા પર વાંધો ન ઉઠાવ્યો.

આ ઉપરાંત અરુણાબેન ઘણીવાર સુંદરીને પોતાને ઘેરે પણ બોલાવતા અને શરૂઆતમાં થોડીઘણી રસોઈ કરી શકતી સુંદરીને તેમણે રસોઈમાં પણ વૈવિધ્ય કેમ લાવવું તેની સમજ આપી અને પછી તો પાક કળામાં ધીમેધીમે નિષ્ણાત કરી દીધી. સુંદરી પણ અરુણાબેનની આ લાગણી, તેમનો આ સ્નેહ અને તેની પાછળની તેમની ઈચ્છા સમયાંતરે સમજી ગઈ હતી અને આથી જ તેને અરુણાબેનમાં પોતાની મા દેખાતી હતી.

પરંતુ અરુણાબેન સુંદરીના સગા માતા તો ન જ હતા, એટલે કોલેજમાં ત્રણ વર્ષ રવિવાર, રજાઓ અને વેકેશન સિવાય દરરોજ મળી શકાતું હતું પરંતુ બાદમાં એમ.એ કરતી વખતે બંનેના લેક્ચર્સ એક જ દિવસે હોય તો મળાતું અને બાદમાં તો દરરોજ અથવાતો વારંવાર મળવાની તકો ધીરેધીરે ઓછી થતી ગઈ, એટલે પછી અરુણાબેને જ સુંદરીને મહિનામાં ઓછામાં ઓછું એક વખત કોઈ રેસ્ટોરન્ટમાં જઈને જમતા જમતા મળી શકાય એવું નક્કી કર્યું.

મોટેભાગે અરુણાબેન સુંદરીને રવિવારે સાંજે જ રેસ્ટોરન્ટમાં જમવા બોલાવતા. અરુણાબેનનું આમ કરવા પાછળ પણ એક ખાસ કારણ હતું. રવિવારે સાંજે સામાન્યતઃ અમદાવાદના દરેક રેસ્ટોરન્ટમાં ભીડ હોય અને જમવા માટે માંડમાંડ વારો આવે એટલે બંને ‘મા-દીકરી’ લાંબો સમય વાતો કરી શકે. ખાસકરીને સુંદરી એનું મન શાંતિથી ખોલી શકે અને થોડો વધુ સમય પ્રમોદરાયથી દૂર રહી શકે. હા, કોઈવાર આ બંને અરુણાબેનના ઘરે પણ મળી લેતા, રેસ્ટોરન્ટમાં જવાના નામે!

“શું કરું અરુમા, દરરોજ કોલેજ, પછી ઘરના કામ, સાંજે બીજા દિવસના લેક્ચર્સની તૈયારી અને પછી એટલી થાકી જાઉં છું કે રાત્રે દસેક વાગ્યે તો સુઈ જવું પડે છે હવે એમાં દિવસ ક્યાં નીકળી જાય છે એની ખબર જ નથી પડતી.” સુંદરીએ અરુણાબેનના મનગમતા સંબોધન ‘અરુમા’ કહીને એમને પોતાની મજબુરી જણાવી.

“અરે! પણ રવિવારે તો ટાઈમ મળેને?” અરુણાબેને પૂછ્યું.

“દર રવિવારે પપ્પા કોઈને કોઈ કામ આપી દે. જો કશું કામ ન હોય તો ઘરની સાફસફાઈ ફરીને ફરી કરાવે રાખે.” સુંદરીએ મોઢું બગાડતા કહ્યું.

“તો આજે કેવી રીતે ટાઈમ મળ્યો?” અરુણાબેને હસીને પૂછ્યું.

“પપ્પા, અઠવાડિયા માટે મુંબઈ ગયા છે, ફુવાની તબિયત સારી નથી અને ફઈને મદદમાં કોઈ નથી એટલે.” આવું કહેતી વખતે સુંદરીના ચહેરા પર સ્મિત અને હાશકારો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

“અરે વાહ! તો મેં તને કાલે મળવા માટે કોલ કર્યો ત્યારે કેમ ન કહ્યું? આજે સવારથી તને બોલાવી લેતને મારે ઘરે?” અરુણાબેન પણ ખુશ થતાં બોલ્યા.

“તમે બોલાવી હોતને અરુમા તો પણ હું ન આવી હોત!” સુંદરીનું સ્મિત તોફાની બની રહ્યું હતું, તેના સ્વભાવ વિરુદ્ધ.

“લે એવું કેમ?” સુંદરીનો મૂડ જોઇને અરુણાબેને પણ હસીને પૂછ્યું.

“અરુમા, કેટલા વર્ષો બાદ આવો રવિવાર આવ્યો હતો જ્યારે હું સવારે દસ વાગ્યા સુધી સુતી. કાલે રાત્રે બે અઢી વાગ્યા સુધી ફિલ્મ જોઈ. ઉઠીને બ્રશ કરી, ચ્હા બનાવીને પીધી અને પછી બે કલાક ખાલી ટીવી જ જોયું. પછી ન્હાઈ અને લગભગ દોઢ-બે વાગ્યે અમારા એરિયાની રેસ્ટોરન્ટમાં કોલ કરી અને ત્યાંથી લંચ મંગાવ્યું. પછી અઢીથી પાંચ સુઈ ગઈ, ઉઠીને ચ્હા બનાવી અને ઘરના ગાર્ડનમાં ખુરશી નાખીને ધીમેધીમે સીપ કરતા કરતા પીધી. ચ્હા પીવાઈ ગયા પછી એક કલાક સુધી કશું જ ન કર્યું, બસ બેસી જ રહી. સંધ્યાકાળે ઘરે જતા પક્ષીઓનો કલબલાટ ધ્યાનથી સાંભળ્યો અને પછી અહીંયા આવવા માટે તૈયાર થઈ. યુ નો, આજે હું મારું હોન્ડા નથી લાવી, કેબમાં જ આવી અને કેબમાં જ ઘરે જઈશ!” સુંદરી એકદમ આનંદમાં આવી જઈને તેને આજે કરેલા એક એક કાર્યોની વિગત તેના અરુમાને આપી રહી હતી.

“ઘરે કેબમાં કેમ? તારું ઘર મારા રસ્તે જ આવે છે ને? હું તને મારી કારમાં મુકતી જઈશ.” અરુણાબેન પણ સુંદરીનો આનંદ જોઇને ખૂબ જ ખુશ થઈને બોલ્યા.

“કેમ તમને હું ખુશ થાઉં એ નથી ગમતું?” સુંદરી હસીને બોલી.

“ના, તારી ખુશીનું મહત્ત્વ મારા માટે શું છે એ તો તને ખબર છે જ ને બેટા? કદાચ મારી પ્રીતિ અને નિયતિ કરતા પણ તારા હોઠ પર આવેલું સ્મિત મારા માટે વધુ મહત્ત્વ ધરાવે છે. પણ આ તો જે તારી સાથે અડધો કલાક વધુ રહેવાય, તારી સાથે વધુ વાત થાય... તેં હમણાં જ કહ્યુંને? કે કે આવો રવિવાર તારા જીવનમાં ઘણા વર્ષે આવ્યો? તો પછી હું પણ તારા આ રવિવારનો ફાયદો કેમ ન ઉઠાવું? તારી મા છું ને?” અરુણાબેને સુંદરીના હાથ પર પોતાનો હાથ મૂક્યો.

“અરુણાબેન!” સુંદરી અને અરુણાબેન રેસ્ટોરન્ટની બહાર પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા ત્યારેજ બધાના નામ અને નંબર નોંધવાની વધારાની ફરજ બજાવતા રેસ્ટોરન્ટના એક વેઈટરે અરુણાબેનનું નામ લીધું.

પોતાનો નંબર આવતાની સાથેજ સુંદરી અને અરુણાબેન રેસ્ટોરન્ટમાં દાખલ થયા જ્યાં ફ્લોર મેનેજર એમને એમના ટેબલ તરફ દોરી ગયો. ટેબલની એક તરફ અરુણાબેન તો બીજી તરફ સુંદરી બેઠી. થોડી જ વાર થઇ હતી ત્યાં ફ્લોર મેનેજર મેન્યુ લઇ આવ્યો.

“તારો કાયમી મીનસ્ટ્રોન સૂપ બરોબરને? હું આજે વેજીટેબલ સૂપ મંગાવું છું.” અરુણાબેન સુંદરીની પસંદગી જાણતા હતા.

“હા, અરુમા, આજે સ્ટાર્ટર પણ મંગાવોને, તમારી પસંદગીનું...” સુંદરીએ કહ્યું.

“આજે તો બહુ ભૂખી થઇ છે ને મારી દીકરી? હજી બપોરે બે વાગે જમી, બે કલાક ઊંઘી અને તો પણ આટલી બધી ભૂખ?” અરુણાબેન હસવા લાગ્યા અને ફરીથી તેમણે મેન્યુમાં ધ્યાન આપ્યું અને સ્ટાર્ટર શોધવા લાગ્યા.

“આ સ્વતંત્રતાની ભૂખ છે અરુમા. ગઈકાલે બપોરે શતાબ્દીમાં પપ્પા ગયા અને એમનો ટ્રેન અમદાવાદથી ઉપડી ગઈ છે એવો કોલ આવ્યો ત્યારથી જ મને ખૂબ ભૂખ લાગી રહી છે.” સુંદરી પણ હસીને બોલી.

“હમમ... કેમ નહીં. સ્ટાર્ટરમાં વેજ સ્પ્રિંગરોલ્સ ફાવશેને?” અરુણાબેને સુંદરીને પૂછ્યું.

“હા, તમને જે ગમે તે.” સુંદરીએ હકારમાં જવાબ આપ્યો.

“બાકી કા ઓર્ડર સૂપ ઔર સ્ટાર્ટર કે બાદ.” ફ્લોર મેનેજરને મેન્યુ પરત આપતા અરુણાબેને કહ્યું.

“આજે તો નાન ખાવી છે.” સુંદરી આજે અલગ જ મૂડમાં હતી.

“કેમ નહીં. એ તો બધું મંગાવીશું જ પણ બીજી કોઈ નવાજુની કહે તારું પપ્પા પુરાણ તો બહુ ચાલ્યું. તારી ડાયરી કેવી લખાય છે?” અરુણાબેને જાણીજોઈને મુદ્દો બદલ્યો.

“અમમ... મારી લાઈફમાં શું નવાજુની હોય? બસ પપ્પા, પપ્પા અને પપ્પા જ. ડાયરી તો દરરોજ લખાય છે અને રેગ્યુલર. એક તમે છો અરુમા અને બીજી મારી ડાયરી ત્રીજું મારા જીવનમાં છે જ કોણ?” સુંદરીએ થોડા નિરાશાજનક પણ સ્મિત સાથે કહ્યું.

સુંદરી અને અરુણાબેન આ રીતે વાતચીત કરી જ રહ્યા હતા કે એમની સામે આવેલા રેસ્ટોરન્ટનું મુખ્ય ડોર ખુલ્યું અને તેમાંથી વરુણ, કૃણાલ અને ઈશાની અંદર પ્રવેશ્યા. સુંદરી અરુણાબેન સાથે વાત કરવામાં વ્યસ્ત હતી જ્યારે વરુણનું ધ્યાન ફ્લોર મેનેજર સુંદરીના ટેબલના સહુથી વિરુદ્ધ ખૂણા પર રહેલા ખાલી ટેબલ તરફ જવાનો ઈશારો કરી રહ્યો હતો તેના તરફ હતું.

==:: પ્રકરણ ૧૮ સમાપ્ત ::==