છેલ્લે આપણે જોયું કે રાઘવ ત્રિષાને રિસર્ચ સેન્ટરથી બહાર નીકળવાનો ગુપ્ત માર્ગ દેખાડે છે. તથા કોઈપણ વ્યક્તિ સાથે એ વિષય પર ચર્ચા કરવાની મનાઈ કરે છે. રાઘવ, જેક અને વિરાજ કોઇને મળવા જાય છે, જ્યાં તેઓ ત્રિષાને સાથે આવવાની મનાઈ કરે છે.
હવે આગળ......
*********
રાઘવ, વિરાજ અને જેક તેમની મંજિલ પર પહોંચ્યા ત્યારે અડધી રાત થવા આવી હતી. તેઓ બંગલા પરથી તો વહેલા નીકળી ગયા હતા, પરંતુ રસ્તામાં બીજુ પણ એક અગત્યનું કામ પતાવવાનું હતું અને તેઓ આજુબાજુના લોકોની નજરે આવવા ઈચ્છાતા નહતા. આથી જેટલું મોડુ જવાય એ તેમના ફાયદામાં જ હતું.
જેકે એક સાંકડી ગલીમાં તેમની કાર પાર્ક કરી. તેમને જવું હતું એ ઘર ત્યાંથી બસ્સો - અઢીસો ફૂટ દૂર રોડની સામેની તરફ હતું. રાઘવ માટે આ વિસ્તાર નવો હતો, તે પહેલી વાર જ અહીં આવ્યો હતો, પણ વિરાજ આ પહેલાં પણ અહીં આવી ચૂક્યો હતો.
તેઓ મિલીના ફ્લેટ પર આવ્યા હતા. જેકે જ્યારે મિલી વિશે વિરાજને વાત કરી ત્યારે વિરાજે આ વાત રાઘવને જણાવી નહતી, પરંતુ પોતે એ બાતમીની ખરાઈ કરવા બે-ત્રણ વખત અહીં આવી ચૂક્યો હતો. રાઘવને ખબર નહતી કે તેઓ કોઈ છોકરીને મળવા જાય છે. જ્યારે વિરાજને જેક અને મિલીના સંબંધ વિશે તથા બીજી દરેક બબત વિશે જાણકારી હતી.
"તે છોકરી આપણું કામ કરવા માટે માનશે ખરી?" વિરાજે જેકને રસ્તો ઓળંગતી વખતે પૂછ્યું.
"તો તે છોકરી છે!"જેક જવાબ આપે એ પહેલાં રાઘવે થોડું આશ્ચર્ય પ્રકટ કરતાં કહ્યું.
"હા, છોકરી છે,અને એ પણ ભારતીય. "વિરાજે જ ઉત્તર આપતાં કહ્યું.
રાઘવને એકપળ માટે વિરાજને પૂછવાનું મન થયું કે તને કેવી રીતે ખબર? પણ પછી પોતાની જ જાત પર હસવું આવ્યું. આ તેમનું કામ હતું અને તેને એટલી પણ ખબર નહોય! ખરેખર તો તેને પોતાને પણ આ વાતની જાણકારી હોવી જોઈએ.
"માનશે કે નહીં એ વાતની ગેરન્ટી નહીં, પણ અત્યારે સૌથી સલામત અને સહેલો રસ્તો એજ છે. તેની ફ્લેટમેટ પણ એજ રીસર્ચ સેન્ટરમાં કામ કરે છે અને તેની સિનિયર છે. તે પણ કદાચ કામ આવી શકે!"જેકે રાઘવ તથા વિરાજને વધારાની માહિતી આપતા કહ્યું.
"જે થશે એ જોયું જશે. ચાલો ઝડપથી જઈએ."રાઘવ તેના ચાલવાની ગતિ વધારતા બોલ્યો. જેક અને વિરાજ પણ તેને અનુસર્યા. રોડ આમ તો સાવ ખાલી અને સૂમસામ જ હતો. પણ તેઓ ભૂલેચૂકે પણ કોઈની નજરમાં આવવા ઈચ્છાતા નહતા.
મિલીના ફ્લેટ પર પહોંચી જેકે ડોરબેલ વગાડી. તેણે મિલીને કહ્યું તો હતું કે એ તેને મળવા આવશે પણ ક્યાં કારણે એ નહતું જણાવ્યું. મિલી જેકની વાટ જોતા જોતા જ ક્યારે સૂઇ ગઈ એ ખબર જ ના રહી. મિલીની ફ્લેટમેટ મેરી હજુ જાગતી હતી. તે તેના રૂમમાં હતી. તેણે પણ ડોરબેલનો અવાજ સાંભળ્યો હતો. પરંતુ એટલી મોડી રાત્રે અહીં કોઈ આવે નહીં. આથી તેને ભ્રમ થયો હોય એવું લાગ્યું.
પરંતુ દરવાજો ન ખૂલતા જેકે ફરી ડોરબેલ વગાડ્યો. આ વખતે જેકે દરવાજો પણ ખટખટાવ્યો. તે ડોરબેલ એકવારમાં ફ્કત એકજ વાર વગાડતો હતો. જેથી વધારે અવાજ થાય નહીં. બીજીવાર ડોરબેલનો અવાજ સાંભળી મેરી ચમકી. આ તેનો ભ્રમ નહતો. કોઈક દરવાજે આવ્યું હતું. મેરીએ ઘડિયાળમાં સમય જોયો. આ સમયે કોણ હોય શકે? તે સ્વગત બબડી.
તે પણ એક જાસૂસ હતી, આથી સાવચેતી રાખવી જરૂરી હતી એ સમજતી હતી. આવનાર વ્યક્તિ દોસ્ત પણ હોય અને દુશ્મન પણ હોય શકે! આથી સાવચેતી ખાતર તેણે પોતાની સાયલેન્સર વાળી ગન હાથમાં લઈ રૂમમાંથી બહાર નીકળી.
મેરીએ પોતાના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે જેકે ત્રીજીવાર ડોરબેલ વગાડી. આ વખતે ડોરબેલનો અવાજ સાંભળી મિલી જાગી ગઈ. તેને જેકના આગમનની ખબર હતી, માટે તે સીધી દરવાજો ખોલવા ગઈ.
મિલીને દરવાજો ખોલવા જતી જોઈ મેરી તેના રૂમનાં બારણે જ અટકી ગઈ. તેને જેકના આગમનની જાણ નહતી. છતાં મિલી જે રીતે આટલી રાત્રે દરવાજો ખોલવા જઈ રહી હતી, એના પરથી એટલો અંદાજ આવી ગયો કે નક્કી જેક જ આવ્યો હોવો જોઈએ. કેમકે આની પહેલાં પણ બે ત્રણ વાર તે મોડી રાત્રે અહીં આવી ગયો હતો. પણ આ વખતે તેનું વર્તન જુદું હતું. જાણે પહેલાથી બધું નક્કી કરી આવ્યો હોય તેમ.
પહેલા જેક આવતો ત્યારે આટલી શાંતિથી ડોરબેલ ન વગાડતો. અને એક બે વારમાં દરવાજો ન ખુલે તો બહારથી મિલીને અવાજ પણ દેતો. જ્યારે આજે એ સાવ શાંત હતો.
મિલીએ દરવાજો ખોલતા સામે જેક ઉભો હતો. તે જેકને જોરથી ભેટી પડી. જેકની પાછળ રાઘવ અને વિરાજ પણ ઊભા છે,તેનો મિલીને ખ્યાલ નહતો. પણ મેરી જેક એકલો જ નથી આવ્યો એ પામી ગઈ હતી, કેમકે જ્યારે મિલીએ દરવાજો ખોલ્યો ત્યારે વિરાજ જેકની ડાબી તરફથી તેની પાછળ ગયો એ મેરીએ જોઈ લીધું હતું. એ વિરાજને ઓળખી તો ના શકી પરંતુ તેના હાજરી પારખી ગઈ હતી.
મિલીએ જેકથી અળગી થતાં તેને અંદર આવવા કહ્યું,ત્યારે તેને ભાસ થયો કે જેક એકલો નથી આવ્યો. તેની સાથે બીજી બે વ્યક્તિ પણ હતી. મિલીએ એક નજર રાઘવ અને વિરાજ સામે જોયું. તેમના ચેહરા જોતા મિલી એટલું તો પામી ગઈ કે આવનાર બન્ને વ્યક્તિ ભારતીય હતા.
મિલીએ વિરાજ તથા રાઘવને પણ અંદર આવવા કહ્યું. તે વિચારી રહી હતી કે જેક આટલી મોડી રાત્રે બે ભારતીયો લોકોને લઇ તેની પાસે કેમ આવ્યો? તેને લાગ્યું કે આ લોકો ભારતીય છે, અને કદાચ કોઈ મદદની જરૂર હોય એટલે જેક તેમને પોતાની પાસે લાવ્યો હોય.
વિરાજ, રાઘવ તથા જેક ફ્લેટમાં અંદર આવી હોલમાં રહેલા સોફા પર ગોઠવાયા. મેરી હજુ તેના રૂમનાં બારણાને ત્રાંસુ કરી એવી રીતે ઊભી હતી કે બહાર બેઠેલા લોકો તેને જોઈ શકે નહીં, પણ તે બધાને જોઈ શકે.
રાઘવને જોતાં જ મેરી તરત તેને ઓળખી ગઈ. થોડા વર્ષો પહેલાં ભારત અને અમેરિકાની ગુપ્તચર એજન્સીઓની જોઈન્ટ એક્સરસાઇઝ તથા ટ્રેનિંગ હતી, એ વખતે તેઓની ભેટ થઈ હતી. રાઘવને અહીં જોતાં મેરીને દાળમાં કંઈક કાળુ લાગ્યું. પરંતુ રાઘવ અહીં શું કામ આવ્યો છે? એ જાણ ન થાય ત્યાં સુધી તે રાઘવની સામે જવા માંગતી નહતી.
મિલીને પોતાના પ્લાનમાં કેવી રીતે શામેલ કરવાની, એ વાત તેને કેમ કરવી એ જેકને સમજાતું નહતું. તેને રાઘવ સામે જોઈ ઇશારાથી જ મસલત કરી. રાઘવે જેકને હવે પોતે બાજી સંભાળી લેશે, એમ ઇશારાથી જ કહ્યું.
રાઘવ, વિરાજ અને જેકને આમ ચૂપચાપ બેસેલા જોઇ મિલીને સમજાતું નહતું કે તે શું કહે? શું કરે?
મિલીના મનનાં ભાવ પારખી જતાં રાઘવે વધારે વાર ચુપ રહેવાનું મુનાસિબ માન્યું નહીં આથી તે મિલીને સંબોધતા બોલ્યો, "હેલ્લો, મિસ મિલી. મારુ નામ મિ. આર છે. તથા આ મારા સાથી મિ. વી." રાઘવે પોતાના તથા વિરાજના નામના પ્રથમાક્ષરો વડે પરીચય આપ્યો.
"મિ. આર, મિ. વી. તમારા નામ થોડા અજીબ છે. પરંતુ અડધી રાત્રે તમારે મારુ શું કામ છે?"મિલી થોડા શક કરતાં ભાવ સાથે બોલી.
"અમે એક ખૂબજ અગત્યના કામ માટે અહીં આવ્યા છે, જેમાં અમને તમારા સાથની જરૂર છે."વિરાજે ઉત્તર આપતાં કહ્યું.
મિલી :- "શું કામ છે?"
"પહેલા તમે વચન આપો કે આ વાતની જાણ કદી કોઈપણ વ્યક્તિને કરશો નહીં તથા એકવાર હા પાડ્યા પછી કોઈપણ ભોગે અમારું કામ કરી જ આપવું પડશે" રાઘવ એકદમ સ્પષ્ટ શબ્દોમાં બોલ્યો. તે પોતાની બધી સચ્ચાઈ તો મિલીને ન કહી શકે, પરંતુ શક્ય એટલું સત્ય જણાવાં માંગતો હતો, જેથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તે મિલીને ખોટું બોલીને નહીં પરંતુ દેશના નામે આ કામ તેની પાસે કરાવવા માંગતો હતો.કારણ કે રાઘવ મનુષ્ય મનને સારી રીતે જાણતો હતો. વ્યક્તિ જૂઠનો સાથ છોડી દે, પરંતુ જો તેનામાં દેશદાઝ જગાવી દેવામાં આવે તો તે દેશ માટે મરી પણ ફિટે. રાઘવ મનુષ્યના મનની આ જ ભાવનાનો ફાયદો લેવા ઈચ્છાતો હતો. જેથી મિશન સમયે મિલીને કદી પોતે કંઈ ખોટું કરી રહી છે, એવી ભાવના મનમાં પેદા થાય નહીં અને તે પાછળ હટે નહીં.
"એવું તે વળી શું કામ છે? અને તમે લોકો કોણ છો? જેક તે આમનો પરીચય આપ્યો નહીં?" મિલીએ જેક તરફ ફરતા તેને પૂછ્યું.
"અમારો પરીચય અમે જ આપી દઈશું. પરંતુ પેલા દરવાજા પાછળ કોઈ છે.જે સંતાઈને આપણી વાતો સાંભળે છે. તેમને બહાર બોલાવો."વિરાજ કઠોર અવાજે બોલ્યો. વિરાજ મેરી વિશે કહી રહ્યો હતો. તે બેઠો હતો ત્યાંથી મેરી તો દેખાતી નહતી, પણ તેના રૂમમાં ચાલુ નાઈટ લેમ્પના અજવાળામાં તેનો આછો પડછાયો સામેની દીવાલ પર પડતો હતો. જે વિરાજ જોઈ ગયો હતો.
મિલીને થયું કે કોણ હશે? ત્યાં પાછળથી મેરી આવે છે. રાઘવ મેરીને અહીં જોઈ એકપળ માટે તો ચોંકી જાય છે. એટલામાં ડોરબેલ વાગે છે......
*********
શું મિલી રાઘવ અને વિરાજનો સાથ દેશે? શું મેરી પણ આ મિશનમાં તેમની સાથે જોડાશે? દરવાજા પર હવે કોણ આવ્યું હશે? જાણવા માટે વાંચતા રહો 'અજાણ્યો શત્રુ'.
તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.
Divyesh Koriya
Wh no. :- 9265991971
જય હિંદ.