રવિવારની રજા હોવાથી અમન અને કાવ્યા અમનના ગામ ભડુલી પોતાના માતા-પિતાને સરપ્રાઈઝ આપવા જવા નીકળી પડ્યા.
શહેરથી ભડુલી ગામનો રસ્તો ફક્ત એક કલાકનો જ હતો. અમન અને કાવ્યા બંને કારમાં ગીતો વગાડતાં વગાડતાં પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી આથી ઠંડો પવન વાઈ રહ્યો હતો. હાઇવેની બંને તરફ ખેતરોના લીધે નજારો ખુબ રળિયામણો લાગી રહ્યો હતો. ખેેતરોમાં મગફળી અને મકાઈ જેવા પાક પવનની લહેરખીઓ સાથે લહેરાઈ રહ્યા હતા.
ગામમાં પ્રવેશતાંની સાથે જ અમનનો ચહેરો ખુશીના લીધે હરખાઈ રહ્યો હતો. તેણે ગામની બજારમાંથી ત્યાંના ફેમસ રાધાકૃષ્ણ ડેરીના પેંડા લીધા. તેના મમ્મી રસીલાબેનને પેંડા ખુબ જ ભાવતા આથી અમને લઈ લીધા.
અમનના મમ્મી રસીલાબેન અને પપ્પા રસીકભાઈ ગામમાં આવેલા તેમના ખેતરમાં જ રહેતા. અમનને શહેરમાં નોકરી મળી આથી તે તેના મમ્મી-પપ્પાને પોતાની સાથે રાખવા માંગતો હતો કાવ્યા પણ ઈચ્છતી હતી કે તેઓ સાથે રહે પણ તેઓને તેમનું ગામ છોડવું નહોતું આથી અમને ગામમાં જ ખેતરમાં નાના બંગલા જેવું ઘર બનાવી દીધું હતું, મીની ફાર્મ હાઉસ જ કહી શકાય એવું.
અમનની કાર જેવી બંગલાના ગેટમાં પ્રવેશી રસીકભાઈ જે બહાર ખાટલો ઢાળીને એમાં બેઠા બેઠા ચા પી રહ્યા હતા તરત જ ઊભા થઈને કારની એકદમ બાજુમાં આવી ગયા અને અમન કારમાંથી બહાર નીકળ્યો એવાં તેને ભેટી પડ્યા. અમન પણ તેના પિતાને ભેટી પડ્યો અને પછી તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા, કાવ્યા એ પણ ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. રસીલાબેન પણ બહાર આવી અમન અને કાવ્યાને જોઈ બંનેને ભેટી પડ્યા અને બંને એ તેમના પણ ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા.
"તમે લોકો આવવાનાં હતાં તો અગાઉ ફોન કેમ ના કર્યો હું સરસ મજાનું જમવાનું બનાવી રાખત ને.." રસીલાબેન ખુશ થતાં બોલ્યા.
"અરે મમ્મી, તમને લોકોને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એટલે ના કહ્યું અગાઉ.. અને આ લો તમારા મનપસંદ રાધાકૃષ્ણના પેંડા.." અમન પણ ખુશ થતાં બોલ્યો.
રસીલાબેન હજુ તો પેંડાને હાથ લગાવે એ પહેલાં તો રસીકભાઈ એ પેંડાનું બોક્સ અમનના હાથમાંથી લઈ લીધું અને બોક્સ ખોલીને ખાવા લાગ્યા. "તમને ડાયાબિટીસ છે મારા ભરથાર.. એક જ ખાવ.. અરે અરે બીજો ક્યાં લો છો.. છોડો બોક્સ છોડો.." રસીલાબેન રસીકભાઈને ટોકતા બોલ્યા પણ ત્યાં સુધીમાં રસીકભાઈ તો ત્રણ પેંડા ખાઈ પણ ગયા.
"અરે મમ્મી ખાવા દો ને.. ક્યાં દરરોજ ખાય છે પપ્પા!" અમન પોતાના પપ્પાની તરફદારી કરતા બોલ્યો. "તને નથી ખબર દિકરા, તારા પપ્પા આમ છૂપાઈને કેટલુંય ગળ્યું ખાઈ જાય છે." રસીલાબેન મોં બગાડતા બોલ્યા. "કંઈ વાંધો નહીં મમ્મી ખાવા દો પપ્પાને. આ સુગર ફ્રી પેંડા છે તો કોઈ તકલીફ નથી." અમન તેના મમ્મીને સમજાવતા બોલ્યો અને એક પેંડો તેમના મોં માં મૂકી દીધો અને એક પોતે અને એક કાવ્યા માટે લીધો.. બધા ખાટલા પર બેસીને પેંડાની લિજ્જત લેવા લાગ્યા.
થોડી વાર પછી કાવ્યા અને રસીલાબેન રસોડામાં જઈને સરસ કાઠિયાવાડી ભોજન બનાવી લાવ્યા. બાજરાનો રોટલો, સેવ ટામેટાનું શાક, મીઠી કઢી, ખીચડી અને ઠંડી ઠંડી છાશ. બધા નીચે જમીન પર જ જમવા બેસી ગયા. ગામડાની આ જ મજા છે કોઈ ખોટો દેખાવ નહીં બસ મોજ કરો. અમન પોતાના બાળપણના દિવસો યાદ કરવા લાગ્યો. ત્યારે પણ પોતે આમ જમીન પર બેસીને જ જમતો. તે આજે ખુબ જ ખુશ દેખાઇ રહ્યો હતો. તેને જોઈને કાવ્યા પણ પોતાની સાથે બનેલી તમામ ભયાનક ઘટનાઓને ભૂલી ગઈ. તેને પણ ગામડાંનું વાતાવરણ અને શાંતિ પસંદ આવી રહી હતી.
જમીને થોડી વાર આરામ કર્યા પછી બધા ખેતરમાં આંટો મારવા નીકળી પડ્યા. ખેતરમાં અત્યારે એક તરફ મકાઈનો અને બીજી તરફ મગફળીનો પાક લહેરાઈ રહ્યો હતો. અમન અને કાવ્યા આ જોઈ ખુશ થઈ રહ્યા હતા.
ખેતરમાં કામ કરવા માટે રસીકભાઈ એ મજુરો રાખ્યાં હતાં. તેમને બસ કામ કરતા મજુરો પર નજર રાખવાની રહેતી. બીજું તો કંઈ ખાસ કામ કરવાનું રહેતું નહીં. રસીકભાઈ અને અમનને આવતા જોઈ એક મજુર જે સૌથી જૂનો હતો એ માવજી તેમની તરફ આવ્યો અને અમનને જોઈ બોલ્યો, "અમન દિકરા, તું ક્યારે આવ્યો?" "સવારે આવ્યો કાકા, કેમ છો તમે?" અમન બાળપણથી તેમને ઓળખતો હતો આથી હાલચાલ પૂછ્યા.
"મજામાં છું દિકરા, તમે બેઉ કેમ છો?" કાવ્યા તરફ જોઈ માવજી બોલ્યો.
"અમે પણ મજામાં હો કાકા.." કાવ્યા એ જવાબ આપ્યો અને પછી વડના ઝાડ નીચે જઈ પોતાના ફોનમાં સેલ્ફી લેવા લાગી. અમન પણ તેની પાસે ગયો અને બંને એ ઘણી બધી સેલ્ફી લીધી. રસીકભાઈ અને રસીલાબેનને બોલાવી તેમની સાથે પણ ઘણા બધા ફોટોઝ લીધા.
અમન અને કાવ્યા તો મકાઈના અને મગફળીના પાક વચ્ચે જઈને પણ ચિત્ર વિચિત્ર ફોટા પાડી લીધા. તે બંને ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા હતા.
થોડી વાર પછી માવજી એ બધાને સાદ પાડી શેકેલી મકાઈ ખાવા બોલાવ્યા. ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો અને બધા દોડીને ઘરમાં આવી ગયાં. બહાર જોરદાર વરસાદ વરસી રહ્યો હતો અને બધા ઘરમાં શેકેલી મકાઈ ખાઈ રહ્યા હતા અને મજા લઇ રહ્યા હતા. કાવ્યાને તો વરસાદમાં પલળવા જવું હતું પણ તેના સાસુ એ માંદા પડી જાય આવા વરસાદમાં પલળીને એમ કહ્યું તો તેણે તેના સાસુની વાત માનીને બસ દરવાજે ઉભા રહીને જ મકાઈ ખાતાં ખાતાં વરસાદની મજા માણી.
આમ ને આમ સાંજ પડી ગઈ અને રસીલાબેન રસોડામાં જઈને રસોઈ બનાવવા લાગ્યાં. કાવ્યા પણ તેમને મદદ કરાવવા ગઈ. થોડી વાર પછી જમવાનું બનાવી બહાર લાવી અને પીરસી દીધું અને બધા જમવા બેસી ગયા.
"બેટા, તમે લોકોએ આમ આવીને અમને ખુશ કરી દીધા હો!" રસીકભાઈ મોં માં કોળિયો મૂકી બોલ્યા. "સાવ સાચું કહ્યું તમે, આજે તો હું ખુબ જ ખુશ છું." રસીલાબેન પણ પતિની વાતને સમર્થન આપતા બોલ્યા. "હા મમ્મી અમે આવતા જતા રહીશું આમ, ખુશ.." અમન ખુશ થઈ બોલ્યો. કાવ્યા એ પણ તેમાં હામી ભરી દીધી.
જમી પરવારીને અમન અને કાવ્યા શહેર જવા નીકળી રહ્યા હતા ત્યારે રસીકભાઈ મકાઈ અને મગફળીની મોટી થેલી ભરીને લાવ્યા અને કારની ડેકીમાં મૂકી દીધી અને અમન અને કાવ્યાને વિદાય કર્યા અને કાર બંગલાના મેઇન ડોરમાંથી બહાર જતી રહી.
હજુ તો ગામની બહાર નહોતા નીકળ્યા ત્યાં જ એક પાગલ જેવો માણસ કારની સામે આવી ગયો. અમને કારની સ્પીડ ધીમી કરી બ્રેક મારી દીધી. પાગલ સીધો કાવ્યા બેઠી હતી એ બાજુ આવીને બોલ્યો, "એ તારો પીછો નહીં છોડે તું ગમે ત્યાં જઈશ તે તારી પાછળ પાછળ આવી જ જાશે.. તું ગમે એટલું એને ભૂલવાની કોશિશ કર એ તને પોતાની યાદ અપાવતો જ રહેશે.. તું એનાથી બચી નહીં શકે..." પાગલ આટલું બોલી હસવા લાગ્યો.. કાવ્યા તો તેને જોઈને જ ડરી ગઈ હતી ઉપરથી એના શબ્દો સાંભળી જોરજોરથી ચિલ્લાવા લાગી અને રડવા લાગી.
અમન કારમાંથી બહાર નીકળી સીધો પાગલની નજીક પહોંચી ગયો અને ત્રણ ચાર તમાચા ચોડી દીધા. છતાં પણ તે પાગલ હસી જ રહ્યો હતો આ જોઈ અમન વધુ ગુસ્સે ભરાયો અને પાગલને મારવા લાગ્યો અને તેને નીચે જમીન પર પછાડી દીધો છતાં તેનો ગુસ્સો શાંત નહોતો થયો તે પાગલને લાતો મારવા લાગ્યો. ત્યાં ટોળું જમા થઈ ગયું.
કાવ્યા અમનને પેલા પાગલને મારતો જોઈ તેની પાસે ગઈ અને તેને પકડીને કારમાં લઈ આવી. પાગલ તો નીચે જમીન પર જ પડ્યો હતો, વરસાદ આવ્યો હોવાથી જમીન પર માટીના થર બની ગયા હતા અને પાગલ આખો માટી થી ભરાઈ રહ્યો હતો. ત્યાંના લોકો પણ પાગલને ઓળખતા હોવાથી તેને ત્યાં જ પડતો મૂકી ચાલ્યા ગયા.
કાવ્યા અમનને કારમાં લઈ આવી હતી છતાં પણ અમનનો ગુસ્સો હજુ શાંત નહોતો થઈ રહ્યો. કાવ્યા અમનના હાથ પર હાથ ફેરવવા લાગી અને તેને શાંત કરવા લાગી. થોડી વાર પછી અમન શાંત થયો અને કાવ્યાની તરફ જોઈ કાર ચાલું કરી ત્યાંથી ભગાવી મૂકી.
"અમન, તું ઠીક છે ને હવે?" કાવ્યા એ અમન તરફ જોઈ પૂછ્યું. "હા કાવ્યા, હું ઠીક છું. પણ આ સવાલ મારે તને પૂછવો જોઈએ એના બદલે તું મને પૂછી રહી છે.." અમને કાવ્યા સામે સ્મિત કરી કહ્યું.
"અમન, હું પહેલા તો ડરી ગઈ હતી પણ તને પેલા પાગલને મારતો જોઈને સ્વસ્થ થઈ તને રોકવા આવી ગઈ નહિંતર તું એને મારી જ નાખત.." કાવ્યાએ કહ્યું.
"તને પરેશાન કરનારને હું કેવી રીતે છોડી દઉં.. કાવ્યા, બસ એક વાત યાદ રાખજે હું તને મારા જીવથી પણ વધુ પ્રેમ કરું છું. તને તકલીફ દેનારનો જીવ લેતા પણ હું ના ખચકાઉ.." અમનને આટલું બોલતાંની સાથે જ તેની આંખોમાં ખુન ઉતરી આવ્યું હોય એવી રાતી આંખો થઇ ગઇ.
કાવ્યા આ સાંભળી અમનને વળગી જ ગઈ અમન પણ કારને બ્રેક મારીને કાવ્યાને વળગી ગયો. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે એ વાતની સાબિતી આપી રહ્યા હોય એમ બંને એકબીજાને વળગી રડવા લાગ્યા. આમ તો અમન ક્યારેય ઢીલો ના પડે પણ કાવ્યાની વાત આવે ત્યારે તે ઢીલો પડી જતો અને સાથે સાથે કાવ્યાને પરેશાન કરનાર માટે આફત બની જતો.
કાવ્યા અને અમનના જીવનમાં કેવા વળાંકો આવવાનાં બાકી છે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે.
***************
વધુ આવતા અંકે