નકશાનો ભેદ
યશવન્ત મહેતા
પ્રકરણ – ૩ : શોધ શરૂ થાય છે
બેલાને હજુ મિહિરની વાત સાચી લાગતી નહોતી. એ બોલી, “તું એમ કહેવા માગે છે કે આ નકશો સંકટ સમયની કોઈ ઘંટડીનો છે ?”
જવાબમાં મિહિરે માથું ધુણાવ્યું. એ બોલ્યો, “જુઓ, જાણે કોઈ ઝાંપો ખૂલતો હોય એવી આ લીટી છે ત્યાં આ ગોઠવણની સ્વીચ છે. અને આ ત્રિકોણ દેખાય છે તે વીજળીનું કનેક્શન છે. અને આ ગોળાકાર ચીતર્યો છે ત્યાં ચેતવણીસૂચક બત્તી છે. અહીં વચ્ચે જે ત્રણ અંગ્રેજી અક્ષરો છે – એસ.સી.આર. એ...”
વિજય પોતાનું ડહાપણ ડહોળવા માટે ઉતાવળો બોલી ઊઠ્યો, “એ તો અમે શીધી કાઢીશું. એ ટૂંકમાં ‘સીક્રેટ’ એમ લખેલું છે. ગુપ્ત. ટોપ સીક્રેટ !”
મિહિરે એ સાંભળીને જીભના ડચકારા બોલાવવા માંડ્યા. પછી એ બોલ્યો, “ટોપ સીક્રેટ તારું કપાળ ! માળા મૂરખ, આ તો કઈ જાતની ચેતવણીની રચના છે એ જણાવવા માટે લખલું છે. એસ.સી.આર. એટલે સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટીફાયર. એનો અર્થ એમ કે અહીં એવી ઇલેક્ટ્રિક સરકીટ વાપરવામાં આવી છે જે સહેજ જ વીજળી મળતાં કોઈક ઘંટડીને અગર સાયરનને ચાલતી કરી દે. એના એક વાયરમાં પણ સહેજ પણ સહેજ પણ વીજળીનો સંચાર થાય તો ઘંટડી વાગી ઊઠે. એટલે જો સંપૂર્ણપણે વીજળી-પુરવઠો ખોરવી નાખવામાં આવે તો જ ઘંટડી વાગતી બંધ થાય. એ માટે જ, આ નકશામાં વીજળીનું કનેક્શન પણ બતાવ્યું છે.”
મિહિર આમ બોલતો હતો ત્યારે અદ્દલ કોઈક સારા વિજ્ઞાન શિક્ષક જેવો લાગતો હતો. બાકીના ચારેય જણ શાણા વિદ્યાર્થીઓની જેમ એની વાત સાંભળી રહ્યાં હતાં. માથું ધુણાવતાં જતાં હતાં. જોકે ચારમાંથી એકેયને આ સિલિકોન અને સરકીટની બલામાં ખાસ કશી સમજણ પડતી નહોતી.
મિહિરના આ લાંબા ભાષણમાંથી ફક્ત જ્ઞાને એક શબ્દ પકડ્યો. “અચ્છા, ત્યારે તો ચિઠ્ઠીમાં જે ‘કીટ’ શબ્દ વંચાય છે તે ‘બિસ્કીટ’ નહિ પણ ‘સરકીટ’ હોવો જોઈએ.”
“બરાબર.”
“અને અમે તો એને ગોલ્ડ બિસ્કીટ ને એવું એવું સમજીને દાણચોરીની કલ્પનાઓ કરતાં હતાં.”
બેલા બોલી ઊઠી, “તમે છોકરાઓ ગોલ્ડ બિસ્કીટ-ગોલ્ડ બિસ્કીટ ભરડતા હતા ત્યારે જ મને લાગતું હતું કે કશુંક કાચું કપાઈ રહ્યું છે. તમે છોકરાઓ તો ભારે ઉતાવળા, ભાઈ !”
મનોજે એની સામે ડોળા કાઢ્યા. જ્ઞાન અને વિજયે એની સામે છાસિયાં કર્યાં.એ લોકો બેલાને સંભળાવી દેવા માગતા હતા કે, શાણીબાઈ, તને બહુ સમજણ પડતી હતી તો એ વેળા કેમ ન બોલી ? પરંતુ એટલામાં મિહિરે કામની વાત કરી :
“ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે આ સરકીટ યાદ રાખી લેજે. પછી આ ચિઠ્ઠી ફાડી નાખજે...”
મનોજે જોરજોરથી માથું ધુણાવતાં કહેવા માંડ્યું, “બરાબર, બરાબર ! જે માણસે આ ચિઠ્ઠી લખી છે એને સરકસનો બરાબર ખ્યાલ...”
મિહિર બોલી ઊઠ્યો, “સરકસ નહિ, સરકીટ !”
મનોજે હાથ વીંઝતાં કહ્યું, “હા, બાપા, હા, સરકીટ ! એના જાણકારે આ નકશો દોર્યો. પછી પોતાના સાગરીતને એક ચિઠ્ઠી લખી. ચિઠ્ઠી આ કાગળની ઉપર જ બીજો કાગળ રાખીને લખી, પણ એને એટલી અક્કલ ના સૂઝી કે ચિઠ્ઠીના અક્ષર નકશાવાળા કાગળ ઉપર પડી જશે.”
જ્ઞાન બોલી ઊઠ્યો, “અને એને એવી અક્કલ પણ ના સૂઝી કે કોઈ આ અક્ષરો ઉકેલી શકશે !”
આમ કહીને જ્ઞાને છાતી ફુલાવી. પોતે કેવો ચતુર છે કે આ અક્ષરો તરફ પોતાનું ધ્યાન ગયું, એવું જણાવવાનો એનો હેતુ હતો.
પરંતુ વાતોચીતો એવી રીતે ચાલતી હતી કે બિચારા જ્ઞાનને આવી ચતુરાઈ બદલ બિરદાવવાનું પણ કોઈને ન સૂઝ્યું !
મનોજ એની જ ધૂનમાં આગળ બોલતો ગયો, “પેલો સાગરીત શું કરે છે ? એ ચિઠ્ઠી વાંચે છે અને ફાડી નાખે છે. સરકસનો... અં... સરકીટનો નકશો યાદ રાખી લે છે અને ફાડી નાખે છે. પછી કાગળના ટુકડા કદાચ એ પોતાની રદ્દી કાગળની ટોપલીમાં નાખે છે. પછી પોતાને ગમતી એક ચોપડી વાંચવા માંડે છે. એ ચોપડી આફ્રિકાના એક દેશ વિશેની છે. કદાચ લૂંટફાટ કરીને એ દેશમાં જતા રહેવાનો એનો ઇરાદો છે. એ ચોપડીમાં પાનાની નિશાની રાખવા માટે કાગળની ચબરખીની એને જરૂર પડે છે અને એ ટોપલીમાંથી એક ચબરખી લઈને ચોપડીમાં મૂકે છે. એને ખાતરી છે કે ચોપડીમાં કોઈને આવી ચબરખી મળી આવશે તોય કશી ગતાગમ નહિ પડે.”
મિહિર બોલી ઊઠ્યો, “એને ખબર નહિ કે ગામમાં ડિટેક્ટિવોની એક કંપની પણ કામ કરે છે !”
પણ મનોજ હવે એવા મિજાજમાં આવી ગયો હતો કે આવી આડીઅવળી વાતોમાં ધ્યાન જ ન આપે. એ ઘણી વાર કહેતો કે, હું નેપોલિયન જેવો છું. નેપોલિયન જ્યારે યુદ્ધના મેદાન પર જતો ત્યારે ઘરબાર, સગાંવહાલાં, બધું વીસરીને લડાઈના મોરચા ને પેંતરા ગોઠવવામાં જ ધ્યાન પરોવતો.
એટલે મનોજ બોલ્યો, “હવે આપણે આગળનું પગલું નક્કી કરવાનું છે.”
વિજયે પૂછ્યું, “એ તો બરાબર, પણ શું કરવું ?”
મનોજ ઉત્સાહથી બોલ્યો, “આ ચિઠ્ઠી અને નકશો લખનારને શોધી કાઢીએ, બીજું શું ?”
વાત આટલે પહોંચી એટલે બેલાનું છોકરીપણું એકદમ જાગી ઊઠયું. એ લહેકાથી બોલી, “વાહ, વાહ ! ચિઠ્ઠી લખનારને શોધી કાઢીએ ! લ્યો, બોલ્યા સાહેબ ! પણ એને શોધશો કેવી રીતે ? એના અક્ષર ઉપરથી તો ઓળખી શકાય એમ નથી એવું મિહિર કહે છે.”
મનોજે એની દયા ખાતો હોય એવી રીતે નજર કરતાં કહ્યું, “આસીસ્ટન્ટ ડિટેક્ટિવ બેલા ! પેલી કહેવત યાદ છે ને કે છોકરીઓની બુદ્ધિ... પણ યાદ રાખ, ગુનાશોધન એ કાંઈ એકમાર્ગી રસ્તો નથી. એમાં અનેકઅનેક દિશાઓમાં કામ કરી શકાય છે. આપણા સાયન્સ ઓફિસરે આપણે માટે એક નવી જ દિશા ખોલી આપી છે. ચિઠ્ઠી લખનારે એક ખાસ જાતની ચેતવણી-વ્યવસ્થાનો નકશો દોર્યો છે. એમાં સિલિકોન... સિલિકોન... શું છે મિહિર ?”
મિહિરે જણાવ્યું, “સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટીફાયર.”
મનોજે ચલાવ્યું, “હા. એ જાતની વ્યવસ્થા જે લોકો વાપરતા હોય એમને શોધી કાઢવાના.”
જોકે મિહિરને ગળે એ વાત ઊતરી લાગી નહિ. એ બોદા અવાજે બોલ્યો, ”તારી વાત તો બરાબર છે, મનોજ. પણ આવી ગોઠવણ જેમણે કરી હોય એમને શોધવા કેવી રીતે ?” શહેરમાં કોઈની પાસે એવો ચોપડો રહેતો નથી કે કોણે કોણે ચેતવણી માટેની કેવી કેવી ગોઠવણ કરી છે...”
મિહિરે આ વાંધો કાઢ્યો છતાં મનોજનો ઉત્સાહ ઠંડો ન પડ્યો. “તમને લોકોને આંખો ઉઘાડી રાખીને ચાલવાની ટેવ જ નથી ને ! હું તો પપ્પા સાથે બેન્કમાં જાઉં, ટ્રેઝરીમાં જાઉં, ઝવેરીઓની દુકાને જાઉં, ત્યારે બધું બરાબર નિરીક્ષણ કરું છું. મેં જોયું છે કે જ્યાં જ્યાં ચોર-લૂંટારાની ચેતવણી આપતી આવી ગોઠવણ હોય છે ત્યાં દરેક જગાએ દીવાલ ઉપર એક પેટી હોય છે. એ પેટીની ઉપર એ કઈ જાતની ગોઠવણ છે એનું અને એના બનાવનારનું નામ લખેલું હોય છે. આપણે પાંચેય જણ શહેરમાં ફરવા માંડીએ અને જ્યાં આ નકશાવાળી ગોઠવણ હોય તે શોધી કાઢીએ.”
મિહિર બોલ્યો, “એ કેટલું મોટું કામ છે એનો તને કાંઈ અંદાજ આવે છે, મનોજ ? આખા શહેરમાં સેંકડો એવી જગાઓ હશે જ્યાં આવી ગોઠવણો હોય. એ બધી જગાએ તપાસ કરતાં તો વરસ વીતી જાય !”
બેલાએ પણ ચર્ચામાં ઝુકાવ્યું, “અને આ ચિઠ્ઠી મુજબ જે લૂંટ થવાની છે તે આવતા વરસની સત્તાવીસમી ઓગસ્ટે નથી થવાની, ત્રણ દિવસ પછીની સત્તાવીસમી ઓગસ્ટે થવાની છે !”
એટલે મનોજ જરાક ઝંખવાણો પડી ગયો, પણ કોઈ ઘાયલ યોદ્ધો ઘેરાઈ ગયા પછી પણ પડકાર કરવાનું ચાલુ રાખે એમ એણે પડકાર કર્યો, “અલી બેલા ! મારો ઉપાય જો ખોટો હોય તો તું જ કહે ને કે સાચો ઉપાય કયો ?”
બેલા બોલી, “તદ્દન સહેલો એક ઉપાય છે.”
ચારેય છોકરા એકસાથે બોલી ઊઠ્યા, “હેં ?!!”
બેલા કહે, “હેં શું ? હા ! સાવ સહેલો ઉપાય એ છે કે લાયબ્રેરીમાં જવું અને ગ્રંથપાલને એક સવાલ પૂછવો.”
“કયો સવાલ ?”
“કે જ્ઞાનના પપ્પાની અગાઉ આ ચોપડી કોણ વાંચવા લઈ ગયું હતું ?”
એ સાંભળતાં જ મનોજની ડાકલી ફાટી ગઈ. મિહિરનાં ચશ્માં હમણાં ઊતરી પડશે એવું લાગ્યું. વિજયે માથું ખંજવાળવા માંડ્યું. જ્ઞાન બાઘાની માફક જોઈ જ રહ્યો.
છોકરાઓ આગળ આમ વટ પડી ગયો એટલે બેલા રંગમાં આવી ગઈ. એ બોલી, “જે માણસ અગાઉ આ પુસ્તક લઈ ગયો હશે એણે આ ચબરખી પુસ્તકમાં મૂકી હશે. એટલે કે લૂંટારાનો એ સાગરીત હશે. એને શોધી કાઢીએ એટલે આખો કેસ ઉકલી ગયો સમજવો !”
મનોજ બોલ્યો, “હા, હોં ! વાત તો તદ્દન સાચી છે. હમણાં હું પણ એ જ કહેવા જતો હતો. જ્ઞાન ! તારા પપ્પા કઈ લાયબ્રેરીમાંથી પુસ્તકો લાવે છે ? ચાલો બધાં. ત્યાં જઈએ.”
અને સરઘસ લાયબ્રેરી તરફ ઉપડ્યું.
*#*#*