સીમા પર એસિડ ફેકવામાં આવ્યો, કારણ બસ એટલું જ કે સીમા પરંપરાગત બંધનોને તોડી આગળ આવવા માંગતી હતી. એ સમાજને બતાવવા માંગતી હતી કે એક સ્ત્રી ધારે તો પોતાનું ભાગ્ય બદલવા ભાગ્ય વિધાતાને પણ વિવશ કરી શકે છે......
વલસાડ જિલ્લાના ના એક અંતરિયાળ અને સાવ પછાત કહેવાય, મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલા ગામમાં જન્મેલી સીમાના સ્વપ્નો આકાશને સ્પર્શવાના હતા.પરંતુ ઘરની પરિસ્થિતિ અને પિતાની આર્થિક હાલત એને લોકોના ઘરોનું ઘરકામ કરવા મજબૂર થઈ જતી હતી... નાનજી સીમાનો પિતા હતો.એને ફક્ત બે છોકરીઓ જ હતી. સીમા મોટી હતી. જ્યારે નાની બેન જ્યોતિ નો જન્મ થયો અને થોડાક જ દિવસમાં માતા ઉષા સ્વર્ગે સિધાવી ગઈ. સીમાની માતા જ્યોતિના જન્મ સમયે યોગ્ય તબીબી સારવાર ના અભાવે પ્રસૂતિ પીડાની વેદના સહન ના થતા ગુજરી ગઈ ત્યારે સીમા ફક્ત પાંચ વર્ષની હતી. જ્યારે એણે મમ્મી ના મરવાનું કારણ પૂછ્યું તો પપ્પાએ ફક્ત એ જ કારણ કીધું હતું કે ગામમાં ડોકટર નથી એટલે સમયસર સારવાર ના મળતા હું તારી મમ્મી ને ખોઈ બેસ્યો.બસ આ જ એક વાત સીમા ના માનસપટલ પર છપાઈ ગઈ અને તેણે ડોકટર બનવાનું નક્કી કરી લીધું. બસ એટલે જ કે ફરી કોઈ સીમા એની માં ને ન ખોઈ બેસે....
નાનજી ગામમાં આવેલા એક પૈસાદાર ઘરમાં નોકર હતો અને સીમા સવારે લોકોના ઘરે કામ કરવા જતી અને બપોરે શાળા એ જઈને પોતાના સપના પુરા કરવામાં લાગી જતી...સીમા પોતાનામાં બસ એક ડોકટરને જ જોતી હતી.નાની બહેન જ્યોતિ પણ સીમા સાથે રોજ શાળાએ જાય.સવારે લોકોના ઘરના ઘરકામ કરે અને રાત્રે મોડા સુધી અભ્યાસ કરે , પણ સીમાના સપના એટલા મોટા હતા કે એને પોતાના શરીરનો થાક વર્તાતો જ ન ' તો. ગામની નજીક એક મોટાગામમાં રોજ શાળા એ સાયકલ લઈને, નાની બહેનને સાથે લઈને જતી સીમા ,,૧૨ સાયન્સ માં ' B ' ગ્રુપમાં ૯૦% એ ઉત્તીર્ણ થઈ. નાનજીની આર્થિક પરિસથિતિ બંનેને ભણાવવાની હતી જ નહિ, પરંતુ એ સીમાની આંખોમાં એના સ્વપ્નને જોતો અને પોતાની વાત સીમા આગળ કહેતા પોતાની જીભ રોકી દેતો..નાનજી પણ સીમાના ડોકટર બનવાના સપનાને સાકાર કરવા નોકરીની સાથે અવકાશના સમયમાં કાળી મજૂરી પણ કરવા લાગ્યો... જર્જરિત થયેલા મકાનમાં એક રાત્રે નાનજીના મુખ મંડળ પર ચિંતાના વાદળો છવાયેલા હતા.રસોઈ બનાવતી સીમા એ ચિંતાના વાદળો ને પારખી ગઈ.
સંવાદ:-
સીમા:- શું થયું પપ્પા? કેમ આજે ચિંતામાં લાગો છો.?
નાનજી એ સીમાના ચહેરા સામે જોયું અને પોતાની આંખો નીચી કરીને જમતા જમતા બોલ્યો:- કઈ નહિ બેટા, બસ એમજ કામની ચિંતા હતી.
સીમા:- ના પપ્પા, મને કહો કે શું થયું છે. તમે જાણો છો કે,તમે એકવાર જ્યોતિ સામે કઈ છીપાવી શકો પરંતુ મારી સામે નહિ જ.હું તમારી આંખો ને વાંચતા પણ જાણું છું ..મને નક્કી ખબર છે કે તમે કોઈ ચિંતામાં જ છો.
નાનજી ને ખબર પડી ગઈ કે સીમા વાતને જાણ્યા વગર નહી રહે.
નાનજી:- કઈ નહિ બેટા, આતો તારા શાળાના હેડ માસ્તર કૃષ્ણકાંત સાહેબ મળ્યા તા...
સીમા:- હે, તો શું કેતા તા સાહેબ?
નાનજી:- એતો તારા વખાણ કરતા ' તા, કહેતા હતા કે સીમા બહુજ હોશિયાર છે... એને હવે આગળ ભણાવી હોય તો શહેર માં મોકલવી પડશે. કોલેજ જવું પડશે, MBBS કરશે તો આગળ જઈને ખૂબ જ સારી ડોકટર બનીને પોતાના સપના સાકાર કરી શકશે...
સીમા:- પપ્પા, આતો ખૂબ જ સારી વાત છે. સાહેબે તો મને પણ કહ્યું હતું કે ડોકટર બનવું હોય તો શહેર માં જઈને કોલેજ કરવી જ પડે.
નાનજી:- પણ બેટા, આપણે તો અહીજ બે ટંક ખાવાના સાંસા પડતા હોય ત્યાં આપણે શહેર નો ખર્ચો કેવી રીતે કાઢીશું? મારી ઉંમર પણ હવે મારા કામમાં દખલ દે છે.હવે પેહલા જેવું કામ નથી થતું..હજુ તો તમારા બંનેના લગ્ન પણ કરાવાના છે મારે...હું કઈ રીતે કરીશ બધું.? એમ બોલતાં જ નાનજી ની આંખ માં ઝળઝળીયાં આવી ગયા.
સીમા પિતાની વ્યથા સમજી ગઈ. એણે પિતાને સાંત્વના આપતા કહ્યું, સીમા:- પપ્પા ચિંતા ના કરો. સાહેબ જરૂર કંઇક રસ્તો કાળશે. હું કાલે સાહેબને વાત કરીશ..અને જો કઈ રસ્તો ના મળ્યો તો હું આગળ ભણવાનું છોડી દઈશ...
સીમાની વાત સાંભળીને નાનજીને આખી રાત ઊંઘ ના આવી.ઊંઘ તો સીમાને પણ ના આવી. નાનજી પોતાની પરિસ્થિતિ લઈને રડી રહ્યો હતો.
બીજા દિવસે સીમા કૃષ્ણકાંત સાહેબ પાસેથી આગળની વિગતો જાણી લાવી.સીમા ખુશ દેખાતી હતી.સીમાને જોઈને નાનજી તરતજ બોલ્યો,
નાનજી:- સીમા શું કીધું સાહેબે?
સીમા:- સાહેબે ખૂબ જ સરસ રસ્તો કાઢી આપ્યો છે... સાહેબે કહ્યું છે કે મારે ખૂબ જ સારા માર્ક્સ હોવાથી મને અમદાવાદની સરકારી કોલેજ માં જ પ્રવેશ મળી જશે.અને રેહવાનું પણ ત્યાંની હોસ્ટેલમાં જ નક્કી થઈ જશે. સાહેબ ખુદ મારી સાથે ત્યાં આવવાના છે.મને પ્રવેશ અપાવવા.
નાનજી:- આતો ખૂબ સારું કેહવાય..સાહેબે આપણી ખૂબ મદદ કરી છે. એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે.તું જવાની તૈયારી કર બેટા.હું પણ મારાથી થાય એટલા રૂપિયાની વ્યવસ્થા કરું છું.
એક કહીને નાનજી એ જૂની પોટલી માંથી સીમાની માતા ના ઘરેણાં કાઢ્યા અને કહ્યું, " બેટા, આ ઘરેણાં મે તારા લગ્ન માટે સાચવીને રાખ્યા હતા, પણ હાલ તો તારા લગ્ન કરતાં તારા ડોકટર બનવાનું સપનું સાકાર કરવું વધારે જરૂરી છે. હું આને ગીરવી મૂકી ને કેટલાક રૂપિયાની વ્યવસ્થા કરું છું..."
કૃષ્ણકાંત સાહેબે એક સેવાભાવી સંસ્થા માંથી સીમાને આગળ ભણવા શિષ્યવૃત્તિ મેળવી આપી અને નાનજી એ પણ સીમાની માતા ઉષા ના ઘરેણાં ગામના એક શેઠને ત્યાં ગીરવી મૂકીને સીમાને શહેરમાં હાથ ખર્ચી ના કરીને થોડા રૂપિયા આપ્યા.હવે સીમાની સામે તેની મંજિલ હતી. એ ખૂબ જ ખુશ હતી કે એ ડોકટર બનવા જઈ રહી હતી.સાહેબની મદદ થી સીમાનો અમદાવાદની ખુબજ સારી સરકારી કોલેજ માં એડમીશન થઈ ગયું.હોસ્ટેલ પણ કોલેજની જ હતી...અને સીમાનો ડોકટર બનવાનો સફર શરૂ થયો.
કોલેજ માં સીમાએ ખુબજ સારા મિત્રો બનાવી દીધા અને પોતાની પ્રતિભા અને બુદ્ધિચાતુર્ય થી કોલેજ ના બધા શિક્ષકોની પ્રિય વિદ્યાર્થી બની ગઈ...આખી કોલેજ માં સીમા એકલી જ જુદી દેખાઈ આવતી હતી.. એ ખૂબ સુંદર તો હતી જ, એની સુંદરતામાં એની સાદગી પણ વધારો કરતી હતી...જ્યારે એ એની બધી કોલેજ મિત્રો સાથે જતી તો એના સાદા કપડાં અને એનું નિર્દોષ સ્મિત ભલભલાને એની તરફ જોવા મજબૂર કરી દેતું...જ્યારે એ રસ્તા પરથી નીકળે તો એની હાજરી સૌ કોઈ લઈ લેતા... એ કોલેજ ના પ્રથમ વર્ષમાં ખૂબ જ સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થઈ હતી...હવે એ કોલેજ ની ટોપર કેહવાતી હતી...
કોલેજ માં એક રવિ નામનો છોકરો પણ ભણતો હતો, સાચું કહું તો ભણવા સિવાય ના બધાં કામ કરતો...આખો દિવસ કોલેજ ના પાર્કિગમાં બેસી રેહવાનુ અને આવતી જતી છોકરીઓ ને જોયા કરવાનું.કેટલીક વાર તો એ છોકરીઓ ની છેડતી પણ કરતો..એના માટે છોકરીઓ એ બસ એની કામવૃતી ને પોષવાનું એક સાધન હતી...પણ જ્યારથી એને સીમાને જોઈ હતી, અને એના નિર્દોષ સ્મિત ને જોયું હતું ત્યારથી એ સીમા પાછળ પાગલની જેમ પડ્યો હતો.
એણે વેલેન્ટાઇન ડે પર સીમાને પ્રપોઝ કર્યું પણ સીમાએ એની પર જરા પણ ગુસ્સે થાય વગર એને કહ્યું કે," હું અહી ભણવા આવી છું..મારા પિતાએ મારી માતાના ઘરેણાં ગીરવી મૂકીને મને અહી ભણવા અને ડોકટર બનવા મોકલી છે...એટલે જ્યાં સુધી હું ડોકટર ના બની જાઉં ત્યાં સુધી હું કોઈના વિશે વિચારી શકું એમ નથી."
પૈસા ટકે સુખી એવાં ભદ્ર વર્ગ માંથી આવતો રવિ સીમાની મજબૂરી અને એની પરિસ્થિતિ સમજી ના શક્યો.. એણે પોતાના પ્રયત્નો ચાલુ જ રાખ્યા... એ દરેક જગ્યાએ સીમાને ફોલો કરતો..હવે સીમાને એનાથી નફરત થવા લાગી, પરંતુ એના વિશે અને એની દાદાગીરી વિશે જાણતી સીમા ચૂપ રહી... જોતજોતામાં તો કોલેજ ના દિવસો પૂરા થવા આવ્યા...સીમા હવે ડોકટર બનવા બસ એક જ વર્ષ દૂર હતી... એવામાં નાનજી અને જ્યોતિ સીમાને મળવા માટે અમદાવાદ આવ્યા...
નાનજી:- બેટા,હવે તારે આ છેલ્લું વર્ષ છે.હવે તું આવતા વર્ષે ડોકટર બની જઈશ..તું ડોકટર બની જઈશ પછી જ્યોતિ પણ તારા પગલે ચાલીને ડોકટર બનવાની જીદ કરે છે.
સીમા:- સારું જ છે ને પપ્પા, જ્યોતિની ચિંતા ના કરતા તમે...હું ડોકટર બની જઈશ પછી જ્યોતિને હું ભણાવીશ અને એને પણ મારી જેમ જ ડોકટર બનાવીશ...
નાનજી:- બેટા, આપણા ગામમાંથી તું એવી પહેલી છોકરી છે જે ડોકટર બનવા જઈ રહી છે.તારા પર તો હાલ આખું ગામ ગર્વ કરે છે...મે ખૂબ મેહનત કરીને તારી મમ્મીનાં ઘરેણાં પણ છોડાવી લીધા છે...તારા માટે સગપણ ની વાત આવી છે...પણ તું હજુ ભણે છે એટલે મે એમને કહ્યું છે કે આવતા વર્ષે વાત કરીશું..
એમ કહી નાનજી એ સીમાને છોકરાનો ફોટો બતાવ્યો. છોકરો પણ ગાંધીનગરમાં ડોક્ટરનો અભ્યાસ કરતો હતો...પછી સીમાએ એના પપ્પા અને બેનને આખું અમદાવાદમાં ફેરવ્યા.પછી તેઓ છૂટા પડ્યા.
પણ આ શું ? સીમાના સગપણ ની વાત એની બહેનપણીઓ માં ફેલાઈ ગઈ અને પછી તો રવિ સુધી વાત પહોંચી.... રવિ આ વાત સહન ના કરી શક્યો. એણે સીમાને કહ્યું કે," હું તને બીજા કોઈની નહિ થવા દઉં." પણ સીમાએ એની વાત પર ધ્યાન ન આપ્યું...રવિ ખુબજ ગુસ્સામાં હતો...એનાથી રીજેક્સન સહન ના થયું... જોતજોતામા સીમા કોલેજ પૂરી કરીને ગામડે જવા નીકળી...રવિ પણ સીમાને પાઠ ભણાવવા માટે યોગ્ય તક ની રાહ જોતો હતો..સીમા અમદાવાદના રેલ્વે સ્ટેશન પર ઊભી હતી અને એ ટ્રેન ની રાહ જોતી હતી જે વર્ષો પછી એને પોતાના ગામમાં લઈ જવાની હતી...એના ઘરે એના પિતા અને બહેન એની રાહ જોતા હતા.. સીમા હવે ડોકટર બની ગઈ હતી અને હવે એ મેડિકલ પ્રેક્ટિસ કરવા માંગતી હતી..એની આંખોમાં પોતાના ગામડે ડોકટર બનીને સેવા કરવાનું સપનું રમતું હતું..એની આંખોમાં અલગ જ ચમક હતી..બસ થોડી જ વારમાં કોઈ અત્યંત જ્વલનશીલ પદાર્થ તેના ચહેરા પર પડ્યો અને એ બૂમો પાડવા લાગી..એની બુમોએ જાણે ટ્રેનો થંભાવી દીધી હોય એમ આખું રેલ્વે સ્ટેશન ગુંજવા લાગ્યું...એની આંખો માં અને એના આખા ચહેરા પર એ પદાર્થ પોતાની તાકાત દેખાડી રહ્યો હતો.એના સુંદર ચહેરા પરથી એની ચામડી બળી ને લબડી રહી હતી...એના ચહેરા પરથી માંસ છૂટું પડી રહ્યું હતું.. થોડી વાર આમજ કણસ્યા બાદ એક એમ્બ્યુલન્સ આવી અને એને હોસ્પીટલ લઈ ગઈ...
નાનજી અને જ્યોતિ આતુરતા થી સીમાની રાહ જોતા હતા..એવામાં નાનજી ના મોબાઈલ પર એક રીંગ વાગી.નાનજી એ ફોન ઉપાડ્યો અને સામેથી અવાજ આવ્યો કે તેઓ હોસ્પિટલમાંથી બોલે છે..નાનજી ને સીમા સાથે થયેલી દુર્ઘટના ની જાણ મળી ગઈ. એ જ્યાં ઊભો હતો ત્યાંજ બેભાન થઈને ઢળી પડ્યો... હોશ આવ્યા પછી એ જેમતેમ કરીને અમદાવાદ ની હોસ્પિટલમાં પહોંચ્યો...ત્યાં સીમાની હાલત જોઈને એના હૃદયમાં જાણે કોઈ વજ્રઘાત થયો હોય એવી લાગણી અનુભવી એણે.જે છોકરીના સપના પુરા કરવા એણે પોતાની આખી જિંદગી કાળી મજૂરી કરી અને પોતાના સપનાઓનું બલિદાન આપ્યું ,આજે એ જ છોકરી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી...
રેલ્વે સ્ટેશનના સી.સી. ટી.વી. કેમેરાની મદદથી પોલીસે રવિ ને અટકાયતમાં લઇ લીધો...પરંતુ એ પાપી ના પાપે એક નિર્દોષ જિંદગીને દાવ પર લગાવી દીધી.સીમા પરનો આ એસિડ હુમલો ફક્ત સીમા પર જ નહિ, પરંતુ તેના પૂરા પરિવાર પર એક વજ્રઘાત સમાન હતો. આ વજ્રઘાત ના આઘાતમાંથી બહાર આવવું કોઈના પણ માટે શક્ય ન હતું...
એક અઠવાડિયા સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી સીમા,મૃત્યુ સામેનો જંગ હારી ગઈ અને આ ફાની દુનિયાને અલવિદા કહીને; નાનજી અને જ્યોતિને રડતાં મૂકીને ચાલી નીકળી...સીમાની સાથે જ એનું ડોકટર બનવાનું અને લોકોની સેવા કરવાનું સ્વપ્ન પણ સમાપ્ત થઈ ગયું....ફક્ત સીમાનું જ નહિ, પરંતુ જ્યોતિનું પણ ડોકટર બનવાનું સપનું સમાપ્ત થઈ ગયું..નાનજી હવે જ્યોતિને ખોવા ન હતો માંગતો...તેને હવે શહેરના લોકો થી નફરત થઈ ગઈ હતી...એણે જ્યોતિને પણ શહેરમાં જઈને ભણવાની ના પાડી દીધી...સીમા પરનો આ એસિડ હુમલો ફક્ત સીમા પર નહિ, પરંતુ એ દરેક છોકરીના સપના પર હતો જે ગામમાંથી બહાર નીકળીને પોતાના સપનાના આકાશમાં મુક્ત મને ઉડવા માંગતી હતી...
પ્રેમમાં તો ફક્ત આપવાનું જ હોય છે...એમાં મેળવવાનું કઈ જ હોતું નથી...પ્રેમ એ તો પૂજા છે...પ્રેમમાં તો પોતાના પ્રિયતમ માટે પોતાનો જીવ આપવો પડે તો પણ સાચા પ્રેમીઓ ખચકાતા નથી...રવિ પ્રેમ અને વાસના વચ્ચેના ભેદ ને ના સમજી શક્યો અને રવિ અને સીમા એમ બંનેના પરિવારની આશાઓ પર પાણી ફેરવી દીધું...
એસિડ હુમલાનો ભોગ બનેલી દરેક છોકરીની કંઇક આવી જ કહાની હોય છે...જે મોટાભાગે અધુરીજ રહી જતી હોય છે...કેટલીક છોકરીઓ આ હુમલાનો ભોગ બન્યા બાદ જીવી તો જાય છે, પરંતુ પછી નું જીવન નર્ક જેવું બની જાય છે... સદભાગ્યે સીમા એ નર્ક જેવું જીવન ભોગવવા માટે ના રહી.....
- પાર્થ પ્રજાપતિ