નિયતિ દરેક વસ્તુ જોઈ રહી હતી. અને છેવટે તેણે અમીને પોતાની પાસે બોલાવી. અને કહ્યું " અમી.... સાચુ સાચું કહે!.. શું થયું છે?.. તું આજકાલ કૅફે નથી આવતી, મુર્જાયેલી રહે છે અને કોઈ સાથે વધારે વાત પણ નથી કરતી!... એટલી વ્યસ્ત રહે છે કે તું પોતાને પણ સમય નથી આપતી!... શું વાત છે?.. કંઈક હોય તો મને જણાવ... હું તારી મદદ કરી શકું છું." આ સાંભળી અમી વિચારમાં પડી ગઈ કે શું તે નિયતિને બધું જણાવી દે?.. કે ચુપ રહે?..
અમી કંઈક બોલવાં જતી હતી એટલામાં તેણે વંદિતાને આવતાં જોઈ. તેણે વિચાર્યું પહેલાં તે પોતે શું વિચારે છે એ વંદિતાને જણાવશે. અને કેમ નહિ!... વંદિતાનો પુરેપુરો હક્ક હતો જાણવાનો. એટલે અમીએ નિયતિને કહ્યું " હા દીદી... મારેં કંઈક કહેવું તો છે. પણ હું થોડીવારમાં આવું પછી કહું. મને વંદિતાનું કામ છે. " " પણ અમી... સાંભળ તો.. સાંભળ...." નિયતિ કશું બોલે તે પહેલાં તો અમી દોડીને વંદિતા તરફ જતી રહી. અમી વંદિતાનાં રૂમમાં આવી. અમીને જોઈ વંદિતાએ એકદમ ઉત્સાહ સાથે કહ્યું " ઓહ... અમી... આવ.. આવ... હું તને જ બૂમ પાડવાની હતી. " અમી થોડું મુર્જાયેલી જણાય રહી હતી. પણ વંદિતા એટલી ખુશ જણાતી હતી કે તે અમીને જોઈ જ ના શકી. અને અમીએ ધીમાં અવાજે કહ્યું " કેમ શું થયું?.. મને કેમ શોધતી હતી?" " અરે શું થયું?.!!!.... એમ પુછ શું નથી થયું?... હવે તને શું કહું!... હું બહું ખુશ છું આજે. અરે આજે કેમ મારે એમ કહેવું જોઈએ કે આજકાલ હું બહું ખુશ છું. " વંદિતાએ ઉછળતા અવાજે કહ્યું. આ સાંભળી અમીનું મન જાણે બદલાય રહ્યું હતું. તે કમજોર પડવાં લાગી. કંઈક ને કંઈક તેનાં મનમાં વિચાર આવવાં લાગ્યો કે શું તે ખોટું તો નથી કરી રહી ને પોતાનાં વિશે વિચારીને!.. પણ તેણે કશું કહ્યું નહી અને વંદિતાને બોલવા દીધું. વંદિતાએ પોતાની વાત આગળ વધારી. " તને ખબર !.. આ વેધ તો જરૂર કરતાં વધારે જ સ્વીટ છે યાર. હું આટલા દિવસથી તેને મળું છું તો મને રોજ તેનાં નવાં નવાં ચહેરાં ખબર પડે છે. ક્યારેક તે મજાકીયો છે - ગમેં તે વાતમાં લોકોનાં પગ ખેંચવાં તૈયાર. તો ક્યારેક તે એટલો શાંત છે- જાણે પોતાનામાં અઢળક વાતો છુપાવીને રાખી હોય. ક્યારેક તે ખુશખુશાલ છે- જાણે બધાને પોતાની ખુશીની લપેટમાં લઈ લેશે . તો ક્યારેક તે ગુસ્સાવાળો- જાણે બધી મુસીબતો થી તે ગુસ્સો કરી બચાવી લેશે. ક્યારેક તે શબ્દ જોડે એનાં જેટલો નાનો બની જાય છે તો ક્યારેક પપ્પા કરતાં પણ વધારે સમજદાર બની જાય છે. ખરેખર એ શું છે તે હું આજસુધી જાણી જ નથી શકી. પણ હા એક વાત હું ખરેખર સમજી રહી છું કે મને વેધથી વધારે સારો છોકરો નહી મળી શકે. હાં પહેલાં હું તેને પસંદ નહતી કરતી. પણ જેમ જેમ હું તેને જાણતી જઉં છું તેમ તેમ હું તેનામાં ડૂબતી જઉં છું યાર.... હું તેનાં તરફ ખેંચાતી જવું છું.
આજે કેટલાં વર્ષો પછી મને ખુશ થવાનું મન થાય છે. મને છોકરીની માફક તૈયાર થવાનું, શરમાવાનું મન થાય છે. અને ....." વંદિતા બોલતાં બોલતાં રોકાય ગઈ. એટલે અમીએ પુછ્યું " અને શું?" વંદિતાએ જવાબ આપ્યો " અને આજે વર્ષો પછી મને નિયતિ દીદી ને ખરેખર દીદી કહેવાનું અને તેમને ભેટવાનું મન થાય છે. મને મન થાય છે કે હું તેમની માફી માંગી લુઉં અને બસ બધું સરખું કરી દઉં." આ સાંભળી અમીની આંખો પોહોળી રહી ગઈ.
ઘણાં સમયની તૂટી ગયેલી આશા આજે ફરી જાડાય રહેલી જોઈ તે શું પ્રતિક્રીયા આપે તે અમીને સમજાય નહતુ રહ્યું. પણ તેને એક વાત સમજાય ચુકી હતી કે વંદિતાની ભટકેલી રાહ તે વેધ ધ્વારા જ પાછી મળી શકે છે. અને અમી એ પોતાનું મૌન સેવી રાખ્યું. તેણે પોતાની ઈચ્છા અને વંદિતાની ખુશીમાંથી વંદિતાની ખુશીને મહત્વ આપ્યું . અને તે ચુપ રહી. પણ વંદિતા ચુપ રહેવાવાળા માથી નહતી. તેણે અમીને જોઈ પુછ્યું " તને શું થયું છે?... આજકાલ આમ દુઃખી આત્મા બનીને કેમ ફરે છે?... તને કોઈ ટેંશન છે?.. હોય તો કહે મને!.." પણ અમીએ પોતાની જીદ્દ નક્કી કરી લીધી હતી. અને તેણે એ વાતને જ ફંગોળી કાઢી. અને વંદિતાની ખુશીમાં ખુશ થવાનો પ્રયત્ન કરવાં લાગી.
રૂમની બહાર આવતા નિયતિએ અમીને જોઈ અને તેમની અધૂરી વાત પુરી કરવાં તે ફરીથી અમી પાસે ગઈ. પણ આ વખતે તેને એક પણ શબ્દ જાણવાં મળ્યો નહી. નિયતિને થોડું આશ્ચર્ય થયું પણ અમી કશું બોલી નહીં અને પોતાનાં રૂમમાં ચાલી ગઈ.
" એક ક્ષણ માટે મને લાગ્યું બધું ઠીક થઈ જશે. પણ ના .... હું ખોટી હતી. હવે કશું ઠીક નહીં થાય. અને કદાચ ભૂલ મારી જ હતી કે મેં ના વિચારવાની વાતો પણ વિચારી લીધી. મારો અને વેધનો સાથ તો ક્યારેય લખાયો જ નહતો. કે ના વેધને માંરાથી કોઈ મતલબ હતો. એ તો બિચારો એક પ્યોર ફ્રેન્ડશીપ નિભાવી રહ્યો હતો. અને હું જ કંઈક વધારે આશા બાંધી બેઠી. કદાચ મારે જ મારાં વિચારો, મારાં સપનાં અને ઈચ્છાઓ પર કાબુ રાખવો જોઈએ. અને ક્યાં કોઈ મેળ હતો જ!... વેધ અને હું તો જાણે ઉત્તર દક્ષિણ છેડાની જેમ છે. તે મારાંથી તદ્દન જુદો. અમારી તો વિચારસરણી પણ મેળ નહતી ખાતી. એક તરફ એ જે હંમેશા બધાની સાથે ચપટી વગાડતાં મિત્રતા કરી લે અને એક તરફ હું જે જાણ્યાં - વિચાર્યા વગર કોઈ સાથે વાત પણ ના કરી શકું. કદાચ સારું જ થયું કે મને વધારે કંઈ આશ રાખવાનો મોકો ના મળ્યો નહીં તો હું પોતાને સાચવી ના શકતી અને તે મારાં વિશે એવું કંઈ વિચારી ના શકતો. કદાચ જે થાય એ સારા માટે જ થાય. હા.... અને જો એને મારી જરાક પણ ચિંતા હોત તો એક વાર તો એ મને મળવાનો પ્રયત્ન કરતો જ ને... પણ તેણે ના કર્યો. કદાચ તે તો મને ભૂલી પણ ગયો હશે. હવે મારી વારી છે વેધને ભૂલવાની. મને માત્ર એ વેધ યાદ રહેવો જોઈએ જેનું લગ્ન વંદિતા સાથે થવાનું છે. બસ.... હવેથી કોઈ મારાં મનને કાબુ નહીં કરે... હું પહેલાં જેવી હતી તે જ બરાબર.. મને માત્ર મારાં ભણતર, કૅફે અને વંદિતાનાં લગ્ન પર ધ્યાન આપવાનું છે. બીજાં કશાં પર નહિ. હું તે કરી શકું છું. હા... હું કરી શકું છું...." ઝરમર વહેતાં આંસુ સાથે અમીએ પોતાને સમજાવી લીધી.
રડતાં રડતાં અને પોતાની જાતને જ સમજાવતાં ખબર નહીં અમીને ક્યારે ઊંઘ આવી ગઈ અને અંધારી રાત બસ એમ જ વીતી ગઈ. સવાર પડતાં જ જોર શોરથી પહેલાની માફક અમીની ચહેલ પહેલ સંભળાવા લાગી. આજે ઘાણાં દિવસો પછી જાણે ઘર ચહેકી ઉઠ્યું હતું. અને અમીનો બદલાતો સ્વભાવ જોઈ બધાં એક વખત ચમકી ગયાં પણ આવતી ખુશીને વધાવી લેવાય તેમ બધાએ અમી નામની ખુશીને વધાવી લીધી. અને બધું પહેલાની જેમ સરખું થવાં લાગ્યું.
સમય થયો અને કૉલેજ જવાનો સમય અને એ જ ટાઈમ બચાવવાની ઉતાવળ ફરીથી દોડધામ અને રસ્તામાં ચાલતાં ચાલતાં ખવાતો થેપલાનો રોલ. કશું પણ ના વિચારવાનો અમીનો પ્રણ અત્યાર સુધી સરખું ચાલી રહ્યો હતો. પણ બધું સરખું ચાલે તે જરૂરી તો નથી ને... અને આવી ગયો અમીનો ડર તેની સામેં. જે વાતથી તે દૂર રહેવાં માંગતી હતી તે જ તેની સામેં આવી ઉભો રહ્યો. હા... વેધ અમીની સામેં જ ઉભો હતો.
વેધને જોઈ અમીએ પહેલાંતો તેને અવગણ્યો . પણ વેધ તેની સામેં ફરીથી આવીને ઉભો રહ્યો. અમી તેને અવગણી આગળ ને આગળ ચાલતી રહી અને ઘડી ઘડી વેધ તેનું બાઈક અમીની સાથે લાવી મુકતો રહ્યો. પણ અમી તેનાં બાઈક પર ના બેઠી. આ જોઈ વેધને ગુસ્સો આવ્યો અને તેણે પોતાનાં બાઈકનો અવરોધ કરી અમીનો રસ્તો રોકી દીધો. અમીએ કહ્યું " શું છે તને?.. મોડું થાય છે મને જવાં દે!..." " હા તો એ જ હું કહું છું ને મોડું થાય છે હું તને ડ્રોપ કરી દઈશ કૉલેજ સુધી. પણ તું બેસતી જ નથી બાઈક પર!... મને જોયો છતાં ના જોયો હોય તેમ વર્તન કરે છે!.. પુછી શકું કેમ આવો વ્યવહાર? " વેધ એ તરત કહ્યું. પણ અમી એ તેની વાતનો જવાબ આપવો જરૂરી ના સમજ્યો અને તેણે કહ્યું " મને નથી જરૂર તારી મદદની. હું જાતે જતી રહીશ. તું તારો સમય મારી પાછળ બરબાદ ના કરીશ!.." " આવું કેમ બોલે છે?! . તને કેટલીવાર જણાવવું પડશે કે તારી પાછળ મારો સમય બરબાદ નથી થતો!..." વેધ એ કહ્યું.
" કેમ!.." અમીએ ફરીથી પુછ્યું. " બસ એમ જ..." બસ આટલું કહી તેણે એ વાતને ટાળી દીધી. અમી તેની સાથે વાત કરવા માંગતી હતી પણ તેને વંદિતા યાદ આવી ગઈ અને તે પોતાનાં રસ્તે ચાલવા લાગી. જેમતેમ કરી તેની પાછળ આવતાં વેધને તેણે વંદિતા તરફ મોકલી દીધો. પણ કેટલાં દિવસ તે આમ ટાળ્યા કરશે તે વાત તેને સતાવવાં લાગી. તેણે વિચારવાનું શરું કર્યું અને આખરે તેને એક ઉપાય મળી ગયો.
સાંજ પડતાં કૉલેજ છુટી અને અમી ઘેર પહોંચી. તેણે નિયતિ અને બધાં ઘરવાળાને ભેગાં કર્યા. કોઈ નહતું જાણતું કે કેમ અમીએ બોલાવ્યા છે. શબ્દે તરત પુછ્યું " અમી માસી શું થયું?.. આપણે ભેગાં મળી મૂવી જોવાનાં છે?.." નિયતિએ વધાર્યું " હા અમી શું કામ છે?.. જણાવ તો ખરી!"
અમીએ કહ્યું " હા... બસ હવે બધાને જોવાતી રાહ પુરી થઈ ગઈ છે. ( અને અમીએ વધાર્યું) જોવો... હવે વંદિતાએ વેધની સાથે લગ્ન કરવાં હા કહી જ દીધું છે તો આપણે રાહ જોવાનો શું મતલબ?.. તેમનાં લગ્્ન જલદીથી કરાવી દેવાં જોઈએ. એમ પણ વંદિતાને વેધ એકબીજાને ઘણી સારી રીતે ઓળખવાં લાગ્યા છે. તો તમને બધાને નથી લાગતું કે આપણે પણ લગ્નની વાત આગળ વધારવી જોઈએ?.." બે ક્ષણ માટે બધાં ચુપ થઈ ગયાં અને મૌન છવાય ગયું. અને એકદમ બધાં અમી તરફ જોઈ રહ્યા. અને તે પુછવાં જ જતી હતી કે શું થયું ત્યાં સુધી તો કલાહોર થઈ ગયું. " હા.. સાચી વાત છે... લગ્ન ફટાફટ કરાવવાં જ જોઈએ...." શેરસિંહ એ કહ્યું. નિયતિ, તેનાં પિતા અને વંદિતા બધાંની હા તરત તેમને મળી ગઈ. શેરસિંહ એ કહ્યું " નિયતિ આપણે કાલે જ વેધનાં માં- બાપને મળવું જોઈએ અને આ વાત કરવી જોઈએ. આપણે તો વાત કરીને બેસી રહ્યા પણ કોઈને ભાન જ ના રહ્યું કે આગળ પણ વાત આપણે જ વધારવી પડશે. " " સાચું કહો છો પપ્પા..કાલે જ જોઇએ. " નિયતિએ જવાબ આપ્યો. એક ખુશીની લહેર દોડી ગઈ. અમીનું મન થોડું કચવાય રહ્યું હતું પણ વેધને પોતાનાથી દૂર રાખવાનો કે રહેવાનો તેને આ એક જ માર્ગ દેખાયો હતો. તેણે વિચાર્યું " જો વેધનાં ને વંદિતાનાં લગ્ન થશે તો તેનું મને મળવું ઓછું થઈ જશે અને તે બંને પોતાનામાં વ્યસ્ત રહેશે. મને પણ આગળ વધવાં એક આશ મળશે. " અને અમીએ એક વાત બસ ઉપાડી દીધી.
વેધ આ જાણી શું કહેશે તે કોઈને નહતી ખબર. બીજે દિવસે નિયતિ અને શેરસિંહ વેધનાં ઘેર પહોંચી ગયાં. તેમનાં વચ્ચે વાતચીત થઈ અને તે લોકો સાંજ સુધીમાં ઘેર આવ્યા. શું વાત થઈ , શું કહ્યું, ક્યારે કહ્યું દરેક વાતનો એક ઉત્સાહ દરેકનાં મનમાં હતો. વંદિતા પણ કશું બોલી નહતી રહી પણ તેને પણ નિયતિ પાસેથી જાણવું હતું કે શું થયું વેધનાં ઘેર. પણ નિયતિ અને શેરસિંહ ઘેર આવીને જાણે કશું થયું જ ના હોય તેમ એક સામાન્ય વ્યવહાર કરવાં લાગ્યા. તે વિશે કોઈ વાત તે કરી નહતાં રહ્યા. બીજી બીજી વાત કરી બધાનું ધ્યાન ભટકાવી રહ્યા હતાં. અને બધાં તે બંનેનું મોં જોઈ ઉભાં રહ્યા. પણ છતાં કશું બોલ્યા નહીં. હવે ધીરજ ખુટી રહી અને વંદિતાએ જાતે પુછી લીધું . આ જોઈ ઘરમાં બધાં જોર જોરથી હસી પડ્યા. નિયતિ અને શેરસિંહ પણ એકબીજાં તરફ જોઈ હસી પડ્યા. અને હસતાં હસતાં નિયતિએ કહ્યું " જોવો તો આ છોકરીને. કેટલી ઉતાવળી થઈ છે. પોતાનાં જ લગ્નની વાત બસ પોતે જ કરી લેવી છે. " " હા તો તમેં લોકો કશું બોલતાં નથી તો મારે જ પુછવું પડે ને!.. બોલોને હવે શું થયું ત્યાં?" વંદિતાએ થોડું ચિડાતાં કહ્યું. નિયતિએ જવાબ આપ્યો " તે લોકો તો આપણાં કરતાં પણ વધારે ઉતાવળા નિકળ્યા. એટલે કે અમેં તો એમ વિચારીને ગયાં હતાં કે એક- બે મહિનામાં આવતી તારીખ નક્કી કરીશું. પણ તેમણે તો પંદર દિવસ ની અંદર લગ્ન કરવાં છે. અરે વેધને તો એક અઠવાડિયામાં લગ્ન કરવાં હતાં પણ કોઈ તારીખ હતી નહીં પણ જે સૌથી નજીકની તારીખ નિકળી તે પંદર દિવસ પછીની હતી. તો એ જ નક્કી કરી છે. તેમણે પહેલેથી જ તેમનાં પંડિતજીને બોલાવી રાખ્યા હતાં. એટલે બધું ઘણાં હદ સુધી નક્કી થઈ જ ગયું છે. " આ સાંભળી વંદિતા શરમાઈ ગઈ. અને અમીએ પોતાનાં ચહેરાં પર એક પરાણે લાવેલી મુસ્કાન સાથે વાતને વધાવી લીધી. તેને એ તો ખબર હતી કે વેધનાં લગ્ન થશે પણ આજે નિયતિ ધ્વારા કહેવામાં આવેલો વેધનો વ્યવહાર તેને અજુગતો લાગી રહ્યો. " વેધ એ કહ્યું એક અઠવાડિયામાં લગ્ન કરવાં છે?... આટલી ઉતાવળ?.. કાલ સુધી તો તે મારી પાછળ વાત કરવાં ફરતો હતો ત્યારે તો તેને વંદિતા યાદ પણ નહતી આવી અને આજે તેણે આટલી ઉતાવળ કરી!.. કેમ?.." અમી જાતે જ પોતાનાં મન સાથે વાત કરવાં લાગી.
અમીનાં મનમાં એક અજાણ્યો પ્રશ્ન આવીને ઉભો રહી ગયો. પણ તેને લાગ્યું તે વધારે જ વિચારે છે અને તેણે ધ્યાન ના આપ્યું. બીજે દિવસથી હવે વંદિતાની લગ્નની તૈયારીઓમાં બધાં વળગી પડ્યા.
એક લગ્ન હોય એટલે કેટકેટલી ખરીદી હોય, વાજા- પંડિત હોય, ચારેતરફ જગમગતી લાઈટો હોય અને મહેમાનો નો જમાવડો હોય. ચારે તરફ ગૂંજતો કલાહોર હોય અને મહેમાનોની ફરમાયીશો હોય. ના જાણે કેટકેટલી વાતને સાચવી લેવાની બીક હોય. આ દરેક વસ્તુનો પહાડ એકદમથી નિયતિનાં ઘર પર પડી ગયો. અને જોરદાર વેગમાં લગ્નની તૈયારીઓ શરૂં થઈ ગઈ. અમી અને વંદિતા પણ ખરીદીમાં લાગી ગયાં. " અમી તું અહીયાંથી ખરીદી લે સામાન. હું થોડી બીજી જગ્યા તપાસ કરું. " વંદિતાએ ભર બજારમાં ખરીદી કરતાં કહ્યું. અને તે ત્યાંથી ચાલી ગઈ.
અમી પોતાની ખરીદી કરવમાં મગ્ન થઈ ગઈ અને અચાનક તેનો હાથ કાંડાથી પકડાયો અને જોરથી તે ખેંચાય ગઈ. એક ક્ષણ માટે તે વિચારી ના શકી કે શું થઈ રહ્યું છે. તે કશું બોલે અથવાં બૂમ પાડી મદદ માંગે ત્યાં સુધી એક હાથની હથેડીથી તેનું મોં દબાવી દેવામાં આવ્યું. અમી જોયાં વગર તરફળીયા મારવાં લાગી. પોતાનો હાથ અને મોં ખોલાવવાં તે મથામણ કરવાં લાગી. અને અચાનક પરસેવે રેબઝેબ અમીની આંખો તે સામેં ઉભેલાં વ્યકિત પર પડી. તેની આંખો પોહળી થઈ ગઈ. તેણે કહ્યું મોં ખોલું છું પણ બૂમ ના પાડતી." અમીએ આંખનાં પલકારે હા કહ્યું અને મોં પરથી હાથ હટ્યો. અમીએ એક શબ્દ બોલ્યો " વેધ?..." તેનો આશ્ચર્ય નો પાર નહતો. " કેમ કર્યું તેં આવું ?.. હું ગભરાઈ ગઈ. " અમીએ ગુસ્સો કરતાં કહ્યું. વેધે પોતાનાં ખીસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને અમીનાં માથે વળેલો પરસેવો લૂછવાં લાગ્યો. હાંફતી અમી વેધને જ જોતી રહી. વેધ એકદમ સાચવીને અમીનો પરસેવો લૂછતાં બોલ્યો " sorry ... હું તને ગભરાવા નહતો માંગતો. પણ મને તારી સાથે વાત કરવી હતી. " " તો વાત કરવી હતી તો આવીને વાત કરતો. આમ ખેંચીને છૂપાઈને એકલામાં લાવવાની શું જરૂર હતી. " અમીએ ગુસ્સામાં કહ્યું. " અરે એટલે જ તો સોરી કહ્યું ને!.. પણ મારે તારી સાથે એકલામાં વાત કરવી હતી. અને વંદિતા હોય તો પછી કશું વાત થતી જ નથી. અને આજકાલ તું એટલી બીઝી રહે છે કે કૅફે પણ નથી આવતી, રસ્તામાં પણ મળે છે તો જતી રહી છે. અને આજે હું માત્ર તારી સાથે જ વાત કરવાં માંગતો હતો. એટલે એકલામાં લાવ્યો. " એકદમ ધીરજથી વેધ એ જવાબ આપ્યો. અમીનો ગુસ્સો થોડો શાંત પડ્યો અને તેણે વેધનો હાથ પોતાનાં ચહેરાંથી નીચે ઝૂકાવ્યો અને કહ્યું " હા બોલ.. શું થયું?.. શું વાત કરવી છે?.." નિચો પાડેલો હાથ જોઈ વેધ એ કહ્યું " બેસીને વાત કરીએ?.." અને તે બંને એક ખાલી જગ્યાએ બેસી ગયાં. બજારનો એ ભાગ હતો કે જ્યાં દૂકાનો ઓછી હતી અને અવરજવર પણ ઓછી હતી. વેધ અમીની પાસે આવીને બેસી ગયો. થોડો મૂર્જાયેલો ચહેરો લઈ તે થોડીવાર થાક ખાતો બેસી રહ્યો. આ જોઈ અમીએ શાંતિથી પુછ્યું" શું વાત છે?.. બધું ઠીક છે ને? " વેધ એ જવાબ આપ્યો " હા બધું ઠીક છે. " " તો આમ લટકાયેલાં ચહેરે કેમ બેઠો છે?.. તારું તો લગ્ન છે પંદર દિવસમાં. આવાં ચહેરે એવું લાગે છે કે તું ખુશ નથી!.." થોડું મોઢું મચકાયી હસતાં અમીએ બીજી તરફ જોતાં કહ્યું. વેધ એ અમી તરફ તાકી રહેતાં તરત પુછ્યું " તું ખુશ છે?!!.. " અમી થોડી ચમકી ગઈ. " ક..કે..કેમ આવું પુછે છે?... ચોક્કસ હું ખુશ છું મારી બહેનનું લગ્ન હોય તો હું કેમ ખુશ ના હોવ?.." અમીએ નીચો ચહેરો કરતાં કહ્યું. " અને મારું શું?.." વેધ એ તેનો ચહેરો ઉંચો કરતાં કહ્યું.
"ત..તારું શું?.. તારું પણ લગ્ન છે તો હું તારી માટે પણ ખુશ છું. તને વંદિતાથી વધારે સારી છોકરી ના મળી શકતી. " અમીએ ફરીથી વેધનો હાથ ચહેરાંથી હટાવતાં કહ્યું. " સારી છોકરી ક્યાં જોઈતી જ હતી!.. જે જોઈતી હતી તેને તો હું પામી ના શક્યો. જોતજોતામાં હાથથી સરકી ગઈ. " વેધ એ એકદમ ધીમાં અવાજે ગણગણતાં કહ્યું. " શું કહ્યું તેં?.." થોડું ઓછું સંભળાતાં અમીએ પુછ્યું. વેધ એકદમ ઉભો થઈ ગયો અને કહેવાં લાગ્યો " કશું નહી... મને લાગે છે મારે જવું જોઈએ. " અને પાછળ વળી જતાં વેધને જોઈ અમીએ તેનો હાથ પકડી રોકી લીધો. વેધ એ અમીનો હાથ પોતાના હાથમાં પકડાયેલો જોઈ તે થંભી ગયો. પણ તરત જ અમીને ભાન આવતાં તેણે હાથ છોડી દીધો અને કહ્યું " વેધ... આપણે હજું પણ મિત્ર છે. કશું થયું હોય તો તું મને કહી શકે છે. હું તારી મદદ કરી શકું છું. હું તારો સાથ આપી શકું છું.એવું હોય તો એકવાર ભરોસો કરી ને જોઈ લે!..." અમીએ કહ્યું. અને એકપણ ક્ષણ બગાડ્યા વગર તે અમીને વળગી પડ્યો. અમીને પોતાની છાતી સરસી ચાંપી બસ ઉભો રહ્યો અને કહેવાં લાગ્યો " તું બહું સારી છે અમી... હું નસીબદાર છું કે તું મારાં જીવનમાં આવી. પણ હું તારાં લાયક નથી. હું તો તારો મિત્ર બનવાં પણ લાયક નથી. તું કોઈ દુઃખની હકદાર નથી. તને હંમેશાં ખુશી મળવી જોઈએ. અને આંસુ ટપકતી આંખો લૂછતાં વેધ બસ અમીને પોતાનામાં સમાવી રહ્યો. અમી એક હાથ પણ ઉચકવાં લાયક ના રહી અને સમયની ધારા તો બસ એમ જ રોકાય ગઈ. વેધ એ એકદમ અમીને મુક્ત કરી તરત ત્યાંથી દોડી ગયો. શું થયું, શું થાય છે એ કશું અમીને સમજાય નહતું રહ્યું. તેને વેધની વાતો અજીબ લાગી રહી હતી. આજથી પહેલાં તેણે આવી વાતો ક્યારેય નહતી કરી. અમી પણ વંદિતા ભેગી ઘેર ચાલી ગઈ પણ તેનાં મનમાં બસ વેધની વાતો જ ફરી રહી હતી.
એક ફોનની ઘંટડી વાગી અને નિયતિએ ફોન ઉપાડ્યો. " શું?... કેમ અચાનક આવો નિર્ણય..?... પણ થયું શું?..... અરે એ શક્ય નથી!... સારું હું મારાં ઘરમાં બધાને પુછીને જણાવું તમને!." અને નિયતિએ ફોન મુકી દીધો. નિયતિએ ઘરમાં બધાને જણાવ્યું કે "વેધનાં પિતાનો ફોન હતો. અને હવે તેમને કોઈ ઈમર્જન્સી આવી ગઈ છે અને તેઓ લગ્ન બે દિવસમાં જ કરવાં માંગે છે. વેધ પણ તૈયાર છે બે દિવસમાં લગ્ન કરવાં. " આ સાંભળી બધાં મૌન રહી ગયાં. શું કરે તે વિચારવાં લાગ્યાં. પણ અમીને આ વાત સમજાય નહી!.. "થોડાં કલાકો પહેલાં વેધ મને મળ્યો અને એકદમ સારી રીતે વાત કરી. તેનું તો જાણે લગ્ન કરવાનું મન પણ નહતું . અને અચાનક ફોન આવે છે કે લગ્ન બે દિવસમાં જ કરવાં છે!.. એક તો એ સમજાતું નથી કે પહેલાં તેણે લગ્નની આટલી જલદી કરી, પછી મારો હાથ એમ પકડીને ખેંચ્યો જાણે કોઈ ખોટું કામ કરવાં ફસાવતો હોય, પછી લગ્ન ના કરવાની બધી સાઈન આપી , મારી માટે તો એમ બોલવાં લાગ્યો જાણે મને છેલ્લી વાર મળતો હોય. અને bye કહેવાં આવતો હોય. અને આમ ફોન પર જ લગ્નની તારીખ બદલી લીધી જાણે વંદિતા ક્યાંય ભાગી જવાની હોય, જાણે બે- ચાર દિવસમાં લગ્ન નહીં થાય તો આભ તૂટી પડવાનું હોય! .. આ બધું તો વેધનો સ્વભાવ નથી. આ કેમ આવું કરે છે!.. કે હું જ વધારે વિચારું છું?.. કે વેધ કશું છુપાવે છે?... આખરે વાત શું છે?.. મને મનમાં કશુંક તો ખૂંચે છે પણ શું?...." અમી પોતાની જ વાતમાં ફસાઈ ગઈ. તેણે જાતે લગ્નની વાત આગળ વધારવાં મથામણ કરી હતી. અને આજે જાતે જ તેને આ લગ્નમાં કશુંક અજૂગતું લાગી રહ્યું .
શું અમીનાં પ્રશ્નોમાં કોઈ વાત નિકળશે કે લગ્ન થઈ જશે?..
ક્રમશઃ