Bhedbhav - 2 in Gujarati Moral Stories by ગાબુ હરેશ books and stories PDF | ભેદભાવ - 2

Featured Books
Categories
Share

ભેદભાવ - 2

હવે પછી આ બધુ આ ઘરમાં નહીં ચાલે. એમ કહીને રસિકભાઈ પહેલા ટીવી બંધ કરી અને પછી પોતાના રૂમમાં ગયા. અશોક પણ ગુસ્સા સાથે પોતાના રૂમની અંદર જતો રહ્યો. હંસાબેન એ બંનેને જતા જોઈ રહ્યા અને પછી મુખ્ય દરવાજો બંધ કરી તે પણ રૂમ અંદર ગયા.
હંસાબેન રસિકભાઈ ની પાસે જઈને બેઠા ,બંને વચ્ચે થોડીવાર મૌન રહ્યુ. હંસાબેહેને વાતની શરૂઆત કરી, જો આપણો દીકરો મોટો થઈ રહ્યો છે એને આમ બંધનમાં ન રાખી શકાય એને થોડી છૂટછાટ તો આપવી જ પડે. જો એ બહાર જશે તો તેને નવું નવું જાણવા મળશે, નવા નવા અનુભવ થશે. દુનિયાદારી નું ભાન થશે, સાચા ખોટાની પરખ થશે અને આ વિશાળ દુનિયામાં કઈ રીતે આગળ વધુ તેની તેની ખબર પડશે.
જો હંસા તારી આ બેવડી માનસિકતા મને સમજાતી નથી, એક બાજુ તું કહે છે , કે અશોક ને છૂટછાટ આપો અને બીજી બાજુ તું નિશાને ઘર બહાર જવા દેવામાં પણ જોખમ સમજે છે. કેમ એને કોઈ દુનિયાદારી નું જ્ઞાન નથી મેળવવાનું ? એને ખરા ખોટાની પરખ નથી કરવાની ? શું એની વધુ જાણવાની જિજ્ઞાસા નહીં હોય ? જો અશોક સાંજે ગમે ત્યારે ઘેર આવે તો તને વાંધો નથી અને નિશા જો સૂર્યાસ્ત પછી ઘેર આવે તો તું જાણે નિશાએ કોઈ ગુનો કર્યો હોય તેમ તતડાવી નાંખે છે. જો તું નિશા સાથે આટલું બંધન રાખતી હોય તો અશોક સાથે કેમ નહીં ?
જો એ બંને આપણા સંતાન છે અને એક માતા પિતા તરીકે આપણી ફરજ બને છે કે આપણે બંનેને સમાનતા થી જ ઉછેર કરવો જોઈએ. જો નિશા અંધારું થયા પહેલા ઘરે આવવી જોઈએ, તો અશોક પણ અંધારું થયા પહેલા ઘરે આવી જ જવો જોઇએ.
એક માતા-પિતા તરીકે આપણે બીજી પણ ઘણી બધી જવાબદારીઓ હોય છે, જેમકે બાળક ક્યાં જાય છે ? કોની સાથે જાય છે ? શું કરે છે ? વગેરે વગેરે..........
આજે તું પણ જાણતી જ હતી કે અશોક તેના રખડેલ મિત્રો સાથે રખડીને આવ્યો હતો. તેના મોઢામાંથી સિગરેટની વાસ આવી રહી હતી. તેની સોબત કોઈ સારા માણસો સાથે હોય તેમ મને તો લાગતું નથી. તેમ છતાં તું એનું જ ઉપરિયામણ
કેમ લે છે તે જ સમજાતું નથી !!!!
જો આમને આમ ચાલતું રહેશે તો દીકરો એક દિવસ હાથમાંથી જતો રહેશે. આજે તે સિગરેટ પીને આવ્યો છે, કાલે કદાચ દારૂ પીને આવશે. અથવા કોઈ ની છેડતી કરીને આવશે ત્યારે શું કરવું એ પણ નહીં સમજાય. હજુ સમય છે તેને પાછો વાળવાનો, નહિતર પછી મોડું થઈ જશે.
બસ બસ હવે, મને જોલા આવે છે તમારું ભાષણ સાંભળીને આજે આટલું ઘણું હવે પછી ક્યારેક આપજો અત્યારે મને સુવા દ્યો. તેમ કહીને હંસાબેને સુવાની તૈયારી કરી.
આજે ભલે તને જોલા આવતા હોય, પણ ધ્યાન રાખજે, હું કહું છું તે સત્ય છે. ક્યાંક એવું ન બને કે આ છોકરો તારી ઊંઘ હરામ કરી દે. રસિકભાઈ એ છેલ્લું તીર છોડી અને સુવાની તૈયારી કરી.
આ બાજુ અશોકને તેના પપ્પાના શબ્દો ની જાણે કોઈ જ અસર ન થઇ હોય તેમ તે પથારીમાં પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘી ગયો. પરંતુ તેના પપ્પાની શંકાને ચરિતાર્થ કરવા ના રસ્તે તે આગળ વધી રહ્યો હતો. રાત્રે મોડું આવું એ તેનો નિત્યક્રમ બની ગયો હતો, તેથી જ તો આજે રસિકભાઈ એ તેને ઉધડો લીધો હતો.
મિત્રો હવે આગળ શું થશે એ જાણવા માટે વાંચતા રહો હવે પછીનો ભાગ.
મિત્રો લખાણના ક્ષેત્રે પા પા પગલી ભરી રહ્યો છું ત્યારે લથડી જવાય તો આંગળી આપજો. તમારા પ્રેમની હૂફ આપતા રહેશો.

🌹🌹🌹🌹🌹 ગાબુ હરેશ 🌹🌹🌹🌹🌹