one old man in Gujarati Short Stories by Urvisha Vegda books and stories PDF | એક વૃદ્ધ

Featured Books
Categories
Share

એક વૃદ્ધ

એક દ્રશ્ય હજુ પણ મારી આંખ મા આંસુ આપી જાય છે એ ક્ષણ આજે પણ મારા દિલને હચમચાવી જાય છે.
અમારે છ વાગ્યાની ટ્રેન પકડવાની હતી, સવારમાં કોઈ ટેક્સી વાળો ન હોવાથી અમે સવારના ૫ વાગ્યેથી મામાની ઘરેથી ચાલવાનું શરૂ કર્યું. શિયાળાની સવાર, રસ્તો સાવ સુનો તેમજ શાંત હતો, ઝાકળ વરસીને તેનું કામ કરતી અને અંધકાર તેનો સાથ આપતો, લોકો બધા પોતાના ઘરમાં ટુટીયા વાળીને સુતા હતા, રસ્તામાં બધા કુતરાઓ ઠંડીને કારણે ધ્રૂજતા હતા. શિયાળાની સવાર, અંધકારની સાથે વરસતી ઝાકળ અને શાંત વાતાવરણ, આવો નજારો મેં પહેલી વાર જોયો હતો, આ નજારા સાથે અમે અડધો રસ્તો કાપી નાખેલો. તમે વાતો કરતા કરતા આગળ વધી રહ્યા હતા, મેં મમ્મીને કહ્યું મમ્મી "ભગવાને પણ આ કેવી સુંદર રચના કરી છે, આંખોને થાય છે બસ જોયા જ કરે"એમ અમે આગળ ચાલતા રહ્યા,આવી કડકડતી ઠંડીમાં મે મારુ આછું અને ટોપીવાળુ ફેવરિટ સ્વેટર પહેરેલું હતું.

અચાનક જ મારા પપ્પાએ મારી નજર એક દ્રશ્ય ઉપર પડાવી, એ દ્રશ્ય એ મને મૌન બનાવી દીધી, ભગવાન તરફની લાગણી તેમજ તેની સુંદર રચના માટેની મારી વિચારસરણી ફેરવી નાખી. શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તાની વચ્ચોવચ્ચ મેં એક વૃદ્ધ માણસ અને બેઠેલો જોયો....... તેના શરીરે એક પણ વસ્ત્ર ન હતુ, તે નિવસ્ત્ર હતો તે ઠંડીથી ધ્રુજતો હતો. છતાં પણ તેના મુખ ઉપર હાસ્ય હતું, જે મારા માટે તો રહસ્ય હતુ. મારી આંખોમાં ઝરઝરીયા આવી ગયા. મેં મારું ફેવરીટ સ્વેટર આપવાનું વિચાર્યું પરંતુ અફસોસ હું કાંઈ ના કરી શકી.
તેની સામે જ એક મંદિર હતું કદાચ તે વૃદ્ધના ચહેરા ઉપર આને કારણે જ સ્મિત હતું.સામે ભગવાનની પથ્થરની મૂર્તિઓ ને ગરમ વસ્ત્રો પહેરાવેલા હતા, તે મૂર્તિ નું એક પણ અંગ ખુલ્લું નહોતું, જ્યારે સામે જ ઠંડીથી ધ્રુજતા વૃદ્ધના શરીરનું એક પણ અંગ ઢાંકેલું નહોતું, તે મૂર્તિઓ ઉપર કિંમતી ઉનના વસ્ત્રો ઓઢા ડેલા હતા, જ્યારે વૃદ્ધના કિંમતી શરીર માટે ફાટેલી ચડી પણ નહોતી.
મેં મારું ફેવરીટ સ્વેટર આપવાનું વિચાર્યું પણ, અફસોસ..... હું કાંઈ ન કરી શકી, સામેથી ખૂબ ઝડપથી આવતા એક ટ્રકએ રસ્તામાં બેઠેલા એ નિવસ્ત્ર વૃદ્ધ ને પૈડાં નીચે કચડી નાખ્યો અને અમારી આંખો સામે તે વૃદ્ધ વ્યક્તિ હતો નહોતો થઈ ગયો!

અમારે ટ્રેન પકડવાની હોવાથી અમે થોડીવાર પછી ત્યાંથી આગળ ચાલતા થયા, ફાટક બંધ હોવાથી અમે થોડો ટાઈમ માં એમાં બગાડયો. અને અમે જેમ તેમ કરી રેલ્વેસ્ટેશન પહોંચી ટ્રેનમાં બેસી ગયા, આજે પણ એ વૃધ્ધ માણસ ની છબી અમારી આંખમાં આંસુ આપી જાય છે, અને અમારા શ્વાસ ને થોડી ક્ષણ માટે થંભાવી જાય છે. એ શિયાળાની સવાર અમને ત્રણેયને આજે પણ પૂરેપૂરી યાદ છે. આમ તો તે શહેરમાં અમારે આવવા જવાનું રહેતુ, પરંતુ એ જગ્યાએ પહોંચતા તરત મને પહેલા નિવસ્ત્ર વૃદ્ધ માણસની છબી આંખો સામે ઊપસી આવે છે, અને એક સવાલ તે શહેરની હર મુલાકાત આ વખતે થાય છે, જેનો જવાબ કદાચ ક્યારેય નહીં મળી શકે.......
શું દુનિયામાં ગરીબોનું કોઈ નથી?
અને શા માટે નિવસ્ત્ર વૃદ્ધના ચહેરા ઉપર કરોડોનું સ્મિત હતું?
જવાબ ફક્ત આંખોમાં આંસુ આપી જાય છે.......!

કુદરત પણ કેવી કરામત કરે છે,
પોતાનાને ઉઘાડા રાખે છે,
જ્યારે પોતાના તેને ઓઢાડે છે,
એક માણસ ખુદ તકલીફમાં છે,
જ્યારે બીજો દાતાને દાન આપે છે,
ક્યાંક નજારો હોય છે,
ક્યાંક દ્રશ્ય હોય છે,
ક્યાંક ન તો નજારો હોય છે,
ન તો દ્રશ્ય હોય છે બસ નામ વગરનું બધું જ હોય છે.