“સારું ત્યારે ચાલો હવે અમે જઈશું.” કહીને રાજીવ ઊભો થયો.
“સાહેબ હવે જમીને જ જવાય ને” નરેશ પટેલે આગ્રહ કર્યો.
“ના, અત્યારે થોડુક કામ છે, પછી ક્યારેક જમવા માટે આવશુ.”
“સારું ત્યારે રામ-રામ” નરેશ પટેલે ઊભા થતાં કહ્યું.
“રામ-રામ” કહીને રાજીવ અને દામોદર આગળ ચાલવા લાગ્યા.
“તો વિરૂભા આ માર્ગ પર અવાર-નવાર આવતાં એમ ને.”
“હા સાહેબ”
“તો પછી આપણને આ રસ્તા પર જ કઈક સુરાગ મળશે.”
“મને પણ એવું જ લાગે છે.”
“ચાલો હવે તેના ઘર તરફ જઈએ.”
“ચાલો”
જે માર્ગ પર તેઓ ચાલીને આવ્યા હતા તે જ માર્ગ પર અત્યારે તેઓ ફરીથી ચાલી રહ્યા હતા.
“શું લાગે છે તમને આ ગામનો રસ્તો આ લોકોએ કેમ બદલાવ્યો હશ?” રાજીવે પ્રશ્ન કર્યો.
“એતો શેઠીયાઓની મુલાકાત લીધા પછી જ ખબર પડે.”
આવી વાતો કરતાં કરતાં તેઓ જ્યાં ચાર રસ્તા પર પહોચ્યા.
“આ તરફ સાહેબ.” જમણા હાથના ઈશારા વડે દામોદરે રસ્તો બતાવતા કહ્યું.
બંને વિરુભાના ઘર તરફ ચાલવા લાગ્યા.
@@@@@@@@@@
આજનો દિવસ
બાજુના શહેરમાં અવિનાશે પોતાના કૉન્ટૅક્ટ દ્વારા એક મકાન ભાડે નક્કી કર્યું હતું અને આખો પરિવાર અહી શિફ્ટ થયો હતો.
શહેરી વિસ્તારના છેડે આવેલી નદીના સામા કાંઠે આ મકાન આવેલું હતું. શહેરના શોર-બકોરથી સ્વતંત્ર, ના કોઈ વાહનનો અવાજ, ના કોઈ કારખાનાનું પ્રદૂષણ, ના કોઈ માનવ મહેરામણ, આંગળીના વેઢે ગણી શકાય એટ્લે મકાનો, જાણે કે કોઈ એક નાનું ગામડું.
નદીમાં વહેતું ખળખળ પાણી અને પંખીઓના કિલ્લોલ સિવાય બીજા કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળવા મળતો ના હતો.
મકાન પણ ભવ્ય હતું, મુખ્ય ગેટમાં દાખલ થતાં જ એક નયન રમ્ય બગીચો, બગીચામાં સુંદર વૃક્ષો, બેસવા માટેની વ્યવસ્થા, ત્યાર બાદ મકાનની પૉર્ચ, પોર્ચમાં એક હિંચકો, ત્યાર બાદ મુખ્ય દ્વાર, અંદર દાખલ થતાં ભવ્ય બેઠકરૂમ, આલીશાન રચ-રચીલું, ત્યારબાદ રસોડુ, તેની સામે બે બેડરૂમ, રસોડાની પાસે જ ઉપર જવા માટેની સીડી, ઉપરના માળે ત્રણ બેડરૂમ અને બેઠક, બેઠકની બહાર પૉર્ચ, પોર્ચમાં બેસવા માટેની વ્યવસ્થા અને એક સુંદર હિંચકો.
અવિનાશે ખરેખર પોતાના પરિવાર માટે એક પરફેક્ટ જગ્યાએ મકાન શીદધિ કાઢ્યું હતું.
“ખબર નહીં આ વિસ્તારને શહેર કેવી રીતે કેવાતું હશે!”
“કેમ? તને શું લાગે છે.”
“મને તો આ વિસ્તાર કોઈ એક જૂનું ગામ હોય તેવું લાગે છે.”
“ચાલો જમવાનું તૈયાર છે.” વિલાસે નીકુલ અને અવિનાશની વાતો અટકાવતાં કહ્યું.
ઘણા સમય બાદ આજ તેઓ બધા નિશ્વિત થઈને ભોજન ગ્રહણ કરી રહ્યા હતા.
જમ્યા બાદ વિરલ બહાર આવેલા હીંચકા પર બેસીને હીંચકી રહ્યો હતો જ્યારે અવિનાશ અને નીકુલ બગીચામાં લટાર મારી રહ્યા હતા અને તેઓ પર આવેલી આફત વિષે વાત કરી રહ્યા હતા.
"શું લાગે છે નિકુલ આ આફતમાંથી બહાર નીકળી શકાય એવું લાગે છે તને?"
"તમ તો એમ પૂછો છો કે જાણે આ આફત મારા લીધે આવી હોય"
"આ મજાકનો સમય નથી નિકુલ"
"અરે! ભાઈ આપણે લોકો આ મુસીબતમાંથી બહાર નીકળવા માટે જ તો અહી આવ્યા છીએ અને તમે એ જ યાદ કરી ને ખોટું ટેન્શન લીધા કરો છો."
"હા તો આપણ લોકો ઘરની બહાર આવ્યા છીએ મુસીબતમાંથી બહાર નથી આવ્યા."
“જલ્દી અહિયાં આવો બધા!” અનેરીની એક ભયાનક ચીસ બધાએ સાંભળી.
તેઓ લગભગ દોડતા દોડતા ઘરમાં દાખલ થયા અને અંદરનું દ્રશ્ય જોઈને તેઓ પણ ડરી ગયા.
અનિતા જમીન પર બેભાન થઈને પડી હતી તેની આંગળીઓ લોહીથી લથપથ હતી અને તેની પાસેની જમીન પર લોહીથી લખેલું હતું ‘પાછા જાવ’
(ક્રમશ:)