નકશાનો ભેદ
યશવન્ત મહેતા
પ્રકરણ – ૨ : ‘સાયન્ટિસ્ટ’ મિહિર
મનોજ, વિજય, બેલા અને જ્ઞાન ઉતાવળે ઉતાવળે મિહિરના ઘર તરફ ચાલ્યાં. પાંચેક મિનિટમાં જ એને ઘેર પહોંચી ગયાં.
એ લોકો મિહિરને બારણે પહોંચ્યાં ત્યારે જ બારણામાંથી એક ભાઈ બહાર નીકળતા હતા. એમના પહેરવેશ પરથી અને એમણે હાથમાં પકડેલા મોટા દફતર પરથી એમની પરખ તરત જ થઈ જતી હતી. એ જ પેલા વીમા કંપનીના ઇન્સ્પેક્ટર હતા. એ એક ઊંચા, મજબૂત બાંધાના, હસમુખા ભાઈ હતા. એ વીમા કંપનીના નહિ અને પોલીસ ખાતાના ઇન્સ્પેક્ટર બન્યા હોત તોય શોભી ઊઠત, એવું ગુનાશોધક મંડળીને લાગ્યું.
મિહિરનાં મમ્મી એમને વળાવવા માટે બારણા સુધી આવ્યાં હતાં અને પેલા ભાઈ એમને કહેતા હતા, “તમે ચિંતા ન કરશો, બહેન. મિહિર સાથે વાત કર્યા પછી મને ખાતરી થઈ ગઈ છે કે જે થયું તે અકસ્માતથી જ થયું છે. એણે પૂરના સંકેતની જે યોજના ઘડેલી તે સંપૂર્ણપણે સાચી હતી. ગરબડ એક બજારુ પુર્જાને કારણે થઈ ગઈ. એમાં એનો કશો વાંક નથી...”
મિહિરનાં મમ્મી સહેજ અચકાતાં અચકાતાં બોલ્યાં, “પણ જે નુકસાન થયું તે...”
વીમા ઇન્સ્પેક્ટર કહે, “એ તો અમારી કંપની ભરપાઈ કરી જ આપશે. અકસ્માતનો વીમો તમે ઉતરાવેલો છે અને નુકસાન અમારે ભરપાઈ કરી આપવાનું છે. પણ મારે તો એક બીજી જ વાત કરવી છે. ફક્ત બાર વરસની ઉંમરે તમારો દીકરો કમાલનું વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવે છે, હોં !”
દીકરાનાં વખાણ સાંભળીને કોઈ પણ મમ્મી અનુભવે એવું ગૌરવ મિહિરની મમ્મીના ચહેરા ઉપર ઝળકી ઊઠ્યું. સહેજ શરમાતાં હોય એમ બોલ્યાં, “એવું છે ને... અમારો મિહિર એના પપ્પા ઉપર પડ્યો છે. એને આખો દિવસ નવું નવું વાંચવા અને ભાંગફોડ કરવા જોઈએ...”
વાત આમ ચાલતી હતી એટલે આપણા મનોજે... સોરી ! ડિટેક્ટિવ મનોજે વાતચીતમાં ઘૂસ મારવાનો બરાબર મોકો સાધી લીધો. એ બોલ્યો, “અને... એ... સાહેબ, મિહિર અમારો સાયન્સ ઓફિસર છે !”
પેલા ભાઈની આંખો નવાઈથી સહેજ પહોળી બની ગઈ. આ છોકરો કોણ છે અને શું કહે છે એની એમને નવાઈ લાગતી હોય એવું જણાયું. એ કશુંક કહેવા જતા હતા, પરંતુ મનોજ ઉતાવળો હતો. એણે તરત જ મિહિરની મમ્મીને પૂછ્યું, “હવે અમે મિહિરને મળીએ ?”
મિહિરના વખાણ સાંભળીને એની મમ્મી ફુલાઈ ગઈ એણે જલદી જલદી કહ્યું, “હા, હા, જાવ ને ! એ પોતાના રૂમમાં જ ગયો છે.”
બધાં મિહિરના રૂમમાં ગયાં અને એને શોધવા માંડ્યાં. હંમેશા શોધવો જ પડતો. કારણ કે મિહિરની ખોપરી જેટલી વ્યવસ્થિત હતી એટલો જ એનો રૂમ અવ્યવસ્થિત હતો. એના મેજ ઉપર પુસ્તકો, કાગળો, વાયરો, જૂની ઘડિયાળોના ડબા, જૂના રેડિયો, સ્વીચો અને એવી એવી હજાર ચીજો હંમેશા ખડકાયેલી રહેતી. ફર્શ ઉપર ડબા-પેટીઓ-ઓજારો-પુસ્તકોના ઢગલા રહેતા. દીવાલો ઉપર જાતજાતના વૈજ્ઞાનિક ચાર્ટ, નકશા, ગ્રાફ, અને પોસ્ટરો હંમેશા લગાડેલાં હોય. એક બાજુ એના દાદાવારીની મોટી પાટ ગોઠવેલી હતી અને એની ઉપર ને નીચે વૈજ્ઞાનિક પ્રયોગોનાં સાધનોનો ઢગલો રહેતો. આ ભરચક જગામાં મિહિર કયે ખૂણે ભરાઈને વાંચતો હોય કે પ્રયોગ કરતો હોય એ શોધવું પડે.
આજે પણ એ પોતાના પલંગ હેઠળ હતો અને વાયરોની તોડજોડ કરતો હતો. ત્યાં એક મશીન ઉપર એણે ઘણા દિવસોથી કામ શરૂ કર્યું હતું, અને કહેતો હતો કે હું અદૃશ્ય બનવાનું યંત્ર શોધી રહ્યો છું !
એના ઓરડામાં પેસીને મનોજે બૂમ પાડી : “મિહિર !”
તરત જ એણે પલંગ નીચેથી મોટાં ચશ્માંવાળું માથું બહાર કાઢ્યું. નજીક જ ઊભેલી બેલા ‘ઊઈ મા !’ કરતી ઊછળી. બીજા સૌ પણ જરાક ચોંકી ગયા.
મિહિર પલંગ હેઠળથી બહાર નીકળીને હાથ ખંખેરતાં બોલ્યો, “આવો, આવો. કેમ છો બધાં ? મઝામાં ને ?”
મનોજે માથું ધુણાવતાં કહ્યું, “ના, મઝામાં નથી !”
મિહિરે પૂછ્યું, “કેમ ? કશી તકલીફ છે ?”
મનોજ કહે, “હા, તારે લાયક એક કામ આવી પડ્યું છે.”
મિહિરે પૂછ્યું, “શું કામ છે ? વિજ્ઞાનનું કામ છે કે ગુનાશોધનનું ?”
મનોજ કહે, “વૈજ્ઞાનિક રીતે ગુનાશોધનનું ! આવતા શનિવારે એક લૂંટ થવાની છે. એનું પગેરું મળ્યું છે. ઓફિસર જ્ઞાન, જરા એ પગેરું મિહિરને બતાવ.”
જ્ઞાને ગજવામાંથી પેલી ચબરખી કાઢી અને મિહિરની સામે ધરી. મિહિર બોલી ઊઠ્યો, “એમ નહિ ! પગેરાં અને પુરાવાને એમ ન પકડાય. ઊભો રહે.”
એણે ટેબલના ભરચક ખાનામાં ફેંદાફેંદ કરીને એક નાનો ચીપિયો શોધી કાઢ્યો. પછી જ્ઞાનના હાથમાંથી પેલી ચબરખી એ ચીપિયા વડે એણે પકડી. ચબરખીને ઉલટાવી ઉલટાવીને જોવા માંડી.
એ દરમિયાનમાં મનોજે એને અત્યાર સુધીની બધી વાત કરી. કેવી રીતે જ્ઞાનને લાયબ્રેરીનાં એક પુસ્તકમાંથી એ ચબરખી જડી આવી, કેવી રીતે જ્ઞાને સ્કેચિંગ પેન્સિલ ઘસીને એની ઉપરનું લખાણ ઉપસાવ્યું, વગેરે વાતો કરી.
એની વાત સાંભળીને મિહિર બબડ્યો, “છટ્ !”
મનોજ કહે, “કેમ, અલ્યા ! તને શું વાંકું પડી ગયું ?”
મિહિર કહે, “આ લખાણની છાપ ઉકેલવા માટે પેન્સિલ રગડવાની શી જરૂર હતી ?”
એ એવી રીતે બોલ્યો જાણે પેન્સિલ ઘસનારે કશોક ગુનો કરી નાખ્યો હોય. એ સાંભળીને જ્ઞાનનું મોં પડી ગયું. એને થયું કે પોતે ચોક્કસ કશીક ભૂલ કરી છે.
એટલામાં મિહિર આગળ બોલ્યો, “ગુનાશોધનનું શાસ્ત્ર આ પેન્સિલોના રગડા કરતાં ક્યાંય આગળ નીકળી ગયું છે. આ પદ્ધતિ હવે જૂનવાણી બની ગઈ છે. તમે મને કહ્યું હોત તો હું એને ઇન્ફ્રા-રેડ સ્કેનરમાં મૂકીને ફટાફટ લખાણ ઉકેલી આપત.”
વિજયે પૂછ્યું, “ઇન્ફ્રા-રેડ સ્કેનર વળી શું છે ?”
મિહિર કહે, “ઇન્ફ્રા-રેડ કિરણો વડે કોઈ પણ સપાટીની ઝીણવટભરી તપાસ થઈ શકે છે. બેન્કોમાં એવાં સ્કેનર રખાય છે. કોઈ ચેકોમાં સહીમાં ફેરફાર કરાયો હોય અગર આંકડા કે નામ સાથે ચેડાં કરાયાં હોય તો સ્કેનર એ તરત જ પકડી પાડે છે. પણ કશો વાંધો નહિ. જ્ઞાને જે કર્યું છે એ પણ બરાબર છે. સાધારણ ડિટેક્ટિવો એમ જ કરે.”
મનોજને પણ આવી ફેશનેબલ શોધની ચર્ચામાં અત્યારે રસ નહોતો. એણે કહ્યું, “જો આ બરાબર હોય તો બીજી-ત્રીજી પંચાત મેલ ને, ભાઈ ! ફક્ત એટલું શોધી કાઢ કે આ કોના હાથના અક્ષર છે. તારી પાસે તો આ વિષયનીય અનેક ચોપડીઓ છે ને ! તું અમારો અક્ષર-નિષ્ણાત !”
મનોજની વાત સાંભળીને મિહિર મલકાઈ ઊઠ્યો. એ કહે, “દોસ્ત ! અક્ષર-નિષ્ણાતો તું ધારે છે એવા જાદુગરો કે ચમત્કારી પુરુષો નથી હોતા. એ લોકો તો અમુક અક્ષર અમુક માણસના જ છે કે નહિ એ બે નમૂના સરખાવીને કહી શકે. વળી માણસના અક્ષર જોઈને એના સ્વભાવ વિશે પણ થોડાંક અનુમાનો કરી શકાય છે. જેમ કે, બહુ ઝીણા અને સુઘડ અક્ષરવાળો માણસ કાળજીવાળા સ્વભાવનો હોય. બહુ વળાંકો અને સુશોભનવાળા અક્ષરે લખનારો માણસ મોજીલા સ્વભાવનો હોય. ગરબડિયા અને ટૂંકા અક્ષરવાળો માણસ કમઅક્કલ અને બેદરકાર હોય. આવાં આવાં અનુમાનો થઈ શકે. પરંતુ અક્ષર જોઈને એ અમુક જ માણસના હોય એવું તો કોઈ જ્યોતિષી અને જાદુગર પણ ન કહી શકે...”
મનોજ વળી અધીરો બની ગયો. “તમારી વૈજ્ઞાનિક લોકોની આ જ મુસીબત છે ! તમે લોકો દરેક વાતમાં એટલું લાંબું ભાષણ ઠઠાડવા માંડો છો કે માથું દુખી જાય. ટૂંકમાં એટલું કહી દે ને કે આ અક્ષરો ઉપરથી તું એના લખનાર વિશે કાંઈ જ કહી શકે એમ નથી !”
પણ મનોજની અધીરાઈની મિહિર ઉપર કશી જ અસર થઈ હોય એવું લાગ્યું નહિ. એણે તો પોતાની વૈજ્ઞાનિક ઢબની ગંભીરતાથી આગળ ચલાવ્યું, “કહી કેમ ના શકું ? આ અક્ષર ઉપરથી હું એટલું કહી શકું કે એ ભણેલો છે. ચોકસાઈવાળો માણસ છે. એ જો લૂંટારો જ હોય તો બરાબર યોજના ઘડીને લૂંટ કરનારો છે....”
હવે મનોજથી રહેવાયું નહિ. એ બોલી ઊઠ્યો, “વાહ, અમારા સાયન્સ ઓફિસર ! જબરી શોધ કરી તેં તો ! અબે બુધ્ધુ ! આટલી વાત તો અમે પણ સમજી શકીએ છીએ. એ માણસે શનિવારની રાતે લૂંટ કરવાની યોજના બનાવી છે...”
પણ મિહિર એમ ગાંજ્યે જાય એવો નથી તો ! એ બોલ્યો, “અમે વૈજ્ઞાનિકો દરેક બાબતની દરેક પ્રકારની શક્યતા તપાસવામાં માનીએ છીએ. આ ચબરખીની એક શક્યતા એ પણ છે કે આ કોઈ જાસૂસી ચિઠ્ઠી પણ હોય. અથવા કોઈક લેખકે પોતાની નવી વાર્તાનો મુસદ્દો પણ લખ્યો હોય...”
મનોજ પોતાના બીજા સાથીઓ તરફ વળ્યો. એના ચહેરા ઉપર નિરાશા દેખાઈ આવતી હતી. એ કહે, “દોસ્તો ! ચાલો પાછાં આપણી ઓફિસે જઈએ. અહીં તો નકામાં ભાષણો જ સાંભળવાનાં છે. અને વખત બગાડવાનો છે !”
બધાં પાછાં વળતાં હતાં ત્યાં જ મિહિર બોલી ઊઠ્યો, “અરે, ઊભાં રહો, ઊભાં રહો ! આ શું છે ?”
એણે ચબરખીની પાછળની બાજુએ હજુ હવે નજર કરી હતી. એના તરફ એ ધ્યાનથી જોઈ રહ્યો હતો. એની ગંભીરતા જોઈને વળી મનોજ એન્ડ કંપની ઊભી રહી ગઈ.
મિહિર બોલ્યો, “તમે લોકોએ આ નકશો મને કેમ પહેલાં બતાવ્યો નહિ ? એ સાબિત કરે છે કે આ ચિઠ્ઠી લખનારો ચોર જ છે !”
બેલાએ મજાક કરી, ‘એમ કે ? હવે તારી ખોપરીમાં મોડી મોડી પણ બત્તી થઈ ખરી !”
મિહિર કહે, “આ નકશો ચોરો સામેની સાવચેતી માટે ગોઠવવામાં આવતી એલાર્મ સીસ્ટમનો છે. જે માણસે આ ચિઠ્ઠી લખી હશે એણે જ આ નકશો પણ ચીતરી મોકલ્યો છે. એનો સાગરીત ચોરી કરતાં પહેલાં એલાર્મ સીસ્ટમના વાયરો કાપી નાખે તો કોઈને ચોરોની જાણ ન થાય. એ માટે જ આ નકશો બનાવવામાં આવ્યો છે.”
મિહિરની આ વાતે સૌને છક કરી દીધાં.
મનોજની નિરાશ બનેલી આંખોમાં ફરી પાછી શેરલોક હોમ્સ જેવી ચમક આવી ગઈ.
સાયન્સ ઓફિસર મિહિર કાંઇ નકામો ભાષણિયો વૈજ્ઞાનિક નહોતો એવું સાબિત થઈ રહ્યું હતું !
*#*#*