પ્રથમ સ્પર્શ
અમારું કુટુંબ સુખી કુટંબમાં આવતું હતું, હું મેઘા કોલેજમાં ભણતી ત્યારની વાત છે. મારા ઘરે હું, મોટોભાઈ, મમ્મી-પપ્પા અને દાદી એમ રહેતા, ઘરમાં ભાઈ પરણે એવડો મોટો હતો, જ્યારે મારી ઉમર હજી સત્તર વર્ષની હતી. જોવા જઈએ તો ભાઈ મારા કરતાં સાત વર્ષ મોટો હતો. બાપુનો લૂમસનો ધંધો, એટલે ઘરમાં પૈસેટકે અમે લોકો સુખી. એક આદર્શ કુટુંબ તમે કહી શકો. ઘર પણ ખૂબ મોટું હતું. બધા માટે અલગ રૂમ પણ મને એકલા ઊંઘ ન આવે, ડર લાગે એટલે મને બા જોડે સૂવું પડતું.
બા અમારા ૮૦ વર્ષના, સ્વભાવે શાંત, બસ નિરીક્ષણ જ કરતાં રહે. મમ્મી જોડે એટલું બંને નહિ એટલે બને વચ્ચે કાયમ અબોલા જેવુજ હોય, પણ મારી પર એમને ભારોભાર પ્રેમ. ભાઈને બાની કોઇ પળી ન હોય, એ એની મસ્તીમાં રહે, ભાઇનો પોતાનો ઓનલાઈન ધંધો, એ પોતાની એક ઓફિસ ખોલીને ત્યાંથી પોતાનો માલ સપ્લાઈ કર્યા કરે, રાતે ઘણી વાર મોડો જ આવે, પપ્પા પણ એમને બોલાવે પણ એમને ઘર માટે જ સમય ન હોય તો એમને માટે તો અલગ ક્યાંથી હોય, આવું વાતાવરણ છતાં બધા પ્રેમથી રહે, મમ્મી અને બા ક્યારે ઝગડે નહિ, પણ બોલવામાં અંતર રાખે, વાતો બને એટલી બેઉ ઓછી કરે, પણ મમ્મી પણ એમને માન આપે ખરા. એમના ખવાપીવાનું બધુ ધ્યાન રાખે, સમયે સમયે એમને બધુ આપી દે.
મને તો બા એટલે ગમે કે, તેઓ મારી જોડે હોય એટલે વાતો જ કર્યા કરે, ખૂલીને બહાર આવે, મારા માથામાં દર અઠવાડિયે તેલ ચંપી કરી આપે, હું પણ રાતે એમના પીડાતા પગની કાયમ માલિશ કરી આપતી, મારુ બારમું ધોરણ પત્યું અને મેડિકલમાં મને અમદાવાદ હોસ્ટેલમાં મૂકી દેવામાં આવી. હું તો મિત્રો જોડી ભળી ગઈ પણ બા એકલા પડી ગયા હોય તેમ લાગ્યું. હું મહિને કે રજામાં સુરત આવું એટલે તે રાજીના રેડ થઈ જાય. પૂરા મહિનાની જે વાતો સંઘરી રાખેલી હોય, તે મને સંભળાવે. હું કાન બંધ જેવાજ રાખીને વાતો સાંભળ્યા કરતી. વચ્ચે હ, હ, હ, એમ કહ્યા કરતી જેથી તેમને એમ ન લાગે કે હું તેમની વાતથી કંટાળું છું.
દિવાળી બાદ ભાઈના લગ્ન નક્કી થઈ ગયા, સ્વાતિ સાથે, ભાઇનું નામ શેખર અને સ્વાતિ જાણે એકમેક માટે બન્યા હોય તેમ લાગતું હતું. બંને ખૂબ સરસ લાગતાં હતા. બેઉના ઘરને પણ આ રિસ્તા માટે હા હતી. સ્વાતિ ખૂબ હોશિયાર છોકરી હતી. તે પણ ભાઈની જેમ પોતાનું ઓનલાઈન કામ કરતી હતી. તે એક સોફ્ટવેર એન્જિનિયર હતી એટલે સોફ્ટવેર બનાવવાનું કામ ઘરે બેસીને જ કરતી હતી. કંપની તેને ઓર્ડર આપે તે પ્રમાણેના પ્રોગ્રામ તે બનાવી આપતી. આમ તે સારૂ એવું કમાઈ લેતી હતી. મારા પિતા અને તેના પિતા બંને મિત્રો હતા. અવારનવાર સગાઓના પ્રસંગોમાં મળવાનું થતું એટલે બધાને ખબર હતી કે બેઉ પરિવાર ખૂબ સારા છે અને કોઈપણ જાતની તપાસ કરાવ્યા વગર આ લગ્ન કરી શકાય તેમ છે. આખરે સગપણ નક્કી થયું. તેઓ અમારા ઘરે આવ્યા અને સગાઈ થઈ ગઈ. લગ્ન માટે બેઉને ઉતાવળ ન હતી, એટલે એક વર્ષ બાદ લગ્ન લેવાનું વિચારવામાં આવ્યું, હું તો ખૂબ ખુશ હતી કે ભાઈના લગ્નમાં ખૂબ જલસા કરીશ, એક માત્ર નાની બેન હોવ તો બધો વટ મારો જ હતો.
સગાઈ થઈ ગઈ હોવાથી સ્વાતિ મોટાભાગે અમારા ઘરે જ રહેતી, ભાઈ-ભાભી હમેશા ક્યાંય ને ક્યાંય ફરવા જતાં, મને હાશ થઈ કે, સ્વાતિભાભી અવારનવાર આવતા રહે છે તેથી બાને મારી કમી ઓછી સાલસે. સ્વાતિ ખૂબ સારી છોકરી હતી. ઘરમાં બધાનું ધ્યાન રાખતી, બધાની લાડકી થઈ ગઈ હતી. હવે તો એમ લાગતું કે, તે ઘરનો જ હિસ્સો છે. એ ન હોય તો બધા એને બોલાવી લાવતા. એકવાર હું ઘરે આવી હતી. એટલે મમ્મી એ ભાઈને કહ્યું,
“મેઘા આવી છેઃ તો સ્વાતિને પણ લેતો આવ, એટલે આજે સરસ જમણવાર કરીએ.”
ભાઈ ખુશ થઈ ગયો, હું પણ ખુશ થઈ ગઈ, ભાભી સાંજે આવી ગયા. બધા જમ્યા અને હસીહસીને વાતો કરી. પણ બા નારાજ લાગતાં હતા. મને એમ કે સ્વાતિના આવવાથી કદાચ બધાનું ધ્યાન તેમના પર ઓછું જતું લાગે એટલે તે થોડા નારાજ છે. રાતે હું એમને પગ ચંપી કરતાં કરતાં મારા કોલેજની બધી વાતો કરવા લાગી, તેમના મુખ પર ફરી હાસ્ય રેલાયું, એટલે મને રાહત થઈ. તેઓને મારી કોલેજમાં શું થાય છે? તે જાણવામાં ખૂબ મઝા આવતી.
બીજા દિવસે ભાઈ અને ભાભી બે દિવસ બહાર ફરવા ગયા. ભાભીએ વૉટ્સએપ સ્ટેટ્સમાં તેમના ફોટાઑ મૂક્યા, બેઉ ખૂબ સુંદર લાગતાં હતા. ભાભીએ શોર્ટ્સ પહેર્યું હતું. તે ખૂબ જ આકર્ષક લાગી રહ્યા હતા. બાને ફોટા બતાવ્યા તો તેમના ચહેરા પર કોઈ ખુશી દેખાય નહિ, મને થયું કે કોઈક પ્રોબ્લેમ તો છે. પણ બા થોડા રૂડીચૂસ્ત સ્વભાવનાએ ખરા એટલે કદાચ એમને આ બધુ ના ગમ્યું હશે. એમ વિચારી હું પણ કોઈ ચર્ચામાં પડી નહિ. હું ઘરમાં બધાનું ધ્યાન રાખતી, મારા કપડાં ભારતીય પોષક જ રહેતો, મને ખબર હતી કે બા કે પપ્પાને કદાચ ન પણ ગમે. એટલે જીન્સ એવું બધુ કોલેજ સિવાય બીજે કશે પહેરતી નહિ. પણ કોઈ દિવસ કપડાં બાબતે ઘરમાં ચર્ચા થઈ ન હતી.
સ્વાતિ અમારા ઘરનો હિસ્સો બની ગઈ હતી. એવું લાગતું જ નહોતુ કે, લગ્ન હજી બાકી છે. મમ્મીને તો તે ખૂબ ગમતી, મારી તો મિત્ર થઈ ગઈ હતી. પપ્પાની લાડકી અને ભાઈની તો જાન હતી. પણ બા ખબર નહિ કેમ એનાથી અંતર બનાવી રાખતા હતા. એક વર્ષ થવા આવ્યું હતું. બીજી દિવાળી બાદ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. બધી તૈયારીઓ ઉત્તમ રીતે કરવામાં આવી હતી. મમ્મી પપ્પા દ્રારા નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું જે દેખાઈ આવતું હતું. હું ખૂબ જ આકર્ષક તૈયાર થઈ હતી. ઘણા લોકોની મારી પર નજર હતી કે, આ છોકરી પણ ડૉક્ટરી કરે છે. એટલે મને મારા ભાવ વધી ગયા હોય એવો અહેસાસ થતો હતો. આ દિવસે તો હું ખૂબજ રૉફમાં હતી. મારે બાનું પણ ધ્યાન રાખવાનું હતું. એટલે લગ્ન મંડપમાં માયરાની એકદમ સામે હું અને બા એક સોફા પર બેઠા હતા. બધાએ બા લગ્ન જોઈ શકે એટલા માટે જ તેમને ત્યાં બેસાડ્યા હતા. હું એમની બાજુમાં જ બેઠી હતી.
લગ્નવિધિ શરૂ થઈ, ભાભી મંડપમાં આવ્યા, આકર્ષક લાગતાં હતા. બધાની નજર ભાભી પર જ ટકેલી હતી. તેઓ એટલા સુંદર દેખાતા હતા કે, મને થયું કોંકની નજર ન લાગી જાય. હસ્તમેળાપનો સમય થયો, ગોરમહારજએ ભાઇનો હાથ અને ભાભીનો હાથ લઈ બાંધ્યો અને મંત્રો ઉચ્ચાર કરવા લાગ્યા, ત્યાં જ બા કશું બબળ્યા. મને કશું સંભાળ્યું નહિ એટલે મે તેમની તરફ જોયું અને પૂછ્યું, “શું?”
તેમણે કહ્યું, “શું આ પ્રથમ સ્પર્શ હશે?”
મને નવાઈ લાગી બા આમ કેમ પૂછતાં હશે. પણ એ વખતના શોરગુલમાં હું કોઈ જવાબ આપી ન શકી, તેમનો આ સવાલ મને અજુગતો લાગ્યો, એટલે મે જવાબ આપવાનું પણ ટાળ્યું. લગ્ન એકદમ ભવ્ય રીતે પૂરા થાય, આખરે ભાભી કાયમને માટે અમારા ઘરે આવી ગયા. અમે બધા ખૂબ ખુશ હતા. થોડા દિવસમાં બધી વિધિઓ પતિ ગઈ, ભાઈ અને ભાભી હનીમૂન માટે ગોવા જતાં રહ્યા. આવેલા મહેમાનો પણ હવે જતાં રહ્યા. ફરી ઘર ખાલી પડ્યું, મમ્મી અને પપ્પા કોઈક કામથી બહાર ગયા હતા. હું અને બા એકલા પડ્યા. બા મારા માથામાં ચંપી કરી રહ્યા હતા. અમે બેઉ જાતજાતની વાતો કરતાં હતા. ત્યાં મને હસ્તમેળાપ વખતની વાત યાદ આવી. હમણાં તો ઘરમાં કોઈ નહોતું એટલે બાને પૂછ્યું, “બા તમે હસ્તમેળાપ વખતે શું કહેતા હતા?”
“એજ કે, શું તે બેઉનો પહેલો સ્પર્શ હશે?”
“બા, ના જ હોય ને, તમને ખબર તો છે, ભાભી વર્ષથી તો અહીજ રહેતા હતા.”
“તો પણ શું તેમણે મર્યાદા જાળવી હશે?”
“હવે તો આ બધુ ચાલે, હવે તો લોકો લગ્ન પહેલા લિવઇન રિલેશનમાં પણ રહે છે.”
“એટલે?” બા શૂન્યમસ્ક બનીને મારી તરફ તાકી રહ્યા.
“એટલે એમ, લગ્ન વિના એકબીજા સાથે રહેવાનું એક બે વર્ષ, બધા જ સબંધો પતિ પત્ની જેવા રાખવાના અને જો ન ફાવે તો છૂટા પાડવાનું.”
“આવું કાઇ થાતું હોય?” બા પોતાનો હાથ મોઢા પર મૂકતાં બોલ્યા,
“બા જમાનો બદલાઈ ગયો છે, હજુ તો ઘણું નવું નવું સબંધોમાં આવી ગયું છે, જે હું તમને કહી શકું તેમ નથી.”
બા થોડા મુંઝાયેલા લાગ્યાં, મે તેમનો હાથ પકડતા કહ્યું, “બા, એક વાત પૂછું?”
“બોલ.”
“તમને સ્વાતિ નથી ગમતી ને?”
“ના એવું નથી.”
“તો તમે એને જોઈ ખુશ કેમ નથી થતાં.”
“ એની પાછળનું એક કારણ છે. તે તને આજે કહું છું તું કોઈને કહેતી નહિ, આપણી બે વચ્ચે જ રહેશે.”
“ભગવાનના સમ બસ, નહીં કહું.”
તેમણે વાતની શરૂઆત કરી,
“તને યાદ છે, મે હસ્તમેળાપ વખતે તને પૂછ્યું હતું કે, શું આ તેમનો પ્રથમ સ્પર્શ હશે?”
મે હકારમાં માથું હલાવ્યું, મને એમની વાતમાં વધારે રસ પાડવાનો છે એ મને સમજાઈ ગયું એટલે હું એમની તરફ ફરીને એમના તરફ તાકી રહી. તેમણે ફરી શરૂઆત કરી,
“હું જ્યારે પંદર વર્ષની હતી. ત્યારે તારા દાદા સાથે નક્કી થયું હતું. તેઓ કદાચ વીસેક વર્ષના હશે. મને જોવા તેઓ આવ્યા ન હતા. તે સમયે છોકરો છોકરી એકબીજાનું મોહ જોતાં નહિ, જ્યાં સુધી લગ્ન ન થઈ જાય. તેમના બા, ફોઇ, કાકી, અને મામી એમ જોવા આવ્યા હતા. આમ તેમની સાથે મારી સગાઈ થઈ ગઈ, મને તેમનું નામ પણ ખબર નહોતું. અમારા ઘડિયા લગ્ન લેવાયા, હું માથેથી નીચે સુધી ઘરજોડું પહેરીને સજ્જ હતી. માથું આખું ઢાંકેલું હતું. તે સમયે કોઈ મને દેખાતું ન હતું, કેમકે નીચે સુધી ઘૂંઘટો ઓઢેલો હતો. હું બીજી સ્ત્રીઓના સહારે આગળ વધી રહી હતી. તેમની સામે મને બેસાડવામાં આવી, હસ્તમેળાપનો સમય થતાં મારો હાથ તેમના હાથમાં આપવામાં આવ્યો, ‘તે અમારો પહેલો સ્પર્શ હતો,’ મારી ધડકનો તેજ થઈ ગઈ, ભલે અમે એકબીજાને જોઈ શકતા ન હતા. પણ બે હાથ જોડાવથી અમે એકબીજાને મહેસૂસ કરી શકતા હતા. પૂરા સમાજની સામે એ અમારો જિંદગીનો પહેલો સ્પર્શ હતો. મને એમની ધડકનો એ હાથના સ્પર્શ માત્રથી મહેસૂસ થતી હતી. તેવીજ રીતે એમને પણ એમજ થતું હતું. જાણે એ સ્પર્શે અમારા ભવેભવ ઉન્માદ કરી નાખ્યા હતા.”
તેમની વાત સાચી હતી. આ મેળાપની મઝા તો લગ્નબાદ જ હોવી જોઈએ, બધુ જ પતિ ગયા બાદ લગ્નની મઝા જ શું? હું પોતે તેમના પ્રથમ સ્પર્શની વાતથી રોમાંચિત હતી. તો આ બધુ તો તેમણે જાતે અનુભવ્યું હતું, તો તે કેટલો અદભૂત અનુભવ હશે.
“તો તમે બેઉ એકબીજાને તે દિવસે મળ્યા હશો નહિ ?”
“હોય વળી! પંદર દિવસ તો ઘરે મહેમાન હતા. ત્યાં સુધી અલગ જ રહ્યા, બધી વિધિઓ પતિ, પછી સાથે રહેવાનો વારો આવ્યો, તેમને મે પંદર દિવસ પછી જોયા, તેપણ દિવાના આછા પ્રકાશમાં. મને જોઈ તે ઘેલા થઈ ગયા હતા. અમારા વખતમાં ઢાકપિછોડી એટલે મર્યાદા, હમણાં લોકો કહે છે કે, અમે જૂના રિતરીવાજોમાં માનતા નથી. હું પણ ઈચ્છું છું કે, તમે લોકો નવા રીતભાત અપનાવો પણ મને ક્યારેક આ બધા સવાલો કોરી ખાય છે. જે સમાજની વ્યવસ્થાને તમે લોકો ઘોળીને પી ગયા છો. આજે તારી ભાભી જો, ખૂબ ટુંકા ટુંકા કપડામાં ભાઈ સાથે લગ્ન પહેલા જ બહાર રાતવાસો કરે છે. હવે એ બે વચ્ચે લગ્નબાદ શું નવું રહ્યું હોય? અમારા સમયમાં સ્ત્રીને કે પુરુષને ફક્ત રાતના અંધારામાં મહેસૂસ કરી શકાતું, અને એ અહેસાસ જ જીવનભર સાથે રહેવાની જિજ્ઞાસાને ટકાવી રાખતો. સ્ત્રી ઉપરથી નીચે સુધી ઢંકાયેલી રહેતી તો પર પુરુષની નજર ન પડતી અને પોતાનો પુરુષ હમેશા પોતાની સ્ત્રીને જાણવાની જીજ્ઞાસામાં જીવતો. તે સમાજનો માનમોભો જાળવતો.
“આજે યુવાનો એમ માને છે કે, તેમને બધીજ ખબર છે. લગ્ન સમાજ સામે કરવાના બદલે કોર્ટ મેરેજ કરી લેતા હોય છે. આ લગ્ન કોઈ સમજમાં દબદબો દેખાડવા માટે નથી કરવામાં આવતા. સમાજની સામે થયેલા લગ્ન એક આદર્શ રૂપ છે. જેણે સમાજની સામે લગ્ન કર્યા હોય, તે વ્યક્તિ પોતાની પત્ની કે પતિને જીદંગીના મજદારે છોડી દેતા ડરે, લોકો એને સાથ આપે, આમ આ રિવાજો અમસ્તા થોડી બન્યા છે. એનો કોઈને કોઈ અર્થ અંદર છૂપાયેલો છે. લગ્નના મેળાવડામાં ન કરવા જોઈએ એમ આજનો સમાજ કહે છે. પણ તે સમયે આ ફોનના ડબલા નહોતા. જેથી લોકો આવા સમયે જ મળતા અને આવા મેળાવડામાં જ ખબર પડતી કે પેલાની છોકરી આટલી મોટી થઈ ગઈ, કોક છોકરો હોય તો કહેજો, વિગેરે. જે રૂબરૂ મળવામાં મઝા હતી. તે હવે ફોનમાં કયા છે?”
બાની વાતે મારુ મગજ ચકરાવે ચઢાવી દીધું, કેમકે અત્યાર સુધી હું પણ રૂઢીચુસ્ત સમાજથી ભાગતી હતી. પણ એના અંદરનું રહસ્ય જાણતી ન હતી. બાની વાતો અમુક હદે સાચી પણ હતી. કે સમાજથી જ આપનું ઘડતર થાય છે. એને પાછળ મૂકીને તમે આગળ ન જઇ શકો. અને આગળ વધી પણ ગયા તોપણ એકલતા તમને કોરી તો ખાશેજ. સ્ત્રીનું એમણે વર્ણવેલું રૂપ મે ક્યારેય વિચાર્યું નહોતું, એમની વાત સાચી હતી કે ખોટી તે હું નથી જાણતી પણ એ જે રહસ્ય લગ્નજીવનમાં જાળવવું જોઈએ તે વાત મને અનહદ અકર્ષતી હતી. ખરેખર જો જીવનની અદભૂત ક્ષણો માણવી હોય તો એકબીજાને જાણવા માણવા રાહ તો જોવી જ જોઈએ.
“બા તો તમને સ્વાતિ સાથે શું વાંધો છે”?’
“મને શું વાંધો હોવાનો? આતો મારા મગજમાં સવાલો ચાલ્યા કરતાં હતા, એટલે એ સામે હોય તો હું નર્વસ થઈ જતી. આજે તારી જોડે બધી વાત કરી લીધી એટલે હવે હળવાશ થઈ ગઈ. બસ તું જેની સાથે લગ્ન કરે લગ્ન પહેલા તારી મર્યાદા જાળવી રાખજે, જેથી આ લગ્ન સમયે જે પ્રથમ સ્પર્શ થશે તેને તું સમજી શકીશ. “
મને શરમ આવી ગઈ, “હા બા, તમે જ મારો હસ્તમેળાપ કરાવજો”
બા હસતાં હસતાં મારા માથે હાથ ફેરવવા લાગ્યા.