-:ગુજ્જુ મેક્સીકન સલાડ:-
રસોઇમાં નવીનતા ભાગ-૨ – વાનગી બનાવનાર તથા લખનાર – તપન ઓઝા. મારી આગળની વાનગી તમે બનાવી અને માણી હશે તે કેવી લાગી તેનો અભિપ્રાય તમોએ આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. આજે એક નવી વાનગી લઇને આવી રહ્યો છું. બનાવવામાં સરળ અને ખુબ જ ગુણકારી.
રસોડામાં રોજેરોજની વાનગીઓ તો દરેક ગૃહિણી બનાવતી હોય છે. પરંતું જો આ જ વાનગીઓમાં થોડીક નવીનતા લાવવામાં આવે તો જમવામાં નવીનતા લાગે અને ખાવું પણ ગમે. આજે હું આપની સમક્ષ એક નવી વાનગી લઇને આવ્યો છું. બનાવવામાં સરળ, શાકાહારી અને ઓછી વસ્તુઓના વપરાશથી ઝડપથી વાનગી બનાવી શકાશે.
આજની વાનગીનું નામ છે “ગુજ્જુ મેક્સીકન સલાડ”. આ વાનગી બનાવવા માટે બહુ સમય લાગતો નથી. માત્ર અડધો કલાકમાં વાનગી બનાવી શકાય છે. અને ઓછી વસ્તુઓના ઉપયોગથી સારી, સ્વાદિષ્ટ, ગુણકારી,પૌષ્ટીક અને નવીનતમ વાનગી આરોગી શકાય છે. આ ઝડપી અને સરળ વાનગી બનાવવા માટે જરૂરી સામગ્રીઓનું લીસ્ટ નીચે જણાવ્યા મુજબનું છે. આ વાનગી બનાવવા માટેની જરૂરી વસ્તુઓ આ મુજબ છે.
(૧) ગાજર, (૨) ટમેટા, (૩) સિમલા મરચા, (૪) બીટ, (૫) મકાઇના દાણા(બાફ્યા વગરના), (૬) વટાણા (ફ્રોઝન હોય તો સારા), (૭) કાચા શીંગદાણા/કાળાચણા/છોલેચણા, (૮) ઘી/બટર, (૯) મીઠું, (૧૦) ઓરેગાનો, (૧૧) સોયાસોસ, (૧૨) છીણેલુ ચીઝ.
બનાવવાની રીતઃ-
સૌપ્રથમ ગાજર, ટમેટા, સિમલા મરચા, બીટને સમારવા અને નાના-નાના ટુકડા કરી રાખવા. ત્યારબાદ આ સમારેલા ટુકડાને એક વાસણમાં લઇ તેમાં મકાઇના દાણા(બાફ્યા વગરના), (૬) વટાણા ઉમેરવા ત્યારબાદ તેમાં ડુબે તેટલું પાણી રેડી થોડું મીઠું નાંખી તેને ૨-૩ મિનિટ સુધી ગરમ કરવા (બાફવા કે ઉકાળવા નહી). તે ઠંડા થાય ત્યાં સુધીમાં કાચા શીંગદાણા/ કાળાચણા/છોલેચણાને કૂકરમાં બાફવા.
ત્યારબાદ એક નોનસ્ટીક પેન/વાસણ/કઢાઇમાં થોડું ઘી અથવા બટર નાંખી તેને ગરમ થવા દેવું. બટર અથવા ઘી પેનમાં વ્યવસ્થિત ગરમ થઇ જાય પછી તેમાં સમારેલા ગાજર, ટમેટા, સિમલા મરચા, બીટ, મકાઇના દાણા, વટાણાનું મિશ્રણ ઉમેરી ગરમ કરવા. વટાણાને દબાવીને જોવા, જો તે દબાવતા સરળતાથી દબાઇ જાય એટલે તેમાં બાફેલા કાચા શીંગદાણા/ કાળાચણા/છોલેચણાને પેનમાં લઇ ગરમ થવા દેવા. ત્યારબાદ તેમાં જરૂર પૂરતું મીઠું અને સોયાસોસ નાંખી ગરમ કરવું. પેનમાં સલાડ ચોંટીને બળી ન જાય તે માટે તેને હલાવતા રહેવું. બધુ જ મિશ્રણ કર્યા બાદ તેને પેનમાં ૪-૫ મિનિટ સુધી ગરમ થવા દેવું. ત્યારબાદ આ સલાડમાં જરૂર પૂરતો ઓરેગાનો નાંખી તેને એક મિનિટ સુધી ગરમ થવા દેવું અને હલાવતા રહેવું.
ત્યારબાદ આ સલાડને એક બાઉલમાં કાઢી તેના પર ચીઝનું છીણ પાથરવું અને પીરસી દેવું. બસ, બની ગયું તમારૂ ગુજ્જુ મેક્સીકન સલાડ...!
આ સલાડ ઓરેગાનો તથા સોયાસોસ નાંખ્યા વગર પણ બનાવી શકાય. ઉપર આપેલ રેસીપી ડુંગળી તથા લસણ ન ખાનારાઓ માટે છે. જેઓ ડુંગળી તથા લસણ ખાય છે તેઓ ઓરેગાનો અને સોયાસોસ ઉમેર્યા પહેલા સમારેલી ડુંગળી અને લસણની કાચી સમારેલી કળી ઉમેરી આ વાનગી બનાવી શકે છે. ડુંગળી તથા લસણ ઉમેર્યા બાદ તેમાં ઓરેગાનો અને સોયાસોસ ઉમેરી થોડો સમય ગરમ થવા દેવું અને ત્યારબાદ બાઉલમાં કાઢી તેના પર ચીઝનું છીણ પાથરી પીરસી શકાય. સોયાસોસની જગ્યાએ ટોમેટો સોસ પણ વાપરી શકાય. વધુ વેરાયટી લાવવા તેમાં બાફેલા અથવા પલાળેલા કે ફળગાવેલા મગ પણ ઉમેરી શકાય. એક બાઉલ ભરીને આ સલાડ ખાઇએ તો એક થાળી ભોજન જેટલું જમ્યા બરાબર ગણાય. સ્વાદિષ્ટ, નવીનતમ, ગુણકારી, પૌષ્ટીક અને બનાવવામાં ઝડપી અને સરળ.
મારી આ રેસિપી ઘરે બનાવજો અને બનાવ્યા પછી રેસિપી કેવી લાગી તેનો રિવ્યુ કમેન્ટ સેક્શનમાં જરૂરથી આપજો.