પુરુષને એના જીવનમાં મા-બાપ, પરિવારજનો, ઘરનો માહોલ અને નસીબની ચાલ બધું એક જ વાર મળે છે જન્મની સાથે. પછી નથી બદલી શકાતા મા-બાપ કે નથી બદલી શકાતું પરિવાર. સ્ત્રી સુપર લકી છે. તેને બીજા મા - બાપ અને બ્રાન્ડ ન્યુ નસીબ મળે છે. સ્ત્રીને અનલકી, અબળા કે ઓછી આંકવી એ થઈ સિક્કાની એક બાજુ અને બીજી બાજુ એટલે એક જીવન પર બીજું જીવન ફ્રી મેળવવાની ગ્રેટ ઓફર. એટલે જ ઈશ્વર જાણે સ્ત્રીને આશીર્વાદ આપે છે. ‘દીકરી, પેલા પુરુષને તો જીવન બદલવાનો મોકો નહીં દઉં, પણ તને આપું છું. કે જેથી પારકી થાપણમાંથી તું ગૃહલક્ષ્મી થા. ભલે પુરુષનાં ખાનદાનને એનું નામ મળે. પણ એની ઓળખ તો સ્ત્રીના ગુણ અને સંસ્કારથી જ બને છે, એ અફર-નક્કર છે. એની દિશા બદલાશે નહિ.
છેલ્લા દાયકાઓમાં વૈચારિક (અને ઔદ્યોગિક) ક્રાંતિઓ આવી. એમાં બિનસાંપ્રદાયિકતા, રાજધૂરા પર લગામ, ધાર્મિક કે બીજી માન્યતાઓ ધરાવવાનો હક્ક, જીવનનો અને સ્વયમ્ની સુખાકારીની પ્રવૃત્તિઓનો હક્ક વગેરે મુખ્ય બની રહ્યા. જે સમગ્ર સમાજને આવરી લે છે એટલે આ હક્કો અને લાભો સ્ત્રીઓને મોડા પણ મળતા થયા છે. આ મૂલ્યોના પાયા પર નારીમુક્તિ, સ્ત્રીકેળવણી, અન્યાય સામે રક્ષણ, પ્રસુતા અને બાળકીઓના આરોગ્ય અને સ્ત્રી-પુરુષ વચ્ચે અભેદતા એ મુખ્ય છે.
કચ્છના સમાજજીવનમા હજારો વર્ષ દરમિયાન જે માનવીય સંસ્કૃતિઓ ઉભી થઈ તેમાં જે જે સામાજિક ઢાળ રચાયા એ ભવ્ય અને અદ્ભુત છે જ પણ એ જીવનના પાસાના કોઈ પણ શિખર જુઓ, કલા, વિજ્ઞાન, ટેકનોલોજી, સમાજકારણ અને રાજકારણ, આરોગ્ય, શિક્ષણ અને ન્યાય પ્રથા, વૈચારિક અને આધ્યાત્મિક ક્રાંતિઓ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં નારી વૃંદના પદાર્પણ મંગળમય પણ મળશે.
“પળમાં કીધો પીર” કોને? એવો એક ડાકુ કે જેણે ખૂન મારકાટ સિવાય બીજું કાંઈ ન કર્યું હોય, તે જેસલ ડાકુને સતી તોરલ થોડી વારમાં સાધુ ચારિત્ર્યવાન બનાવી દીધું હોય, તેવી તાકાતવારી છે કચ્છની નારીઓ.
“મારે અજાણ રહેવું છે કારણકે મને પુરુષોનો ભરોસો નથી” એટલે કે અપ્સરા જેવી હોથલ પદમણી કે જેણે પોતાના સૌંદર્યને બદલે ચારિત્ર્યને જીવનમંત્ર બનાવ્યું હોય અને પ્રાણપ્યારા પતિને છોડીને ત્યાગની મીશાલ ખડી કરી હોય.
કંસે તો દેવકીના તરત જન્મેલા છ પુત્રોને મારી નાખ્યા હતા, પણ કચ્છની દેવકીએ તો રાજકુંવરની રક્ષા ખાતર જામ રાવળની તલવાર વડે નજરની સામે છ દીકરાઓના અકાળ મૃત્યુ જોયા હોય તે અને એક અશ્રુ પણ સાર્યું હોય એવી છે- કચ્છી નારીની વીરતા.
કચ્છની લોકવરણીની નારીઓના આંગણમાં ભલે આર્થિક સમૃદ્ધિ આળોટતી ન હોય, તેમ છતાં એમના ઘરઆંગણાં, પશુ શણગારો, પંડના પહેરવેશ, કળા - સંસ્કૃતિ અને સંસ્કારથી સદાય ધબકતા રહ્યા છે. જેમના નસીબમાં સદાય વનમાં જ વિહરવાનું વિધાતાએ લખ્યું છે, છતાંય જીવનને આ કચ્છી સન્નારીઓએ લીલુંછમ અને રસપ્રદ બનાવવામાં કોઈ કસર છોડી નથી. ગ્રામજીવનના વસવાયા, ઉજળા અને કાટિયાવરણમાં પણ ‘દીકરીના કરિયાવર અને ઘરની શોભા માટે કટાવની કામગીરી થતી રહી છે.
આ કચ્છી બાઈઓ નવરાશની પળોમાં એવું ગુથણ કામ કરીને આપે છે કે જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ધૂમ મચાવે છે. કેટલાય વિદેશી સહેલાણીઓ કચ્છમાં આવીને અચંબિત થઈ જાય છે કે, “માઈલો દૂરથી પીવા માટે પાણી ભરવા જવાનું છે, છાણ વાસીદા કરવાના છે અને ઘરનું રાચ- રચીલું ન ખોરવાય એ રીતે અદભુત કળાનો વિકાસ કેવી રીતે કરી જાય છે- આ કચ્છની મુમલ. આનાથી સારું મેનેજમેન્ટ કોણ કરી શકે? સાહેબ!! કચ્છી બાઈને આવા નાના-મોટા અનેક કામોમાં કોઈ જ સિક્સ સિગ્મા મોડેલ શીખવાની જરૂર પણ પડતી નથી. ઘણી એવી બાબતો છે જે કચ્છની નારીને શ્રેષ્ઠથી શ્રેષ્ઠતમ બનાવે છે.
મહિલા વિશે લેખનકાર્ય કરવામાં હમેશાં, તેના વિષે અદ્રશ્ય ખેંચાણ અને સંવેદના સ્મૃતિપટમાં બરકરાર બની જાય છે. તેમાં પણ જ્યારે કચ્છની ધારદાર, પાણીદાર નારીની વાત ઉલેચવાની થાય ત્યારે કિસ્સાઓ રોહહર્ષક બની જાય. ઇતિહાસના પન્નાઓ સાક્ષી છ - જેમાં નારીની ખુમારી, તેજસ્વિતા, ગંભીરતા, ઓજસ્વિતા મળી આવે છે. રસોડાની મહારાણી હોય કે કમિશનર; નારીએ દરેક વર્ગને શોભાયમાન બનાવ્યું છે. એટ્લે જ કચ્છના જ કોઇ ખૂણે બનેલા નારીના અલૌકિક કિસ્સાઓ અને તેમના વ્યક્તિત્વદર્શન વાંચનપ્રિય વર્ગ માટે અનેક દ્રષ્ટાંતો ખડા કરશે.
કૉલમ- "પાંજી બાઈયું"
પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર કચ્છ એડિશન
તારીખ: 26/05/2020