બાઇક પર ચાલુ વરસાદમાં નીતિનના આંસુ કોઈ દેખી શકે એમ તો નહતું. પણ એના હૃદય પર જે ભાર હતો જે તકલીફ હતી એ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એ ઘરે પહોંચ્યો પણ એને એ વાતનો ખ્યાલ જ ન રહ્યો. ક્યાંય સુધી ઘરની બહાર બાઇક પર બેસી રહ્યો. થોડીવારમાં જ્યારે નીતિનના પિતા બહાર આવ્યા ત્યારે એ બોલ્યા, "આવી ગયો બેટા! ચાલ ચાલ અંદર આવી જા, નહિતર શરદી લાગી જશે." નીતિન ખ્યાલોની દુનિયામાંથી બહાર આવ્યો, બાઇક લોક કરી. અને પોતાના પિતાને જોઈને ઘરની ઓસરીમાં ગયો. એના પિતા હજુ એમ જ સમજતા હતા કે નીતિન હાલ જ આવ્યો છે. એમણે રોજિંદા સમય અનુસાર પહેલેથી જ પાણી ગરમ કરી રાખ્યું હતું. એટલે નીતિનને ભીના કપડે જ બાથરૂમમાં મોકલ્યો. નીતિને આજ કરતા બાથરૂમમાં ખૂબ વધુ સમય લગાવ્યો એટલે એમને ચિંતા થઈ. અને જઈને બાથરૂમનો દરવાજો ખખડાવ્યો.
"બેટા તારી તબિયત તો ઠીક છે ને?"
"હા પપ્પા બસ વરસાદ અને કાદવને કારણે થોડોક વધુ ગંદો થયો છું, હમણાં આવું," પપ્પાને શાંતિ પહોંચાડવા બોલાયેલા એના પ્રયત્નપૂર્વકના શબ્દો એના પપ્પા સમજી ચુક્યા હતા. સાથે-સાથે એ પણ નોંધ લઈ લીધી કે આટલા વરસાદમાં પલળીને આવેલ એમનો દીકરો ગરમ પાણી હોવા છતાં ઠંડા પાણીના ફુવારામાં ઉભો હતો એનો સ્પષ્ટ મતલબ હતો કે આજે એ જરૂર કરતાં વધુ પરેશાન છે. કઈક તો એવું થયું છે કે આજે એને બહુ વધુ તકલીફ થઈ છે.
થોડીવારમાં નીતિન બહાર આવ્યો. એના પપ્પા રસોડામાં એની માટે આદુની ચા બનાવી રહ્યા હતા,
"નાહી લીધું બેટા, લે ચા પી લે."
"પપ્પા તમે કેમ બનાવો છો આ બધું? હું જાતે કરી લેત."
"બેટા હવે તને શું હું એટલો પણ સક્ષમ નથી લાગતો? કે હું આ બધી કામગીરી કરી શકું?"
"ના પપ્પા એમ નહિ"
"તો આ ચા પી, મને કહે તો જરા હું હજુ પણ પહેલા જેવી બનાવું છું કે કેમ?"
નીતિને ચાનો કપ હાથમાં પકડ્યો અને અચાનક રિધિમાં સાથેની ચાર રસ્તા પર પીધેલી ચા યાદ આવતા કપ પાછો રસોડા પર મૂકી એનો ફોન શોધવા લાગ્યો.
"પપ્પા મારો ફોન જોયો?"
"હા તું આવ્યો ત્યારે બધો તારો સામાન મેં અલગ કરી આ ત્રિપોઈ પર મૂકી દીધો, તું જોઈ લે તારો ફોન ક્યાંક ખરાબ ન થઈ ગયો હોય!"
નીતિને ફોન હાથમાં લીધો, એ સ્વીચઓફ હતો. એને ઓન કરવા માટેના પ્રયત્નો એણે શરૂ કર્યા. નોકિયા 6600 નો એનો ફોન આમ તો પછડાય તો કઈ થાય નહિ, પણ આજે પલળ્યો હતો એટલે જોવુ પડે એમ હતું. એને ફોનની બેટરી કાઢી, સાફ કર્યો ત્યારબાદ હેરડ્રાયરથી ફોન સુકવી એને ચાર્જ કરવામાં લાગી ગયો. એની આ બધી મથામણ એના પપ્પા જોઈ રહ્યા હતા. એટલે છેવટે 10 મિનિટની એની માથાકુટ જોઈ એમણે જ કહ્યું, "બેટા કોઈ અગત્યનો ફોન કરવો હોય તો મારા ફોનથી કરી લે!"
"ના પપ્પા એમનો નંબર તમારા ફોન કે મારી કોઈ લિસ્ટમાં નથી એટલે." સામે જોયા વગર જ ફોન ચાર્જમાંથી કાઢતા એણે કહ્યું.
"યસ" એને ફોન ચાલુ થતા એકાએક ઘણી બધી ખુશી એકસાથે મળી ગઈ. તરત કોન્ટેક્ટ લિસ્ટ કાઢ્યું અને એક નંબર ડાયલ કર્યો. અને સામેથી જેવો "હેલો" નો અવાજ આવ્યો કે તરત નીતિનના ધબકારા વધી ગયા. આ બધું જ એના પપ્પા નોંધી રહ્યા હતા.
"હેલો, મિ. પરમાર"
"હા જી"
"હું તમારી દિકરી રિધિમાંનો બોસ નીતિન બોલું છું, એક્ચ્યુલી વરસાદ વધુ હતો તો હું ફક્ત અપડેટ લેવા માટે બધા એમ્પ્લોઈને ફોન કરી કનફોર્મ કરી રહ્યો છું કે તેઓ ઘરે પહોંચ્યા છે કે નહીં!"
"ઓહ ઓકે"
"તો આઈ હોપ કે મિસ. રિધિમાં ઘરે પહોંચી ગયા હશે."
"ના સર હજુ એ ઘરે નથી આવી."
"હજુ સુધી નથી આવ્યા!" એના માથા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ આવી. એ હજુ આગળ કઈ બોલવા જાય એ પહેલાં પોતાની જાત પર કાબુ કરી એટલું બોલી શક્યો, "ઓકે તો જ્યારે એ આવી જાય તો મને આ નંબર પર ઇન્ફોર્મ કરજો"
"ઓકે સર"
ફોન કટ કરી ખિસ્સામાં મુક્યો પણ નીતિનનું મગજ ચકરાવે ચઢ્યું, "જ્યાં રિધિમાંને મૂકી હતી, ત્યાંથી એનું ઘર માંડ 15 મિનિટના અંતરે થાય છે. એ હજુ ઘરે કેમ નથી પહોંચી? એ પછી 40 મિનિટ થયા બીજા. ક્યાં રહી ગયા હશે? મારે જ એમને મુકવાની જરૂર હતી ઘરે. મને સારી રીતે ખબર છે કે એ એવી પરિસ્થિતિમાં જ નહતા કે કઈ સમજી શકે તેમ છતા મેં આવું કેમ કર્યું?" એણે બન્ને હાથ પોતાના માથા પર મૂક્યા, અને જોરથી માંથું દબાવ્યું. પોતાના પર જ આવેલ ગુસ્સો એની માટે કાબુ કરવો મુશ્કેલ હતો. ત્યારબાદ એકાએક ખુરશી પરથી ઉભો થઇ એની બાઇકની ચાવી શોધવા લાગ્યો. એને ડ્રોવરમાં ચાવી મળી કે સીધો એના પપ્પાને કઇ પણ કીધાં વગર બહાર નીકળવા લાગ્યો.
"બેટા ક્યાં જાય છે? વરસાદ તો જો બહાર......" અત્યાર સુધી એની આ બધી પ્રક્રિયાનો એક મુક પ્રેક્ષક તરીકે ભાગ ભજવનાર એના પિતાથી ન રહેવાતા હવે બોલી ગયા.
"પપ્પા મારે હાલ જવું પડશે" થોડી અટકી થોથવતી જીભે "એક એમ્પ્લોઈ હજુ એમના ઘરે નથી પહોંચ્યા."
"અરે બેટા વરસાદ જો, તું કઈ રીતે તારા એ એમ્પ્લોઈને મદદ કરી શકીશ આવા વરસાદમાં" આટલી વાત કરતા તો એમણે નીતિનના હાથમાંથી બાઇકની ચાવી લઈ લીધી. "કીધું ને હું તને હાલ ક્યાંય નહીં જવા દઉં."
એ બંને વચ્ચે આ ઘમાસાન વધુ ચાલત પણ એટલી વારમાં નીતિનનો ફોન રણક્યો, નીતિને ખિસ્સામાંથી ફોન નીકાળ્યો. એ રિધિમાંના પપ્પાનો હતો. નીતિને ફોન પર એમનો નંબર ફ્લેશ થતો જોઈ ફટાફટ ફોન ઉપાડ્યો.
"હેલો નીતિન સર"
"હા જી"
"સર રિધિમાં આવી ગઈ છે, એને રીક્ષા મળવામાં તકલીફ થઈ એટલે મોડી આવી."
"ઓકે થેન્ક યું"
નીતિનને થોડી શાંતિ વળી અને એ ઘરની અંદર જઈ બેડ પર બેસી ગયો. એના પપ્પાની સામે જોવાનું એણે ટાળ્યું. એમના કોઈપણ પ્રશ્નનો જવાબ નહતો એની પાસે. પણ એના પિતા મગનભાઈ પણ જમાનના ખાધેલ માણસ હતા. ઘણુંબધું ન કહેવા છતાં એ સમજી ગયા હતા. દિકરાને અણધારી પરિસ્થિતિમાં ન મુકવા માટે એમણે કઈ પણ પૂછવા ટાળ્યું.
બીજી બાજુ રિધિમાંના ઘરે.
રિધિમાં ઘરે પહોંચી પણ એના મનમાં નીતિનની વાતો વિશે એક યુદ્ધ ચાલી રહ્યું હતું. ઘરે પહોંચી એણે ફ્રેશ થઈ સીધી મમ્મી પાસે પહોંચી.
"આવી ગઈ મારી દિકરી" રિધિમાંની મમ્મી એને જમવા માટે થાળી પરોસતા કહ્યું.
"જો આજ તો મે બટાકાપૌઆ બનાવ્યા છે. જે રીતે તને ભાવે છે એમ. ડુંગળી અને ટામેટા અલગથી."
"લાવ"
રિધિમાં ખાધું ન ખાધુંને ઉભી થઇ ગઇ. આ વખતે એને પોતાના મનમાં ચાલતી કોઈ જ વાત મમ્મીને ન ખબર પડવા દીધી. ન તો કોઈ લાગણી બતાવી. હાલ પૂરતું આ બધું જ પોતાના મનમાં સમાવવું હતું. હજુ સુધી એને નીતિને કહેલી વાતો પર ભરોસો નહતો. એમ કહેવું યોગ્ય રહેશે કે એને કરવો નહતો. કોઈ આંસુ, કોઈ લાગણી એના મનને આ વાત સાચી છે કે ખોટી એ સમજાવી શકે એમ નહતી. એણે નક્કી કર્યું કે કોઈ પણ બાબત માટે વિચારવું નથી. જો ગણપતિ બાપા અહીં સુધી લાવ્યા છે તો આગળ પણ એ જ રસ્તો બતાવશે. ખબર નહિ દરેક પરિસ્થિતિમાં પરેશાન થતી રિધિમાંને આ વખતે કયું આત્મબળ મજબૂતાઈ પૂરું પાડી રહ્યું છે પણ એણે આ બધું એના બેસ્ટફ્રેન્ડ પર છોડી મૂક્યું.
રિધિમાંની રોજિંદી કામગીરીમાં કોઈ બદલાવ આવ્યો નહિ. એ કોલેજ અને ઓફિસ બંને જગ્યા પર પોતાના અંદર ચાલતા યુદ્ધ વિશે અણસાર સુદ્ધા ન આવવા દીધો. ક્યારેક નીતિન અને રિધિમાં સામસામે આવી જાય તો નીતિન એનો રસ્તો બદલી લેવા લાગ્યો. હાલ પૂરતી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે નીતિનને લાગવા લાગ્યું કે "એણે રિધિમાંને દગો આપ્યો છે. પહેલા પોતાની નજીક આવવા માટે મજબૂર કરી અને હવે એને પોતાનાથી દુર કરી રહ્યો છે." બસ એ આવા વિચારોને કારણે રિધિમાં સાથે નજર મિલાવી શક્તો નહતો.
રિધિમાં વિચારવા લાગતી કે "એણે જ કદાચ નીતિનસરની મદદનો કોઈ ખોટો મતલબ નીકાળ્યો છે જો પહેલા ખબર હોત તો વાત અહીં સુધી ન આવી હોત." બંને જણ પોતાને દોષી માનવા લાગ્યા. રિધિમાંનો નીતિન માટે, અને નીતિનનો રિધિમાં માટે પ્રેમ વધી રહ્યો હતો અને આ પ્રેમના કારણે એ બંને પોતાની જ તકલીફોમાં વધારો કરી રહ્યા હતા. હકીકત, સપનું, તકલીફ, પીડા આ બધા જ શબ્દો એકસાથે એમની આસપાસ એમનો જ મજાક બનાવી રહ્યા હતા. પ્રેમ થયા પછી જો પ્રેમનો સ્વીકાર અઘરો છે તો એના કરતાં પણ અઘરું એ પ્રેમથી દૂર જવું છે.
હવે ઓગષ્ટ મહિનાનો મધ્ય ચાલી રહ્યો હતો અને નીતિને 3 દિવસની રજા લીધી હતી. એની રજાના પ્રથમ દિવસે જ્યારે રિધિમાં ઓફિસ પહોંચે છે એને આ વિશે જાણ થાય છે. એ અને સપના ઓફિસમાં બ્રેકના સમયે પણ આના વિશે જ વાત કરતા હોય છે.
" સરે કેમ રજા લીધી? તું જાણે છે?" ચાની સિપ લેતા લેતા રિધિમાં સપનાને પૂછે છે.
"ના"
અચાનક મગજમાં કઈક ઝબકારો થતા, "ગયા વર્ષે પણ સર આ દિવસોમાં જ બિમાર પડ્યા હતા ને?"
"અરે હા"
"એ બિમાર થયા પછી જ મારા પ્રત્યે એમનો વ્યવહાર બદલાયો હતો" રિધિમાં બોલતા તો બોલી ગઈ પણ એ સપના ની સામે વધુ બોલી ગઈ એમ એને લાગ્યું. નીતિન અને એની વચ્ચે ચાલતી કોઈ બાબતની જાણ એને બીજા કોઈને કરવી નહતી.
આ બાજુ સપનાને ચા પીતા બીજો જ કોઈ વિચાર ચાલતો હતો અને એ એણે રિધિમાંની સામે મુક્યો.
"એક વાત કહું હું 3 વર્ષથી કંપનીમાં છું પણ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી સર આ દિવસો દરમિયાન રજા જ લે છે. થોડું અજુગતું લાગે નહિ!"
"હમ્મ, કદાચ કોઈ કામથી લેતા હશે"
"તો તને એ જાણવાની ઈચ્છા નથી કે એવું શું કામ છે?" સપનાએ એવી રીતે આંખ મિચકારીને કહ્યું કે રિધિમાં સમજી ગઈ. સપના નીતિન અને રિધિમાં વિશે વાકેફ છે.
ચાનો કપ ટેબલ પર હળવેથી પછાડી પોતાનો જુઠ્ઠો ગુસ્સો બતાવતા રિધિમાં, "ના હો મારે એમના ગુસ્સાના શિકાર નથી થવું."
"અચ્છા તો હું એમ સમજુ ને કે નીતિન સરમાં તને કોઈ રસ નથી" હવે પોતાના વડાપાઉં પર ફોક્સ કરતા એ બોલવા લાગી, "તો તો મારો રસ્તો સાફ છે. મને એમ કે તું એમને પસંદ કરે છે એટલે હું વચ્ચે આવતી નહતી. પણ હવે એવું કંઈ નથી તો આજથી સર મારા"
"એ સપનાડી" રિધિમાંનો ખોટો ગુસ્સો એની પર જ ભારે પડતો જણાતા એણે જોરથી ટેબલ પર પોતાના બંને હાથ પછાડ્યા, "તારા પગ ભાંગી નાંખીશ જો એમની સામે જોયું પણ છે તો!"
"ઓહો શુ વાત છે શરમાળ બકરીથી ગુસ્સેલ શેરની! બઢીયા હૈ!" પછી વાળની લટ એક હાથથી હવામાં ઉડાડતા, "જો એટલું જ હોય તો સરના ઘરે જા અને જોઈ લે. જો તું એમ ન કરી શકી તો સર મારા"
રિધિમાંને હવે વધુ ખીજ ચઢી, "મતલબ"
"મતલબ હું તને ચેલેન્જ કરું છું કે તું કાલે એમના ઘરે જા અને બધું જાણ જો એવું કરીશ તો સર તારા નહિતર મારા"
"ઓયે, એ કઈ ટ્રોફી નથી કે હું જીતવા પ્રયત્ન કરું. એ સર છે, હું એમને પ્રેમ કરું છું, અને એમ પણ એમના તો....."
અત્યાર સુધી શોભા માટે હાથમાં રાખેલ વડાપાઉં એકબાજુ પર મૂકી બીજા હાથમાં પેપર નેપકીન લઈ સપના, "એમના તો શું રિધું?"
"કઈ નહિ" ખુરશી પરથી ઉભી થઇ રિધિમાંએ પોતાનું બિલ ચૂકવી, ઓફિસમાં જતી રહી. સપના એને જતા જોતી રહી. સપનાંને રિધિમાંને ગુસ્સો અપાવાની બહુ મજા આવી પણ હવે શુ? એ વિચારવા લાગી.
સાંજે 8 વાગ્યે છૂટવાના સમયે રિધિમાં સપનાને મળ્યા વગર જ કોમ્પ્લેક્સની બહાર નીકળી ગઈ, તો સપના દોડતી એની જોડે ગઈ અને એક પેપર એના હાથમાં આપી કહેવા લાગી, "જો રિધું, આ છે સરનું એડ્રેસ. જો તું સાચે જ એમને પ્રેમ કરતી હોય તો કાલે ખાલી એકવાર એમના ઘરે જઈ આવ. નહિતર પછી એમને ભૂલી જજે. ચેલેન્જ તરીકે નહિ પણ તક તરીકે જો. તને એમના વિશે ઘણું બધું ત્યાં જ જાણવા મળશે. શુ તું એવું નથી ઇચ્છતી? જો તું ના કરી શકી તો પરમ દિવસે હું એમના ઘરે જઈશ પછી તારી તક ગઈ."
"સપનાઆઆઆઆઆ......" રિધિમાંનો ગુસ્સો સાતમા આસમાને હતો. બેસ્ટફ્રેન્ડ આવું કરશે તો કેમનું ચાલશે? સપના રિધિમાંનો આટલો ગુસ્સો જોઈ ત્યાંથી ફટાફટ ભાગી ગઈ, હાથમાં રહી ગયું નીતિનનું એડ્રેસ. જવું કે ના જવું? બહુ મોટું ઘમાસાન. શુ કરવું? રિધિમાંએ એડ્રેસ જોયું તો અહીંથી એનું ઘર 20 મિનિટના જ અંતરે હતું પણ શું કરવું? મન એ નક્કી કરવા તૈયાર નથી.
રિધિમાંએ નીતિન પર ધૃણા કરવી જોઈએ પણ કરી શકતી નથી અને નીતિન પ્રેમનો એકરાર કરી શકતો નથી. અહીં પ્રેમ એવો કે જે નજીક નથી આવવા દેતો અને ધૃણા એવી કે જે દૂર જવા નથી દેતી. ખૂબ મોટો વિરોધાભાસ છે ને???
(મનમાં ચાલતા ઘમાસાન સાથે લડાઈ કરી રિધિમાં નીતિનના ઘરે જશે? ક્યાં રહસ્યને કારણે નીતિને રિધિમાંને પોતાનાથી દૂર કરી? કોઈ પણ કારણ આપ્યા વગર નીતિનનું આ જ દિવસોમાં રજા લેવાનું કારણ શું હશે? રિધિમાંએ એ જાણવા માટે પોતાના અંતરમન સાથે લડાઈ કરવી પડશે અને બીજા દિવસની રાહ જોવી પડશે પણ વાંચકોએ તો બસ રસપૂર્વક રાહ જોવી પડશે આવતા ભાગની. આપના પ્રતિભાવોની રાહમાં......)