"મગધનું સામ્રાજ્ય ફાલ્યું ફૂલ્યું ને એના બૃહદ ઉદરમાં આ લઘુક કોળિયાશાં ગણરાજ્યો વિલન થયાં. ગણરાજ્યોના ટમટમતા છેલ્લા દીવડાઓ કેમ નિર્વાણ પામ્યા-હોલવાયા તેની વીરતાભરી રોમાંચક કથા છે." - ઉમાશંકર જોષી
ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઇ પંચોળી 'દર્શક' નો પરિચય આપવો અસ્થાને છે. 'ઝેર તો પીધા છે જાણી જાણી', 'સોક્રેટીસ', 'પરિત્રાણ' વગેરે જાણીતી રચના છે. 'દર્શક'ના જેલ જીવન દરમિયાન કરેલા પ્રાચીન આર્યાવ્રતના અભ્યાસના ફળ સ્વરુપે 'દીપનિર્વાણ' નવલકથા રચાય છે.
લગભગ બે હજાર વર્ષ પૂર્વે બૌધ કાળના પરિપ્રેક્ષ્યમાં અને ઐતિહાસિક તથ્યોને આધારે લખાયેલી ગૌરવંતી અને રોમાંચક કથા છે. પ્રાચીનકાળમાં આર્યાવ્રત જ્યારે બ્રાહ્મણક, માલવ, કઠ, પાંચાલ, સુરાષ્ટ્ર, શિબિ, લિચ્છવી વગેરે ગણ રાજ્યોમાં વિભક્ત હતુ. મગધ એક મહાસત્તા અને સામ્રાજ્યવાદી રાજ્ય હતું. નંદિગ્રામમાં આચાર્ય મહાકાશ્યપ તેમનુ પુત્રી સુચરિતા સાથે નિવાસ કરે છે. જે વિદ્યાર્થીઓને ગુરુકુળમાં શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. માલવ ગણરાજ્યના નગર શિલ્પી સુદત્તની શિલ્પકલાથી પ્રભાવિત સુચરિતા વાગ્દાન કરે છે. બ્રાહ્મણક ગણનો યોધ્ધો આનંદ નંદિગ્રામમાં મહાકાશ્યપ પાસે ઔષધવિદ્યા શિખવા આવે છે અને રચાય છે પ્રણય ત્રિકોણ. જેમા લાલચુ સુદત્તની વાગ્દાનના ધર્મસંકટના કારણે સુચરિતા બૌધ સાધ્વી બને છે. ગણરાજ્યોના કૌશલ્યને ઉજાગર કરવા પ્રતિયોગિતા યોજાય છે. રથ સ્પર્ધામાં સુદત્ત કપટ કરે છે અને આનંદ સ્પર્ધા હારે છે. વિજેતા બને છે, કેક્ય ગણની કન્યા કૃષ્ણા. બીજી તરફ મગધ રાજ્યથી વસુમિત્ર આવી ગણરાજ્યના મુખિયાને મળીને જાણ કરે છે કે શક સમ્રાટ મૈનેન્દ્ર વિશાળ સેના સાથે આર્યાવ્રતને જીતવા નિકળ્યો છે. શકોના આક્રમણનો ડર બતાવી એ બધા ગણ રાજ્યોને મગધની એડી નીચે દબવવાના આ પ્રયાસનો બ્રાહ્મણક, કઠ અને માલવગણ વિરોધ કરે છે. ઈર્ષા અને વેર વૃત્તિથી પ્રેરિત સુદત્ત મગધની સાથે ભળે છે. આનંદ એકલો શક મૈનેન્દ્રની ભાળ લેવા જાય છે. જ્યાં કૃષ્ણા અને તક્ષશિલાના આચાર્ય ઐલની મુલાકાત થાય છે. આચાર્ય ઐલ એટલે સરસ્વતીના ઉપાસક. જેમ પારસમણીના સ્પર્શથી લોહ પણ સોનું બને, એમ ઐલ જેવા ખરા અર્થમાં સારસ્વતથી મૈનેન્દ્ર અને શક સેનાપતિ પણ પ્રભાવિત થયા વિના નથી રહેતા. આજે જ્યારે સરસ્વતી હાટડીએ વેચાઈ રહી છે, ત્યારે ભારતના સંસ્કૃતિ રક્ષાનો ઝંડો લઈને ફરતા કહેવાતા રખેવાળોએ આપણા મહાન સારસ્વતોનો ખરો પરિચય કરાવે તેવી આચાર્ય ઐલનું જીવન છે. આનંદ, કૃષ્ણા અને ચારુદત્ત મૈનેન્દ્રની ભાળ લેવા જાય છે, જ્યાં એ મૈનેન્દ્રના હાથે પકડાય છે.
મગધ બે મોરચે યુધ્ધ આરંભે છે. એક તરફ આવી રહેલ શક આક્રમણ સામે અને બીજી તરફ ગણરાજ્યો સામે. શું આનંદ મૈનેન્દ્રને હાથતાળી આપી ભાગી શકે છે? આનંદ શકોના આક્રમણને ખાળી શકે છે? સુદત્તની વેરની તરસથી ગણરાજ્યો કેવા પરિણામ ભોગવે છે? પ્રણય ત્રિકોણનું શું પરિણામ આવે છે? વગેરે પ્રશ્નોનો જવાબ પુસ્તક વાંચીને જ મળશે.
તક્ષશિલાના આચાર્ય ઐલ, આચાર્ય મહાકાશ્યપ, આત્રેય વગેરે આર્યાવ્રતના ભવ્ય આધારસ્તંભ સમા દીપી ઉઠે છે. આનંદ, કૃષ્ણા અને મૈનેન્દ્ર શૌર્ય અને વિરતાના પ્રતિક છે. આત્રેય, ધનપાલ, ચારુદત્ત, રોહિણી, આંગણે વગેરે પાત્રો પોતાનો પ્રભાવ છોડી જાય છે. પ્રણયના પાયા પર રચાયેલી શૌર્યની બુલંદ ઈમારતની કથા છે. સ્થળ, પ્રકૃતિ અને ઘટનાનું વર્ણન એટલું સચોટ છે કે આપણે વાંચતા વાંચતા કથાના એક પાત્રની જેમ વિહાર કરવાનો અનુભવ કરી શકીએ. જો રાજમૌલી જેવો ડાયરેક્ટર આ કથાને ફિલ્મમાં ઢાળે તો 'બાહુબલી' કક્ષાની ફિલ્મ બને તેવું કથાવસ્તુ અને વર્ણન છે. લેખક - પ્રકાશકના આભાર સહ થોડા અમૃતબીંદુ અત્રે પ્રસ્તુત છે.
* જે ધર્મ જડ પથ્થરમાં જીવંત મુર્તિવિધાન કરે છે તે જીવંત માણસને જડ થઈ જતાં કેમ જોઈ રહેતો હશે?
* ફૂલને તમે નથી પકવી શકતા, ઇયળને તમે પતંગિયું નથી કરી શકતા, તે તો પ્રકૃતિ જ કરે છે.
*કોઈના માર્ગે તારાથી ચાલી ન શકાય તો કાંઈ નહીં, પણ માર્ગમાં રોડું થઈને ન બેસતો.
* શસ્ત્રપરાયણતા તો નહિ, પણ શસ્ત્રપારંગતતા તો સૌએ મેળવી લેવી પડશે.
* વડની છાયામાં ઊલટા છોડ ઠીંગરાઈ જાય. અમે તો એકલપંથી છીએ.
*રાજપુરુષોની વાણી લપસણી હોય છે, ઝાલી ઝલાતી નથી.
* નાની ને મોટી આફત વચ્ચે તફાવત પાડવો જ જોઈએ; તેમજ આવનારી અને આવી પડેલી, સ્થાયી અને અસ્થાયી આફતો વચ્ચે પણ તફાવત કરવો જોઈએ.
* મા સરસ્વતી કોઈની અનચરી થવા નથી જન્મી. હું એને નથી આર્યોની બનાવવા માગતો કે નથી યુવાનોની. એ તો સર્વવત્સલા છે, ને હું એનો ભક્ત, નથી આર્ય કે નથી યવન - હું માત્ર છું સારસ્વત.
* જ્ઞાન જ મારું સ્વામી. જ્યાં જ્ઞાન મળે ત્યાં મારું તીર્થ - મારી સ્વાજાતિ.
* સરસ્વતી વાસી અન્ન પર નથી નભતી!
* જાતિ મારા જન્મનું - કુલનું લક્ષણ છે, ને સારસ્વતધર્મ તો મારા આંતરસ્વરુપનું લક્ષણ છે.
* સરસ્વતીભક્તનું ગૌરવ ખોઈને મારે તંત્રની પણ મદદ ન ખપે. સરસ્વતીને રાજલક્ષ્મીના બંદીખાને નાખીને ક્યાં ભેરવાયો છૂટું? વિદ્યાપીઠ કેવળ સરસ્વતીના ઉપાસકોની જ રહેશે.
* મરવામાં તે શી બહાદુરી છે? ત્રીજા - ભેરીના સૂરમાં તો બીક પણ બહાદૂર તરીકે ખપી જાય.
* સૂર્ય સવારે મીઠો લાગે છે, ને મધ્યાહ્ને આકરો લાગે છે. શા માટે? ખરેખર એ તો તપતો નથી ને ઊગતો-આથમતો નથી, આપણે આપણી ભૂમિકા બદલીએ છીએ.
* વૈરાગ્ય આવ્યા સિવાય કરેલો ત્યાગ મિણસના અંતરને કોળવતો નથુ, રહી રહીને બાળે છે.
* વાઘ કોઈ નાના વનચરને કહે, 'તને બીજો વાઘ ખાઈ જશે માટે ચાલ હું તારી સાથે બોડમાં રહું', તો બોડનું ને પોતાનું બંને જોખમ એ વનચર વહોરે છે.
* ઐતિહાસિક નવલકથાઓનો સામાન્ય દોષ એ હોય છે કે અર્વાચીન ભાવનાઓને નિરૂપવાના ઓઠા તરીકે જૂના સમયનો ઉપયોગ થતો હોય છે. - ઉમાશંકર જોષી