૧૫.કલાપીની પ્રેમકથા
"હતું તેનું હૈયું કુસુમ સરખું કોમળ અને હતો તેમાં ટપકતો દૈવી રસ મીઠો."
આ પંક્તિ આપણા લાઠીના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કલાપીએ જેના માટે લખી છે તે 'મોંઘી' અને આ ઓલિયા કવિના પ્રેમની વાત માંડવી છે. જેની કવિતા પર અંગ્રેજી પ્રેમના મુસાફિર જેવા કવિઓનો પ્રભાવ છે એવા કલાપીની પ્રણયલીલા આપણા મનમાં જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે.
વાત તો જાણે એમ હતી કે ૨૬ જાન્યુઆરી,૧૮૭૪ના રોજ જન્મેલા તો કલાપીની ઉંમર હજુ તો બહુ કાચી હતી ને ત્યાં તેમના પિતા અવસાન પામ્યા.આથી લાઠીના આ તરુણ કુંવરને ગાદી સાંભળવી પડી.પણ આ કુંવર તો હતા કવિજીવ અને એને કંઈ આ ગાદીના રાજકારણમાં રસ પડે ખરો?એ તો કરે કવિતા!ત્યારે ગુજરાતી સાહિત્યમાં પંડિત યુગ મધ્યાહને તપતો હતો.એક તરફ ગોવર્ધનરામ,કાન્ત અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવા વિદ્વાનોનો દબદબો હતો.
પણ એ વિદ્વતાના દબદબા નીચે આ કલાપી દબાયા નહિ,પણ એ જ ત્રિપુટીને પોતાના ગુરુ બનાવી 'કલાપીનો કેકારવ'માં ઉછળ્યા. તેમને ગોવર્ધનરામને પોતાના રાજનૈતિક ગુરુ બનાવ્યા,મણિલાલને પોતાના આધ્યાત્મિક ગુરુ બનાવ્યા અને કાન્તને પોતાના સાહિત્યિક ગુરુ બનાવ્યા ને પછી તો સર્જનયાત્રા ખૂબ લાંબી ચાલી.
પણ વાત તો કરવાની છે તેમની પ્રણયકથાની.કલાપીના વિવાહ રમાબા નામની રાજકુંવરી સાથે થાય છે.રાજકુંવરી હતા એટલે જ્યારે સાસરે આવ્યા ત્યારે સાથે તેની દાસી 'મોંઘી' પણ આવી.કલાપી એ મોંઘીને ભણાવવા લાગ્યા.ભણાવતા ભણાવતા કલાપીને પેલી મોંઘીની નિર્દોષતા ખૂબ ગમી ગઈ.તેનું નાજુક,મૃદુ ને નિર્દોષ હાસ્ય કલાપીને ખૂબ વહાલું લાગતું.એમને મોંઘી પ્રત્યે સ્નેહ થવા લાગ્યો ને પછી ધીમે ધીમે પ્રેમ થઈ ગયો.આથી કલાપીએ એ મોંઘીને નામ આપ્યું 'શોભના'!જેને માટે કવિએ ઉપરોક્ત પંક્તિ લખી છે.
પણ આ બધાની વચ્ચે કલાપી રમાબાને ઓછો પ્રેમ આપતા એવું જરાય નહોતું પણ છતાં તેમને આ રુચ્યું નહિ.નોંધપાત્ર છે કે આમાં કલાપીનો વિલાસ નહોતો,હતો તો એમનો પેલી શોભના પર ગંગા (પુરાતન કાળમાં કલ્પિત છે એવી,આજની નહિ) જેવો નિર્ભેળ અને પવિત્ર પ્રેમ!પ્રણય ત્રિકોણ રચાયો. એક દાસી સાથે કલાપી પોતાના હોવા છતાં પ્રેમના તાંતણે બંધાય એ રમાબાને ગમ્યું નહિ.બહું પ્રયત્નો કર્યા છતાં કલાપી ન વળ્યાં. કારણ કે તે પ્રેમ વિષયવાસના નહોતો,બસ પ્રેમ જ હતો!
કલાપી જ્યારે હિમાલય એક ખંડકાવ્ય લખવા જાય છે ત્યારે રમાબા પેલી શોભનાને બીજા કોઈક સાથે પરણાવી દે છે અને કલાપી પાછા આવે છે અને એમને એ વાતનું પારાવાર દુઃખ થાય છે.પણ યાદ રાખવું જોઈએ કે કલાપીનો એ પ્રણયત્રિકોણ જ ગુજરાતી ગઝલ સાહિત્યમાં એક યુગના પ્રારંભનું નિમિત બન્યો.આ પ્રણયત્રિકોણ જ કલાપીને કાવ્ય તત્વ મારફતે સતત અંદર ઘૂંટાતી વેદનાને અભિવ્યક્ત કરવા તરફ પ્રેરવા લાગ્યો.
આવા ઋજુ કવિ માત્ર છવ્વીસ વર્ષ જ જીવ્યા એ ગુજરાતી સાહિત્યની કમનસીબી છે પણ એ ઉંમર દરમિયાન એમણે અનેક કાવ્યો,અનુવાદો આપ્યા છે.તેમના મરણ વખતે કદાચ વાતાવરણમાં આ શબ્દો ગુંજતા હશે કે,
"જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસું મહીં એ આંખથી યાદી ઝરે છે આપની."
૧૬.સાચો ગુરુ
આજના સમયમાં જ્યાં સતત 'ગુરુ' શબ્દની અવહેલના થઈ રહી છે ત્યારે ખરેખર ગુરુ કોને કહેવાય એની એક વિભાવના આપવાનો નમ્ર પ્રયાસ કરવો છે.આજનો અધ્યાપક આવું નથી કરી શકતો એવું કહેવાનો કોઈ અર્થ નથી કારણ કે એનાથી કોઈ સુધરી શકવાનું નથી.મારુ કામ તો સમયના વહેણમાં ચુકાયેલા એક નિષ્ઠાવાન અને આદર્શની વ્યાખ્યા બાંધનાર અધ્યાપકની વાત કરવાનું છે.
ભાવનગર જિલ્લાની શામળદાસ કોલેજ અને એક દુબળો પાતળો છોકરો એમાં એડમિશન લેવા આવ્યો છે.ઇન્ટર આર્ટસ પત્યા પછી કયો વિષય લેવો એની ગડમથલ મનમાં ચાલે છે.અર્થશાસ્ત્ર વિષય લેવાનો એ જમાનો હતો કારણ કે એ કર્યા પછી તરત જ એ સમયમાં સૌથી સારી ગણાતી બેન્કમાં નોકરી મળી જતી.છોકરાએ અર્થશાસ્ત્ર વિષયનો તાસ ભર્યો પણ બહુ મજા ન આવી આથી એ નથી રાખવો એમ નક્કી કર્યા.છોકરો મૂંઝવણમાં હતો.
એક સાહેબની સલાહથી બધા વિષયમાં એક એક તાસ ભરવા લાગ્યો અને પછી મુખ્ય વિષય નક્કી કરવાનું વિચાર્યું.ગુજરાતીમાં રસ પડે પણ એ વંચાય જાય અને જાતે તૈયાર કરી શકાય એવો વિષય છે એટલે એ માંડી વાળ્યું. અંગ્રેજીનું એ સમયમાં કોઈ ભવિષ્ય નહોતું.સંસ્કૃત સિવાય બધા વિષયોમાં આ છોકરો ફરી વળ્યો હતો,એકેયમાં મેળ પડ્યો નહિ.હવે વારો હતો સંસ્કૃતનો.સંસ્કૃતના પંડ્યા સર પાસે જઈને બધી વાત કરી.
સંસ્કૃતના પંડ્યા સરે તો વિષયની વાત માંડી. વેદ,ઉપનિષદ, ગીતા...અને જેવા પેલા ગીતા બોલ્યા એટલે છોકરો ઉછળ્યો. છોકરો હતો અભ્યાસુ અને એમાં ગીતા ભણાવે એટલે એને તો મોજ પડી જાય એવા વિચારથી એને તો નક્કી જ કરી લીધું કે આપણે સંસ્કૃત રાખવું.એ વખતે સંસ્કૃત વિષયમાં કોઈ છોકરા જ નહોતા.માત્ર આ છોકરો એ સર પાસે પહોંચેલો.હવે આમ તો જો વિષયમાં કોઈ વિદ્યાર્થી ન હોય તો શિક્ષકની નોકરી જાય અને છતાં પેલા પંડ્યા સરને જ્યારે આ છોકરાએ વાત કરી કે એને સંસ્કૃત રાખવું છે ત્યારે પેલા પંડ્યા સરે જે જવાબ આપ્યો એ ખૂબ અગત્યનો છે.
પંડ્યા સરે કહ્યું,"જો બેટા, આ વિષય અઘરો છે.મહેનત કરવી પડશે,સરળતાથી નહિ આવડે.આથી જો તને ખરેખર આ વિષયમાં રસ હોય તો જ લેજે,અન્યથા તું અર્થશાસ્ત્ર લઈ લે."છોકરો તો નવાઈ પામ્યો.છોકરાએ કહ્યું,"સાહેબ,સામાન્ય રીતે તો જ્યારે પોતાના વિષયમાં કોઈ વિદ્યાર્થી આવતો હોય ત્યારે અધ્યાપકો પ્રોત્સાહન આપતા હોય છે પણ તમારા વિષયમાં તો કોઈ વિદ્યાર્થી નથી,તમારી નોકરી જોખમમાં છે અને તમે આમ કહો છો."
પંડ્યા સાહેબે કહ્યું,"બેટા, મારી નોકરીનું તો જે થવું હશે તે થશે પણ એના માટે મારે હું તારી જિંદગી થોડી બગાડી શકું?"આ જ ગુરુત્વ છે.જે વિદ્યાર્થી હજુ તો વિદ્યાર્થી તરીકે આવ્યો પણ નથી એના હિતની ચિંતા કરે એ સાચો ગુરુ!આગળ પછી એ છોકરાએ સંસ્કૃત જ રાખ્યું અને એ પણ મોટો વિદ્વાન થયો.એ છોકરો એટલે અમરેલીના ન્યાય વૈશેષિક સૂત્રના વિદ્વાન ડો.પ્રો.વસંત પરીખ!
વંદન આવા ગુરુજનોને!કાશ સૌને પંડ્યા સર મળી શકે!
(સંદર્ભ:ડો.વસંત પરીખનો ભદ્રાયુ વચ્છરાજાની દ્વારા લેવાયેલ ઇન્ટરવ્યૂ)