mrutyu pachhinu jivan - 33 in Gujarati Fiction Stories by Amisha Rawal books and stories PDF | મૃત્યુ પછીનું જીવન - ૩૩

Featured Books
Categories
Share

મૃત્યુ પછીનું જીવન - ૩૩

મૃત્યુ પછીનું જીવન—૩૩

આપણે પહેલાં જોયું કે સમીર નકલી સિગ્નેચર માટેનો ફોરેન્સિક લેબ નો રીપોર્ટ લઈને એસીપી સુજીત પાસે જાય છે. એસીપી સુજીત એને એનું ઘર બચાવવાનું પ્રોમિસ આપે છે. એસીપી કેશુભાને બોલાવીને એની સિગ્નેચર લઇ લે છે અને પછી ધમકી આપે છે કે એની સિગ્નેચરનાં નમુના પરથી એ પ્રૂવ કરી શકશે કે રાઘવનું મર્ડર એણે જ કર્યું છે. અને કેશુભા સચ્ચાઈ કબુલી લે છે કે એ તો માત્ર રાશીદનાં ઈશારે ચાલે છે, ગેઇમનો માસ્ટર-માઈન્ડ તો રાશીદ છે. એસીપી એને પોલીસના ખબરી બનવાની શરતે એને આ કાંડમાંથી બચાવી લેવાની બાંહેધરી આપે છે.

આ તરફ રાશીદનાં શેડ્સ પર ૨ કરોડનો ઓપીયમનો માલ પડ્યો છે.અને પોલીસ ત્યાં છાપો મારવાની છે એવા ખબરીના મેસેજ છે. એટલે રાશીદ બધો માલ ઠેકાણે પાડી મુંબઈથી ફરાર થવાના મુડમાં છે.એને શક છે કે કેશુભા પોલીસમાં મળી ગયો છે, એટલે એ કેશુભાને ઉડાવી દેવાનો પ્લાન બનાવી રહ્યો છે. એટલે એને રાશીદે બંગલા પર બોલાવ્યો છે ,બીજી તરફ એની ઓપીયમનો માલ ભરેલી ટ્રક એનાં બંગલા પર આવી ચુકી છે..હવે આગળ વાંચો.

રાશીદનો એક હાથ કેશુભાનાં કપાળ પર મુકેલી ગન પર હતો અને બીજો હાથ જોર થી દરવાજા પર ઠોક્યો ,એટલો જોરથી કે બંધ પાર્કીંગમાં બારણાઓનો ધ્રુજતો અવાજ પડઘાતો રહ્યો અને કેશુભાને ખબર પડી ગઈ કે હવે એનો ખેલ ખતમ...એટલામાં જ પાર્કીંગ માં એન્ટર થયેલી ટ્રકનો અવાજ ફેલાઈ ગયો અને રાશીદનો ટ્રીગર પર દબાયેલો હાથ અટકી ગયો. ટ્રક સીધી રુમ પાસે આવીને અટકી. અને રાશીદ કેશુભાને છોડી ટ્રક પાસે ગયો.

“વેલ ડન, કમાલ...ઓલ સેટ? ”

કમાલે કંઈ જ જવાબ નહી આપ્યો. રશીદે એને આંખોમાં જોયુ . કમાલ એમની ટીમનો સૌથી ઉત્સાહી માણસ હતો, આજે કેમ ઢીલો લાગતો હતો? પણ રાશીદ કંઈ સમજે વિચારે એ પહેલાં જ પાછળ લોડેડ સામાનમાં કંઈ હલચલ થઇ અને ત્યાંથી એક સાથે ૭ ૮ પોલીસનાં માણસો કુદી પડ્યા અને સૌથી પાછળ એસીપી સુજીત....! આંખનો પલકારો પણ થાય એ પહેલાં એક સનસનતી ગોળી આવી ને સીધી રાશીદની છાતી પર...

લોહીનાં ખાબોચિયાની વચ્ચે રાશીદ તડફ્ડતો રહ્યો...

અને બેસહાય હાલતમાં જોઈ રહ્યો, સામે ઉભેલા એસીપીને, કેશુભાને ,કમાલને અને સૌથી પાછળ ઉભેલાં રાઘવને ...

અને એસીપી બોલવા લાગ્યાં, ફરાર થઇ રહેલ ગુનેગાર ને મારવો, એ તો કાનુનની ફરજ છે...એમ પણ અમે કર્યું જ શું? તારો જ ખેલ તારા પર અજમાવ્યો , બીજું કંઈ નથી કર્યું અમે ...તમને લોકોને એમ થયું કે પોલીસ નહી આવી , અને ટ્રકને લોડ કરવી કમાલ ત્યાંથી નીકળ્યો. જેવી માલ ભરેલી તારી ટ્રક ત્યાંથી નીકળી ,કેશુભા ત્યાં પહોંચી ગયો. કમાલને કોન્ફીડન્સમાં લઈને એ પણ ટ્રકમાં બેસી ગયો. અને પછી કેશુભાને ટ્રેક કરતી પોલીસ એની પાછળ પહોંચી ગઈ. પોલીસે ટ્રકનો કબજો લઇ બધો સામાન પોલીસ સ્ટેશન પર મુકાવ્યો. અને પછી કેશુભાને પહેલાં તારી પાસે મોકલ્યો. કમાલને ગન પોઈન્ટ પર રાખી, તારા માલની જગ્યાએ પોલીસકર્મીઓને બેસાડી અમે આવ્યા સીધા તારા બંગલા પર..અને નસીબજોગે કેશુભાને અમે બચાવી શક્યાં. મરવાનું કેશુભાને બદલે તારા નસીબમાં હતું.

રાઘવ આ બધુ સાંભળી રહ્યો અને રાશીદનાં તડફડતા દેહને જોઈ રહ્યો. આજુબાજુ ઊભેલા કેશુભા, એસીપી સુજીત, પોલીસકર્મીઓને..સૌને દૂર ઊભો રહીને જોઈ રહ્યો, બસ....! મરતા રાશીદને જોઇને એને કોઈ જ ખુશી નહી કે વેર વાળ્યાનો સંતોષ પણ નહી; આ જ તો એ પળ હતી, એનાં મૃત્યુ પછી ;એ સતત ઝંખતો હતો કે એનાં ખુનીને શોધીને એનો પ્રતિશોધ લે ...!

પણ, એથી ઉલ્ટું, એ ઘેરા વિષાદ-યોગમાં ડુબી ગયો...એની હાલત બિલકુલ એવી હતી ,જાણે મહાભારતના યુદ્ધમાં ગુરુ દ્રોણને મારીને શોકમગ્ન થઇ ઉભેલો અર્જુન...! જે માણસ મારો એક સમયનો મિત્ર હતો,જેણે મને કેટલી વાર બચાવ્યો, સાથ-સહકાર આપ્યો; આજે એની મોતનો જવાબદાર હું જ બન્યો આખરે...અને મારી મોતનો જવાબદાર એ ...

શું ચીજ છે આ જીંદગી સાલી ? જીંદગીભર લુંટતા રહો, કમાતા રહો, હારતા રહો કે જીતતા રહો, બસ દોડતાં રહો જીંદગી નામની એક મેરેથોનમાં...વધુ ને વધુ પામવાની કોશિષમાં....! અને શું મળે આ મેરેથોનમાં ? પૈસો, પ્રસિદ્ધિ, પાવર..નામનાં થોડાં એવોર્ડ? જે મર્યા પછી કોઈ જ કામનાં નથી રહેવાનાં...બસ, એક મૃત્યુ નામની ફીનીશીંગ લાઈન આવી ગઈ અને બધું જ સમાપ્ત ...એક જ પળમાં ૬ ફૂટનો માણસ ‘છું’ માંથી ‘હતો’ બની જાય, સરસ મજાનું શરીર રાખમાં પરિવર્તિત થઇ જાય ...તો પછી સત્ય શું છે; મૃત્યુ પહેલાનું જીવન કે મૃત્યુ પછીનું જીવન? અને જો મૃત્યુ પહેલાનું જીવન માયા હતું, મિથ્યા હતું તો પછી એ જીવવાનો મતલબ જ શું ?

અને મૃત્યુ પછી શું ? કાળો ઘેરો અંધકાર? જીવેલા ૬૦ વર્ષનું અસ્તિત્વ એક પળમાં જ ગાયબ? બસ, આખરે આ મૃત્યુને પામવા માટે લોકો જીંદગીભર જીવ્યા કરે છે ? શું મળે છે, આખરે બધાને ? આખરે જો મરવાનું જ હોય, તો જીંદગીભર જીવાડે છે જ શું કામ, ઓ ક્રૂર ડેસ્ટીની...!

અચાનક રાશીદનાં પાર્કીંગમાં સુવર્ણમય પ્રકાશ છવાઈ ગયો .અને સામે વાદળ જેવો કોઈ આકાર રાઘવને દેખાયો , જેમાંથી ધીરે ધીરે બે પ્રકાશ પૂંજ આકાર લેતા દેખાયા . બંને પ્રકાશમય દેવદૂતો ફરી પ્રગટયા ...અને રાઘવ ડરીને થોડો પાછળ હટી ગયો.

“બસ, હવે તારો સમય પૂરો થાય છે,રાઘવ. ૫ દિવસમાં તારે જે કરવાનું હતું, તેં કરી લીધું...હવે તારે અમારે સાથે આવવાનું છે.”

“મારે હવે કંઈ જ કરવુ નથી, તમારી સાથે આવવું પણ નથી, નવો જન્મ પણ નથી લેવો ...હવે આના પછી ફરી જન્મ, ફરી મૃત્યુ ; એનાં કરતાં મારે નવો જન્મ જ નથી લેવો....જો પામ્યા પછી ગુમાવવાનું જ હોય, તો મારે કંઈ પામવુ જ નથી ને ગુમાવવુ ય નથી.

“ઠીક છે , તું ઈચ્છે ,તો તું આ અવસ્થામાં પણ રહી શકે છે, પણ એ માટે અમારે તને પ્રેત યોનીમાં મોકલવો પડશે , હમણાં તું માત્ર ચેતનાની અવસ્થામાં છે, અહીંથી તારે કોઈ ને કોઈ રીતે આગળ વધવુ પડશે જ. નક્કી તારે જ કરવાનું છે, પણ એ પહેલાં અમે તને આ દુનિયાનું બીજું એક ભયાનક સ્વરૂપ બતાવવા લઇ જઈશું, અને પછી તને તારા આ બધા પ્રશ્નોનાં જવાબ પણ આપશું ... પછી તું જે નક્કી કરે, એ તારી નિયતિ .....! ”

“ ચાલ, અમારી સાથે એક અલગ, અલૌકિક વિશ્વમાં..”

-અમીષા રાવલ


શું રાઘવને એના જીવન વિશેનાં પ્રશ્નોનો જવાબ મળશે ? દેવદૂતો એને દુનિયાનું બીજું એક ભયાનક સ્વરૂપ બતાવવા ક્યાં લઇ જશે? .......આ બધા પ્રશ્નો નો જવાબ મેળવવાં વાંચતા રહો, આપ સૌની ફેવરીટ નોવેલ, “મૃત્યુ પછીનું જીવન” અને આપના રેટીંગ આપતાં રહો...આભાર...!

ALL RIGHTS RESERVED OF THIS BOOK

@UNDER TRADE MARK .

THOSE WHO WILL COPY THIS,

WOULD BE UNDER LEGAL ACTIONS.