lalni raninu aadharcard - 5 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | લાલની રાણીનું આધારકાર્ડ - 5

Featured Books
Categories
Share

લાલની રાણીનું આધારકાર્ડ - 5

પ્રકરણ – પાંચમું/ ૫

અંતે ચાલતાં ચાલતાં ત્રણેય ડ્રોઈંગરૂમમાંથી બંગલાના ગેઈટ સુધી આવતાં છેલ્લે તરુણા બોલી,
‘રાઘવભાઈ, અંકલની બધી જ વાતના ટુંકસાર માટે મને નિદા ફાઝલીની મને ખુબ ગમતો એક પંક્તિ યાદ આવે છે. અને જે અંકલની પરિસ્થિતિ અને વ્યક્તિત્વ પર સચોટ અને બંધ બેસતી છે, એટલે કહેવાનું મન થાય છે.’ એટલું બોલીને તરુણા પંક્તિ પ્રસ્તુત કરતાં બોલી,

‘બારૂદ કે ગોદમ પર માચિસ પહેરેદાર હૈ.’



દસ દિવસ પછી...

‘ગુડ મોર્નિંગ, સર.’

લાલસિંગની કાર શહેરના પોશ એરિયામાં આવેલી તેની અદ્યતન ઓફીસના વિશાળ લોન્જના ગેઈટ પર સ્ટોપ થતાં જ કારનું ડોર ઓપન કરી, લાલસિંગના હાથમાંથી એટેચી તેના હાથમાં લઈ લેતાં તેનો પી.એ. જશવંત બોલ્યો.

છેલ્લાં પંદર વર્ષથી તેના ફેવરીટ ટીપીકલ નેતા લોકના ડ્રેસ કોડ એવાં, એ-વન ક્વોલીટીનાં લીનનના વ્હાઈટ પેન્ટ અને ફૂલ સ્લીવ વ્હાઈટ શર્ટ નીચે ઈમ્પોર્ટેડ બ્લેક શુઝમાં, ફટાફટ ઝડપથી ડગલાં ભરીને આવતાં લાલસિંગ માટે તેના પ્યુને દરવાજો ખોલતાની સાથે ઓફિસમાં એન્ટર થતાં જશવંતને પૂછ્યું,
‘ગૂડ મોર્નિંગ. મીટીંગની બધી પ્રીપેરેશન થઈ ગઈ છે?’

‘જી સર. અલ્મોસ્ટ બધી જ તૈયારી રાત્રે તમારો જયારે લાસ્ટ કોલ આવ્યો, ત્યારે જ કમ્પ્લીટ કરી લીધી હતી અને અત્યારે સવારે ફોલોઅપ પણ લઇ લીધું છે.’
જશવંતે જવાબ આપ્યો.

પાંત્રીસ વર્ષીય જશવંત છેલ્લાં આઠેક વર્ષથી, લાલસિંગની હરેક ગતિવિધિ સાથે પડછયાની માફક મન, વચન અને કર્મથી નિષ્ઠાપૂર્વક સંકળાયેલો હતો. લાલસિંગ પ્રત્યે તેને એટલું માન હતું કે તેના માટે તે સામી છાતીએ ગોળી ઝીલવા પણ ખચકાય તેમ નહતો. લાલસિંગનું જશવંત સાથેનાં આવાં યુનિક ટ્યુનીંગનું મુખ્ય કારણ એ હતું, કે તે લાલસિંગના તેજ દિમાગની માફક વિચારી શકતો.

પંદર વર્ષ પહેલાં શરુ કરેલી રાજકીય કારકિર્દીમાં, જેમ જેમ એક પછી એક ક્ષેત્રમાં ફતેહ મળતી ગઈ, તેમ તેમ લાલસિંગના કારોબારની સીમારેખા પણ વિસ્તરતી ગઈ.
ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટ, પેટ્રોલ પમ્પસ, રીઅલ એસ્ટેટ, હોટેલ્સ, એગ્રીકલ્ચર સાથે સાથે શહેરના આવાં દરેક દુઝણી ગાય જેવા ધંધા પર તેની એકહત્થું મોનોપોલી જેવી પક્કડ હતી. આ દરેક ફિલ્ડના મલ્ટી મિલિયન્સના બીઝનેસની લગાતાર સફળતા પાછળનું એક માત્ર ખુલ્લી કિતાબ જેવું રહસ્ય એ હતું કે લાલસિંગએ ટોપથી બોટમ સુધીના કર્મચારી કે કાર્યકર પાસેથી કામ કઢાવવાની એક આગવી ઢબની કળા હસ્તગત કરી હતી. કોઈને પંપાળી-ફોસલાવીને, તો કોઈને ફટકારીને, જે ભાષા જેને જલ્દી સમજાય એ નીતિ અપનાવતા. અને એ સિવાય તેનો સૌથી મોટો ટ્રમ્પ કાર્ડ જેવો પ્લસ પોઈન્ટ એ હતો કે તેઓ વ્યસન અને વ્યસનીઓથી સંપૂર્ણપણે મુક્ત હતા.
એમ કહો કે વ્યસન શબ્દથી જ તેને ભારોભાર નફરત હતી.
કોઈ પણ અશક્ય કામ હાથમાં લેતાં, તે તેની તીવ્ર સ્મરણશક્તિ, ચિતા જેવી ઝડપ અને બાજ જેવી નજરથી કામ પર પડ્યે જ છુટકો કરતો.

‘અરે... સાંભળ, જશવંત પહેલાં આપણી ચા લાવવાનું કહી દે અને પછી પ્યુનને સૂચના આપી દે કે બહાર ડુ નોટ ડીસ્ટર્બનું બોર્ડ લગાવી દે. અને ત્યારબાદ આપણે આજની મિટિંગના મેઈન ટોપીક પર એકવાર ડિસ્કશન કરી લઈએ.’
ટેબલ પરની ફાઈલ્સને એક તરફ હટાવતાં લાલસિંગ બોલ્યા.

સૌ પહેલાં લાલસિંગની આદેશનું પાલન કર્યા પછી જશવંત તેનું આઈપેડ ઓપન કરીને, આજની ડેટના ફોલ્ડર પર ક્લિક કરતાં બોલ્યો,
‘સર, દિલ્હી કોલ કરીને ઈલેકશન ડેટ્સની અલ્મોસ્ટ ફાઈનલ થવા જઈ રહેલી, અનઓફિશિયલ ડીટેલ્સની ઈન્ફર્મેશન લેવાની છે. એ પછી, લાસ્ટ ઈલેકશનના વોર્ડ વાઈસ ડેટાના એનાલીસિસ પર ડીસકસન કરવાનું છે. ઈલેક્શનની માસ્ટર બ્લ્યુ પ્રિન્ટને આખરી ઓપ આપતાં પહેલાં મુખ્ય પાસાઓની ફૂલપ્રૂફ રીસ્પોન્સીબીલીટી માટેનાં નામ ફાઈનલ કરવાના છે. અને.... જશવંતને આગળ બોલતો અટકાવતાં લાલસિંગ બોલ્યા,
‘એ બધું તો તું તારી રીતે ફાઈનલ કરી લઈશ તેની મને ખાતરી છે, પણ મને એ જાણવું છે કે... આ ચૂંટણીમાં ઓપોઝીશનની શું મુવમેન્ટ છે?'

‘મારી જાણ મુજબ મળેલી લેટેસ્ટ ઈન્ફર્મેશનને ધ્યાનમાં લેતાં, આ ઈલેક્શનમાં વિપક્ષનાં અસ્તિત્વના કોઈ અણસાર દેખાતા નથી.’
લાલસિંગ સામે ચાનો મગ ધરતાં જશવંત બોલ્યો.

‘અરે ભાઈ, ભાનુપ્રતાપની ભવાઈ જોયાં વગર ચૂંટણીના માહોલની મજા મરી જશે. અને ચૂંટણી તો એ મરણ પથારીએ પડ્યો પડ્યો પણ લડશે ખરો તેની મને ખાતરી છે. સાચું કહું જશવંત, છેલ્લી ત્રણ ટર્મથી દરેક ચૂંટણીમાં ભાનુપ્રતાપ જે ભૂંડી રીતે મારી સામે ઘૂંટણીયા ભેર હારતો જાય છે, તેમ તેમ મારી જીતનો ઉન્માદ, ઉત્સાહ અને નશો ફિક્કા પડતાં જાય છે. એમ લાગે કે કોઈ સિંહ ઉંદરનાં બચુલીયા સામે બાથ ભીડવા નીકળ્યો હોય! મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે, આવડાં મોટાં શહેરમાં કોઈની માએ લાલસિંગ ચતુર્વેદીની બરોબરીનો એક દુશ્મન પેદા નથી કર્યો.’

બસ, લાલસિંગના આ એક જ માઈનસ પોઈન્ટ માટે તેની સામે જશવંત તો શું કોઈપણ એક શબ્દ બોલવાની હિંમત ન કરી શકે. એ હતું, એવરેસ્ટની ઊંચાઈને પણ આંટી દેતું તેનું અભિમાન! અને લગાતાર આંખ મીંચીને નખાતાં પાસા પણ કાયમ સીધા પડતાં. એટલે કોઈ પણ ગંભીર વાત કે વ્યક્તિને અન્ડર એસ્ટીમેન્ટ કરવાની લતને, તેમણે તેની લાઈફ સ્ટાઈલ બનાવી લીધી હતી. લાલસિંગની વાતને સ્હેજ પણ ધ્યાનમાં લીધા વગર સ્કીપ કરીને જશવંત આગળ બોલ્યો.
‘સર, મન્ડે આપની સાથે દિલ્હી પાર્ટી મીટીંગમાં કોને કોને લઇ જઈશું?’

મોબાઈલમાં કંઈક સર્ચ કરતાં લાલસિંગએ પૂછ્યું,
‘તને શું લાગે છે, કોને કોને લઈ જવાં જોઈએ?’
‘સર, હરીશ ઠાકુર, અનુપ્રિયા ચૌધરી, અનુરાગ શર્મા, વિનોદ જોશી, દિવ્યા સિંગ અને મુરલી પ્રસાદ. આ સિવાય આપને લાગે છે કે કોઈને લઈ જાવું જરૂરી છે?’
પાણીનો ગ્લાસ ઉઠાવતાં જશવંત બોલ્યો.

‘આપણા સમગ્ર ચૂંટણીના પ્રાણવાયું સમાન આપણા કુબેર રણદીપ દેસાઈને કેમ કરીને ભૂલાય?’ હસતાં હસતાં લાલસિંગ બોલ્યો.

રણદીપ દેસાઈ એટલે શહેરના સમગ્ર ટ્રેડ યુનિયનનો પ્રેસિડેન્ટ. મહાનગર પાલિકા, ધારાસભા કે લોકસભા શહેરમાં કોઈપણ ચૂંટણી હોય અને રણદીપ દેસાઈ જેના પર હાથ મુકે તેની જીત નિશ્ચિત મનાતી. મની, મસલ્સ અને મીડિયા, ઈલેક્શન જીતવાની બાજીના આ ત્રણ એક્કા રણદીપ તેના ખિસ્સામાં લઈને ફરતો. લાલસિંગનું અભિમાન, રણદીપે શહેરમાં તેના રોફ અને ખોફ જોરે ઝૂંટવેલી વોટબેંકને આભારી હતું.

તેના બદલામાં રણદીપને લાલસિંગ તરફથી ટોચ લેવલની રાજકીય ઓથ અને પોલીસ પ્રોટેક્શન મળી રહેતું. ધીમે ધીમે તેની આડમાં તે તેના ખંડણી, એકસ્ટ્રોશન,
ડ્રગ્સ, વેપન્સ તથા ક્લબ અને કેસિનો જેવા બે નંબરના ધંધાની બાગડોર તેના હાથમાં આવતાં, તે શહેરની અંધારી આલમનો બેતાજ બાદશાહ બની ગયો હતો. ટૂંકમાં કહીએ તો લાલસિંગની ગંદી સોચની અનૌરસ પેદાશ એટલે શહેરનો માફિયા કિંગ રણદીપ દેસાઈ.

રણદીપ દેસાઈની એક જ અને સૌથી મોટી નબળાઈ હતી, શબાબ. તેના મિત્રો તેને કહેતાં, કે એક દિવસ તારું ટાઈટેનિક આમાં જ ડૂબી જવાનું છે. જાહેરમાં અડીયલ અને સિદ્ધાંતની પૂંછડી પકડીને ચાલનારા અધિકારીઓ જે કામ માટે પેપર કરન્સી સામે જોવા સુદ્ધાંની પણ દરકાર નહતાં કરતાં, તે અધિકારી રણદીપના નિત નવાં કલેક્શનમાંની કડક લેધર કરન્સી આગળ ગલુડિયાની માફક પૂંછડી પટપટાવીને કોઈ પણ ફાઈલમાં આંખ મીંચીને બે વાર સિગ્નેચર કરી આપતાં.

જશવંત હજુ કંઈક આગળ બોલવા જાય ત્યાં લાલસિંગનો મોબાઈલ રણક્યો.
હોમ મીનીસ્ટ્રી માંથી સંજય ગુપ્તાનો કોલ હતો.

‘ફરમાઈએ ગુપ્તાજી, ક્યા ખિદમત કરેં આપકી?” લાલસિંગે પૂછ્યું.
‘ચતુર્વેદીજી, ખિદમત કા મૌકા તો અબ હાથ સે નિકલ ગયા.’ ગુપ્તાજી બોલ્યા.
‘કયું? ક્યા હુઆ? રાજધાની મેં ભૂચાલ આયા હૈ ક્યા?’
આટલું બોલીને લાલસિંગ હસવાં લાગ્યાં. એટલે જવાબ આપતાં ગુપ્તાજી બોલ્યા,
‘સુનો, અભી આપકો ભી ઝટકા લગેગા. અભી અભી ખબર આઈ હૈ. આજ શામકો ચાર બજે ચુનાવકી તારીખોં કા એલાન હોને વાલા હૈ. અબ બોલો?’
આટલું સાંભળતા લાલસિંગનાં ચહેરાની રોનક ઉડી ગઈ. પુશબેક ચેરમાં બેસતાં બોલ્યા,
‘અરે.. ગુપ્તાજી..પર યે સબ... અચાનક કૈસે? કીસ વજહ સે?’
‘કયું? તોતે ઉડ ગયે ના? મૈને આપકો પિછલે હફ્તે કો હી આગાહ કિયા થા, કિ જીતના માલ હૈ લેકે આ જાઓ. તુમ જહાં કહોગે ઉસ કુર્સી પર સબ ડીપાર્ટમેન્ટ મેં તુમ્હારે અપને ચહીતે અફસર કી ટ્રાન્સફર કરવા દેંગે. પર તુમ તો ઘોડે બેચકે સોએ હૂએ થે. અબ મદિર મેં જાકે ઘંટા બજાઓ.’

એકવાર તો લાલસિંગને એમ થયું કે ચૂંટણી ન હોત તો બે ગાળ ચોપડી દેત આ હરામીને.. પણ મગજ પર બરફ રાખીને ટૂંકમાં પતાવતાં બોલ્યા,
‘હા ગુપ્તાજી. બાત તો આપકી સહી હૈ. પર અબ ક્યા હો શકતા હૈ, ઉસકા રાસ્તા બતાઈયે.’
‘ચતુર્વેદીજી, મંત્રી જી કા કોલ આ રહા હૈ મૈ આપ સે બાદ મેં બાત કરતાં હું.’
એમ બોલીને જેવો સંજયે કોલ કટ કર્યો, તેવી જ લાલસિંગની કમાન છટકી.

એટલે જશવંતે પુછ્યું,
‘કોઈ બેડ ન્યુઝ છે?’
‘આ નાગીનાંઓને હવે મારી બીક લાગે છે કે હું ચોથી ટર્મની ઈલેકશન પણ જીતી ગયો, તો તેની દિલ્હીની જાગીરમાં ભાગ પડાવીશ. દિલ્હીની સરકારમાં મારા જેવા ગણ્યાં ગાંઠ્યા જ સાંસદ છે, કે જે બાપ થઈને સરકાર પાસે કામ કાઢવી શકે એમ છે. આ સંજયની વાત પરથી મને એવાં કાવતરાની ગંધ આવી રહી છે, કે કદાચને મોવડી મંડળ મારું કદ વેતરવાની વેતરણમાં છે.’

‘પણ એવું શું થઈ ગયું?’ ચિંતા સાથે જશવંતે પૂછ્યું.
એ પછી લાલસિંગે તેની અને સંજય વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી.

થોડીવાર વિચાર્યા પછી જશવંત બોલ્યો,
‘બની શકે. કારણ કે આવું પહેલી વાર બન્યું છે, કે પહેલાં આપણી સંમતિ કે જાણ વગર કોઈ કાયદાનો કાગળ પર અમલ થયો હોય. કદાચને આપણાં સુધી આ મેસેજ મોડા પહોંચાડવાની કોઈએ સંજયને કિંમત ચૂકવી હોય, એવું બની શકે. ભાનુપ્રતાપએ.. ’

અધવચ્ચેથી જશવંતની વાત કાપતાં લાલસિંગ બોલ્યા,
‘હવે એ ભાનુપ્રતાપને પોતે મુતરવા જવાનું છે, એ તેને છેલ્લી ઘડીએ ખબર પડે છે. નાગાઈ શબ્દ આ સંજય માટે ટૂંકો પડે. અને જો સંજયની લીંક શોધીને કોઈએ રૂપિયાથી તેનું મોઢું બંધ કરવા હિંમત કરી હોય, તો પણ એ રમત ભાનુપ્રતાપનાં દિમાગની ઉપજ તો નથી જ.’

‘તમને શું લાગે છે?’ જશવંતે પૂછ્યું.

‘સંજયની વાત પરથી મને એવો અંદાજ આવી રહ્યો છે, કે આપણને ઊંઘતા રાખીને આપણી રાજકીય કારકિર્દીને ખતમ કરવાં માટે કોઈ સીરીયલ બ્લાસ્ટની સુરંગ બિછાવી રહ્યાંની આશંકાના ભણકારાનો અણસાર આવી રહ્યો છે.'
'સર, મીટીંગનો સમય વીતી રહ્યો છે. નીચે સૌ કોન્ફરન્સ હોલમાં આપણી વેઈટ કરી રહ્યા છે. તો...’
લાલસિંગના તેવર જોઈને જશવંત આગળ બોલતાં અટકી ગયો.

‘તું પહોંચ, હું આવું છું પાંચ દસ મીનીટમાં.’
ફોનમાં કોઈ નંબર ડાયલ કરતાં લાલસિંગ બોલ્યા.


દસ દિવસ અગાઉ...



રાઘવ, તરુણા અને ભાનુપ્રતાપ ત્રણેયની ભાનુપ્રતાપના બંગલે થયેલી દસ દિવસ પહેલાંની ચુંટણીની વ્યૂહરચના સંબંધી મુલાકાત પછી છુટ્ટા પડ્યાની રાત્રીએ પથારીમાં પડ્યા પછી તરુણાની ઊંઘ સદંતર ઉડી ગઈ હતી. એક તરફ આટલા વર્ષોથી રણમાં ખેતી કર્યા જેવા સંઘર્ષના નિષ્કર્ષ પછી હાથ લાગેલી માન્યામાં ન આવે તેવી, સડન્લી મળેલી સફળતાની સીડી ચડતાં જિંદગીમાં આવેલાં અણધાર્યા સુખદ વણાંકનાં કારણે હાથ લાગેલા ખજાનાથી ખુશ હતી, તો એક તરફ મહાભારત યુદ્ધના યોદ્ધા જેવા મહારથીઓની સામે એક અદના સૈનિકની માફક, રાજનીતિની રણભૂમિની પૂર્વભૂમિકા બાંધવાની પડકારરૂપ ભૂમિકા અદા કરવાની મહા મથામણ પણ હતી. સમય ઓછો હતો અને એથીયે ઓછો હતો અનુભવ.
પણ વર્ષોથી જાત સાથે લડવાનું એક એવું ઝનૂન લઈને ફરતી હતી કે જાણે માથે કોઈ કફન બાંધ્યું હોય! ભાનુપ્રતાપ અને ક્રિકેટના બારમાં ખેલાડી જેવા રણજીત, તે બન્નેની બુઠ્ઠી બુદ્ધિની મર્યાદાને ધ્યાનમાં રાખીને, એકલા હાથે શસ્ત્રો ઉગામવાં, એ તરુણાને જોખમી લાગતું હતું. હાલની પરિસ્થિતિ જોતા તરુણા પાસે રાઘવ સિવાય કોઈ જ ઘાતક હથિયાર ન હતું.

રાઘવને તેની ફરજમાં છાંટા ન ઉડે એમ, તેની રણનીતિમાં પડદા પાછળ રાખીને, કઈ રીતે સામેલ કરી શકાય એ જાણવું તરુણા માટે જરૂરી હતું. છેવટે યુદ્ધ ભૂમિમાં ચારેબાજુથી આડેધડ ભાલા અને તલવારની રમઝટની જેમ ઝીંકાતા વિચારોથી ઘાયલ થઈને તરુણા નિંદ્રામાં ઢળી પડી.

વહેલી સવારે ૭:૨૫ એ ઉઠતાં વેંત, ફટાફટ મોઢું ધોઈને સમયની પરવા કર્યા વગર કોલ લગાડ્યો સીધો ભાનુપ્રતાપને.
અચાનક મોબાઈલ રણકતાં, વહેલી સવારની મીઠી નીંદરની મજા માણી રહેલા ભાનુપ્રતાપે ઝબકીને મોબાઈલ લઈને, આંખ ઉઘડ્યા વિના જ બોલ્યા,
‘કોણ?’
‘અંકલ, તરુણા,’
‘કેમ, શું થયું આટલી વહેલી સવારમાં?’ એક કિંગ સાઈઝ બગાસું ખાતાં ભાનુપ્રતાપ બોલ્યા.
‘અંકલ, ગમે એમ, ગમે ત્યારે રાઘવ ભાઈ પાસે આજના દિવસની મુલાકાતનો સમય લઈ લો. કારણ કે હું તેમને ન કહી શકું. પણ મારે આજે મળવું જરૂરી છે. બાકી તમે ઓફીસે આવો, એટલે બાકીની અગત્યની વાત કરીએ.’
‘જી ઠીક છે.’ ફોન મુકતા ભાનુપ્રતાપ મનોમન બબડ્યા. મને લાગે છે કે જો આ છોકરીનું ચાલે તો આજે મને સાંસદપદની સૌગંધ વિધી કરાવી આપે. ભારે ઉતાવળી હોં!

ભાનુપ્રતાપના ઠંડા પ્રતિસાદ પરથી તરુણાને ખ્યાલ આવી ગયો કે તેમની ઊંઘ બગાડી, તે તેમને ન ગમ્યું.એટલે મનોમન હસવા લાગી. એ પછી ફટાફટ ફ્રેશ થઈને દેવિકાને ખુરસીમાં બેસાડી તેના પગ પાસે બેસીને બોલી,
‘મા, મને નોકરી મળી ગઈ છે. અને તે લોકોએ મને ઘર અને કાર પણ આપી છે. આપણે આજે જ નવાં ઘરે રહેવા જવાનું છે. તેઓનાં માણસો આવશે. બધું એ જ કરી આપશે.’
આટલું સાંભળતા દેવિકાની આંખોમાં ઝળઝળિયાં આવી જતા બોલી,
‘હુ વાત કરે છે છોડી? હાચેને તું હવે બવ મોટી થઈ ગઈ છો. તું તું કોઈ દીકરા કરતાંય સવાઈ નીકળી હોં. હું તો ઈ દા'ડાની વાટ જોતી જીવતી બેઠી છું કે, કે દી' કોઈ રૂપાળો રાજકુંવર મારી છોડી હાયરે લગન કરવા હાટુ જાન જોડીને મારે આંગણે આવે.’ આંખો લૂંછતા દેવિકા બોલ્યા.

‘ના, ઈ મારે નઈ મેળ પડે મા. કેમ કે હું તને એકલી મેલીને ક્યાંય નથી જવાની.’
આટલું બોલીને ઊભા થઈને સમય જોયો, તો ૮:૩૫ થઈ હતી. એટલે રણજીતને સવાર સવારમાં તેની જ સ્ટાઈલમાં લોંગ ડ્રાઈવમાં લઈ જવાનો પ્લાન કરતાં કોલ લગાવ્યો રણજીતને.

હલકાં થવાનાં ઈન્ડીકેશનની પ્રતીક્ષામાં ઓટલે બેસીને બીડીના કસ ખેંચતા રણજીતે, મોબાઈલની રીંગ વાગતાં ચુનીલાલને બુમ પડતાં બોલ્યો,
‘એલા ચુનિયા.... મારી બંડીના ગજવામાંથી ડબલું કાઢીને આલ તો જરા! આ અટાણે હવાર હવારમાં કોણ મેથી મારવા નવરું પયડું છે?’
ચુનીલાલે ફોન આપતાં નામ વાંચ્યા વગર જ કોલ રીસીવ કરતાં બોલ્યો,
‘કોણ બોલે?’
‘તરુણા બોલું કાકા, શું કરો છો?’
રણજીત મનમાં બબડ્યો જે કરવું છે એનાં માટે તો ત્રણ બીડી ફૂંકી મારી, પણ થતું નથી તો શું કરવું અને આ છોડીને પણ શું કહેવું?
‘ઈ કરવાનું બાકી છે ઈ તો થઈ જાહે. તું બોલ કેમ હવાર હવારમાં યાદ કયરો?’
આકળ વિકળ થતાં રણજીત બોલ્યો.
‘એ ઝટ ગાડી લઈને મને લેવા આવો. હું ન્યાં ચાર રસ્તે ચોકમાં ઊભી છું. સાહેબનો હુકમ થ્યો છે. અને સાહેબે ખાસ કીધું છે, કે મને હવાર હવારમાં કોઈ હેરાન નો કરતાં.’ તરુણાએ રણજીતની લેફ્ટ રાઈટ ચાલુ કરી.
‘કંઈ નવાજુની કરવાની છે?’ બીડીનો ઘા કરતાં રણજીતે પૂછ્યું.
‘જૂનાનું નવું તો ગઈકાલે જ થઈ ગયું. હવે બાકી છે ઈ તમારે પૂરું કરવાનું છે. એટલે ઝટ આવો.’ ચાનો કપ હાથમાં લેતા તરુણા બોલી.
‘એ આયવો લ્યો.’
બોલીને કોલ કટ કરતાં રણજીત બબડ્યો, તમ તમારે કયરા કરો નવાજુની. પણ આ રણજીત એની ફિલમના છેલ્લાં રીલમાં હંધાયના રોલ ફેરવીને એક જ ઘા માં એન્ડ લઈ દેહે.
આ બાજુ તરુણાને પણ બરાબરનો સનેપાત ઉપડ્યો હતો. તેનાં તન કે મનને સ્હેજે જપ નહતો. તેની ગણતરી એક કાંકરે ત્રણ નહીં પણ ત્રીસ વિરોધપક્ષીઓને ટાળી દેવાની હતી. તેના માટે તરુણાએ રાતભર જાગીને, છેલ્લે તેની દિમાગી ગન પર ટાર્ગેટ કરેલાં કોઈ ત્રણને ઢાળી દે, તો આ લાલસિંગનો કિલ્લો આસાનીથી ધ્વસ્ત કરી શકાય એમ છે, એવું સેટિંગ કરેલું હતું .


સતત મગજમાં ચાલતી આવી કંઇક ગડમથલ સાથે, તે તેનાં ટોમ બોય લૂકમાં ચાલતી ચાલતી આઝાદ ચોકના એક કોર્નર પર આવેલાં પાનાના ગલ્લાં પાસે ઊભા ઊભા વિચારીને મનોમન હસતી હતી કે...

હજુ ગઈકાલ સુધી હું આ શહેરથી ડરતી હતી અને આજે... આ શહેરના બાપને ડરાવવાનો ને હરાવવાનો ઠેકો મને મળ્યો છે. આ લુચ્ચી જિંદગી આટલી જલ્દી કરવટ બદલશે એવી ખબર નહતી.

‘એય ને લ્યો, હું આવી પુયગો. હવે કરો હુકમ.’
નજીક આવીને કારમાંથી ઉતરતા રણજીત બોલ્યો.
‘આપણે એક કામ કરીએ કાકા. તમારી કારમાં બેસીને જ વાત કરીએ.’ તરુણા બોલી.

‘તો આવ બેસ કારમાં’ રણજીત બોલ્યો.
એટલે રણજીતને નજીક બોલાવીને હળવેકથી કહ્યું,
‘પહેલાં આ તમારાં પોઠીયાને પગ છુટ્ટા કરવાના બહાને ક્યાંય મોકલી દો’
એટલે બે મિનીટ વિચારીને રણજીતે ચુનીલાલને કહ્યું.
‘એલા ચુનિયા, આમ બહાર આવ તો. સાંભળ, આમ અહીંથી સીધો જા અને ડાબી બાજુની ત્રીજી ગલીના છેડે મારા કાકાની ટાયરની દુકાન છે. ત્યાં જઈને આ ગાડીના ટાયરનો ભાવ પૂછતો આય. અને જો દુકાન ન મળે તો તરતજ ધોયેલ મૂળાની જેમ હડી કાઢીને પાછો ન આવતો. મને ફોન કરેજે ન્યાંથી હો.’
‘એ હારું લ્યો.’ બોલીને ચુનીલાલ ઉપડ્યો.

એ પછી રણજીત ફ્રન્ટ અને તરુણા બેક સીટમાં બેસતાં બોલી,
‘તમારાં સગા કાકાની દુકાન છે?’
‘કોનો કાકો, ને કેવી દુકાન?’ એ તો તમે કીધું એટલે વાર્તા કરીને ધકલાવ્યો એને.’
સિચ્યુએશન મુજબ ઈન્સ્ટન્ટ પ્લાનિંગ ઘડી કાઢવાની રણજીતની શાર્પ ઈન્ટેલીજન્સીની તરુણાએ નોંધ લેતા પૂછ્યું,
‘તમને આવું બધું સુજવાનું કઈ ઉમરથી શરુ થયું કાકા?’
‘આવું બધું એટલે?’ અજાણ્યા થતાં રણજીત બોલ્યો.
‘ક્યાં ,કેમ, કોને, કેવી રીતે, કેટલામાં સાચવી લેવાની આવડત?’
ખિસ્સામાંથી મોબાઈલ કાઢતાં તરુણાએ પૂછ્યું.
‘જો છોડી આ દુનિયામાં કોઈ કંઈ એની માનાં પેટમાંથી શીખીને નથ આવતું. જેમ જેમ માથે પડતું જાય, એમ હંધુય હમજાતું જાય. તને આ બધું કોને શીખવાડ્યું ઈ કે?' ઝભ્ભાનાં ખિસ્સામાંથી બીડીની ઝૂડી કાઢતાં રણજીતે પૂછ્યું.

‘આ દુનિયાની નફરત, ઘૃણા, તિરસ્કાર, ને જન્મજાત હક્ક છીનવી લેવાનાં અન્યાયની અગનજાળની દાઝથી જીભ કડવી અને દિમાગની કમાન કાયમ છટકેલી રે' છે મારી તો.'
મોબાઈલમાં જરૂરી મેસેજીસ ચેક કરતાં તરુણાએ જવાબ આપ્યો .

‘પણ તે કારમાં બેહવાનું કેમ કીધું?’ બીડી સળગાવતા રણજીતે પૂછ્યું.
‘ઈ એટલાં હાટું, કે ઓલા ફિલમમાં નથ બોલતા કે..
‘દિવારોં કે ભી કાન હોતે હૈ, એટલે.’ એટલું બોલી એટલે બંને હસવા લાગ્યા.
‘હવે કાકા આપણે મુદ્દાની વાત કરીયે. હું તમને એમ પૂછતી હતી કે લાલસિંગનો સૌથી મોટો મિત્ર અને સૌથી મોટો શત્રુ કોણ? અને એની દુઃખતી રગ કઈ? એ મને ક્યો હાલો.’
સીટ પર પલાંઠી વાળીને બેસતાં તરુણાએ તેનાં મિશનનું પહેલું ચેપ્ટર ઉઘાડ્યું.

‘એમ જોવા જાવ તો, લાલસિંગને એક દા'ડો ઈનું અભિમાન જ ઈને મારશે. ઈ જે ઓલા જમ જેવા જણના જોરે નાચે છે ને, જે દી' ઈ હરામી મયરો, તે દી' હમજી લેજે લાલસિંગના ફાંકાનો ફટાકિયો ફૂટી જાહે.’ દાઝથી રણજીત બોલ્યો.

‘ઈ કોણ વળી?’ તરુણાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘રણદીપ દેસાઈ. તું ન ઓળખ ઈને.' લાલસિંગના ફેંકેલા રોટલીના ટુકડા ખાઈને મોટો થયેલો તેનો ડાઘીયો કૂતરો. પણ.. '
રણજીત આગળ બોલતાં અટકી ગયો. એટલે તરુણાએ પૂછ્યું..
‘શું પણ... ?’ કેમ અટકી ગયા?’
‘મને લાગે કે કો'ક દી' રણદીપ અને લાલસિંગ વચાળે કોઈ જો કોઈ ડખ્ખો થયો, તે દા'ડો જોયા જેવી થાહે.’
‘પણ તમે ઈ વાત કેમ આટલી ખાતરીથી કો' છો?’
તરુણાને જે વાત જાણવાની તાલાવેલી હતી, રણજીત બરાબર તે ટ્રેક પર જઈ રહ્યો હતો એટલે તરુણાએ નવાઈ સાથે પૂછ્યું.

‘લાલસિંગને રણદીપ હાયરે એક જ વાતમાં વાંધો પડે.’ ગજવામાંથી તમાકુ અને ચૂનાની પડીકી કાઢીને રણજીત બોલ્યો.

‘ કઈ?’ તરુણાએ પૂછ્યું.
‘બાયુની બાબતમાં.’ હથેળીમાં તમાકુ અને ચૂનો નાખતા રણજીતે જવાબ આપ્યો.
‘ એટલે હું કાઈ સમજી નઈ?’ તરુણાએ ફરી પૂછ્યું.
‘અરે એ દલાલ છે દલાલ. બાયુનો. એની નાગાઈ અને ઈ ગંદકીથી તો આ હંધાય અધિકારીઓને ખીસ્સામાં ઘાલીને ફરે છે. અને હંધાય બે નંબરના ધંધા કરે છે. અને મારા આ ભોળા ભગત જેવા ભાનુપ્રતાપને આ બધી વાતુની પેલેથી જ ચીડ.’
રણદીપ જે દી' કૂતરાની મોતે મરે તે દી' ગામ આખાને મફત જમાડું લ્યો.’

‘ કેમ, તમારી એની હાયરે એવું તો શું ખાટું મોળું થઈ ગયું ?’ તરુણાએ પૂછ્યું.
એટલે પાછળથી ઝબ્ભો ઉંચો કરીને ઉઘાડી પીઠ દેખાડતાં રણજીત બોલ્યો,
‘લે આ જો.’ રણજીતની પીઠ પર અસંખ્ય કોઈ તીક્ષ્ણ હથિયારના રુઝાયેલા ઘાનાં નિશાન જોઇને દંગ રહી જતાં તરુણાએ પૂછ્યું.
‘આ કેમ કરતાં?’
‘આ લાલસિંગના ઈશારે રણદીપ અને તેના માણાહે મને જનાવરની જેમ માયરો તો ઈનાં ઘા છે.’ ઝબ્ભો સરખો કરતાં રણજીત બોલ્યો.
‘પણ કેમ? કયારે?’ નવાઈ સાથે તરુણાએ પૂછ્યું.
‘બવ વખત પેલાની વાત છે છોડી. જાજો ટેમ થઇ ગ્યો. કદાચને તારા જનમ મોરની આ ઘટના છે. મને ધમકી આપી’તી કે જો આ સે'રમાં દેખાણો તો જીવતો દાટી દેય. હું આંઠ વરહ તો આ સે'રની બાર રીયો. એ પછી આ ભાનુપ્રતાપે મને એની હાયરે રાયખો છે.
પણ હજુ આજ દી' લગણ હું ઈમની હામે નથ જતો. અને હવે તો ઈયે મારા જેવા કીડી મકોડા જેવા માણહને મારીને કરેય હુ ?’ પણ એક દી' હું આનો બદલો લેય. અને હરખી પેટનો લેય. તું જોજે.’
તાનમાં આવેલાં રણજીત બે ઘૂંટડા વિહીસ્કીના મારીને બોલ્યો.
‘પણ મારવાનું કારણ?’
પૂછ્યા પછી તરુણા એ જ રાહ જોઈને બેઠી હતી કે તેને લગતી રહસ્યની કોઈ વાત કરે છે.
‘કોઈએ કરેલા કરમની સજા વગર કારણે લાલસિંગે મને આપી.’ આટલું બોલતા સ્હેજ રણજીતની આંખો ભીની થઇ ગઈ. જેની તરુણાએ નોધ લેતાં પૂછ્યું

‘પછી?’
‘ઈ પછી.... આ બેઠો તારી હામે.’ આટલું બોલીને રણજીત હસવા લાગ્યો.
તરુણાને થયું કે અત્યારે મૂળ મુદ્દા પર ફરી આવીએ તો કંઈક વાત બને. એટલે પૂછ્યું
‘હવે આ રણદીપને કેમ કરીને આંટીમાં લેશું કાકા ઈ કયો?’ ઈનો કોઈ દુશ્મન?’

‘મારું મગજ કામ કરે છે, ન્યાં હુધી આ સે'રના એક જ માણાહથી રણદીપની ફાટે. જો ઈ માણાહને આપણે આપણી ભેળો લઈ લય તો, રણદીપ અને લાલસિંગની હાલત ઓલા હાથીના કાનમાં મચ્છર ગરી જાય, એવી જોયા જેવી થાય હોં.’
‘ઈ કોણ?’ આતુરતા પૂર્વક તરુણાએ પૂછ્યું.
‘વિઠ્ઠલ રાણીંગા. રણદીપનો લંગોટીયો દોસ્તાર અને તેના ધંધાનો ભાગીદાર પણ. ગયાં વર્ષે, લાલસિંગ અને રણદીપે, ભેળા મળીને વિઠ્ઠલ હાયરે કંઈક ગદ્દારી કરી, એમાં બેયના વચાળે બાપે માયરા વેર ઊભા થઈ ગ્યા.’
‘ઈવડો ઈ વિઠ્ઠલ અતારે કરે છે શું?' તરુણાએ પૂછ્યું
‘ગોતે છે, લાગ. રણદીપ કે લાલસિંગને ટાળી દેવાનો. પણ આ હરામીઓ પાહે ઈ બિચારાના હાથ અને હથિયાર બેય ટૂંકા પડે. બાકી ઈ કામ લાગે સંઘરેલા સાપ જેવો.’

‘તમને ઓળખે છે ઈ વિઠ્ઠલ?’ તરુણાએ પૂછ્યું.
‘મને.. ? અરે ગાયરુ કાઢીને વાત કરું ઈની હાયરે જો તું હમણાં. આપણો ભાઈબંધ છે. ઈ તો કોલ કરું એટલે આ ઘડીએ હડી કાઢતો ઓલી ચાર બંગડીવાળી ગાડી લઈને આવી પુગે અંયા. પણ આપણાં આ રાજા હરીશ ચન્દરના અવતાર જેવા ભાનુપ્રતાપનું હું કરવું ?”

‘તમે ઈને કોલ લગાડો. હું વાત કરીશ.’ કોઈ મોટી સફળતા હાથ લાગી ગઈ હોય એમ ખુશ થતાં તરુણા બોલી.
રણજીતે કોલ લગાડ્યો.
‘હેલો.’
સામે છેડે થી અવાજ આવ્યો,
‘એય ને મારો આજનો દી સુધરી ગ્યો. હવાર હવારમાં મારા વિઠ્ઠલાને યાદ કર્યો એટલે. હુ કરો છો મારા પ્રભુ?” તેની મધલાળ જેવી ભાષામાં રણજીત બોલ્યો.
‘બોલ, બોલ રણજીતિયા કેમ યાદ કર્યો? કે'' બેડમાંથી ઊંભા થતાં વિઠ્ઠલે પૂછ્યું.
‘એ એક મિનીટ ચાલુ રાખજે.’ એમ બોલીને રણજીતે ફોન તરુણાને આપ્યો એટલે બોલી,
‘ભાનુપ્રતાપને ત્યાંથી બોલું છું. તરુણા યાદવ. એક ખુબ સારા ખુશખબર આપવા માટે તમને હેરાન કર્યા છે.'
ભાનુપ્રતાપને ત્યાંથી મારા માટે કોલ અને તે પણ ખુશખબરનો? આ વાત સાંભળીને થોડીવાર માટે તો વિઠ્ઠલને તેના કાન પર વિશ્વાસ ન આવ્યો. છતાં પૂછ્યું.
‘જી. બોલો બેન. શું ખુશખબર છે?' કુતુહલ સાથે વિઠ્ઠલે પૂછ્યું.
‘હા, પણ તમે ઊભા છો કે બેઠાં છો?’ તરુણાએ તેની સ્ટાઈલમાં પૂછ્યું.
‘જી ઊભો છું, કેમ?' વિચિત્ર સવાલથી વિઠ્ઠલને વધુ નવાઈ લાગી.
‘જી, એક કામ કરો, તમે બેસી જાઓ. કેમ કે હું જે ખુશખબર આપીશ તે સાંભળીને કદાચને તમે પડી જશો.’ તરુણા જે રીતે સસ્પેન્સ ક્રિએટ કરીને બોલી, તે સાંભળીને વિઠ્ઠલને અંદાજો આવી ગયો કે આ કોઈ મામુલી વ્યક્તિ નથી. અને રણજીતનું તો મોઢું જ પોહળું થઇ ગયું કે આ છોડી વિઠ્ઠલ રાણીંગા જોડે આ રીતે વાત કરે છે.
‘જી, બહેન બેસી ગયો. બોલો. પણ તમે એવું કેમ માની લીધું કે તમારી વાતથી હું તમે મારાં વિશે ધારેલા અનુમાન જેટલો ખુશ થઇ જઈશ?’
‘એ એટલા માટે કે વિઠ્ઠલ રાણીંગા સાથે આ લેવલની વાત કરવાં માટે કલેજું જોઈએ.
હવે ધ્યાનથી મારી વાત સાંભળો. થોડા દિવસોમાં આવનારી લોકસભા ચૂંટણી માટે મોવડી મંડળે સર્વાનુમતે સાંસદ પદની ઉમેદવારી માટે તમારું નામ ફાઈનલ કર્યું છે.’


આટલું સાંભળતાં વેંત રણજીતનાં હાથમાંનું વિહીસ્કીનું ચપટું પડીને ઢોળાઈ ગયું અને રણજીત પણ કારની સીટ પર ઢળી પડ્યો.

અને સામે વિઠ્ઠલના હાથમાંથી ફોન પડી ગયો.

-વધુ આવતાં રવિવારે

© વિજય રાવલ'


લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.