આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા પરિમલની ફાઈલ વાંચે છે અને ચંદાબાઈ તેમજ અન્ય યુવતીઓ વિશે વાંચે છે.. ચંદાબાઈના ધારદાર શબ્દો એના હ્રદયને હચમચાવી જાય છે.. એ કોઈપણ ભોગે આ દેહવિક્રયનો ધંધો બંધ કરાવી એ બધી સ્ત્રીઓને સામાન્ય જીવન જીવવા મળે અને વ્યવસાયની તકો મળે એ માટે એક સંસ્થા નિર્મળ નારી નિકેતન કેન્દ્ર ખોલે છે.. હવે આગળ..
પરિમલ એના પિતાના શબ્દો સાંભળી વિચારમાં પડી જાય છે.. શું હજુ પણ કોઈ વસ્તુ એવી છે જેનાથી હું અજાણ છું??એ રહસ્ય શું હશે?? ઘણી મથામણને અંતે પણ એને જવાબ મળતો નથી..સાંજે પરિમલ વિદાય લે છે..
"પિતાજી હું ઘરે જાઉં છું,પણ જતા પહેલા મને એક વાતનો જવાબ આપો..હજુ એવું તે શું રહસ્ય છે જે મને નથી ખબર??"
"જો બેટા રહસ્ય તો ન કહેવાય,પણ હા સરપ્રાઈઝ જરૂર છે.. પણ એ હું તને અત્યારે ન કહી શકું..કદાચ સુગંધાએ જે મિશન હાથ ધર્યું છે એ મિશન પુર્ણ થાય એટલે તને આપોઆપ બધી ખબર પડી જશે.. ત્યાં સુધી મન પર જરાય બોજ રાખ્યા વગર તું ઘેર જા.."
"પણ પિતાજી,મને હજુ ડર છે.. આટલા ખુંખાર ગુંડાઓ વચ્ચે સુગંધા અને હું કેમ લડશું? કદાચ મને કાંઈ થાય તો વાંધો નથી,પણ સુગંધાને કંઈ થયું તો?? ને આટલા બધા લોકોને અમે લોકો વચ્ચે જાહેરમાં કેમ લાવી શકીએ?? સુગંધાને સામાન્ય ગૃહિણી છે એ આવા કેટલાય ગુંડાને જેલમાં કઈ રીતે મોકલશે??ને આવા ગુંડા પોલીસની મદદ વગર આટલા જોરમાં ન હોય..કદાચ પોલીસ એમને જ સાથ આપશે તો?? પિતાજી મારી અવની એક વખત મા વગરની બની છે.. હવે મારામાં એટલી તાકાત નથી કે હું મારા જીવનમાં બીજા કોઈને સ્થાન આપી શકું.. એ ભલે આ સંસ્થા સંભાળે પણ એ આ ગુંડાઓ સાથે સીધી દુશ્મની કરવી એટલે મોતને આમંત્રણ આપવું.."
"બેટા એ જે કરે છે એ એને કરવા દે.. એણે બધો વિચાર કરીને જ રાખ્યો હશે.. કાલનું કાલ પર છોડી દેવું જોઈએ..એની ચિંતા તને થાય એ સ્વાભાવિક છે,પણ તારે કોઈ જાતની નાહકની ચિંતા કરવાની જરૂર નથી..સમય સમયનું કામ કર્યે જાય છે..તારી બધી શંકાનું સમાધાન થશે, બસ તુ આરામથી ઘેર જા."
પરિમલ ઘેર જવા નીકળ્યો.. આજે એને એ દેહવેપારના દલદલમાં જવાનું અને પોતાના સંશોધન કંઇક અંશે એને મદદરૂપ થયા હોય એમ લાગ્યું..
પરિમલ ઘેર પહોંચ્યો..અવની સુગંધા પાસે બેઠી હતી..સુગંધા એને કંઈક શીખવી રહી હતી..પરિમલને જોઈ એ ઊભી થઈ..પરિમલે ઈશારો કરી એને ચૂપ રહેવા કહ્યું..અવનીની આંખો પર પોતાના હાથ રાખી દીધા..
"પપ્પા આવી ગયા?? ક્યારની રાહ જોતી હતી"
"અરે મારી પરી હજુ જાગે છે!! બેટા બેડમેનર્સ કહેવાય.. પણ તને કેવી રીતે ખબર પડી કે પપ્પા જ છે?"
"પપ્પાનો હાથ હું ન ઓળખું એવું બને કદી?? આજે તમે પ્રોમિસ કર્યુ હતું મને આઇસક્રીમ ખવડાવવા લઇ જવાના હતા.. એટલે હજુ જાગુ છું.."
"ઓહ બેટા સોરી હો.. ભુલાઈ જ ગયું હતું..ચાલો હું ફટાફટ જમી લઉં પછી આપણે જઈએ.."
"ના આજે આપણે હોટેલમાં જ જવાનું છે.. આજે હું પણ નવરી ન થઈ અને મોડું થયું એટલે અને અવનીનું મન હતું આઈસક્રીમ ખાવાનું એટલે મને થયું કે બહાર જ જમીએ તો??"
"અવનીની ઈચ્છા અને તમારી આજ્ઞા મારે કેમ અવગણી શકાય?? ચાલો ત્યારે બહાર જઈએ,પણ બદલામાં મને શું મળશે?? "આંખોને નચાવતો પરિમલ બોલ્યો..
"અચ્છા જી, તો તમારે અમને બહાર જમવા લઇ જાવ એનું ઈનામ જોઈએ છે?? તમને કાંઈ નહીં મળે.."બનાવટી ગુસ્સો દેખાડતી સુગંધા બોલી..
"તો એમણામ હું થોડો બહાર જમવા લઇ જાઉં?? મને પણ કોઈ ફાયદો તો મળવો જોઈએ ને??"
"હમણાંથી તમે બહુ શેતાન બની ગયા છો.. ખૂબ અવની જૂએ છે એ પણ ભાન નથી તમને..એ હવે સમજે છે બધું ને તમને રોમાન્સની પડી છે.."
"અરે તુ ખોટો ગુસ્સો કરે છે.."
અવની ઊભી થઈને પોતાના રૂમ તરફ જવા લાગી.."મમ્મી પપ્પાને ન વઢ.. હું જાઉં છું મારા રૂમમાં.. તમારા બેય ને મારે હેરાન નથી કરવા.."
"જોયું હું કેતી હતીને..જો પાછી ચીબાવલી હસે છે.. તમે બેય બાપદીકરી બહુ પાક્કા છો.. જાવ મારે બોલવું જ નથી તમારી સાથે.."
"અરે એમ કેમ ચાલશે?? થોડો પ્રેમ માંગુ છું,કંઈ આપનું સર્વસ્વ થોડું માંગી લીધું છે??" ને પરિમલે પોતાની બાહોમાં સુગંધાને લઇ પોતાના અધરો ચાંપી દીધા.. એક દીર્ઘ ચુંબન કરતો રહ્યો.. નારી સહજ લજ્જાથી સુગંધાની આંખો બંધ થઈ..એનું શરીર કંપી ઉઠ્યું..થોડી વાર બાદ એણે આંખો ખોલી તો પરિમલ એની આંખોમાં જ જોઈ રહ્યો હતો.
સુગંધાએ એને ધક્કો મારી પોતાનાથી દૂર કરી દીધો.."જોયું પાછા મને જોઈ રહયા છો.. એકદમ નિર્લજ્જ બની ગયા છો.. ચાલો હવે મોડું થાય છે.. સુગંધા શરમ અને લજ્જાથી બોલી..
અવની આઇસક્રીમ ખાતી હતી ત્યાં અચાનક બોલી ઊઠી"પપ્પા મમ્મી જાદુગર છે કે શું?? સામે જુઓ અલગ કપડામાં મમ્મી કેવી સુંદર દેખાય છે!!મમ્મી આપણી સાથે પણ બેઠી છે અને ત્યાં સામે પણ ઊભી છે.."
સુગંધા અને પરિમલે એ તરફ જોયું..પરિમલ પ્રિયાને જોતો જ રહ્યો.. આબેહૂબ સુગંધા જેવી જ લાગતી હતી પ્રિયા!!હા એના વસ્ત્રો અને સુગંંધાના વસ્ત્રોમાં બહુ મોટો ફરક હતો.. સુગંધા એક ઉત્તમ ગૃહિણીને છાજે એવા પુરા કપડા પહેરતી હતી.. પ્રિયા ગમે તેમ તોય એક સેક્સ વર્કર હતી.. પોતાના અંગોનું અંગપ્રદર્શન થાય એવા ટૂંકા વસ્ત્રો એણે પહેર્યા હતા..
સુગંધા જાણતી હતી કે જો પ્રિયા અને સુગંધાને કોઈ એકસાથે જોશે તો અહીં ખોટો તમાશો બનશે..એણે અવનીને ચૂપ રહેવા કહ્યું..પરિમલ અવનીની નજીક જવા માંગતો હતો, પણ સુગંધાએ એની સાથે કોઈપણ જાતની વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી..પ્રિયા અહીં છે તો મતલબ કે એની સાથે બીજું કોઈ પણ હશે જ.. સુગંધાએ સાડીનો છેડો ઘૂમટાની જેમ તાણ્યો જેથી એનો ચહેરો કોઈ જોઇ ન શકે..
પરિમલ પ્રિયાની બહુ નજીક જઈને બેઠો, જેથી એ પ્રિયાને સરખી રીતે જોઈ શકે.. એ ધારીધારીને પ્રિયાને જોતો હતો..આપણી આંખો જ એવી છે કે કોઈ આપણને જોતું હોય તો આપણી આંખોને ખબર પડી જ જાય..
પ્રિયા તરત બોલી"ક્યોં બે કભી લડકી નહીં દેખી ક્યાં?? કબસે ઘૂર રહા હે.."
પરિમલ ગળે થૂંક ઉતારતા બોલ્યો "હંહંહં જોયી હૈ, જોઈ હૈ."
"અબે સાલે ગુજરાતી બોલ..હું ગુજરાતી જ છું.. પણ આ ક્યારનો તું મને આમ ટીકીટીકીને શું જોઈ રહ્યો છે?? માર ખાવાનો ઈરાદો તો નથીને??"પ્રિયા ગુસ્સે થતા બોલી..
સુગંધા થોડી દૂર હતી એટલે શું વાત થાય છે એ ખબર તો ન પડી,પણ પ્રિયા ગુસ્સે થઈ છે અને ભોળો પરિમલ કશું બકી ન નાખે એટલે સુગંધાએ અવનીને જમવાનું કહ્યું ને પોતે એ તરફ ગઈ.
એણે ઘૂમટો પ્રિયા તરફ મોં રાખીને થોડો ખોલ્યોને બોલી "માફ કરજો બેન.. આમનું મગજનું સંતુલન બગડી ગયું છે.. એ ગમે તેને જોયા કરે છે.. માફ કરજો હો.."
પ્રિયા તરત સમજી ગઇ કે આ એના જીજાજી છે.. એટલે એણે તરત કહ્યું"ઈટ્સ ઓકે,પણ આમને અહીંથી લઇ જાવ..મને કોઈ આમ ઘૂરીને જુએ એ જરાય પસંદ નથી.."
તરત જ એક યુવાન પ્રિયા પાસે આવ્યો અને બોલ્યો"એની પ્રોબ્લેમ ડીયર?? તુ કહે તો એના દાંત તોડી નાખું..કોણ છે એ?? સાલો લાગે છે માર ખાશે.."
"ના ના એ કોઈ પાગલ હતું.. એ મને ક્યારનો ઘૂરુ રહ્યો હતો, પણ એની પત્ની આવીને એને લઈને ગઈ..પહેલા તો મને એમ લાગ્યું કે કોઈ પોલીસનું લફડું નથી ને??"
"મને પણ એવું લાગ્યું કે નક્કી કોઈ પોલીસ અથવા પોલીસનું જાણભેદુ છે.. તને તો ખબર જ છે ને?? ચંકી સરની પહોંચ બહુ ઉપર સુધી છે.. જો તુ કે બીજુ કોઈ પણ પોલીસના હાથે પકડાય અને પોતાની જીભ ખોલી દે તો ચંકી સરના લોકો એને ગમે ત્યાંથી શોધીને એને કેવી રીતે મરવા મજબુર કરી દે છે.. કોઈ જલ્લાદ પણ એટલો ક્રૂર નહી હોય.."પ્રિયાની સાથે રહેલો જોસેફ બોલ્યો..
"હા એ તારી વાત સાચી છે પણ તુ આ પબ્લિક પ્લેસ વચ્ચે આટલા મોટેથી બોલીશ તો આપણી ખબર બધાને પડી જશે.. નાહક અહીં ઉહાપોહ મચી જશે."પ્રિયાએ કહ્યું..એ લોકો જલ્દીથી ત્યાંથી નીકળી ગયા..
એમના ગયા બાદ સુગંધાએ પોતાનો ઘૂમટો ઉંચો કર્યો.. અવની હજુ જાણે મેજીક જોઈ રહી હતી.. એના બાળ સહજ વિચારો આ બધી બાબત સમજવા અસમર્થ હતા..
"તમે તો કેવું ગાંડા જેવું કરો છો?? પ્રિયા એકલી હોય તો મને મળે જ.. તમે એકધારૂ જોયા કરો તો અહીં મોટો બખેડો થઈ જાત એ ખબર છે?? "સુગંધાએ કહ્યું..
"અરે હું તો એને ઘડીક હેરાન કરવા માંગતો હતો.. પહેલી વખત જોઈ એટલે હું પણ આશ્ચર્યમાં પડી ગયો હતો.. જોકે સારુ થયું તુ ઘૂમટો તાણીને આવી અને મને ગાંડો બનાવી દીધો નહીતર આપણી પોલ અહીં ખૂલી જવાની હતી.."
"સારૂ હવે એમ ન કરતા અને તમારે એની સાથે વાત કરવી હોય તો હમણા એ અહીં આવશે એટલે ધરાઈને વાત કરી લેજો.. "
"હેં એવું તો એણે કહ્યું જ નથી."પરિમલે કહ્યું..
"જેમ બે પ્રેમી એકબીજાની ભાષા ઈશારાથી સમજુ જાય છે એમ અમે બે બહેનો પણ હવે ઈશારાની ભાષા સમજી શકીએ છીએ..તમે એને જોવામાં રહ્યા ત્યાં સુધી મેં એને મારૂ મોં બતાવી દીધું હતું..એણે મને સાનમાં કહી દીધું અહીં જ બેસવાનું..ગ્રાહકનું બહાનું કે ગમે તે બહાને એ અહીં આવશે,પણ આપણે ચેતીને રહેવું પડશે.."
"હા તારી સાથે રહીને હું પણ શીખી જઈશ..પણ તુ જાણે મોટી જાસૂસ હોય એમ લાગે છે.. હું તો ઘડીક ડરી જ ગયો હતો.. પણ તને જરાય ડર ન લાગ્યો.."
જમી લીધા બાદ પ્રિયાની રાહ જોઈ ને બેઠા.. થોડી જ વારમાં પ્રિયા આવી પણ એણે ઈશારો કરીને બધાને બહાર બોલાવ્યા..હોટેલમાં મળવું જોખમી હતું.. પરિમલની કારમાંં બધા બેઠા..
પ્રિયા સુગંધાને વળગી પડી.. બંનેના મિલનને પરિમલ જોઈ રહ્યો.."એણે કહ્યું સાલી સાહેબા હું પણ છું લાઈનમાં હો.. અમને પણ કોઈ પૂછો..હું હતો એટલે જ તમે અત્યારે મળી શક્યા છો હો.. "
"ઓહ જીજાજી થેંકયુ.."પ્રિયાએ પરિમલના ગાલ ખેંચ્યા ને બોલી..
"પણ દી તારે જીજાજીને વચ્ચે નહોતા નાખવા..આ ગોળમટોળ ગોલુ ક્યાંક આપણને સલવાડી દેશે હો."
"જો હજુ પહેલી વખત મળી છે અને મારી ટાંગ પણ ખેંચવા લાગી છે.. આને સમજાવી દે ચીબાવલીને."
"અરે પણ મમ્મી આ કોણ છે તારા જેવું?? ને પપ્પાને જીજાજી કેમ કહે છે??"અવની બોલી..
"જો બેટા તને તો ભુલી જ ગઈ હું.. દી તારે આટલી મોટી પુત્રી છે એવી ખબર જ ન હતી..બિલકુલ પુષ્પા દીદી જેવી જ દેખાય છે.. આજે એ હોત તો કેટલું સારૂ થાત!!બાપડી જ્યાં સુખ જોવાનો વખત આવ્યો ત્યાં મોત આવ્યું.."પ્રિયા બોલી..
"હા તારી વાત સાચી છે,પણ ઈશ્વર પાસે આપણે ટુંકા પડ્યા.."સુગંધા બોલી.. અવની તરફ જોઈને કહ્યું "જો બેટા આ વાત તારે કોઈને નથી કહેવાની કે માસી મળ્યા હતા.. નાનાને તો બિલકુલ નહીં."
અવની રાજી થઈ ગઈ..એણે પ્રોમિસ આપ્યું..
"દી,કાલે આ હોટેલમાં બહું મોટી પાર્ટી છે.. તમે ભલે આ હોટેલમાં આજે આવ્યા પણ આ હોટેલમાં બીજી વખત ન આવતા.. આ હોટેલનો માલિક અને ચંકી સર મળેલા છે.. જો કે ચંકીની કોઈ માહિતી એની પાસે પણ નથી,પણ તમને આજે હોટેલનો માલિક જોઈ નથી ગયો એટલે નહીંતર કેમેરામાં આપણને બેયને જોઈને ખબર પડી જાત તો ભાંડો ફૂટી જવાનો હતો.."પ્રિયા બોલી..
"સારુ તો કાલે હું કહુ એમ તારે કરવાનું છે".. એમ કહી સુગંધાએ આખો પ્લાન પ્રિયાને સમજાવી દીધો..
"પણ દી તુ જે વિચારી રહી છો એ શક્ય બનશે?? ચંકી ઘાતકી છે.. આપણે જેટલા મચ્છર પણ નહીં માર્યા હોય એટલા તો એણે ખૂન કર્યા છે.. એ ચાલાક પણ છે.. એની પાસે તુ કહે એમ કરવા જતા મારૂ મોત પણ આવી જાય એ તને ખબર છે??મને મરવાની બીક નથી પણ એના મોત પહેલા મરવું એ મારાથી ક્યારેય સહન ન થાય."પ્રિયા બોલી..
"સારૂ તો એક કામ કર..હું કાલે તારી જગ્યાએ અહીં રહું, અને તુ ગમે ત્યાં છુપાઈ જા.. હું મારૂ કામ સારી રીતે કરી લઈશ."
"પણ દી આપણે એક સરખા કપડા,મેકઅપ,એક સરખા વાળ ઓળાવવા પડશે.. ને એ વાતનો ખ્યાલ પણ રાખવો પડશે કે ચંકીને જરાય ખબર ન પડે.. એના પાલતું કૂતરાં પણ એકદમ સચેત હોય છે.. જો જરાય ખ્યાલ આવે તો તારૂ મોત પણ થઇ શકે એ ખબર છે??"પ્રિયા બોલી..
"હા બધુ નક્કી કરી લે અત્યારે,અને મારી જરાય ચિંતા ન કરીશ,ચંકીને તો શું પણ અમિતને પણ ખ્યાલ નહીં આવે કે હું ત્યાં છું.."સુગંધા બોલી..
"ના હું પણ એક રૂમ બુક કરાવીને અહીં રહીશ.. તને એકલી કેમ મૂકી દઉં???"પરિમલ બોલ્યો..
"તમને શું લાગે છે જીજાજી?? ચંકીને તમારા વિશે ખબર નથી એમ?? એ તમારા આખા પરિવાર વિશે અને દી વિશે પણ જાણે છે.. ભૂલથી પણ આ તરફ આવવાની ટ્રાય ન કરશો નહીંતર પકડાઈ જશો.."પ્રિયા બોલી..
આખરે સુગંધાના પ્લાન મૂજબ નક્કી થયું..ને બધા છૂટા પડ્યા..
શું કરશે સુગંધા??
ચંકીને હાથે પકડાઈ જશે તો??
પરિમલ શું કરશે??
શું પ્લાન હશે સુગંધાનો જાણવા માટે વાંચતા રહો મધદરિયે..