એક દિવસીય કલા સંગમમાં શહેરના ઘણાં ખ્યાતનામ કલાકારો આવ્યા હતા. બધા કલાકારો આવી રહ્યા હતા. યજમાન કંપનીના થોડા કર્મચારીઓ કલાકારોનું આગતા સ્વાગતા કરી રહ્યા હતા. કલા સંગમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. શહેરના મોટા મોટા ઉદ્યોગપતિઓ ને આમંત્રણ મળ્યું હતું. યજમાન કંપની એટલે શાહ આયુર્વેદિક કંપનીના પોસ્ટર દરેક સ્થળે મારવામાં આવ્યા હતા. આ કંપનીના 400 જેટલાં કર્મચારીઓને મનોરંજન પૂરું પાડવા હેતુ તેમજ પ્રોત્સાહન આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. થોડી જ વારમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ આવવા લાગ્યા હતા. તેમાંથી એક અક્ષર પણ હતો. અક્ષરને જોઈને તે ચકીત થઈ ગયો અને ખુશ પણ હતો.
કિશન મંચ પર ગયો અને ત્યાં મનાલીને જોતા જ ખૂબ ખુશ થયો. કલાકારોને મંચ સોંપી દેવાયું હતું. પોતાની મિત્ર મનાલી અને કાજલને ત્યાં એક સાથે જોઈને તે ખુશ થયો. કાજલે તો કિશનને કલાકાર તરીકે આમંત્રણ આપ્યું હતું.
કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. એટલામાં તેની નજર વચ્ચે બેઠેલાં ઓમ અને દીપ પર પડી. ઓમ અને દીપ પણ કિશન અને મનાલીનેને મંચ પર જોઈને રાજી થયા હતા. આજ વિવિધ કલાઓના સંગમમાં શરૂઆત ભજન દ્વારા કરવામાં આવી, ત્યાર બાદ એક હાસ્ય નાટક રજૂ કરાયું હતું. ત્યાર બાદ શહેરના મોટા નૃત્યકાર વી.વી. પદમણી દ્વારા ભરતનાટ્યમ સાથે સાથે બોલીવુડ સ્ટાઈલ ડાંસ કરવામાં આવ્યો.
એક નાનકડો બ્રેક પડ્યો હતો. મંચ પર કલાકારો માટે જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બધા લોકો આ કલા સંગમ નો આનંદ લઇ રહ્યા હતાં.
મનાલીનો વારો આવ્યો. તેણીએ બે ધમાકેદાર ગીતો ગાઈને બધાં લોકોનો ઉત્સાહ વધારી દીધો હતો. ત્યાર બાદ જૂના ગીતોની એક સ્પેશિયલ ફરમાઈશ આવી એટલે તેણીએ યે પ્યાર કા નગ્મા હે અને ઝીંદગી એક સફર હે સુહાના જેવા દિલ ધડક પરફોર્મન્સ આપ્યા. ચારે તરફ તાળીઓનો ગડગડાટ સંભળાયો.
હવે આજના દિવસના છેલ્લાં કલાકાર એટલે કિશનને પોતાની કલા રજૂ કરવાનું કહેવામાં આવ્યું.
કિશને કવિતા દ્વારા જ પોતાનો પરિચય આપ્યો. બધા લોકો શેર, શાયરીઓ અને ગઝલના સમુદ્રમાં ડૂબી ગયા હતા સાથે વાહ વાહી કરી રહ્યા હતા.
કર્મચારી વર્ગ સામે હોવાથી પોતાની એક કવિતા પ્રયત્ન રજૂ કરી.. જેના શબ્દો આવા હતા.
પ્રયત્ન :-
હાથ તારો બાંધી, ક્યાં કોઈએ રોક્યો તુજને,
પ્રયત્ન શા માટે છોડ્યો, જરા સમજાવ તો મુજને,
આ ઘડી તું શા ને ઉદાસ બેઠો છે ?
પ્રયત્ન કરીશ તો સાથે પ્રભુ સાક્ષાત બેઠો છે.
એક વાર નિષ્ફળ ગયો તો શું થયું...(2)
પ્રયત્ન થી સફળતાનો છેડો ક્યાં છેટો છે !
પરિશ્રમ થી જ પરિણામ છે, ભૂલ નહી આ વાત ને,
જો પછી કેવી મળે સફળતા તારી આ શરૂઆતને.
પ્રમાદ તારો શત્રુ છે, એ વાત કદી ભૂલતો નહિ,
ભલે મળે નિષ્ફતા, તું સંઘર્ષ કદી ચૂકતો નહિ.
અપનાવિશ જો સંઘર્ષ અને પ્રયત્ન નો સહકાર તું,
તો ઝીલી શકીશ જીવનનો કોઈ પણ પડકાર તું."
~ કિશન "અવકાશ"
આ કવિતા દ્વારા કર્મચારીઓમાં ઉત્સાહનો વધારો થયો હતો.
જેમ જેમ રંગ જામી રહ્યો હતો તેમ તેમ કિશન પોતાના કવિના રૂપમાં આવી રહ્યો હતો.
આ રંગને બરકરાર રાખવા માટે કિશને પોતાના અટકતા અને અનોખા અંદાજ માં એક નવી કવિતા છેડી.
"તડકા માં તપ તપતી ધૂળની એ ડમરીઓ જો કશું બોલે તો કહેજે,
ફૂલો પર બેસીને ગુંજતી એ ભમરીઓ જો જરા ડોલે તો કહેજે,
ચંદનની સોડમથી ધમધમતું લાકડું જો તને સ્પર્શે તો કહેજે,
આંખોની મસ્તીમાં ડૂબતી એ આંખો જરા હરકત કરે તો કહેજે.
કોયલના કલરવથી શુશોભિત વડલાની ડાળ થોડી ઝૂલે તો કહેજે,
મનડા ના મનગમતા મીઠડાં ને મધુરા સુર આજ રેલાય તો કહેજે.
આકાશે ટમટમતા ચમકીલા તારલાઓ જો ખરી જાય તો કહેજે,
ઝગમગતી રોશની ને રઢિયાળી રાતડી ની સરખામણી થાય તો કહેજે.
સૂસવાટા મારતી એ વાયરાની લહેરો જો ઘર આંગણે આવે તો કહેજે,
લાલ- ભૂરી શાહી થી ભીંજાતી કલમ મારી જો કાગળ લખે તો કહેજે."
~ કિશન "અવકાશ"
કવિતાઓમાં લોકોને ખૂબ મજા પડી. લોકો તરફથી ફરી એક ગઝલની ફરમાઈશ આવી.
કિશને એક ગઝલ છેડી.
"તને જોઈ પ્રશ્ન થાય, આટલું સુંદર કેમ ?
મન મારું આપે ઉત્તર કે એ તો તારો વહેમ,
પળે પળ પામવાનો તને કરતો પ્રયાસ હું,
શેના કાજે, વિચાર તો કર, થોડો તો કર રહેમ,
નીકળો છું હું શોધવા માણસાઈ ને આ જગત માં,
જો મળી જશે મને તો પાછો આવીશ હેમ ખેમ,
આથમતો જોઈ સમી સાંજે સૂરજને,
આશ જાગતી મારી નવા સૂર્યોદયની જેમ
શબ્દો મારી ગઝલના સ્પર્શી જાય તને,
ત્યારે તું સમજી લેજે, તને પણ થયો પ્રેમ."
~ કિશન "અવકાશ"
(આ તમામ રચનાઓ લેખકની પોતાની છે.)
કિશન પોતાની કાવ્ય રચનાઓનું સમાપન ચા પર કવિતા દ્વારા કરે છે. આ કવિતા કંઇક આ રીતે છે...
ચા...
"જીવનનું ઘરેણું છે ચા,
જીવવાનું કારણ છે ચા,
ખુશીઓનું તારણ છે ચા,
ટેન્શન નું મારણ છે ચા,
ઊંઘનો પડકાર છે ચા,
અમૃતનો અવતાર છે ચા,
સુસ્તી નાશક દ્વાર છે ચા,
મસ્તીની ભરમાર છે ચા,
તંદુરસતી નો આવકાર છે ચા,
જીવનધર્મ નો ઓમકાર છે ચા,
દરેક જીભ નું ખ્વાબ છે ચા,
અઘરા સવાલ નો જવાબ છે ચા."
~ કિશન "અવકાશ"
બધા લોકોને ખૂબ મજા આવે છે. કિશન અંતે મોટીવેશનલ સ્પીચ આપી પોતાનું વક્તવ્ય પૂર્ણ કરે છે.
આ કાર્યક્રમ પૂરો થયો, બધા મિત્રો એક બીજાને મળ્યા, હાલ ચાલ પૂછયા. બધાએ એક બીજાની લાઈફ વિશે જાણ્યું. કાજલે કિશન અને મનાલીનો ખાસ આભાર માન્યો. પણ આજ કિશન થોડો ચિંતામાં દેખાઈ રહ્યો હતો.
અક્ષરે કિશનને કારણ પૂછ્યું.
"અરે અક્ષર એમાં એવું છે ને કે વિકાસ સર ત્યાંથી બે વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા અને આપણા તન્વી મેડમ નવા આચાર્ય બન્યા છે. મારે પણ આપણી એસ.વી.પી. માં જ જોબ છે. હું ત્યાં ત્રણ વર્ષથી જોબ કરું છું. પણ હવે મારે એ જોબ છોડવી પડશે."
"કેમ? એવું તે વળી શું થયું? તું ત્યાં ગુજરાતી ભણાવે છે ને?"
"અરે વાત કોઈ વિષયની નથી, પણ આપણી શાળાનું બાંધકામ જે લીઝ કોન્ટ્રાક્ટ પર હતું. એની મુદત ચાર મહિના પછી પૂરી થાય છે. નવા કોન્ટ્રાક્ટ માટે 20 કરોડ રૂપિયા ભરવાના છે. અને શાળા પાસે આટલું ફંડ નથી.
"ઓહ, તું ચિંતા ના કર, આપણે સૌ ભેગા મળીને કોઈને કોઈ રસ્તો તો કાઢશું જ."
બધાં લોકો ખૂબ વિચારે છે, એક દિવસ વહેલી સવારે કિશનને અક્ષરનો ફોન આવે છે. તે કિશનને સ્કૂલે મળવા આવશે બધાં તેમ કહે છે. બધા લોકો ત્યાં મળે છે અને આખી વાત કરે છે.
"જુઓ, મેં નક્કી કર્યું છે કે, મારું ટ્રસ્ટ આ રકમ આપશે. ટ્રસ્ટ શાળાને આ રકમ આપશે. જે ટ્રસ્ટીઓ છે એ નીકળી જશે. પણ આપણે જ્યાં ત્રણ વર્ષ સાથે ભણ્યાં છીએ એ સ્કૂલને હું પાડવા નહીં દવ. મારે ઉપરવાળાની દયાથી ખૂબ જ પૈસો છે. એટલે આપણે ક્યાંય હાથ લાંબો નહિ કરવો પડે."
અક્ષરે એક સાચા માનવી અને એક સારું વ્યક્તિત્વ હોવાની ફરજ પૂરી કરી. સ્કુલ માટે ફરી નવો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો. ટ્રસ્ટીઓ દ્વારા ફંડની 90% રકમ અક્ષરના ટ્રસ્ટમાં આપવામાં આવી. બંને ટ્રસ્ટ દ્વારા ભાગીદારી કરવામાં આવી. કાગળિયા તૈયાર થયા, બધી વિધિઓ પૂર્ણ થઈ.
હવે શાળા ફરીથી ધમધમવા લાગી હતી. બધા મિત્રો ફરીથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતાં.
આમ, આ નવલ કથાનો અંત સુખદ આવ્યો.
આપણું જીવન કંઇક આવું જ છે.
મિત્રો, હું કિશન દાવડા (કવિ અવકાશ)તમામ વાચકોને અને સાહિત્ય રસિકોને હું મારા શબ્દો દ્વારા સારું વાંચન આપી શકું એવો મારો હંમેશા પ્રયત્ન રહે છે. મને આનંદ છે કે તમે મુજ નાના કલમ પ્રેમીને નિહાળી મને સમ્માનિત કરો છો. શિક્ષકોના તેમજ વડીલોના આશીર્વાદ સાથે, આપ સૌ વાચક મિત્રોના સહકાર સાથે અને મિત્રોની શુભેચ્છાઓ સાથે આ નોવેલ પૂરી કરી રહ્યો છું.
જો આપ સૌને મારો આ પ્રયાસ ગમ્યો હોય તો આ નવલ કથાને જરૂરથી શેર કરો તેમજ આપનો પ્રતિભાવ અવશ્ય દર્શાવો.
તમને કેવી લાગી આ કેમીસ્ટ્રી?
ig:- @author.dk15
FB:- Davda Kishan
eMail:- kishandavda91868@gmail.com
મિત્રો, આ નોવેલ લખવાની શરૂઆત કરી ત્યારે મને ખુદ પર ભરોસો નહોતો કે હું આ નોવેલ પૂર્ણ કરીશ.
જો આ નોવેલ પૂર્ણ થઈ હોય તો મને મળેલા આપના સહકારથી તેમજ પ્રોત્સાહનથી.
આ માટે મારા મમ્મી - પપ્પા, પરિવાર જનો, મિત્રો તેમજ આપ વાચક મિત્રોને ખૂબ ખૂબ આભાર.
અહીં "ટીચર :- ધી રીયલ ક્રીએટર ઓફ ફ્યુચર"નું સ્લોગન સિદ્ધ કરવાનો પૂરતો પ્રયાશ કર્યો છે.
આભાર.
લેખક : કિશન મુકેશભાઈ દાવડા
આમનો ખાસ આભાર માનું છું. મૈત્રી બેન હિંડોચા (રાજકોટ), ગાયત્રી બેન પટેલ (સુરત)
મારા તમામ વંદનીય શિક્ષકોને ખૂબ ખૂબ આભાર.
આભાર.