ajanyo shatru - 15 in Gujarati Fiction Stories by Divyesh Koriya books and stories PDF | અજાણ્યો શત્રુ - 15

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અજાણ્યો શત્રુ - 15

છેલ્લે આપણે જોયું કે રાઘવ,ત્રિષા અને વિરાજ હર્બિન પહોંચી જાય છે અને પોત પોતાના કામમાં આગળ વધે છે. ફક્ત ત્રિષાને ક્યાંય બહાર જવા દેવામાં આવતી નહતી.

હવે આગળ.....

*******
ત્રિષા, રાઘવ અને વિરાજને હર્બિન આવ્યાને અઠવાડિયું થઈ ગયું હતું. આજે પહેલી વાર રાઘવ ત્રિષાને વિલાની બહાર લઇ ગયો હતો. તે બન્ને એક કાર લઇ શહેર તરફ નીકળી પડ્યા. પરંતુ શહેરની ભાગોળ પહેલા જ રાઘવે કાર બાજુના ઝાડી ઝાંખરા વાળા કાચા રસ્તે વાળી લીધી. એ રસ્તો આખા શહેરનો વળાંક લઈ બીજી તરફ પેલી લેબની એકદમ નજીક નીકળતો હતો.

ત્રિષાને હતું કે, રાઘવ કદાચ તેને શહેરમાં ફરવા લઈ જતો હશે! કેમકે એટલા દિવસોથી તે એકજ જગ્યાએ કેદ જેવી સ્થિતિમાં હતી. પરંતુ અહીં તો બધુંજ સતંદર તેની ધારણાથી ઊલટું બનતું હતું. રાઘવ તેને ફરવા નહીં પરંતુ મિશન વખતે જરૂર પડે ભાગી શકવા માટેનો માર્ગ દેખાડવા આવ્યો હતો.

"આ રસ્તાના એક એક ચિન્હ અને નિશાની યાદ રાખી લેજે. મિશન સમયે જો કોઈ ગરબડી થઈ અને ભાગવાની સ્થિતિ ઉદભવે તો આ રસ્તા મારફતે સીધું આપણે રોકાયા તે વિલા પર પહોંચી જવાશે."રાઘવ એક એક શબ્દ પર ભાર મૂકતા છતાંપણ જાણે ન કહેવાની વાત કરતો હોય તેમ એકદમ ધીમેથી બોલ્યો. કારમાં તેઓ બેજ હતા. અને રસ્તો છેક સુધી નિર્જન હતો. આમેય હવે સંધ્યા સમય થવા આવ્યો હતો. એટલે આવા અવાવરુ રસ્તે કોઈના હોવાની શક્યતા નહિવત હતી.

રસ્તાનો છેડો દેખાતો હતો. મુખ્ય રસ્તા પરના વાહનોનો અવાજ તેમજ પ્રકાશ દેખાતા હતા. એ રસ્તાની બીજી તરફ જ લેબ આવેલી હતી. અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ રાઘવે કારને જોરથી બ્રેક મારી. તેને કાર રિવર્સમાં લીધી. લગભગ બસો ફૂટ કાર પાછળ લઈ તે નીચે ઉતર્યો. ત્રિષાને તેણે કારમાં જ બેસી રહેવાનું ક્હ્યું.

આજુબાજુ કોઈ છે નહીં, તેની ખાતરી કર્યા બાદ તેને ત્રિષાને પોતાની સાથે ચાલવા કહ્યું. ત્રિષાને આવી રીતે સુમસામ રસ્તે એકલા રાઘવ સાથે જવામાં ડર લાગતો હતો. આજ દિવસ સુધી રાઘવ તેનું ખરાબ નહતું વિચાર્યું,તે થોડો કઠોર જરૂર હતો, પરંતુ જરૂર પડ્યે તે હંમેશા તેની સાથે ઉભો રહ્યો હતો. અને અનેક એવી વાતો પણ કહી હતી, જે તેના માટે જાણવા જેવી નહતી. આજે પણ એટલે જ રાઘવ ત્રિષાને અહીં લઈને આવ્યો હતો.

છતાં ત્રિષાના મનમાં એક અજાણ્યો ડર લાગતો હતો. પણ તે રાઘવને ના પણ કહી શકવાની નહતી. આથી કંઈ થાય તો રાઘવ અને તેના લોકોએ જ શીખવેલી ટેક્નિકસ રાઘવ પર જ આજમાવાનું ત્રિષાએ નક્કી કર્યું. તે ચુપચાપ રાઘવની પાછળ પાછળ ચાલતી રહી.

લગભગ પચાસેક ડગલાં જેટલું ચાલ્યા બાદ આગળ એક નાનું નાળું આવ્યું. "અત્યારે અંધારું થઈ ગયું છે, વધુ આગળ જઈ શકાશે નહીં." એટલું કહી રાઘવ ફરી કાર તરફ આગળ વધવા માંડ્યો. ત્રિષાને સમજાતું નહતું કે રાઘવ કરે શું છે? પહેલા તો કારને અચાનક બ્રેક મારી, પછી રિવર્સ લઈ આ નાળા સુધી આવ્યો અને હવે પાછા કાર તરફ! તે રાઘવને રોકી પૂછવા માંગતી હતી, પણ એટલી વારમાં રાઘવ તો તેનાથી આગળ નીકળી ગયો હતો. તે દોડતી જ કાર પાસે પહોંચી.

રાઘવ તેના મનનાં સવાલ પામી ગયો હોય તેમ ત્રિષાને કહ્યું, "પહેલાં કારમાં બેસી જા! પછી બીજી વાત કરું."
ત્રિષા કારમાં બેસી એ સાથે જ રાઘવે આગળ જવાને બદલે એ લોકો આવ્યા હતા, એજ રસ્તે કારને પાછી ભગાવી મૂકી.

"આપણે પહેલી વાર કાર રોકી હતી, ત્યાંથી સામે જ મુખ્ય રોડ હતો, અને તેની બીજી તરફ વાયરસ વાળી લેબ.. "

"પણ આપણે પેલા નાળા પાસે શું કામ ગયા હતા?"ત્રિષા ઉતાવળે વચ્ચે થી રાઘવની વાત કાપતા બોલી.

"એ જ કહું છું, અત્યારે અંધારું થઈ ગયું હોવાથી વધારે આગળ ન જઇ શકાયું, પરંતુ હું તને એજ નાળું દેખાડવા સાથે લઈ આવ્યો હતો. એ ઈમરજન્સી એક્ઝિટ માટે છે. મિશન વખતે જો મુખ્ય પ્રવેશદ્વાર કે પાછળના રસ્તેથી બહાર નીકળી શકાય એમ નહોય, તો જ આ રસ્તાનો પ્રયોગ કરવાનો. લેબની બે નંબરની બિલ્ડીંગના વિભાગ પાંચમાં ડાબી તરફના જેન્ટ્સ ટોઈલેટનાં છેવાડે એક તાળું મારેલો દરવાજો છે. તે તાળુ ફ્કત નામનું જ છે. હાથથી બે-ત્રણ વાર ઝાટકો આપતા તે ખુલી જશે. તેની પાછળ એક ગટર નીકળે છે. જે સીધી અહીં હું તને જે નાળું દેખાડવા લઈ ગયો હતો, તેમાં આવીને ભળે છે. આપણે ઉભા હતા ત્યાંથી થોડેક જ દુર એ ગટરનું મુખ છે. "રાઘવે ત્રિષાને સવિસ્તાર માહિતી આપતાં જણાવ્યું.

ત્રિષા આ બધુ સાંભળીને અચંબિત થઈ ગઇ. તેની જાણમાં હતું ત્યાં સુધી રાઘવ પહેલી વાર જ ચાઈના આવ્યો હતો અને છતાં તેને આટલી ઊંડાણપૂર્વક માહિતી હતી.

"અને મેં તને આ ગુપ્ત રસ્તાની માહિતી આપી છે, એ કોઈને કહેતી નહીં,વિરાજને પણ નહીં.સિવાય કે તેનો ઉપયોગ કરવાની જરૂર પડે."રાઘવ વિરાજના નામ પર વધારે ભાર મૂકતા બોલ્યો. જેનો સ્પષ્ટ અર્થ થતો હતો કે ત્રિષાએ આ બાબતે વિરાજને કદી કોઈ જાણ કરવાની નહતી.

"પરંતુ, વિરાજને કેમ નહીં? એ તો આપણો સાથી છે!"

"અમુક પ્રશ્નોના જવાબ ન જાણવામાં જ ભલાઈ છે."રાઘવ એટલું બોલી ચુપ થઈ ગયો. પછી આખા રસ્તે કોઈ કંઈ બોલ્યું નહીં. ત્રિષાને સમજાઈ ગયું કે રાઘવ પાસેથી હવે વધારે કંઈ જાણવા મળશે નહીં. તેને માંડ બંગલાની બહાર નીકળવા મળ્યું હતું. તે આ આઝાદીને મન ભરીને માણી લેવા માંગતી હતી.ફરી જાણે કેટલા દિવસ એજ જગ્યાએ પૂરાઈ રહેવું પડે. અને કદાચ પકડાઈ જાય તો તો જીંદગી ભરની કેદ નક્કી જ હતી.

તેને બારી ખોલી તાજી હવા અંદર આવવા દીધી. હવાની લહેરોથી તેના ખુલ્લા વાળ વારેઘડીએ તેના ચહેરા આવતા હતા. જેને તે સલુકાઈથી કાનની પાછળ ગોઠવી દેતી હતી. વાતાવરણમાં સૂરજ આથમ્યા પછીનું આછેરૂ અજવાળું હજુ હતું. પૂર્ણ અંધકાર પહેલાની એ પળ તેને જીવનમાં પહેલી વાર માણી હોય તેવું લાગતું હતું. તે આછા અંધકારના અર્ધ પ્રકાશમાં રોડના બન્ને કિનારે ઉભેલા વૃક્ષોના આછા પડછાયાઓએ પણ જાણે વર્ષો પછી કોઈ જીંવત મૂર્તના દર્શન કર્યા હોય તેમ તેના ચહેરા પર આવ જા કરતાં હતા.

ત્રિષાનું ધ્યાન અત્યાર સુધી બારીની બહાર જ હતું. તેને બાજુમાં બેઠેલા રાઘવ તરફ જોયું તો તે પણ તેની તરફ જોતો હોય એમ લાગ્યું. ત્રિષાની નજર પડતાં જ તેને ચેહરો ફેરવી લીધો. પણ કારના મિરરમાં તે ત્રિષાને સતત જોતો હતો. રાઘવની આ ચેષ્ટા ત્રિષા પારખી ગઈ. તેને લાગ્યું રાઘવ કંઈક કહેવા માંગે છે, પણ કહી નથી શકતો.

ત્રિષાને મન તો થયું કે રાઘવને પૂછે, પરંતુ તેને માંડી વાળ્યું, કારણ કે જવાબ મળવાનો નહતો. એ લોકો વિલા પર પહોંચ્યા ત્યારે રાત થઈ ગઈ હતી. કાર જેવી કમ્પાઉન્ડમાં પ્રવેશી બહાર બગીચામાં બેસેલા જેક અને વિરાજ તરત જ કાર પાસે આવ્યા.

તેઓ રાઘવ સાથે ક્યાંય જવાની વાત કરી રહ્યા હતા. પરંતુ ક્યાં જવાનું છે એ સ્થળનો ઉલ્લેખ તેઓ કદાચ હેતુપૂર્વક ટાળી રહ્યા હતા. તથા આજે પહેલી વાર ત્રિષાને પણ ચર્ચામાં શામેલ કરાઈ હતી. તેને શામેલ થવાનું તો કહેવાયું નહતું માટે શામેલ તો ન કહી શકાય પરંતુ દર વખતેની જેમ તેને દૂર જવાનું પણ કહેવાયું નહતું.

રાઘવે ત્રિષાને વિલામાં જઈ આરામ કરવા માટે કહ્યું અને તે લોકો ક્યાંય જવા માટે ગાડીમાં ગોઠવાયા.

"મારે પણ સાથે આવવું છે."

"ના મિસ..., તમારે આવવાની જરૂર નથી. "રાઘવ કંઈ બોલવા જતો હતો, પરંતુ એ પહેલાં જ વિરાજે ત્રિષાને ઉત્તર આપતાં કહ્યું.તેને ત્રિષાના નામનો ઉલ્લેખ ટાળ્યો. કદાચ જેકની હાજરીના લીધે. તેમનું કામ જ એવું હતું કે કોઈ પર કદી ભરોસો આવે જ નહીં.

રાઘવ સાથે ગુપ્ત માર્ગ જોઈ આવ્યા પછી ત્રિષાને એટલું તો સમજાતું હતું કે કદાચ લેબમાં વાયરસ લેવા માટે પણ તેને જ જવું પડશે. આથી તેને વિરાજને કહ્યું,"જે વ્યક્તિને સાપ પકડવાનો હોય તેને ઝેર ઉતારતા તો શીખવવું પડેને... "

રાઘવ અને વિરાજ ત્રિષાના શબ્દોનો મર્મ સમજી ગયા હતા. આજે પહેલી વાર તેઓને ત્રિષા તેમના જેવી જ લાગી. બાકી આજ દિવસ સુધી ત્રિષાને તેઓ એક સરકારી નોકરથી વધારે કંઈ માનતા નહતા.

વિરાજે રાઘવ સામે જોયું. રાઘવે આંખના ઇશારાથી જ વિરાજને ના પાડવાનું કહી દીધું. તે નહતો ઇચ્છતો કે ત્રિષા કોઈ મુસીબતમાં મુકાઈ. અને તે લોકો જે જગ્યાએ જઇ રહ્યા હતા એ તેમના પૂરેપૂરા ભરોસાપાત્ર નહતી. માટે ત્રિષાને લઈ તે કોઈ જોખમ ખેડવા માંગતા નહતા.

વિરાજે ત્રિષાને ફરી ના પાડી, તેના જવાબની રાહ જોયા વગર કાર બંગલાના ગેટ તરફ ચલાવી મૂકી. ફરી એકલા રહી ગયા ત્રિષા, તે બંગલો અને.......

********

રાઘવ, વિરાજ અને જેક ક્યાં જતાં હશે? રાઘવે ગુપ્ત માર્ગ વિશે ત્રિષાને વિરાજ સાથે વાત કરવાની કેમ ના પાડી હતી? રાઘવને ગુપ્ત માર્ગ વિશે જાણકારી ક્યાંથી મળી? જાણવા માટે વાંચતા રહો 'અજાણ્યો શત્રુ'

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિંદ.