કાવ્યાને સમીરના ઘરે બાથરૂમમાં પડછાયો દેખાયો હતો અને તેનાથી બચવા તે ભાગવા ગઈ અને તેનો હાથ શાવરના હેન્ડલ પર ટકરાઈ ગયો તો શાવર ચાલુ થઈ ગયો અને તેમાંથી લોહીનો પ્રવાહ ચાલુ થઈ ગયો અને કાવ્યા આખી લોહી થી પલળી ગઈ. તે ખૂબ જ ડરી ગઈ અને ચિલ્લાવા લાગી હતી અને બાથરૂમનો દરવાજો ખખડાવવા લાગી હતી.
કાવ્યાની ચીસ અને દરવાજો ખખડાવવા નો અવાજ સાંભળી બધા ઉપર દોડી ગયા. અમન બધાથી આગળ દોડી ગયો હતો. તેણે બહારથી બંધ કરેલ દરવાજો ખોલી નાખ્યો અને કાવ્યા બહાર આવી સીધી તેને વળગી જ ગઈ અને જોરજોરથી રડવા લાગી. અમન કાવ્યાને પીઠ પર હાથ ફેરવવા લાગ્યો અને શાંત કરવા લાગ્યો. બધા બસ કાવ્યાને જ જોઈ રહ્યા હતા કે તેને શું થયું છે.
થોડી વાર પછી કાવ્યાએ જ્યારે રડવાનું બંધ કર્યું ત્યારે અમને કહેવા લાગી, "અમન, ત્યાં બાથરૂમમાં પેલો પડછાયો છે તે અહીંયા પણ આવી ગયો, તે મને મારી નાખશે અમન મને બચાવ. જો એણે મારી ઉપર લોહીનો શાવર પણ ચાલુ કરી દીધો હતો. હું આખી લોહીથી લથપથ થઈ ગઈ છું."
અમન અને બધા કાવ્યાને નવાઈથી જોઈ રહ્યા હતા કે આ કાવ્યા શું બોલી રહી છે અને કાવ્યાના કપડાં પર લોહીનું એક બુંદ પણ ન હતું. સમીર દોડીને બાથરૂમમાં ગયો પણ ત્યાં કોઈ ન હતું. તે ફટાફટ બહાર આવીને કહેવા લાગ્યો કે બાથરૂમમાં કોઈ નથી.
કાવ્યાને પકડીને અમન બોલ્યો, "કાવ્યા, ત્યાં કોઈ નથી અને લોહી પણ નથી, તને ભ્રમ થયો છે." કાવ્યાએ જોયું તો તેના કપડાં એકદમ ચોખ્ખા જ હતાં. તે વિચારવા લાગી કે લોહી ગયું તો ગયું ક્યાં. પોતાને ભ્રમ નથી થયો એ હકીકતમાં જ બન્યું હતું તે કંઈ જ બોલી નહિ. અમને કાવ્યાને ઘરે જવા માટે કહ્યું તો તેણે બસ હકારમાં માથું હલાવ્યું.
અમન સમીર અને શબાનાની રજા લઈ કાવ્યાનો હાથ પકડી ત્યાંથી ઘરે જવા માટે નીકળી ગયો. બાકીના બધા આ જોઈ ડઘાઈ ગયા હતા કે આ શું થઈ ગયું અને ધીમે ધીમે બધાં પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગયા.
કારમાં બેસીને પણ કાવ્યા ચૂપ જ હતી. તે બસ એ જ વિચારી રહી હતી કે લોહી ક્યાં ગાયબ થઈ ગયું. અમન કાવ્યાને આમ ચૂપ જોઈ ચિંતામાં પડી ગયો હતો કે પોતાના જીવથી પણ વ્હાલી કાવ્યાને આ શું થઈ રહ્યું છે. તે કાર ચલાવતા ચલાવતા પણ કાવ્યાની તરફ વારે વારે જોઈ રહ્યો હતો. આખરે તેણે કાવ્યાને પૂછી જ લીધું,
"કાવ્યા, તને હજી પણ પડછાયો દેખાય છે?"
"હ.. હા શું પૂછ્યું તે અમન મેં સાંભળ્યું નહીં." કાવ્યા સ્વસ્થ થતાં બોલી અને અમને પોતાનો સવાલ દોહરાવ્યો ત્યારે કાવ્યાએ કહ્યું,
"ના અમન, તે પાછલા અઠવાડિયે દેખાયો હતો પછી નહોતો દેખાયો, પણ આજે ફરી પાછો દેખાયો. પહેલા તો મને એમ હતું કે મને ભ્રમ થયો હશે કેમકે આટલાં દિવસો સુધી ના દેખાયો. પણ આજે મને તે આ ત્રીજી વખત દેખાયો. તને યાદ છે સમીરભાઈના ઘરે પહોંચી ગયા પછી પાર્કિંગ લોટમાં મને કોઈનો અવાજ સંભળાયો હતો ત્યાં તે પડછાયો જ હતો. તું અને સમીરભાઈ આગળ હતા અને હું પાછળ ત્યારે મેં પાછળ ફરીને જોયું તો પડછાયો હતો ત્યાં અને એક વખત બાથરૂમમાં દેખાયો.
"તો પછી ત્રીજી વખત ક્યાં દેખાયો હતો પડછાયો?" અમન કાર ચલાવતા ચલાવતા જ કાવ્યા સાથે વાત કરી રહ્યો હતો.
"હું જન્નત માટે ગિફ્ટ લેવા ગઈ હતી ત્યારે" કાવ્યા એ જવાબ આપ્યો અને ઉમેર્યું, "ગિફ્ટ લઈને પરત ફરી રહી હતી ત્યારે સ્કૂટર પર પાછળની સીટ પર બેઠો હતો એ પડછાયો અને મારું બેલેન્સ ગયું અને સામેથી આવતી કાર સાથે ટકરાઈ ગઈ."
"વ્હોટ.. આટલું બધું થઈ ગયું અને તું અત્યારે કહી રહી છે મને. તને ક્યાંય વાગ્યું તો નથી ને?" અમને કારને ત્યાં જ રોકીને કાવ્યાના હાથ મોં ગરદન પર જોવા લાગ્યો.
"અમન, હું ઠીક છું મને ક્યાંય વાગ્યું નથી. માતાજીની કૃપાથી મને ખરોચ પણ નથી આવી. બસ મને પેલા પડછાયાથી ડર લાગે છે પ્લીઝ અમન મને બચાવ તે મને મારી નાખશે.." કાવ્યા રડમસ અવાજે કહેવા લાગી.
અમને કાવ્યાને ગળે વળગાડી દીધી અને બોલ્યો, "કાવ્યા, તું ચિંતા ન કર તને હું કંઈ નહીં થવા દઉં. બસ તું ઠીક રહે એટલું જ જોઈએ મારે." અમને કાવ્યાને હગમાંથી છોડી અને તેના કપાળ પર ચૂમી પોતે હંમેશા કાવ્યાની સાથે છે એવું મહેસુસ કરાવ્યું અને કાર ચાલું કરી ઘર તરફ રવાના કરી.
ઘરે પહોંચી બંને કપડાં બદલી ફ્રેશ થઈ બેડ પર સુવા માટે ગયા અને કાવ્યા અમનને કહેવા લાગી, "અમન, પડછાયો મને નહીં છોડે, તું પ્લીઝ મારી સાથે જ રહેજે." "હૂં ક્યાં જવાનો છું હે.. હું તારી સાથે જ છું તું ચિંતા કર્યા વિના સૂઈ જા, હું આખી રાત જાગીને પહેરો ભરીશ બસ." અમન આમ બોલીને હસવા લાગ્યો અને કાવ્યા તેને ગાલ પર હળવેથી થપ્પડ મારીને બોલી, "અહીં મારી હાલત ખરાબ છે અને તું મજાક કરે છે તને શરમ નથી આવતી.."
"અરે મારે છે કેમ.. નહીં કરું મજાક, આ તો તારું મૂડ ઠીક કરી રહ્યો હતો." અમન હસવાનું રોકી બોલ્યો.
"બસ હવે મજાક ના કર અને સૂવા દે મને નીંદર આવી રહી છે." કાવ્યા આટલું બોલી અમનને વળગીને સૂઈ ગઈ. અમન પણ કાવ્યાના માથે હાથ ફેરવતાં ફેરવતાં આખી રાત જાગતો રહ્યો. નીંદરમાંથી અચાનક કાવ્યા જાગીને ચીસો પાડવા લાગતી તો અમન તેને શાંત કરીને પાછી સૂવડાવી દેતો.
આમ ને આમ સવારના પાંચ વાગી ગયા ત્યારે અમન સૂઈ ગયો. તે ઊઠ્યો ત્યારે કાવ્યા તેના માટે બેડ કોફી લઈને હાજર હતી. તે બોલી, "તું ઊઠી ગયો, લે કોફી પી સ્ફૂર્તિ આવી જશે."
અમને કોફી હાથમાં લઈ કાવ્યાને પૂછવા લાગ્યો, "તું ક્યારે જાગી ગઈ મને તો કંઈ ખબર જ નથી. અચાનક નીંદર આવી ગઈ હતી." "હા જાણું છું અમન. તું આખી રાત જાગતો હતો અને મને સંભાળતો હતો એટલે જ હું તારા માટે કોફી બનાવીને લાવી છું. પી તો ખરાં." અમન કોફી પીવા લાગ્યો અને પછી નહાવા માટે બાથરૂમમાં ગયો.ન્હાઈને બહાર આવીને તૈયાર થઈ કાવ્યા પાસે કિચનમાં ગયો.
"તું તૈયાર થઈ ગયો.. લે ડાઇનિંગ ટેબલ પર લઈ જા આ નાસ્તો. હું બાકીનું બધું લઈને આવું છું. ચાલ જલ્દી કર ." કાવ્યા અમનને નાસ્તાની પ્લેટ પકડાવતા બોલી.
"હા મેડમજી" કહેતો અમન પ્લેટ લઈને બહાર આવ્યો. પાછળ કાવ્યા પણ બીજી પ્લેટ લઈને આવી ગઈ. બંનેએ નાસ્તો કરવા બેઠા. નાસ્તો કરતા કરતા અમને કાવ્યાને કહ્યું, "ચાલ આજે આપણે ક્યાંક ફરવા જઈએ આમ પણ આજે સન્ડે છે."
"સારો આઈડિયા છે પણ જઈશું ક્યાં?" કાવ્યા બોલી. "તું કહે ત્યાં." અમને કાવ્યાને કહ્યું. "ઓકે તો આપણે મમ્મી પપ્પા પાસે ગામડે જઈએ." કાવ્યા એ સજેશન આપ્યું.
"બેસ્ટ આઇડિયા છે કાવ્યા. આમ પણ હું ઘણા સમયથી મમ્મી પપ્પાને મળ્યો નથી. તેઓ આપણને જોઈને ખુશ થઈ જશે." અમન ખુશ થતાં બોલ્યો. "સારું તો નાસ્તો કરીને નીકળીએ. તું પપ્પાને ફોન કરીને કહી દે કે આપણે આવીએ છીએ" કાવ્યા બોલી. "ના આપણે એમને સરપ્રાઈઝ આપીશું." અમન ઉત્સાહમાં આવી બોલ્યો. "હા અમન તો એમ કરીએ." કાવ્યા હસીને બોલી.
બંને ફટાફટ નાસ્તો પતાવી ગામડે જવા માટે નીકળી પડ્યા
જ્યાં એક સરપ્રાઈઝ પહેલાથી જ તેમની રાહ જોઈને બેઠું હતું.
************
વધુ આવતા અંકે