શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૦: "છોરાની છાતીમાં છૂરો"
હોસ્પિટલ એક એવી જગ્યા છે જ્યા અવનવા કિસ્સાઓનો ખજાનો પડેલો છે,
એ ખજાનાની અમૂલ્ય રત્નો જેવી ઘટનાઓ ઘણી વાર તમારી સામે આવી જાય છે,
મારો આ અનૂભવ પણ આવો જ કંઇક અટપટો અને અજૂગતો જ હતો.
સાંજનો ૮:૩૦ નો સમય,
એક ૧૨ વષૅના છોકરાને ઉચકીને ૨૦ લોકોનુ ટોળુ સિધુ વોડૅમાં જ ઘૂસી ગયુ. સૌથી પહેલા એ છોકરાના બધા સગા અંદર આવ્યા એટલે અમે વિચારમા પડ્યા કે સાલુ પેશન્ટ ક્યા છે?
આખા આ ટોળાની પાછળ એના પપ્પા અને કાકા બાળકને પકડીને ઉભા હતા, ટોળુ વિખેરીને જેવા અમે તે છોકરા પાસે પહોચ્યા, તરત જ તેણે મોટી ચીસ પાડી અને બંને હાથ પોતાની છાતી પર રાખીને દબાવી દીધા, અને મોટે મોટેથી રડવા લાગ્યો.
મે પૂછ્યુ, "બેટા શું થયુ?"
એણે ફરીથી મોટેથી પોક મૂકીને રડવાનુ શરુ કર્યુ.
મોઢામા મસાલો ભરીને ઉભેલા એના કાકા એ મહા મહેનતે મોઢુ ખોલીને અમને ખખડાઇને કહ્યુ,
"ઓ સાહેબ, આ છોરો બૂમો નાખે છે, કંઇક દવા કરો પહેલા, પછી સવાલો કરજો."
માંડ માંડ એ ૨૦ લોકોના ટોળાને વોડૅની બહાર કાઢ્યુ,
એ છોકરાની વિગો નાંખી.
એના મસાલા વાળા કાકા એ ડાયગ્નોસિસ કરતા કહ્યુ,
"સાહેબ એને છાતીનો દુખાવો ઉપડ્યો છે, જલ્દી હ્દયની પટ્ટી કરાવો."
કોઇક એક ઉત્સાહી સગાએ મોટેથી ચીસ પાડીને બહારના ટોળાને સંદેશ ફેંક્યો,
"અલ્યા, આ કિશનને ( એ છોકરાનુ નામ ) હાટૅ અટેક આવ્યો, જલ્દી બધા અંદર આવો.
ફરીથી એ ૨૦ નુ ટોળુ અંદર આવી ગયુ,
આ બધાને સમજાવુ અમારા ગજા બહાર હતુ.
કિશન અને તેનુ ચેસ્ટ પેનને સમજવુ અમારા માટે એક રહસ્ય હતુ,
એક વસ્તુ અમે ઓબ્સવૅ કરી કે કિશન તેના પેરેન્ટસને જોઇને જ ચીસો પાડતો અને પછી થોડીક વારમા સૂઇ જતો, ફરી ઉઠતો અને ચિસો પાડતો.
લોહીનો રિપોટૅ, એક્સ રે, ઇ.સી.જી. બધુજ નોમૅલ હતુ,ક્યાય કશુ જ એબનોમૅલ ન હતુ.
એના એ મસાલા વાળા અંકલને મે સાઇડમા બોલાવ્યા,
"કાકા છોકરો કોઇક વાત છૂપાવતો હોય તેમ લાગે છે, બિમારી તો એને કોઇ હોય એવુ અમારી પ્રાથમિક તપાસમા લાગતુ નથી. અમારી ભાષામા એને 'હિસ્ટેરિયા' કહેવાય."
કાકો દોડતો બહાર ગયો, બધો મસાલો થૂંકીને દોડતો અંદર આવ્યો,
"શુ વાત કરો સાહેબ,છોકરાને આટલુ દુખે છે અને તમે કો છો છોકરુ ખોટુ બોલે છે?,તમને રોગ પકડતા અને દવા કરતા નથી આવડતુ એમ કહોને.!"
અટપટો છોકરો અને તેની આ અટપટી બિમારી જોડે ડિલ કરવુ ઘણુ મૂશ્કેલીપૂણૅ બની ગયુ હતુ.
એકબાજુ પેશન્ટથી ભરેલા વોડૅમા ચાલતો કોલાહલ અને બીજી તરફ કિશનની ચીસો અને કિશનને પકડીને થતુ તેના પેરેન્ટસનુ આક્રંદ અસહનીય હતુ.
અંતમા એ છોકરા પાસે હુ ગયો અને તેના કાનમા ધીમેથી મે કિધુ,
"જે પણ હોય સાચુ કહી દે, જો તુ સાચુ કઇશ તો હાલને હાલ રજા આપી દઇશ નહિતો છાતી ખોલીને ઓપરેશન કરવુ પડશે."
અંધારામા તો અંધારામા પણ તીર બરાબર વાગ્યુ હતુ, શબ્દોની અસર જાદૂઇ થઇ હતી.
"ઓપરેશન ના કરતા સર, હુ તમને બધી વાત કરૂ."
કિશને આંખો ખોલીને મને કિધુ.
દાળમાં કંઇક કાળુ લાગતા હુ કિશનને આ ૨૦ લોકોના ટોળાથી દૂર તેને ચલાવીને લઇ ગયો,
એ ટોળુ ખુશ પણ થયુ અને ત્યા થોડુક આઘાતજનક વાતાવરણ પણ સર્જાયુ કે સાલુ એવુ તો કિશનના કાનમા શું કહેવાયુ કે કિશન તરત ચાલતો થઇ ગયો.
કિશને વાત શરૂ કરી,
"સર, ઘરે પૂજા ચાલતી હતી,
અમે બધા ભેગા થઇને ટીવીમા મૂવી જોતા હતા,
મૂવી જોતા જોતા હૂં સૂઇ ગયો, અને પછી મને એક સપનુ આવ્યુ,
સપનામા મે જોયુ તો મારા ઘરમા ચાર ચોર આવ્યા હતા, એ બધાએ પહેલા મારા ઘરમા બધો સામાન ચોરી કર્યો, અને પછી તેણે મારા બંને પેરેન્ટસનુ મડૅર કર્યુ, અને પાછળથી મારી છાતીમા છૂરો ભોંકી દીધો,
અને મે જોરથી ચીસ પાડી, મારી ચીસના લીધે મારા ઘરના લોકો વધારે ડરી ગયા, અને તેમને ડરેલા જોઇને મને વધારે ગભરામણ અને ડર થયો, એટલે મારાથી સાચુ જ ના બોલાયુ."
એક સપનાએ આટલુ મોટુ સકૅસ સર્જ્યુ હતુ,
મે શાંતિથી પહેલા એ છોકરાને સમજાયુ, અને પછી તેના પેરેન્ટસને શાંત રહેવા સમજાયુ.
અંતે કિશનની છાતીનો છૂરો નીકળ્યો,
બધાને હાશકારો થયો.
કિશન અને તેની સાથેના ૨૦ લોકોનુ ટોળુ ઘર તરફ વળ્યુ,
અચાનક પાછળથી મારા ખભા ઉપર કોઇકે હાથ મૂક્યો,
મસાલો ઘસતા ઘસતા કાકા આવ્યા અને મસાલો મારી સામે ધરતા કહ્યુ,
"લેશો સાહેબ?"
મે કિધુ, "ના, હુ નથી ખાતો અને તમે પણ ના લેશો..!"
નાનકળી સ્માઇલ આપીને તેવો મસાલો ઘસતા ઘસતા આગળ જતા રહ્યા, જેટલો અજૂગતો કિશનનો કેસ હતો એટલા જ અજૂગતા આ મસાલા વાળા કાકા હતા.
ડૉ. હેરત ઉદાવત.