jaane-ajaane - 64 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે- અજાણે (64)

Featured Books
Categories
Share

જાણે- અજાણે (64)

હા... એ જ છોકરો જે રોજ તેનાં કૅફેમાં આવીને બેસતો હતો.... વેધ. પણ નિયતિ કશું બોલી નહીં. બીજી તરફ અમી અને શબ્દ પણ રૂમમાંથી બહાર આવતાં જ હતાં ત્યાં દરવાજે જ ઉભાં રહી ગયાં. અમીને વેધને જોઈને ધ્રાસ્કો પડી ગયો. અને એક ક્ષણમાં જ તે સમજી ગઈ કે વેધની જ લગ્નની વાત વંદિતા જોડે આવી છે. અમીનાં મનમાં વિકસી રહેલાં નવાં સપનાઓ તે દરવાજે જ તૂટી રહ્યાં અને સાથે સાથે અમી પણ.

શબ્દે અમીનો હાથ હલાવતા કહ્યું " માસી આ તો વેધભૈયા છે ને... વંદુનું લગ્ન આમની સાથે થવાનું છે?" અમીએ પહેલાં તેની વાત સાંભળી નહીં પણ પછી ફરીથી શબ્દનાં પુછવાં પર તેણે હકારમાં માથું ધુણાવ્યું. અને શબ્દ ખુશ થઈ ગયો કે તેને ગમતો છોકરો જ વંદિતા સાથે રહેવાનો છે. શબ્દ નાનો હતો તેની સમજણ એટલી વિકસેલી નહતી. અને તેણે ફરીથી કહ્યું " ચાલ હું વંદુને કહું કે હું આ છોકરાંને ઓળખું છું. " પણ અમીએ તેને અટકાવી દીધો. અને સમજાવવા લાગી" શબ્દ બેટાં આપણે હમણાં કશું નથી બોલી શકતાં. આ વંદુ સાથે વાત કરવા આવ્યો છે ને... તો તેમને વાત કરવાં દે. આપણે... મતલબ કે તુ કાલે કૅફેમાં વાત કરી લેજે. એ તો તને મળવાં આવશે જ ને!.. અને જો વંદિતાને પસંદ આવી જશે તો એ પરિવાર બની જશે. પછી તો તું ચાહે એટલી વાત કરી શકે છે. પણ અત્યારે કશું બોલવું યોગ્ય નથી. " અમી શબ્દને સમજાવી રહી હતી પણ તે પોતાનાં મનને જ સમજાવી નહતી શકતી. તેનું મન ભરાય આવ્યું હતું પણ તે રડી પણ નહતી શકતી. પોતાની વાત કોઈને કહેવા જેટલી સક્ષમ પણ નહતી. એવું લાગી રહ્યું હતું કે જો તે કોઈની સાથે આખથી આંખ મેળવી દેશે તો તે રડી પડશે. પોતાની પર કાબુ નહીં રાખી શકે. એટલે તે ઉંડો શ્વાસ ભરી આંખો નીચી કરી (કે જે હમણાંથી જ ભારે બની ચુકી હતી) તે બધાની સામેં ગઈ. શબ્દને શીખવ્યા પ્રમાણે તે બધાની સામેં ચુપ હતો. પણ વેધ એ શબ્દને જોઈ બોલી દીધું તેનું નામ . અને વેધનાં માં- બાપ આશ્ચર્ય પામ્યા કે તે શબ્દને કેવી રીતે ઓળખે છે! તેમનાં પુછવાં પર વેધ એ બધી વાત વિસ્તારથી જણાવી. એટલે નિયતિ એ પણ તેમાં હા ભરી કે તે વેધને જાણે છે પણ ઓળખતી નથી. વેધ એ નીચી નજરે ઉભેલી અને પોતાનાં બે હાથની હથેડી મચેડી રહેલી અમીને જોઈ અને તેને પણ મુસ્કાન સાથે બોલાવી. વેધનાં માં - બાપનું ધ્યાન તેની તરફ પણ વળ્યું. વંદિતાથી તદ્દન વિપરિત વ્યક્તિત્વ ધરાવતી અમી ખુબ જ શાંત અને સરળ દેખાય રહી હતી. સુદરતામાં વંદિતા અને અમીનો કોઈ મુકાબલો નહતો. તે પોતાની જગ્યાએ ખુબ જ સુંદર હતાં. નિયતિ, અમી અને શબ્દ પણ તે છોકરાંને ઓળખે છે આ વાતથી થોડી રાહતી વંદિતાને થઈ. તેને એક વિશ્વાસ બેસવા લાગ્યો કે તે છોકરાંમાં કોઈક તો વાત છે જે બીજાથી જુદી છે. અને વંદિતાએ એક વાર તેની સાથે સારી રીતે વાત કરવાનું મન બનાવી લીધું. જો કે વંદિતાએ તે છોકરાંને મળવાની હા એટલે પાડી હતી કે તે એ છોકરાંને ભગાડી મુકે. કશુંક એવું કરે કે તે છોકરો સામેથી જ ના પાડી દે. પણ અમી અને શબ્દ સાથે વાત કરતાં વેધને જોઈ તેનું મન બદલાય રહ્યું હતું. તે ઈચ્છી રહી હતી કે એક વાર તે વેધ સાથે વાત કરે . તેની વાત સાંભળે અને પછી આગળનો નિર્ણય કરે.

અને જેમ બધાં જોડાતાં સંબંધમાં એક વાર છોકરો અને છોકરીને એકલાં બેસી પોતાની વાત કરવાનો અને નિર્ણય કરવાનો મોકો મળે છે તેમ વંદિતા અને વેધને પણ મળ્યો. નિયતિએ કહ્યું " અમી જા વંદિતા અને વેધને અંદર લઈ જા જેથી તે વાત કરી શકે. " અને ફરીથી એક દુઃખનું પહાડ અમી પર પડ્યું. પોતાની જ બહેનને પોતાને ગમતાં છોકરાં સાથે એકલાં છોડવાં તે અમી માટે સરળ નહતું. પણ છતાં અમીએ પોતાની મોટાઈ બતાવતા તેણે માત્ર હકારમાં માથું ઘુણાવી ચાલવા લાગી. જતાં જતાં વંદિતાએ અમીનાં કાનમાં ધીમાં અવાજે કહ્યું " અમી... સાંભળ તો.... હું તો આ છોકરાં ને ભગાડવાનું વિચારતી હતી. પણ યાર... આ તો કેટલો મસ્ત દેખાય છે. ઉપરથી વાતો પણ જો ને કેટલી મીઠી મીઠી કરે છે. તોરો ફ્રેન્ડ પણ નિકળ્યો. હવે તો વિચારું છું કે એકવાર આની સાથે સારી રીતે વાત કરી જ જોઉં. શું લાગે તને?.. અમારી જોડી જામશે?... અને હા સૌથી મોટી વાત કે હું વાત શું કરું?.. મને તો સારો વ્યવહાર કરતાં પણ નથી આવડતું. યાર.... આની સામેં મારી ચોંપ ના થવી જોઈએ. મારી ઈજ્જત ના જવી જોઈએ. આટલો મસ્ત છોકરો મને ના ના કહેવો જોઈએ.... .... કંઈક તો બોલ..." પણ અમી તો પોતાનાં જ વિચારોમાં ખોવાયેલી હતી. વંદિતાના દરેક વાક્ય અમીને ઘાવ આપી રહ્યા હતાં. અને તે કશું બોલે તે પહેલાં જોડે ચાલતાં વેધ એ કહ્યું" આ શું ઘુસફુસ ચાલે છે?.. મારાં વિરુદ્ધ કોઈ ચાલ તો નથી ચાલી રહી ને?.... મને ભગાડવાની કોશિશ તો નથી કરવાનાં ને?..." અને વેધ જોર જોરથી હસી પડ્યો. તેનો દરેક વાતમાં મજાક વંદિતાની વાતોને ટક્કર આપી રહ્યો હતો. અને વંદિતાએ કહ્યું " હોઈ પણ શકે. વધારે ચાલાકી બતાવે તેમને અમેં છોડતાં નથી. અને વધારે મોઢું ચલાવે તેમને પણ ...." વંદિતા અને વેધની વાતો શરું થઈ ગઈ હતી. અને એક સમજણ પણ . આ જોઈ અમીને મન દુખાય રહ્યું . અને તે તેમને એકલાં છોડી બીજી બાજું જતી રહી.
પાછાં જતાં જતાં તે પોતાને સમજાવી રહી હતી કે હવે વેધ સાથે વાતચીત યોગ્ય નથી. જો વંદિતાનું લગ્ન નક્કી થશે તો પણ તેનું વેધ માટે કશું વિચારવું ખોટું હશે. અને જો વંદિતા સાથે લગ્ન નહીં પણ થાય તો પણ પોતાની બહેન માટે નકારેલી વાતને ફરીથી નિયતિ યોગ્ય નહીં ગણે અને અમીનું વેધ સાથે કોઈ ભવિષ્ય નહીં બને. અને તે પોતાનાં આંસુ લુછતાં બધાની પાસે ચાલી ગઈ. પંદર મિનિટ, વીસ મિનિટ , એક કલાક વીતી ગયો. પણ વંદિતા અને વેધ બહાર નહતાં આવી રહ્યા. દરેકનું ધ્યાન તે તરફ હતું અને એટલામાં નિયતિ બોલી ઉઠી " ઘણી વાર થઈ ગઈ છે ને... હવે તેમને બહાર બોલાવી લેવાં જોઈએ. " અને વેધનાં માં- બાપનું પણ સમર્થન મળતાં અમીને ફરી મોકલવામાં આવી . પણ તે જવાં નહતી માંગતી. તે મુંગાની જેમ પોતાની જગ્યાએ ઉભી રહી. એટલે ફરીથી નિયતિએ કહ્યું કે તેમને બહાર લઈ આવ. પણ ફરીથી પણ તેણે ના સાંભળ્યું. અને આખરે નિયતિએ શબ્દને ધીમેથી કહ્યું કે અમી સાથે જા અને વંદિતાને બોલાવી આવ. શબ્દ તરત ઉભો થયો અને તે અમીનો હાથ પકડી તેને ખેંચવા લાગ્યો. અમી ધીમાં પગલે આગળ વધવા લાગી. પણ તેનાં પગલાં જાણે ભૂમિ સાથે ચોંટી જતાં હોય તેમ તેને એક એક પગલાં માટે પણ ઘણી મહેનત કરવી પડી રહી હતી. છતાં તે ઉત્સાહી બનેલાં શબ્દને સહારે વંદિતા અને વેધ સુધી પહોંચી ગયી. અને નિયતિનાં કહેવાં પર તેમને બહાર બોલાવવાં લાગી. પણ શબ્દ અને વંદિતા પહેલાં રૂમની બહાર નિકળી ગયાં.

હા, શબ્દ અને વંદિતા વચ્ચે સારી સમજણ હતી એટલે તે શબ્દને બધું કહેવાં ઉતાવળી બની અને શબ્દને લઈ બહાર નિકળી. પાછળથી અમી પણ બહાર નિકળવા લાગી એટલામાં પાછળથી વેધ એ અમીનો હાથ પકડી તેને રોકી રહ્યો. વેધનો હાથ પકડવાની સાથે જ અમીનાં શ્વાસ વધવા લાગ્યાં. તેને બીક લાગવાં લાગી કે તે વેધ સામેં કમજોર ના પડી જાય. અને પાછળથી અવાજ આવ્યો " અમી.... તું કેમ આજે મારી સાથે વાત નથી કરતી?... શું થયું છે?... એમ તો તું એટલું બોલ્યાં કરે છે, મને કશુંક ને કશુંક શીખવાડ્યા કરે છે. અને આજે જ્યારે મારો આટલો મોટો દિવસ છે તો તું કશું બોલી જ નથી રહી!. મને આજે તારી સલાહની જરૂર છે. મને આજે તારી જરૂર છે. મને એ અમીની જરૂર છે કે જે વાતે વાતે મને સાચુ-ખોટું સમજાવ્યા કરે છે. મને એ છોકરીની જરૂર છે જે મને સમજાવી શકે કે હું શું કરું કે શું નહીં. "
અમીનું મન પણ આ જ વાત કંઈક અલગ લાગણી સાથે કહી રહ્યું હતું. અમી પોતાનાં મનમાં જ વિચારી રહી હતી કે મને પણ તારી જરૂર છે. મને પણ વેધની જરૂર છે જે આખો દિવસ મજાક કરતો ફરે છે. મને પણ એ છોકરાની જરૂર છે જે મને સાચવી શકે. મારી વાતોને , મારી આદતોને થોડી બગાડી શકે. જે મને જીવતાં શીખવાડી શકે. પણ એ સાથે સાથે તેનું મન જાણતું હતું કે એ હવે ક્યારેય શક્ય નથી. અને આંખનાં ખૂણેથી ટપકતાં આંસુને તેણે લૂછીને પાછળ વળી વેધ તરફ જોયું. અને કહ્યું " આ તારાં જીવનનો નિર્ણય છે એમાં હું શું કહું!.. તારી પસંદ છે જે તને પસંદ હોય એ કર." વેધ એ તરત જવાબ આપ્યો" તારો જવાબ પણ મહત્વ રાખે છે. તું કેમ આવું કરે છે?!.. હું તારી બધી વાત માનું છું. આજે પણ એટલે જ તો તને પુછું છું ને!.." " પણ કેમ?.. આપણે મળ્યે તો વધારે સમય નથી થયો. તું શું કામ મારી પર આટલો વિશ્વાસ કરે છે!.." અમીનાં પ્રશ્નો તેની ઈચ્છાઓ દેખાડી રહ્યા હતાં. પણ વેધ પાસે તેની બધી વાતનાં જવાબ હતાં . તેણે કહ્યું " કોઈ પર ભરોસો કરવા માટે વર્ષો તેની સાથે રહેવાની જરૂર નથી. કોઈ એક પળમાં પણ ભરોસો જીતી શકે છે અને કોઈ એકવારમાં વર્ષોનો ભરોસો તોડી પણ શકે છે. અને હું તારી પર ખુબ જ ભરોસો કરું છું. અને તારી વાત મહત્વની છે . એ વાત હંમેશા યાદ રાખજે. ....." અમી તો માત્ર તેને જ જોતી રહી ગઈ. અને કશું બોલી નહિ એટલે વેધ એ તેને ફરી પુછ્યું " બોલ ને યાર... શું કરું હું મને નથી ખબર પડી રહી. હું બહાર જઈ શું જવાબ આપું તે મને નથી ખબર પડી રહી. હા હું જાણું છું કે તારી બહેન છે વંદિતા પણ હું પણ તારો ફ્રેન્ડ છું ને!.. કશુક તો બોલ." અમીએ તેને સમજાવતાં વધારે તો ના બોલી શકી પણ તેણે કહ્યું " તું તારાં મનનું સાંભળ!.. હ્રદય પર હાથ મુકીને પુછ કે શું તું વંદિતા જોડે પોતાની આખી જીંદગી વીતાવી શકે છે?.. શું તું એને અને એ તને ખુશ રાખી શકે છે?!.. અને ખાસ તો એ વિચારી જો કે શું તું વંદિતાને પોતાનાં બધા સુખ દુઃખ માં અને સપનામાં પોતાની સાથે જોઈ શકે છે?.. તારું મન તને જવાબ આપી દેશે. " અને અમી ત્યાંથી ચાલી ગઈ. વેધ અમીની વાત વિચારતો ત્યાં જ ઉભો રહી ગયો. બીજી તરફ બધાં વેધની રાહ જોઈ રહ્યા હતાં. અને અમી આવી તેની પાછળ પાછળ વેધ પણ આવ્યો. અને તેનો જવાબ પુછવાં પર વેધ એ ક્હયું " મને વંદિતા પસંદ છે...." અને બીજી તરફ વંદિતાને પુછવાં પર તેણે પણ કહ્યું કે " હા.. પસંદ છે. પણ હું તેને ફરી મળવાં માંગું છું. " અને જાણે- અજાણે બધાએ મળીને અમીનું નિર્દોષ મન તોડી નાખ્યું. અને ખરાબ વાત તો એ હતી કે કોઈને આ વાતને ભનક પણ ના પડી. અને ફરીથી રડતાં મન સાથે ચહેરાં પર મુસ્કાન સાથે અમીએ પોતાની લાગણીનો ઘૂંટ પી લીધો.

વેધ અને વંદિતાનાં પરિવારે જોડે સમય વિતાવ્યો અને જમીને પોતાનાં ઘેર જવાં લાગ્યા. દરેક સમયે અમી બધાની વચ્ચે જ હતી. આખરે નિયતિનાં ઘેરથી વેધ અને તેનાં માં-બાપ એ હવે વિદાય લેવાનો સમય આવી ગયો. અને બધા એકબીજાને હસી- હસીને આવજો, ફરી મળીશું , જય શ્રીકૃષ્ણ જેવાં શબ્દો કહેવાં લાગ્યાં. પણ અમી નીચી નજરે એક ખુણામાં શાંત ઉભી રહી. વેધ વંદિતાને bye કહી બસ બહાર જવાં પાછળ વળ્યો અને અચાનક રોકાય ગયો. ફરીથી પાછળ ઘર તરફ વળ્યો અને કોઈકને શોધવા લાગ્યો એટલે વંદિતાએ પુછ્યું " કશું રહી ગયું છે?. કશું ભૂલી ગયો છું?" પણ વેધ એ તેની વાત પર ધ્યાન ના આપ્યું અને ઘરની અંદર વધવા લાગ્યો. અમી પાસે જઈ ઉભો રહ્યો અને કહેવાં લાગ્યો " ઓય પાગલ... શું થયું છે તને આજે?.. મને bye પણ નહીં કહે?.. " અને અમીની પલકો ઉચી થઈ અને તે આશ્ચર્યથી વેધ તરફ જોવાં લાગી. વેધ એ વધાર્યું " હું જતો જ હતો પણ તને મળ્યા વગર કેવી રીતે જતો રહું!.. મળીયે કાલે હા....!.." આટલું કહી તે ચાલ્યો ગયો. વંદિતિને આ જોઈ થોડું વિચિત્ર લાગ્યું પણ તેણે એ વાત પર ધ્યાન ના આપ્યું. અને બધાનો દિવસ પુરો થયો. પણ અમીનો દિવસ હજું બાકી હતો. આખો દિવસ તે બધાની આસપાસ રહી અને પોતાની અંદર બધું ભરી રાખ્યું. આખરે તેને રાત મળી અને પોતાની સાથે થોડો સમય પણ. અને તે પોતાનાં તકીયામાં મોં રાખી બસ રડી પડી.

બીજા દિવસની સવાર બધાં માટે ખુશી લાવી પણ અમીનાં ચહેરાંથી મુસ્કાન છીનવી ગઈ. પણ અમી હિંમતવાળી છોકરી હતી. તેણે ખુબ જ સુંદર રીતે બધી વાત સાચવી લીધી. તેણે સારી રીતે પોતાને સાચવી લીધી. આખો દિવસ વીતી ગયો. અમી ના આજે કૉલેજ ગઈ કે ના કૅફે. પણ રોજની માફક વેધ કૅફે પોંહચી ગયો હતો. અને રોજની માફક તે શબ્દ અને અમીની રાહ જોઈ રહ્યો હતો. થોડીવારમાં શબ્દ દોડતો દોડતો આવ્યો અને વેધનું નામ જોરથી બોલી તેને બોલાવ્યો. પણ રોજની જેમ આજે અમી નહીં પણ વંદિતા હતી. વેધને થોડું આશ્ચર્ય થયું . જ્યારે કોઈ વ્યકિતની આદત પડી જાય છે ત્યારે તેનું ના હોવાં પર એક ખાલીપણું પ્રસરી જાય. અને વેધને પણ કદાચ એટલે જ અજુગતું લાગી રહ્યું હતું. પણ છતાં તેણે વધારે ના વિચાર્યું અને વંદિતા જોડે આખો દિવસ પસાર કર્યો.

બે-ચાર દિવસ આમ જ ચાલ્યું. રોજ અમીની જગ્યા વંદિતા આવવાં લાગી. અને વેધને મળવાં લાગી. ધીમેં ધીમેં અમીએ કૅફે જવાનું બંધ કરી દીધું. અને કહેવાય છે ને સમય સાથે બધાં ઘાવ ભરાવા લાગે તેમ અમી પોતાને સંભાળવા લાગી અને કૉલેજનાં અને ઘરનાં કામમાં પોતાને વ્યસ્ત રાખવાં લાગી. એક ક્ષણ પણ તે નવરાશ નહતી લેતી. તે જાણતી હતી કે જો તે કામ કર્યા વગર બેસસે તો તેને વેધની અને એ દિવસોની યાદ અપાવશે.

નિયતિ આ દરેક વસ્તુ જોઈ રહી હતી. અને છેવટે તેણે અમીને પોતાની પાસે બોલાવી. અને કહ્યું " અમી.... સાચુ સાચું કહે!.. શું થયું છે?.. તું આજકાલ કૅફે નથી આવતી, મુર્જાયેલી રહે છે અને કોઈ સાથે વધારે વાત પણ નથી કરતી!... એટલી વ્યસ્ત રહે છે કે તું પોતાને પણ સમય નથી આપતી!... શું વાત છે?.. કંઈક હોય તો મને જણાવ... હું તારી મદદ કરી શકું છું." આ સાંભળી અમી વિચારમાં પડી ગઈ કે શું તે નિયતિને બધું જણાવી દે?.. કે ચુપ રહે?..

શું કરશે અમી?... શું તે બધું નિયતિને જણાવશે કે ચુપ રહી બસ આમ જ બધું સહન કર્યા કરશે?..



ક્રમશઃ