Tirupati balaji no maro yaadgar pravas in Gujarati Biography by Keyur Shah books and stories PDF | તિરુપતિ બાલાજી નો મારો યાદગાર પ્રવાસ....

Featured Books
Categories
Share

તિરુપતિ બાલાજી નો મારો યાદગાર પ્રવાસ....

નમસ્કાર મિત્રો,

મારા જીવનમાં અત્યાર સુધીમાં ઘણા અનુભવો થયા છે જેને યાદ કરતાં જ મન રોમાંચિત થઈ ઉઠે છે, મને વિચાર આવ્યો કે મારા આ અનુભવો નાં તમને પણ સહભાગી બનાવું. આજની પહેલા અનુભવની સફર હું મારી તિરુપતિ બાલાજી ના પ્રવાસથી શરૂ કરું છું. પ્રયત્ન કર્યો છે કે મારી સાથે બનેલી ઘટનાઓનો તમને પણ સાક્ષાત અનુભવ કરાવું. તો ચાલો મારી સાથે તિરુપતિ બાલાજીના પ્રવાસે.

મારો અનુભવ .

( ભાગ - ૧).

મારે બિઝનેસના કામ અર્થે દર વર્ષે મોટા ભાગે દક્ષિણ ભારતમાં જવાનું થતું હતું,એવા જ એક દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન મારે ચેન્નઈ જવાનું થયું હતું, ચેન્નઈ હું આ પહેલા પણ ઘણીવાર જઈ ચૂક્યો હતો, ત્યાં મારો ડીલર કમ મિત્ર છે ગુરુરાજન, આ વખતે તેમની સાથે નક્કી કર્યું હતું કે આપણે ચેન્નાઇ થી તિરૂપતિ બાલાજી સાથે જઈશું.

બધો જ પ્લાન નક્કી થઈ ચૂક્યો હતો ટિકિટો મારા બધા જ પ્રવાસની બુક થઈ ગઈ હતી, બધા જ સ્થળોએ ફરતા ફરતા આખરે એ દિવસ આવી જ ગયો અને હું વહેલી સવારે ચેન્નઈ પહોંચી ગયો, સવારે પાંચ વાગ્યે હું ટ્રેનમાંથી ઉતર્યો હતો વહેલી સવાર છતાં પણ વાતાવરણમાં ખૂબ ઉકળાટ હતો, ઉતરીને હું સીધો હોટેલ પહોંચી ગયો અને હોટલમાં ચેક ઇન કર્યું.

અમે નક્કી કર્યું હતું કે હું દસ વાગે તેમણે બતાવેલા સરનામાં પર પહોંચી જઈશ અને ત્યાંથી કારમાં સાથે ચેન્નઈ તિરૂપતિ બાલાજી ની સફર શરૂ કરીશું, થોડો સમય હોટલમાં આરામ કરી હું તૈયાર થઈ ગયો, સવારે મારા રૂટિન કામો પતાવી દીધા અને ગુરુરાજન ને ફોન કર્યો ગુરુરાજને કહ્યું કે તેને અચાનક થોડું કામ આવી ગયું છે તો આપણે થોડા મોડા મળીયે, પછી હું હોટલમાં થોડું રોકાયો અને મારું થોડું જે કામ બાકી હતું તે પતાવીને હું હોટલમાંથી નીકળ્યો.

મારા હોટેલથી પાર્ક સ્ટ્રીટ સ્ટેશન વોકિંગ ડિસ્ટન્સ હતું, ત્યાંથી લોકલ ટ્રેન મળી જાય,નક્કી કર્યા પ્રમાણે લગભગ એક વાગે હું પહોંચી ગયો અને અમે લગભગ બપોરે દોઢ વાગ્યે ત્યાંથી તિરુપતિ બાલાજી માટેની સફર શરૂ કરી.

પ્લાનિંગ એવું કર્યું હતું કે ત્યાં પહોંચી VIP પાસ લઈને દર્શન કરી લેવા, અને વહેલી સવારે ત્યાંથી નીકળી જવું, કારણ કે બીજા દિવસે મારી ચેન્નઈથી થ્રીસુરની બસ હતી. તેમની કારમાં દક્ષિણી સંગીત સાંભળતા સાંભળતા અને પ્રકૃતિના સૌન્દર્ય નું દર્શન કરતા કરતા આશરે ૫:૩૦ વાગ્યે અમે તિરુપતિ પહોંચી ગયા.

જેવા તિરુપતિ માં પ્રવેશ કર્યો ત્યારે એકદમ આહલાદક અનુભવ થતો હતો, તિરુપતિ થી અંદર મંદિર તરફ ઢળાવ વાળા રસ્તા હોય છે, ત્યાંથી કારમાં જવાનો એક અલગ જ અનુભવ હોય છે, ત્યાંથી અમે લગભગ ૬:૧૫ની આસપાસ તિરુપતિ પહોંચી ગયા.

પહોંચી ગયા બાદ એક અનેરા ઉત્સાહનો અનુભવ થતો હતો, કારને પાર્ક કરી હું અને ગુરુરાજન બંને ટિકિટ બારી તરફ આગળ વધ્યા અને આ શું? અમારા આશ્ચર્ય વચ્ચે VIP ticket window બંધ હતી! તપાસ કરતાં ખબર પડી કે તે દિવસે બુધવાર હતો અને બુધવારે VIP ટિકિટ વિન્ડો બંધ હોય છે.

આખા પ્લાનનો જાણે એ જ વખતે ફિયાસ્કો થઈ ગયો હોય એવું લાગ્યું, જો અમારે દર્શન કરવા હોય તો ફરજિયાત સામાન્ય લાઈનમાં લાગી જવું પડે તેમ હતું, એટલે અમે સામાન્ય લાઈન તરફ જ્યાં જનરલ દર્શન માટેના હોલ છે ત્યાં ગયા, અને પૂછપરછ કરતાં ખબર પડી કે હોલમાં તમારે ટોકન લઈને બેસવું પડશે અને બીજે દિવસે સવારે પાંચ વાગ્યે નંબર આવશે, અમારા નક્કી કરેલા પ્લાન પર પાણી ફરી ચૂક્યું હતું, પણ અમે નક્કી કર્યું હતું કે આવ્યા છે તો આજે દર્શન કરીને જ પાછા જઇશું, અમે ટોકન લઈને હોલમાં બેસી ગયા.

હોલમાં મોટા સ્ક્રીન ઉપર તિરુપતિ બાલાજી ની આરતી ,પ્રાર્થના વગેરે અનુક્રમે ચાલતું રહેતું ,પૂરો ભક્તિમય માહોલ હતો, આ મારા માટે એક પ્રથમ અને અલગ જ પ્રકારનો અનુભવ હતો. હોલમાં લગભગ બે કલાક બેઠા પછી અમને ભૂખ લાગી હતી, તો અમે જમવા માટે બહાર જવાની વિનંતી કરી, તો તેમણે લગભગ રાત્રે ૧૦:૦૦ વાગ્યે પાછું હોલમાં પહોંચી જવાનું કીધું, અમે ત્યાંથી ટોકન લઈને બહાર નીકળી ગયા .

બાલાજી મંદિરની બહાર પણ ભવ્ય જગ્યા છે તેના પૂરા પ્રાંગણનું નિદર્શન કરતાં કરતાં અમે આગળ વધ્યા, ત્યાં સરસ લાઇટ શો પણ ચાલતો હતો અને અમે તેનો ખૂબ જ આનંદ લીધો, અંધારામાં બાલાજી મંદિર સુવર્ણ થી સજ્જ એકદમ ઝગમગી ઉઠ્યું હતું, તેને જોવાનો એક અલગ જ લહાવો હતો, મંદિરની રાતની સુંદરતા જોઈને કોઈપણ વ્યક્તિ અંજાઈ જાય, કેટલાય સમય સુધી તમારી આંખો તેના પરથી ખસે જ નહીં.

અમે ત્યાંથી આગળ વધીને સીધા પ્રસાદની લાઈનમાં લાગ્યા, ત્યાં પણ પોણો કલાક જેટલો સમય લાગ્યો, પ્રસાદ લઈને અમે બહાર થોડો નાસ્તો કર્યો, લગભગ ૧૦:૧૫ જેવો સમય હતો અને અમે હોલ તરફ પાછા ફરી રહ્યા હતા, જ્યારે અમે હોલ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે મારી નજર અચાનક VIP ticket window પર પડી અને આ શું? તે ખુલ્લી હતી!

મેં ગુરૂરાજન ને બૂમ પાડી અને કહ્યું કે VIP TICKET WINDOW ખુલ્લી છે, હું ભાગતો ભાગતો ટિકિટબારીએ પહોંચ્યો અને કહ્યું કે બે ટિકિટ, મારા આશ્ચર્ય વચ્ચે બે ટિકિટ તેમણે મને આપી દીધી અને બારીનું શટર પાડી દીધું! ગુરુરાજનનું માનવું હતું કે ખાલી કામથી બારી ખુલી હશે, પણ અચાનક જ મળી ગયેલી આ ટિકિટ થી શરીરની અંદર અનેરો રોમાંચ ભરી દીધો હતો, જાણે શરીરમાં એક અલગ જ પ્રકારની એનર્જી આવી ગઈ હતી.

હું અને ગુરુરાજન તરત જ ટિકિટ લઈને VIP ગેટ તરફ આગળ વધ્યા, ત્યાં કોઈ પણ હતું જ નહીં અમે સીધા સિક્યુરિટી ચેક કરાવીને મુખ્ય મંદિર તરફ આગળ વધ્યા, અને માત્ર અડધો કલાકમાં તો અમને અંદર ખૂબ શાંતિથી દર્શન થયા, મુખ્ય મંદિર તરફ પહોંચવામાં બહુ વાર ના લાગી કારણ કે ત્યાં કોઈ પણ હતું જ નહીં ,આ અમારા બંને માટે એક સપના બરાબર હતું !

ભગવાને જાણે અમને આશીર્વાદ આપી દીધા હોય તેવી પ્રતીતિ થતી હતી, અને તમે જો એવું માનતા હોય કે આશીર્વાદ અહીંથી અટકી ગયા છે તો ઉભા રહો ,હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે!

લગભગ ૧૧:૧૫ ની આસપાસ અમે દર્શન કરીને બહાર નીકળ્યા હતા અમારા માટે અકલ્પનીય અને અવિશ્વસનીય હતું! અમે એટલા ખુશ હતા કે અમને વિશ્વાસ નહોતો થતો, બહાર નીકળ્યા પછી ગુરુરાજનને વિચાર આવ્યો કે આમ પણ અત્યારે કઈ હોટલ નહીં મળે તો સામાન્ય લાઈનમાં પાછા જઈએ, ત્યાં સવારે ફરીથી દર્શન કરીશું, તો અમે પાછા અમારા હોલ ની તરફ આગળ વધ્યા, અમે જેવા હોલ પાસે પહોંચ્યા ત્યાં પાછું ફરી આશ્ચર્ય સર્જાયું, આ શું?હોલ સાવ ખાલી હતો, હોલ ની અંદર કોઈ પણ વ્યક્તિ હાજર નહોતો, અને ત્યારબાદ તપાસ કરી તો તેમણે કહ્યું કે દર્શન માટે બધા અંદર જતા રહ્યા છે, તેમણે કહ્યું તમે પણ જલ્દી જાવ, પછી અમે તે ભાઈને ટોકન આપી તે ભાઈ નો આભાર માનીને હોલની અંદર મંદિરનાં ગર્ભગૃહ તરફ આગળ વધ્યા.

ત્યાં પણ અમે સડસડાટ આગળ નીકળી ગયા અને મંદિર તરફ પહોંચી ગયા, ત્યાં લાઈનમાં ઊભા રહ્યા, ત્યાં પણ અડધો કલાકમાં દર્શન કરીને અમે બહાર નીકળી ગયા. રાત્રે ૧૨.૦૦ વાગ્યા પહેલા તિરુપતિ બાલાજી મંદિર ની અંદર ના દર્શન અમે દોઢ કલાકમાં બે વાર કરી ચૂક્યા હતા, આ મારા માટે અકલ્પનીય અને અવિશ્વસનીય હતું, મારા જીવનની આ અવિસ્મરણીય ઘટના હતી!

મને ખબર નથી કે મેં ક્યારેય પણ સાંભળ્યું હોય કે કોઈની પણ સાથે આવી ઘટના બની હોય, એ વખતે ખરેખર તો ભગવાને અમારા પર કૃપા કરી દીધી! કહેવાય છે ને જો સાચી શ્રદ્ધા હોય તો તમારા બધા જ કામો પુરા થઈ જાય, બસ અમે સાચી શ્રદ્ધાથી ગયા હતા અને ભગવાને અમારી ઇચ્છા પૂરી કરી. તિરુપતિ બાલાજીની આ યાત્રા હંમેશા યાદ રહેશે.

આજે થયું મિત્રો સાથે શેર કરીને તેમને પણ આ ઘટનાના ભાગીદાર બનાવું.

તમને મારો આ અનુભવ કેવો લાગ્યો? , તેનો અભિપ્રાય જરૂરથી આપજો. આ અનુભવ સારો લાગ્યો હોય તો તમારા બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ.

નમસ્કાર.

- કેયુર શાહ.