Pishachini - 11 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | પિશાચિની - 11

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

Categories
Share

પિશાચિની - 11

(11)

જિગર તેના માથા પર સવાર બલા-અદૃશ્ય

શક્તિ શીનાને પંડિત ભવાનીશંકરના વશમાં જતી બચાવવા તૈયાર થયો, એટલે શીના બોલી ઊઠી કે, ‘‘જિગર ! એમાં તારા જીવનું જોખમ છે. તું મોતના મોઢામાં પણ ધકેલાઈ શકે. બોલ, હવે તું મને મદદ કરવા માટે તૈયાર છે ? ! ?’

શીનાની આ વાત સાંભળીને જિગર સહેજ ડર્યો-ડગ્યો. પણ અત્યારે હવે તેણે હિંમતભેર કહી નાંખ્યું : ‘શીના, હું તને ભવાનીશંકરથી બચાવવા માટે મારા જીવનું જોખમ લેવા તૈયાર છું.’ અને જિગરે કલ્પનાની આંખે જોયું તો શીનાના ટેન્શનભર્યા ચહેરા પર રાહત આવી ગઈ. ‘મને હતું જ કે, તું મારે ખાતર તારો જીવ જોખમમાં મૂકતાં નહિ ખચકાય !’ અને શીનાના હોઠ પર હળવી મુસ્કુરાહટ આવી : ‘જિગર ! એકવાર તું મને ભવાનીશંકરથી બચાવીશ તો પછી હું તારી દાસી બનીને રહીશ. હું તને જરાય પરેશાન નહિ કરું અને તારો પડયો બોલ ઝીલીશ.’

‘સરસ !’ જિગર ખુશ થઈ ઊઠયો : ‘હવે તું મને એ કહે, મારે તને ભવાનીશંકરથી બચાવવા માટે શું કરવાનું છે ?’

‘મારે ભવાનીશંકરનું મંડળ કેવી રીતના તોડવું ? એની જાળમાં મારી જાતને ફસાતી બચાવવા માટે શું કરવું ? એ મારે જોવા-વિચારવાનું છે. મને આનો કોઈ તોડ મળશે એટલે હું તને કહીશ.’ શીના બોલી : ‘ચાલ, અત્યારે હું જાઉં છું.’

‘ઠીક છે !’ જિગરે કહ્યું અને તેણે આંખો ખોલી એ સાથે જ જિગરને તેના માથા પરનો ભાર ઓછો થઈ ગયેલો લાગ્યો. તે સમજી ગયો. શીના ચાલી ગઈ હતી.

જિગર પલંગ પર લેટયો, ત્યાં જ રસોડામાંથી પરવારીને તેની પત્ની માહી અંદર આવી. માહી તેની બાજુમાં બેઠી.

જિગરે શીના અને પંડિત ભવાનીશંકરના વિચારોને તગેડી મૂકયા અને માહી સાથે પ્રેમભરી વાતોએ વળગ્યો.

દૃ દૃ દૃ

રાતના અગિયાર વાગ્યા હતા. જિગર ટી. વી. સામે ફિલ્મ જોતો બેઠો હતો. અત્યારે તે ઘરમાં એકલો હતો. ચાર દિવસ પહેલાં માહી દિલ્હી, એના પિતા દેવરાજશેઠને ઘરે ગઈ હતી.

જિગરને એક બગાસું આવ્યું. તેણે ટી. વી. બંધ કર્યું અને સોફા પરથી ઊભો થઈને બેડરૂમ તરફ આગળ વધ્યો, ત્યાં જ અચાનક તેને એ વાતનો ખ્યાલ આવ્યો કે, પાછલા બે દિવસથી શીના તેના માથા પર આવી નહોતી. લગભગ પંદરેક દિવસ પહેલાં શીનાએ તેને પંડિત ભવાનીશંકરના એને વશમાં કરવાના જાપવાળી વાત કરી અને એમાં તે શીનાને મદદ કરવા તૈયાર થયો એ પછી શીના તેના માથા પર જતી-આવતી રહી હતી અને ત્યારે તેેણે બે-ત્રણવાર ભવાનીશંકરનો જાપ તોડાવવા-પીછો છોડાવવા માટેની વાત પણ યાદ કરી હતી. ત્યારે શીનાએ તેને કહ્યું હતું કે, ‘‘હું સમય આવશે ત્યારે તને કહીશ કે, તારે શું કરવાનું છે !’’ પણ હમણાં બે દિવસથી તો શીના તેના માથા પર પાછી ફરી જ નહોતી.

જિગર પલંગ પર બેઠો. તેના મનમાં ચિંતા જાગી. પંદર દિવસ પહેલાં શીના એવું કહેતી હતી કે, ‘એને વશમાં કરવા માટેના પંડિત ભવાનીશંકરના જાપને સિત્તેર દિવસ થયા છે, અને હજુ એકત્રીસ દિવસ બાકી છે.

‘શીના સાથે આ વાત થયાને પંદર દિવસ થયા અને હજુ સોળ દિવસ બાકી હતા. પણ પાછલા બે દિવસથી શીના દેખાઈ નહોતી-તેના માથા પર પાછી ફરી નહોતી. તો કયાંક...કયાંક એવું તો નહિ બન્યું હોય ને કે, શીનાએ પંડિત ભવાનીશંકરના જાપના દિવસ ગણવામાં ભૂલ કરી હોય. એ દિવસે ભવાનીશંકરે જાપ શરૂ કર્યાને સિત્તેર દિવસ ન થયા હોય, પણ વધારે દિવસ થયા હોય. પંદર દિવસ પહેલાં શીના એકત્રીસ દિવસ બાકી હોવાનું કહેતી હતી, પણ બે દિવસ પહેલાં જ ભવાનીશંકરના એ જાપના પૂરા એકસો એક દિવસ પૂરા થઈ ગયા હોય અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી ગઈ હોય...!’ અને આ વિચાર સાથે જ જિગર બેચેન થઈ ઊઠયો. તે રૂમમાં આંટા મારવા માંડયો, ત્યાં જ તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને તેના માથા પર જાણે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું.

જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર આવી ચૂકી હતી. ‘શીના !’ જિગર બોલી ઊઠયો : ‘બે દિવસથી તું કયાં હતી ? ! હું ટેન્શનમાં પડી ગયો હતો કે કયાંક તું ભવાનીશંકરના વશમાં તો ચાલી...!’

‘...હું એ કામ માટે જ ગઈ હતી.’ શીના બોલી : ‘હું ભવાનીશંકરનો સામનો કરી શકે એવા શક્તિશાળી માણસની શોધમાં ગઈ હતી. મને એવો એક માણસ જોવા મળ્યો છે.’

‘કોણ છે, એ...? !’ જિગરે અધીરા અવાજે પૂછયું.

‘...એ એક મલંગ છે.’ શીના બોલી : ‘એ ઝૂંપડપટ્ટીમાં રહે છે. મને એવું લાગે છે કે, એ મલંગ મને ભવાનીશંકરના વશમાં જતી બચાવી શકશે. તું એ મલંગને જઈને મળ અને એને મારી વાત કર. મને ભવાનીશંકરથી બચાવવા માટેની એને વિનંતિ કર.’

‘હું તૈયાર છું.’ જિગર બોલી ઊઠયો : ‘બોલ, મારે એને કયારે મળવા જવાનું છે ?’

‘અત્યારે જ !’ શીના બોલી : ‘અત્યારે એ પોતાની ઝૂંપડીમાં જ બેઠો છે.’

‘ભલે !’ કહેતાં જિગર મેઈન દરવાજા તરફ આગળ વધી ગયો. કારમાં પહોંચીને તેણે શીનાના કહેવા પ્રમાણે કાર આગળ વધારી.

થોડીક વારમાં જ જિગરે શીનાના કહેવા પ્રમાણેની ઝૂંપડપટ્ટીના છેવાડેની ઝૂંપડી પાસે કાર પહોંચાડીને ઊભી રાખી. જિગરે જોયું, તો રાતના બાર વાગ્યાના આ સમયે આસપાસમાં એકદમ સન્નાટો છવાયેલો હતો.

‘આ સામેની છેલ્લી ઝૂંપડી જ મલંગની છે.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો.

જિગર એ ઝૂંપડી તરફ આગળ વધી ગયો. ઝૂંપડીની બહાર અંધારું હતું, પણ ઝૂંપડીની અંદર બલ્બ બળતો હતો. ઝૂંપડીનો દરવાજો ખુલ્લો જ હતો.

જિગરે ઝૂંપડીના ખુલ્લા દરવાજા પાસે પહોંચીને અંદર નજર નાખી. સામે એક પચાસ-પંચાવન વરસનો માણસ એક મેલા-ફાટેલા કામળા પર પલાંઠી મારીને બેઠો હતો. એ માણસના વાળ લાંબા અને વિખરાયેલા હતા. એ માણસ પગથી માથા સુધી મેલો-ઘેલો હતો અને એણે ફાટેલો-થીગડાંવાળો ઝભ્ભો પહેર્યો હતો. એની આંખો મોટી-મોટી અને લાલઘૂમ હતી. એ ચલમ પી રહ્યો હતો.

એની સામે ત્રણ માણસો બેઠા હતા. એમાંથી એક માણસ હાથ જોડીને મલંગને પોતાની પરેશાની જણાવી રહ્યો હતો.

જિગર સહેજ અચકાતો-ખચકાતો એ ત્રણેય માણસોની પાછળ બેસી ગયો.

લગભગ કલાક પછી, વારાફરતી એ ત્રણેય માણસો પોતપોતાની પરેશાની જણાવીને, એના અજબ-ગજબ તોડ મેળવીને ત્યાંથી રવાના થયા. એટલે હવે પહેલીવાર મલંગે જિગર સામે જોયું. મલંગે પોતાની આંખો જિગરના ચહેરા પર જમાવતાં તોછડા અવાજમાં કહ્યું : ‘ચલ, આ જા સામને, અબ તેરા નંબર હૈ !’

જિગર સહેજ ખસકીને મલંગની બરાબર સામે બેઠો. ‘મલંગબાબા !’ જિગરે હળવેકથી કહ્યું : ‘હું અહીં એક ખૂબ જ જરૂરી કામ માટે આવ્યો છું.’

મલંગ હસવા માંડયો.

જિગર મૂંઝવણ સાથે મલંગને જોઈ રહ્યો. તેણે હસવું આવે એવી કોઈ વાત કયાં કરી હતી ? !

મલંગ અચાનક જ હસતાં અટકી ગયો અને સીધું જ જિગરની આંખોમાં જોતાં બોલ્યો : ‘મછલી ફાંસને કી બંસી મેં અગર કૈંચુએ ન હો તો બડા શિકાર નહીં મારા જા શકતા ! ચલ, કાલી કલકત્તેવાલી-મેરા મંત્ર ન જાય ખાલી ! અલખનિરંજન !’

જિગર મલંગ સામે મૂંઝવણભેર જોઈ રહ્યો.

‘અંધેરી રાત કે મુસાફિર !’ મલંગે કહ્યું : ‘આસમાનમેં તારે ટિમટિમા રહે હૈં !’

જિગરને સમજાયું નહિ કે, આ મલંગ આખરે શું કહેવા માંગે છે. તેણે ફરી હિંમત ભેગી કરી અને વિનંતિભર્યા સૂરે કહ્યું : ‘મલંગબાબા ! શું તમે મારી મદદ નહિ કરો ? !’

‘સમંદર સૂખ જાએ તો મછલિયાં વૃક્ષ પર ચઢને કી બજાય તડપ-તડપ કર મર જાતી હૈં !’ મલંગ બોલ્યો.

જિગર મલંગની આવી વિચિત્ર વાતોથી ધૂંધવાયો, પણ છતાંય શીના માટે તેણે મલંગ સાથે શાંતિથી વાત કરી : ‘મલંગબાબા ! શું તમે મને મદદ નહિ કરો ? !’

મલંગ ખડખડાટ હસી પડયો. પછી અચાનક હસતો રોકાઈ ગયો અને એના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. એણે પોતાની લાલ-લાલ આંખો આખાય રૂમમાં ફેરવી. જાણે હવામાં જિગરને ન દેખાતી-અદૃશ્ય વસ્તુઓને એ ખૂબ જ સારી રીતના જોઈ શકતો હોય એમ એણે પોતાની આંખોને રૂમમાં ફેરવી, પછી એણે જિગરના ચહેરા પર નજર જમાવી અને બોલ્યો : ‘કાલે-કાલે બાદલ ઘિર આયેં તો સૂરજ કી ધૂપ ભી મધમ પડ જાતી હૈ ! કયા સમજે બચ્ચે ? અલખનિરંજન !’

હવે જિગરની ધીરજ ખૂટી ગઈ. એક તો મલંગની ચલમના ધુમાડાની વાસ અને ઉપરથી મલંગની આ બકવાસ જિગર સહન કરી શકયો નહિ. તે ઊભો થઈ ગયો અને મલંગ તરફ ધૃણાભરી નજરે જોતાં બોલ્યો : ‘મેં તમારા વિશે જે કંઈ વિચાર્યું હતું, એ બધું જ મને બિલકુલ ખોટું લાગે છે. મને તો લાગે છે કે, તમે કોઈ લેભાગુ તાંત્રિક-વાંત્રિકથી વધારે કંઈ જ નથી.’

‘લેભાગુ તાંત્રિક-વાંત્રિક ! જૂતોં કા હાર ! સાલે, ભાગ આંધી આ રહી હૈ !’ અને મલંગે ગુસ્સાથી આંખો ફાડતાં ‘ચલ, ભાગ...!’ની એવી જોરદાર ત્રાડ પાડી કે, જિગર ત્યાંથી બહાર નીકળી ગયો. એ ઝડપભેર કારમાં બેઠો અને કાર આગળ વધારી દીધી.

જિગરેે થોડેક આગળ કાર પહોંચાડીને ઊભી રાખી. તેણે કલ્પનાની આંખે જોયું. શીના નિરાશ જણાતી હતી.

‘શીના !’ જિગરે કહ્યું : ‘આ તેં મને કેવા બકવાસ માણસ સામે બેસાડી દીધો.’

‘જિગર !’ શીના નિરાશાભર્યા અવાજે બોલી : ‘મલંગે જે કંઈ કહ્યું એમાં અર્થ છુપાયેલો છે, પણ હું એનો અર્થ સમજી શકું એમ નથી.’

‘...એવું પણ હોય ને શીના કે, મલંગ આપણી મદદ કરવા ન માગતો હોય અને આપણને આ રીતના ભગાવી દેવા માટે એણે આપણી સામે આવી ધડ-માથા વિનાની વાતો કરી હોય.’ જિગર બોલ્યો : ‘છોડ એને, બોલ, હવે આગળ આપણે શું કરીશું ? !’

‘હવે મારે પંડિત ભવાનીશંકરનો સામનો કરી શકે એવા બીજા કોઈ સાધુ-પંડિતને શોધવો પડશે.’

‘એના કરતાં...,’ જિગર બોલ્યો : ‘...હું જ ભવાનીશંકરને મળી લઉં તો ? !’

‘ના.’ શીના બોલી ઊઠી : ‘આ તારું કામ નથી.’

‘માણસ જો પૂરા તન-મનથી પ્રયત્ન કરે તો બધું જ કરી શકે છે.’ જિગર બોલ્યો : ‘તું મને એ કહે, અત્યારે ભવાનીશંકર છે કયાં ? હું એની સાથે વાત કરી લઈશ.’

‘તું સમજે છે, એટલું આ સહેલું નથી, જિગર !’

‘તું મને ભવાનીશંકર કયાં છે, એ કહે !’ જિગર જિદ્‌ે ચઢયો. તે કોઈપણ રીતના શીનાની મદદ કરવા માગતો હતો. એને પોતાની પાસેથી નીકળીને ભવાનીશંકર પાસે પહોંચી જતી રોકવા માગતો હતો.

‘ઠીક છે !’ શીનાએ કહ્યું : ‘અત્યારે પંડિત ભવાનીશંકર શાંતિનગરના સ્મશાનઘાટમાં બેઠો-બેઠો મને વશમાં કરવાના મંત્રનો જાપ કરી રહ્યો છે.’

‘હં !’ જિગર બોલ્યો : ‘અત્યારે હું સીધો પંડિત ભવાનીશંકર પાસે જ પહોંચું છું.’ અને જિગરે શાંતિનગરના સ્મશાન તરફ કાર આગળ વધારી.

જિગરે કલ્પનાની આંખે જોયું તો શીનાના ચહેરા પર ચિંતા હતી.

જિગરે ઊંડો શ્વાસ લીધો. તેને પોતાના જ વર્તનથી આશ્ચર્ય થતું હતું. એક સમયે તે દિવસે પણ સ્મશાનઘાટ પાસેથી નીકળવાનું ટાળતો હતો, ત્યારે આજે અડધી રાતના તે હિંમતભેર સ્મશાન તરફ આગળ વધી રહ્યો હતો. જોકે, આ હિંમત તેનામાં શીનાને કારણે આવી હતી. તે શીનાને ગુમાવવા માગતો નહોતો. શીના તેની પાસેથી છીનવાઈ જાય અને ભવાનીશંકરની દાસી બની જાય એવું તે હરગીજ-હરગીજ ઈચ્છતો નહોતો. તે શીનાને બચાવવા માટે બધું જ કરી છૂટવા માગતો હતો.

જોકે, તેને એ વાતનું ભાન હતું કે, શીના જેવી શક્તિશાળી બલા પણ પંડિત ભવાનીશંકરની શક્તિ સામે સાવ ઢીલી પડી ગઈ હતી, એ ડરી-ગભરાઈ ગઈ હતી તો તેના જેવા સામાન્ય માણસનું તો ભવાનીશંકર સામે શું ગજું ? ! ? તેને ખબર હતી કે, તેના માટે આ કામ ખૂબ જ જોખમી હતું, પણ તેની પર જાણે પાગલપણું સવાર હતું. શીના તેની પાસેથી હંમેશ માટે ચાલી જશે એ વાતની તે કલ્પના પણ કરી શકે એમ નહોતો.

‘જિગર !’ શીનાએ કહ્યું : ‘મારી વાત માન. કારને ઘર તરફ વાળી લે. તારું સ્મશાન પર જવાનું જોખમી છે. તું પંડિત ભવાનીશંકરના મંડળમાં દાખલ થઈ શકે એમ નથી. અને જ્યાં સુધી ભવાનીશંકર મંડળમાં છે ત્યાં સુધી એને કોઈ શક્તિ નુકસાન પહોંચાડી શકે એમ નથી.’

‘...પણ મને પ્રયત્ન તો કરવા દે.’ જિગરે કહ્યું અને કલ્પનાની આંખે જોયું તો શીના તેને પ્રેમભરી નજરે જોઈ રહી હતી. પછી શીના ઊભી થઈ અને તેના માથા પર આમથી તેમ થવા માંડી. જેમ-જેમ તેની કાર સ્મશાન નજીક પહોંચતી જતી હતી તેમ-તેમ શીનાની બેચેની વધતી જતી હતી.

જિગરે શાંતિનગરના સ્મશાન પાસે કાર પહોંચાડીને ઊભી રાખી, એટલે શીનાએ ફરી તેને પાછો વાળવાનો પ્રયત્ન કર્યો : ‘જિગર ! તું નાહકના મારે ખાતર તારો જીવ જોખમમાં મૂકી રહ્યો છે. એકવાર તું ભવાનીશંકર સામે જઈશ ને જો તું એનો જાપ તોડવામાં સફળ નહિ થઈ શકે અને જો ભવાનીશંકર જાપ પૂરો કરી નાખશે તો તું બરબાદ થઈ જઈશ. તારી ઉપર એવી મુસીબતો આવી શકે છે, જેની તું કલ્પના પણ ન કરી શકે.’

‘મારું જે થવાનું હશે એ થશે, પણ હવે હું કોઈ હાલતે તારી જુદાઈ સહન કરી શકું એમ નથી.’ અને આટલું કહેતાં જ જિગર કારનો દરવાજો ખોલીનેે બહાર નીકળ્યો અને સ્મશાન તરફ આગળ વધી ગયો.

‘જિગર ! તું હજુ પણ...’ પણ શીનાનું વાકય પૂરું થાય એ પહેલાં જ જિગર સ્મશાનમાં દાખલ થઈ ગયો. જિગરે કલ્પનાની આંખે જોયું તો શીનાના ચહેરા પર ભય આવી ગયો હતો.

જિગરે સ્મશાનમાં નજર ફેરવી. ‘શીના ! અહીં તો કોઈ દેખાતું નથી !’

‘જિગર, હજુ સમય છે, તું પાછો....’

‘હવે હું પાછો નહિ ફરું.’ જિગર બોલ્યો : ‘તું મને એકવાર પંડિત ભવાનીશંકર પાસે પહોંચાડી દે, પછી હું એને મંડળની બહાર કાઢવા માટે કોઈને કોઈ રસ્તો કાઢી જ લઈશ.’

શીના થોડીક પળો ચુપ રહી, પછી બોલી : ‘સામે જે જૂનું મંદિર દેખાય છે, એની પાછળ ગીચ ઝાડીઓ છે, અને આ ઝાડીઓમાં જ છુપાઈને ભવાનીશંકર જાપ જપી રહ્યો છે.’

જિગર એ તરફ આગળ વધી ગયો. તે મંદિરના પાછળના ભાગમાં પહોંચ્યો. પાછળ ખૂબ જ ગીચ ઝાડીઓ ફેલાયેલી હતી.

જિગરે ઝાડીઓ હટાવીને જોયું. ઝાડીઓની વચમાં-એક જૂના વડના ઝાડ નીચે પંડિત ભવાનીશંકર પલાંઠી વાળીને બેઠો હતો. એ બંધ આંખે પોતાના જાપમાં મસ્ત હતો. એણે શરીર પર ફકત એક લંગોટ પહેરી રાખી હતી. એના માથાના વાળ વધારે પડતા વધેલા હતા. એનું શરીર તગડું હતું. એણે પોતાના આખાય શરીર પર ભભૂત-રાખ લગાવી હતી અને એ બેઠો હતો એની ચારે બાજુ એક સફેદ રેખા બનેલી હતી.

જિગર સમજી ગયો, ભવાનીશંકરની ચારેબાજુ ખેંચાયેલી આ સફેદ રેખા-આ સફેદ કૂંડાળું જ એનું મંડળ હતું !

જિગરે કલ્પનાની આંખે તેના માથા પર સવાર શીનાને જોઈ તો તે બેચેન થઈ ઊઠયો. શીનાના ચહેરો ભયથી સફેદ થઈ ગયો હતો. એ ગભરાટથી ફાટેલી આંખે ભવાનીશંકર તરફ જોઈ રહી હતી.

‘શીના !’ જિગરે ધીમા અવાજે પૂછયું : ‘આ પંડિત ભવાનીશંકર જ છે ને ? !’

‘હા !’ શીનાએ ખૂબ જ ધીમા અવાજે જવાબ આપ્યો અને પછી એ ગભરાટભર્યા અવાજે બોલી : ‘જિગર ! તું પાછો ફરી જા. ભવાનીશંકર સામે તારું કોઈ ગજું નહિ. ઉપરથી તારો જીવ....’

‘...શીના !’ જિગરે શીનાની વાત કાપતાં જુસ્સાભેર કહ્યું : ‘એકવાર હું મરવા તૈયાર છું, પણ તારી જુદાઈ હું સહન કરી શકું એમ નથી !’ અને જિગર જોશ અને જુસ્સાભેર પંડિત ભવાનીશંકર તરફ આગળ વધ્યો.

( વધુ આવતા અંકે )