રોડ ને કાંઠે જ કબ્રસ્તાનનો દરવાજો હતો. દરવાજાની બાજુમાં એક ઓટલો હતો. આ ઓટલા પર એક લગભગ ૬૦ વર્ષના મુસ્લિમ બુઝુર્ગ રોજ બેઠા હોય. કુરતુ અને લેંઘો, માથે શ્વેત મુસ્લિમ ટોપી પહેરી હોય. શ્વેત દાઢીમાં તેમનો ચહેરો ખૂબ નિર્મળ લાગે. બેઠા બેઠા આવતા જતા વાહનો જોયા કરે. તેમના મોઢા પર દુઃખ પણ નહીં ને સુખ પણ નહીં એવો ભાવ ધારણ કરેલો હોય. કબ્રસ્તાન નો દરવાજો મોટાભાગે બંધ હોય, પરંતુ ક્યારેક જતા-આવતા ખુલ્લા દરવાજામાંથી અંદર નજર કરી હું જોતો.
કબ્રસ્તાનની અંદર કબરોની વચ્ચે વચ્ચે ફુલછોડ વાવેલા હતા. તેમાં પણ ગુલાબના છોડ વધારે પ્રમાણમાં વાવેલા હતા. તેમની માવજત ખૂબ સારી થતી હશે એટલે છોડ ફુલ થી ભરેલા હતા. કબ્રસ્તાનની ફરતી દિવાલે મોટા ઝાડ વાવેલા હતા. જેની અમુક અમુક ડાળીઓ પર પંખી માટે પાણી પીવાના પરબ બાંધેલા હતા. કબ્રસ્તાન ની અંદર એક બાજુ પીર બાપા ની દરગાહ આવેલી હતી.
આ બુઝુર્ગ વિશે મને જાણવાની ઘણી તાલાવેલી હતી. આખરે મેં મારા એક મુસ્લિમ દોસ્તને આ અંગે પૂછ્યું.
તેણે મને કહ્યું, "તમે અબુદાદા ની વાત કરો છો?"
મને નામની તો નહોતી ખબર, પરંતુ ઠેકાણું બતાવ્યું.
મારા મિત્રે કહ્યું, "હા, તેમનું નામ અબુદાદા છે."
તેણે વાત ચાલુ કરી, "આ વાત લગભગ ૪૦ વર્ષ પહેલાની છે. અબદુલ મિયા ની શાદી રેશમા બેગમ સાથે થઈ. રેશમાબેગમ નામ પ્રમાણે જ ગુણ ધરાવતી હતી. એ ખૂબ દેખાવડી હતી. તો સામે અબ્દુલમિયા પણ કંઇ કમ ન હતા. બંનેની જોડી જોઈને આખો મહોલ્લો ખૂબ રાજી રાજી થતો. અબ્દુલ મિયા નો સ્વભાવ ખૂબ મિલનસાર હતો. તેમને મુસ્લિમ કરતા હિંદુ મિત્રો વધુ હતા. તેમને પોતાની માલિકીની એક નાનકડી બેકરી હતી.અબ્દુલમિયા ને રેશમાબેગમ ની જિંદગી આનંદથી પસાર થવા લાગી. શાદી ને બે વર્ષ થયાં હશે,ત્યાં તેમના આનંદનું ફળ રેશમા બેગમમાં દેખાવા લાગ્યું. અબ્દુલ મિયા પણ તેમની ખૂબ કાળજી રાખતા.
એક દિવસ રેશમા બેગમને પ્રસવ પીડા ઊપડી. એ વખતે દવાખાનાની સગવડ વધારે ન હતી. દાયણે ખુબ પ્રયત્ન કર્યો.પરંતુ બાળકનો જન્મ ના થયો. વધારે કલાક થઈ જવાને લીધે. રેશમા બેગમ આ ફાની દુનિયાને અલવિદા કહી ખુદાને પ્યારી થઈ ગઈ. અબ્દુલમીયા ની માથે જાણે વીજળી પડી. તે રેશમા આ દુનિયામાં નથી તે માનવા જ તૈયાર ન હતા.
રેશમાના જનાજાને કબ્રસ્તાન માં લઇ ગયા. ત્યાં તેની દફનવિધિ થઈ. કુરાનની આયાતો પડવામાં આવી. પણ અબ્દુલમિયા તો એક બાજુ સૂનમૂન થઇ બેસી જ રહ્યા. બધી વિધિ પતી ગઈ. લોકો પોતાના ઘરે જવા લાગ્યા. પરંતુ અબદુલ મિયા રેશમા ની કબર પાસે જ બેસી રહ્યા. બધાએ તેમને સમજાવ્યા પણ અબ્દુલમિયાએ એટલું જ કહ્યું,
" તમે બધા જાવ મને અહિયાં શાંતિ મળે છે. હું પછી ઘરે આવી જઈશ."
છેક રાત્રે બધા એમને સમજાવી ઘરે લઈ ગયા. પરાણે ખવડાવી સુવડાવ્યા. સવાર પડતાં મિયા ફરી રેશમાની કબરે જઇ બેસી ગયા. હવે તો આ નિત્યક્રમ થઈ ગયો. અબ્દુલ મિયા આખો દિવસ રેશમા ની કબર સામે બેસી રહે. લોકોને લાગ્યું કે તેમનું ખસી ગયું છે. દર્દ નો મલમ દાડા. દિવસો પસાર થવા લાગ્યા.
અબદુલમિયા આખો દિવસ રેશમા ની કબર સાફ સુફ કરે, આખું કબ્રસ્તાન સાફ રાખે, નવા નવા ઝાડવા વાવે. તેને પાણી પાય. પીર બાપા ની દરગાહ સાફ રાખે. ત્યાં ધૂપ લોબાન કરે. પંખી પરબ માં પાણી ભરે. અબદુલ મિયા ના જીવનમાંથી ઉદાસી હવે ઓઝલ થઈ ગઈ. તે કોઈ સાથે કામ વગર વાત ન કરે. આખો દિવસ કામ કર્યા કરે ને રેશમા સાથે વાતો કર્યા કરે.
" જો તો ખરી આ લીમડો કેવો કોળ્યો છે! ને પીલુડી ને બકરા એ બોડી નાખી છે."
અબદુલમિયા માટે રેશમા હજી પણ હયાત જ હતી. હવે તો તેમના માટે સમાજે રહેવાની રૂમ પણ અહીં બનાવી આપી હતી. તેમની ખાવાપીવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.
વાત સાંભળતા સાંભળતા મારી ને મારા મિત્રની આંખ ભીની થઈ ગઈ. હું ફરી કબ્રસ્તાન સામેથી નીકળ્યો ત્યારે તેનો દરવાજો ખુલ્લો હતો. અબુદાદા તેની પ્રિય રેશમાબાનું ની કબર સામે નજર ખોડી ઉભા હતા. અબુદાદા ની શ્વેત દાઢી હવામાં લહેરાતી હતી. હવા ની એક જોરદાર લહેરખી આવી. રેશમા ની કબર ફરતે વાવેલા ગુલાબના છોડની એક ડાળી પરથી ગુલાબના ફૂલની પાંદડીઓ કબર ઉપર વિખેરાઈ ગઈ..
લેખક: અશોકસિંહ ટાંક
તા.૧૨/૮/૨૦૨૦
(વાર્તા કાલ્પનિક છે.)