·
સોસાયટીમાં એ જયારે નીકળતી ત્યારે બધાં એને તાકીને જોતા. ખબર નહીં ક્યાંથી આવી છે? બિચારી હરણી આવી ગઈ શિકારીની જાળમાં…. મન અને હૃદય બંને સમસમી ગયા હતા. જઈને સંભળાવી દેવાનું મન થયું હતું કે તમે બોલો છો શું? પોતે હજુ નવી છે... ક્યાંક આવતા જ છાપ ખરાબ પડશે. એને લાગ્યું કે રાકેશથી એની આસપાસના બધાં લોકોને ખટક છે.
રાતે એ અને રાકેશ બંને પાછા ફર્યા ત્યારે એક મોટી ઉંમરના દાદી બેઠા હતા. ખબર નહીં સ્વાતિને એમાં એની માંના દર્શન થયા. એનાથી અજાણતા જ પગે પડી જવાયું. એને જોઈને રાકેશ પણ પગે લાગ્યો.
સુખી થા દીકરી... બા એ આશીર્વાદ આપ્યા. પછી એને વેધક દ્રષ્ટિએ રાકેશને જોયો એ સ્વાતિની નજર થી છાનું ન રહ્યું. રાકેશ સ્વાતિને મૂકીને ઝડપથી દાદર ચડી ગયો.
બા એ સ્વાતિને સવાલ પૂછ્યો. દીકરી તું ખુશ તો છે ને?
એની મમ્મી જો અત્યારે સામે હોત તો એને આ જ સવાલ પૂછ્યો હોત. એની આંખોના ખૂણા ભીના થયા. એણે હા પાડી પણ મનમાં સવાલ ઉઠયો કે આ બા જેની સાથે મારે કંઈ લાગતું નથી એણે એવો સવાલ કેમ કર્યો? કે પછી એ સમજી ગયા હશે કે મને મમ્મી યાદ આવી. પણ જતા જતા એણે જે શબ્દો સાંભળ્યા એ બહુ વેધક હતા.
એ બાઈ બહુ ભલી હતી. એનાં નસીબ.....
આ અજાણ્યા માજી કઈ બાઈની વાત કરતા હતા. પ્રશ્ન થયો પણ પૂછવાની હિંમત ના થઈ. એ ઝડપથી દાદર ચડી ગઈ.
રાકેશ દરવાજે રાહ જોઈને ઉભો હતો. એ અકળાયો હતો.સ્વાતિ તને થયું છે શું? ગમે તેને પગે લાગે છે. એ બાઈ પાગલ જેવી છે.
તો પછી તમે કેમ નમ્યા?
એ તો વળી એમ જ તને સારું લાગે એટલે.
સાચું કહું રાકેશ મને આજે મમ્મી યાદ આવે છે. મને એ સ્ત્રીમાં મારી મમ્મીનો ચેહરો દેખાયો. અને હું એને નમી એમાં વળી તને શેની આટલી અકળામણ થાય છે.
એ રાત આખી અજંપામાં વીતી હતી. એ સ્ત્રી પાગલ તો નહતી લગતી. જે બાઈ વિષે કેહતી હતી એ બાઈ વિષે એનાં અવાજમાં આત્મીયતા જણાતી હતી. ખબર નહીં સમયના ક્યાં ઘાવ વાગ્યા હશે? એમને જ પૂછવાનો નિર્ણય કરીને આંખો બંધ કરી.
સવારે જયારે મંદિરથી પાછી ફરતી હતી ત્યારે એ જ બા સામે મળ્યા. ફરી મનમાં સવાલોનું વંટોળ જાગ્યું. સવાલ પૂછવાનું મન થઇ આવ્યું પણ હિંમત નહતી ચાલતી. એટલામાં એમણે વાત છેડી. બેટા કેટલા સમયથી ઓળખે છે, રાકેશને....
બા બે વર્ષથી...
તારું કોઈ સગું છે કે નહિ?
માં-બાપ છે... પણ એ લોકોની મરજી વિરુદ્ધ પરણી છું રાકેશને....
તો તો દીકરી તે બહુ ખોટું કર્યું....
કેમ બા?
એ એમ જ જોઈ રહ્યા. વાતાવરણ એને એક જ સવાલ કરતું હતું કે બા ને પૂછ તો ખરી કે આવું કેમ બોલે છે? રહી રહીને રાકેશ કંઈક છુપાવતો હતો એવું લાગી આવ્યું. પણ રાકેશને પૂછે તો પણ શું પૂછે? વિશ્વાસ છે એની પર એવું કહ્યું હતું. એ બધો વિશ્વાસ એકાએક ઉડી ગયો હતો. આ બા સાથે કોઈ સંબંધ નહતો તો પછી કેમ એની વાતમાં વિશ્વાસનો રણકો હતો.
·
જગજનની વૃદ્ધાશ્રમના પગથિયાં ચડતી હતી ત્યારે આંખમાં આંશુ હતા. ક્યા જન્મનો બદલો મળી રહ્યો હતો. રાકેશ આટલી હદ સુધી ખરાબ હશે એ તો સપનામાં પણ નહતું વિચાર્યું. પણ હવે આંખ સામે એક જ ઘર દેખાતું હતું એ હતું એનું બાળપણનું ઘર... આ ઘરમાંથી જે ઉત્સાહમાં નીકળી હતી એ બધા જ ઉત્સાહ પર પાણીઢોળ થયું હતું.
આ આખા સમયમાં એણે પોતાના ઘરનો ઉંબરો છોડ્યો, રાકેશના ઘરનો ઉંબરો છોડ્યો અને અત્યારે જયારે આ વૃધાશ્રમના ઉંબરે ઉભી છે ત્યારે કેટલુંય બદલાઈ ગયું છે. આસપાસ અસત્યનો ખડકલો થઈ ગયો હતો.
એણે એક રાતે રાકેશને કહ્યું હતું કે રાકેશ મારો વિશ્વાસ ક્યારેય ના તોડીશ. તારા વિશ્વાસે હું અહીં સુધી પહોંચી આવી છું.
ત્યારે રાકેશના ચહેરા પર અણગમો આવીને જતો રહ્યો હતો... તારો વિશ્વાસ કયારેય નહીં તોળું એવું કહ્યું હતું પણ એ અવાજમાં સચ્ચાઈ નહતી... સચ્ચાઈ ક્યાંથી હોય એની પાછળના કારણો એ બા એ આંખ સામે ધરી દીધા હતા. આ બધાને વચ્ચે એક જ સત્ય હતું અને એ હતું કે એણે રાકેશને કરેલો પ્રેમ. સપનાંની જેમ બધું ગોઠવાયું હતું અને એક જ મિનિટમાં આસપાસ રાકેશે આગ લગાડી હતી.
એ અંદર ગઈ... બહેન મારે જમનાબા ને મળવું છે...
હું એમને બોલાવી તો લાવીશ પણ તમારા હાથમાં જે સમાન છે એ જ તમે આપવા હોય તો મને આપી દો.... અહીંની સ્ત્રીઓ એ આ દીવાલોની અંદર પોતાનું સુખ શોધી લીધું છે. આ જગજનની આશ્રમમાં ફક્ત એવી સ્ત્રીઓ છે જેમના પતિ મૃત્યુ પામ્યા છે અને એનાં પરિવારે એમને તરછોડ્યા હોય. એમનું કોઈપણ સ્વજન આવે પછી આ સ્ત્રીઓ પોતાની જાતને સંભાળી નથી શક્તિ. દિવસો સુધી આવીને રડે છે પછી માંડ એમાંથી જીવતા શીખે અને ફરી કોઈ મળવા આવે એટલે એ યાદ કરીને પાંચ થોડા દિવસો એ સદમામાં વિતાવે છે.
બહેન હું કઈ જ આપવા નથી આવી. તમે જાવ અને જમનાબાને કહો કે એમને હવે ઘરે પાછા જવાનું છે. હું એમને હંમેશા માટે લેવા આવી છું?
તો તો હું હમણાં જ બોલવું.... જમનાબા તો નસીબદાર બેન.... અહીંયા આવે પછી ભાગ્યે જ કોઈ પોતાના ઘરે પાછા જતા હોય છે.
એ જતા જતા પાછી વળી. બેન એ પૂછશે કે લેવા કોણ આવ્યું છે? તો શું જવાબ આપું.
એમને લઇ આવો બાકીના બધાં જવાબો હું આપીશ.
સામેથી એક મોટી ઉંમરની બાઈ આવતી દેખાઈ. કોઈ લેવા આવ્યું છે એ સાંભળીને પાછળ કેટલીય બીજી સ્ત્રીઓ દોડી આવી ત્યારે સ્વાતિની આંખો વહી નીકળી. એકાએક એને થઈ આવ્યું કે પોતે જ દુનિયાની સૌથી દુઃખી સ્ત્રી નથી. આ દીવાલની અંદર જીવતી સ્ત્રીઓ તો મારા કરતાંય વધારે વેઠીને આવી છે.
જમનાબા નજીક આવ્યા એટલે સ્વાતિ એમને પગે પડી ગઈ. એ કરચલી વાળો હાથ સહેજ ધ્રુજ્યો. ચશ્માંમાંથી આંખો એ ચેહરાને ઓળખવા મથતી રહી.
માફ કરજે દીકરી પણ મને ઓળખાણ નથી પડતી.
( ક્રમશઃ)