ભોંયરાનો ભેદ
યશવન્ત મહેતા
પ્રકરણ – ૯ : પાણાખાણની કેદ
ફાલ્ગુની ભયની ચીસ પાડી ઊઠી. વિજયને વળગી પડી.
વિજયે એનો ખભો આસ્તેથી દબાવ્યો. આશ્વાસન આપ્યું, ‘ગભરાઈશ નહિ, ફાલ્ગુની ! આ લોકો જૂઠું બોલીને આપણને ફસાવી ગયા છે. મને લાગે છે કે ઉસ્તાદ સોભાગમામાને ખબર પડી ગઈ હતી કે આપણે એમની વાતો સાંભળીએ છીએ. એટલે આપણે ફસાઈ ગયાં. પણ વાંધો નહિ.’
બીજલે બરાડો પાડ્યો, ‘હવે વાયડાઈ છોડીને એ ભંડકિયામાંથી બહાર નીકળો, કુરકુરિયાંઓ ! ચાલો ઊભાં થાવ !’
વિજય અને ફાલ્ગુની ભંડકિયામાંથી બહાર આવ્યાં.
સલીમે પૂછ્યું, ‘હવે ?’
બીજલ કહે, ‘પેલી જૂની પાણાખાણમાં બેયને પૂરી દઈએ. ચાલો એય કુરકુરિયાંઓ ! આગળ થાવ ! અને સાંભળો ! નાસવાની જરાય કોશિશ કરશો તો ખંજર મારી દઈશ !’
વિજય અને ફાલ્ગુની આંગળાના આંકડા ભીડીને આગળ ચાલ્યાં. બીજલ અને સલીમ એમનું પગલેપગલું દબાવતા પાછળ આવી રહ્યા હતા. વિજયની ઈચ્છા નાસી જવાની નહોતી. એને આશા હતી કે આ લોકો એમને પણ એ જ જગ્યાએ લઈ જશે જ્યાં મીના, ટીકૂ, શીલા અને બકુલને પૂર્યાં હશે. ત્યાં અમે છ જણ મળીને કશોક કીમિયો શોધી કાઢીશું. બનશે તો આ બદમાશો પર જ હલ્લો બોલાવી દઈશું. છ જણ મળીને બે જણને દબાવવા એ કાંઈ અઘરું ન કહેવાય.
પણ વિજયના આ બધા વિચાર પણ નકામા હતા; બદમાશો એના ધારવા કરતાં વધુ ઉસ્તાદ હતા. એ લોકો વિજય અને ફાલ્ગુનીને એક ગુફા જેવી જગાએ લઈ આવ્યા. એનું મોં ખુલ્લું જ હતું. બીજાં છોકરાં જો અહીં હોત તો ગુફાનું મોં બંધ હોત.
બીજલ બોલ્યો, ‘છોકરાંઓ ! તમને આ ઊંડી પાણાખાણમાં પૂરવાનાં છે. વરસો અગાઉ ભાટિયા ગામનાં મકાનો બાંધવા માટે લોકો આ પાણાખાણમાંથી પથ્થરો ખોદી જતા. હવે એ અવાવરુ પડી છે. તમને અંદર પૂરીને આ મોટી શિલા ખાણના મોં આગળ મૂકી દઈશું. પણ ચિંતા ન કરશો. અમારે તમને મારી નાખવાં નથી. અમે જ્યાં જઈશું ત્યાંથી પ્રોફેસરને કાગળ લખી દઈશું કે તમને અહીં પૂર્યાં છે. ત્યાં સુધી અહીં સડ્યા કરજો ! હા, હા, હા !’
છોકરાંઓને પાણાખાણમાં ઉતારીને બીજલ અને સલીમે નજીક પડેલી એક શિલાને રગડાવી. ખાણના મોં આગળ મૂકી. એ માટે એ લોકોએ હલેસાંનો ઉપયોગ કર્યો હતો. એ વગર તો એ બે બળુકા લોકોથીય ખસે એવી એ શિલા નહોતી. એમની મહેનત જોઈને જ વિજય અને ફાલ્ગુની સમજી ગયાં કે આ શિલા હટાવીને બહાર નીકળવું તો શક્ય જ નથી !’
એટલે બંને જણ પાણાખાણની અંદર એક મોટી શિલા શોધીને એની ઉપર બેઠાં. બેયનાં મન ચિંતાતુર હતાં. ચિંતાઓ અનેક જાતની હતી. મીના, ટીકૂ વગેરેનું શું થયું હશે ? કાકા કેવી ચિંતા કરતા હશે ? આ અવાવરુ પાણાખાણમાં ક્યાંયથી સાપ-વીંછી નીકળી આવશે તો શું થશે ?
આવી ચિંતા કરતાં બંને જણ કલાકો સુધી બેસી રહ્યાં. એકાએક વિજય ચમક્યો. ફાલ્ગુનીનું બાવડું પકડીને બોલ્યો, ‘બેન ! જો પણે ઊંચે ! ત્યાં ચન્દ્રનાં કિરણો દેખાઈ રહ્યાં છે !’
ફાલ્ગુનીએ તે દિશામાં જોયું. ત્યાં ત્રણેક મીટર ઊંચે એક નાનકડી ફાટ દેખાતી હતી અને એની અંદરથી ચન્દ્રનો થોડોક ભાગ વરતાતો હતો. વરસોના વરસાદે બહારની કેટલીક માટી ધોઈ કાઢીને બે શિલાઓ વચ્ચેની જગા ખુલ્લી કરી દીધી હતી. અને ત્યાંથી અમર આશાના કિરણ જેવાં ચન્દ્રનાં કિરણો આ અંધારી પાણાખાણમાં પ્રવેશતાં હતાં !
વિજય તરત જ કૂદીને ઊભો થયો. પાણાખાણની ઉબડખાબડ શિલાઓમાં હાથપગ ટેકવતો ઊંચે ચડવા લાગ્યો. પેલી ફાટ નજીક પહોંચી ગયો. ત્યાં ચન્દ્રના અજવાળાને કારણે બધું બરાબર દેખાતું હતું. એ બોલ્યો, ‘ફાલ્ગુની ! અહીં એક નાનકડી શિલા ખસેડી શકાય એમ છે. લાવ, તળિયેથી એકાદ નાનો અણીદાર પથ્થર આપ ! જૂના પથ્થરયુગના માનવીની જેમ આપણે પથ્થરના ઓજાર વડે કામ કરવું પડશે.’
ફાલ્ગુનીએ પાણાખાણની ફર્શ ઉપર હાથ ફેરવીને ભાલાના ફળા જેવો ધારદાર એક પથ્થર શોધી કાઢ્યો. પથ્થરો પર ચડીને એ પથ્થર એણે વિજયને આપ્યો. વિજયે એ પથ્થર વડે માટી ખોદવા માંડી.
કામ અઘરું હતું. થોડી વારમાં તો વિજયના હાથમાં બળતરા થવા લાગી. પરંતુ એ બળતરા સહન કર્યે જ છુટકો હતો.
લગભગ બે કલાકની મહેનત પછી વિજયને વિજય મળ્યો. પેલી શિલાને જકડી રાખતી બધી માટી એણે ખોદી કાઢી. પછી એક જોરદાર ધક્કો માર્યો. શિલા ખસી ગઈ. ફાટ પહોળી થઈ. છોકરાંઓ પસાર થઈ શકે એટલી એ પહોળાઈ હતી.
એમાંથી બહાર નીકળીને વિજયે કહ્યું, ’બહેન ! અહીં તો બોરડીનાં ગીચ જાળાં છે. કાંટા ખૂબ વાગશે, હોં !’
ફાલ્ગુની હસતાં હસતાં બોલી, ‘બીજલના ખંજર જેટલાં તો કાંટા નહિ વાગે ને !’
એટલું બોલીને એ પણ બહાર નીકળી ગઈ. થોડીક વધુ શિલાઓ ચડીને અને થોડીક બોરડીઓ પાર કરીને એ લોકો ટાપુની સપાટી પર પહોંચ્યાં. પછી ઘડીભર ઊભાં રહ્યાં. હવે શું કરીશું ? ફરી પાછો એ જ સવાલ.
ફાલ્ગુની બોલી, ‘દાણચોરોની વાતો પરથી લાગે છે કે એ લોકો અહીંથી વિદાય થઈ જવાના છે. એટલે જ એમણે કાકાને કાગળ લખીને આપણી પૂરાવાની જગા જણાવવાનું કહેલું. એટલે એ લોકો તો અહીં છુપાવેલો એમનો દાણચોરીનો માલ લઈને ભાટિયા તરફ રવાના થઈ ગયા હશે.’
વિજય કહે, ‘તો આપણે એમને રોકવા જોઈએ.’
ફાલ્ગુનીએ કહે, ‘બરાબર, પણ અહીં સપડાયેલાં આપણા ભાઈબેનોનું શું ? એ ક્યાં હશે ? સોભાગચંદ મામાએ બીજલ-સલીમ સાથેની વાતમાં કહેલું કે એ લોકોને ઉગમણી બાજુએ ખજૂરીનાં ઝાડ સાથે બાંધ્યાં છે. પણ મને તો એ ગપ્પું જ લાગે છે.’
‘મને પણ એમ જ લાગે છે. સોભાગચંદની પૂરી વાત આપણને ગેરમાર્ગે દોરવા માટેની જ હતી. તને કદાચ યાદ હશે કે સોભાગચંદ મામાએ ખજૂરીનાં ઝાડવાળી વાત કરી ત્યારે સલીમ કશુંક બોલવા ગયો હતો, પરંતુ સોભાગચંદે જોરદાર અવાજ કરીને ચૂપ કરી દીધેલો.’
‘એટલે આપણે ટીકૂ વગેરેને આટલામાં જ ક્યાંક શોધવાનાં છે, ખરું ને ?’
‘આ ટાપુનો ઇંચેઇંચ આપણે ખોળવો પડશે. જો, પરોઢ થવા આવ્યું છે. બધી બાજુ અજવાળું ફેલાઈ રહ્યું છે. એ અજવાળામાં આ નાના ટાપુ ઉપર શોધખોળ કરવી અઘરી નહિ પડે.’
‘પણ દાણચોરોને અહીંથી વિદાય થયાનેય કલાકો થઈ ગયા છે. એ લોકો છટકી ન જવા જોઈએ.’
‘તો શું કરીશું ?’
‘આપણામાંથી એક જણ ટાપુ ઉપર શોધખોળ ચલાવે અને એક જણ ભાટિયા જાય. ત્યાં કાકાને ખબર આપે. પોલીસને ખબર આપે.’
આખરે એમણે એવું નક્કી કર્યું કે ફાલ્ગુની પેલી સાંકડી જમીનપટ્ટી પર દોડીને સામે પાર જાય. વિજય ટાપુ ઉપર શોધ ચલાવે. હવે દાણચોરો તો પાછા આવે એવું શક્ય નહોતું, કારણ કે એ લોકો તો ભાટિયા છોડીને નાસી જવાની વેતરણમાં પડ્યા હશે.
આટલું નક્કી થતાં જ ફાલ્ગુનીએ દોટ મૂકી. પેલી સાંકડી જમીનપટ્ટી પર એક જ રાતમાં એની આ બીજી દોટ હતી. પરંતુ આ વેળા એને પહેલાં કરતાંય વધારે ઉતાવળ હતી. પહેલી વેળા તો માત્ર બકુલની ભાળ મેળવવાની હતી; હવે તો દાણચોરોને છટકી જતા અટકાવવાના હતા.
ફાલ્ગુની દોડતી દોડતી સોમજીના મહેલે પહોંચી ગઈ. દિનકરકાકા મહેલનાં આંગણામાં જ મળી ગયા. એમના ચહેરા પર ચિંતા જ ચિંતા લખાયેલી હતી. ફાલ્ગુનીને જોતાં જ એ બોલી ઊઠ્યા, ‘અરે છોકરાંઓ ! તમે આખી રાત ક્યાં હતાં ? હું તો ચિંતા કરી કરીને અર્ધો થઈ ગયો.’
ફાલ્ગુનીએ હાંફતાં હાંફતાં કહ્યું, ‘આખી કહાણી બહુ લાંબી છે, કાકા ! જલદી મારી સાથે ગામના પોલીસ થાણે ચાલો. દોડો !’
દિનકરકાકા તૈયાર જ હતા. તૈયાર થઈને છોકરાંઓને શોધવા જ નીકળતા હતા. હવે ફાલ્ગુની સાથે ઉતાવળે ડગલે પોલીસ સ્ટેશન ભણી ચાલ્યા.
રસ્તામાં ફાલ્ગુનીએ બધી વાત માંડીને કરી. કેવી રીતે એ લોકોને આ કાંઠે દાણચોરી ચાલતી હોવાની શંકા પડી, કેવી રીતે એમને સોભાગચંદ-સલીમ-બીજલ પર વહેમ આવ્યો, એ લોકો સાથે કેવી રીતે ટક્કર થઈ ગઈ, શીલાનો ભાઈ બકુલ કેવી રીતે મળ્યો અને પછી કેવી રીતે સૌ દાણચોરોના હાથમાં ફસાઈ ગયાં, એ બધી વાત એણે ટૂંકમાં કહી. દિનકરકાકા તો એ સાંભળીને હેબતાઈ જ ગયા. છોકરાંઓએ અહીં આવીને આવડું મોટું જોખમ ઊઠાવી લીધું હશે એની એમને તો કલ્પના પણ નહોતી.
એ બોલ્યા, ‘છોકરાંઓ ! તમે સરસ કામ કર્યું છે. દાણચોરોને પકડવા એ કાંઈ નાનુંસૂનું કામ નથી.’
ફાલ્ગુની બોલી, ‘હજુ અમને ધન્યવાદ આપવાનું મુલતવી રાખો, કાકા ! કારણ કે મને ડર છે કે દાણચોરો અત્યારે ક્યાંના ક્યાં પહોંચી ગયા હશે. અહીંથી પાકિસ્તાનની સરહદ કાંઈ દૂર નથી.’
આટલી વારમાં પોલીસ થાણું આવી ગયું. ફાલ્ગુનીએ પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આખી વાત ટૂંકમાં સમજાવી.
ઇન્સ્પેક્ટર તો ઊભા થઈ ગયા. ‘દીકરી ! તું કહે છે કે દાણચોરો નાસી ગયા હશે, પણ મને હજુ આશા છે કે એ પકડાઈ જશે. આટઆટલાં વરસનો જમા થયેલો દાણચોરીનો માલ વેચવો તો પડે જ, અને ગામમાં એક એવાં વેપારીને હું ઓળખું છું જે આવા ચોરાઉ માલનો સોદો કરતો હોય છે. આપણે એને ત્યાં જ પહોંચી જઈએ. ચાલો ! દેવસિંગ ! બલવીર ! કરસન ! ચાલો. બધા સાબદા થઈ જાવ !’
ઇન્સ્પેક્ટરે પોતાના ચાર-પાંચ કોન્સ્ટેબલોને લઈને પોલીસ વાન ઉપાડી. પેલા વેપારીના ઘર પર દરોડો પાડ્યો.
ઇન્સ્પેક્ટરની વાત સાચી નીકળી. સોભાગચંદ અને એના બંને સાગરીતો હજુ પેલા વેપારી પાસે જ બેઠા હતા. અને એમની સામે પડ્યો હતો દાણચોરીના માલનો ઢગલો : સોનાનાં બિસ્કિટ, ઘડિયાળો, કેલ્ક્યુલેટર યંત્રો, વિડીયો કેમેરા અને એવું ઘણું ઘણું. આ બધો માલ બીજલ અને સલીમ ટાપુ ઉપરના અડ્ડામાંથી હોડીમાં ભરીને લઈ આવ્યા હતા.
ઇન્સ્પેક્ટર અને એમના પોલીસવાળાએ ચારેય બદમાશોને હાથકડીઓ પહેરાવી દીધી.
એ વેળા સોભાગચંદનો ચહેરો ઝેરી નાગ જેવો બની ગયો હતો. ફાલ્ગુની અને પ્રોફેસર તરફ ડોળા ફાડીને એ બોલ્યો, ‘તમે લોકો આડાં ન આવ્યાં હોત તો અમે લીલા લહેર કરતા હોત. પણ છોકરી ! જે શીલાની ચઢવણીથી તમે આમાં વચ્ચે પડ્યાં છો, એના ભાઈની કેવી વલે થાય છે એ જોઈ લેજો !’
સોભાગચંદની કાળવાણી સાંભળીને ફાલ્ગુની વળી ગભરાઈ ગઈ. છેલ્લા કલાકેકની દોડધામમાં એ વીસરી જ ગઈ હતી કે વિજય હજુ મીના, ટીકૂ, શીલા અને બકુલની શોધમાં ટાપુ ઉપર ફરતો હશે. એ ચારેય જણાનું શું થયું એની કોઈને ખબર નહોતી.
એણે ઇન્સ્પેક્ટરને કહ્યું, ‘સાહેબ ! તમે આ લોકોને અટકાયતમાં પૂરો. મારું લેખિત નિવેદન આપવા માટે હું થોડી વાર પછી આવીશ.’
- અને કોઈ કશું વધારે પૂછે-કારવે તે પહેલાં તો ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ ફાલ્ગુની દરિયા તરફ દોડી ગઈ.
(ક્રમશ.)