tofani kano in Gujarati Short Stories by Arvind Gohil books and stories PDF | તોફાની કાનો

Featured Books
Categories
Share

તોફાની કાનો


તોફાની કાનો


ધૂંધળો-ધૂંધળો એક દસ વર્ષનો છોકરો ગામની બજારમાં દોડતો દેખાતો હતો. એને પહેરેલા એ ચંપલ સાવ ઘસાયેલા અને કાંટાથી ભરપૂર હતા. એ ચંપલની ડટ્ટી નીકળી જતા આખું ચંપલ મોંઢામાં નાખી મહામહેનતે ડટ્ટી બીડાવતો ગાંડો લાગતો હતો. બે-ત્રણ દિવસથી નાહ્યો ના હોય એવા વાળ હતા. શર્ટ તો કેવા કલરનો હતો એ તો ભગવાન જાણે પણ એ શર્ટની બેય હાથની બાંયો નાક લૂછી લૂછીને ભીની થયેલી અને એના પર ચોંટેલી માટી એ તો સાવ ખરાબ લાગતી હતી. નીચે પહેરેલી ચડ્ડીને તો એટલા થિંગડા હતા કે એનો સાચો રંગ પણ નહોતો દેખાતો. એનો આ જ દેખાવ એની ગરીબીનું દર્શન કરાવતો હતો. આટલો ગરીબ હોવા છતાં એકદમ અલગારી અને મસ્ત ફકીર જેવો લાગતો હતો.

હજુ આટલા દ્રશ્યો ઝાંખા ઝાંખા માંડ દેખાયા હતા ત્યાં તો આઈસોલેશન વોર્ડમાં ક્વારાન્ટાઇન થયેલા કાનજી જમાદારની આંખ ખુલી ગઈ અને સપનું અધૂરું રહી ગયું. કદાચ પોતાના બાળપણનું રૂપ જોયું હતું. " હું નાનો હતો ત્યારે કેવા તોફાન કરતો હતો. " આ વિચાર જાણે કાળચક્રને પાછું ફેરવી રહ્યો હોય એમ બાળપણથી ફરી આખી જિંદગી પ્રદર્શીત થઈ. બપોરના સમયે બધા સુતા હોય ત્યારે ખોરડા ઉપર પથ્થરના ઘા કરીને ભાગી જવું, કોઈ ડોહાની ધોતી ખેંચી લેવી, વાડામાં બાંધેલ ઢોરને છૂટ્ટા મૂકી દેવા, કોઈની વાડીમાંથી ટેટી-તરબૂચ ચોરીને ખાઈ જવા આવા અનેક કિસ્સાઓ યાદ આવવા લાગ્યા. અને આ યાદની સાથે જ માયુસ થયેલો ચહેરો પાછો સ્મિતથી ભરાઈ ગયો.

કાનજી માવજીભાઈ અને શારદાબેનનું એક માત્ર સંતાન હતું. એ એટલો બધો તોફાની હતો કે ગામ દ્વારા એને "તોફાની કાના"નો ખિતાબ પ્રાપ્ત થયો હતો. એના આ બધા પરાક્રમોની શરૂઆત કાનો જ્યારે બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે થઈ ગઈ હતી. એની વધતી ઉંમર સાથે એના તોફાન વધતા જતા હતા. નવમા ધોરણમાં આવેલો કાનો તો ગામને માથાનો દુઃખાવો થઈ ગયો હતો. પણ આ ઉંમરે બનેલા એક બનાવે એની આખી જિંદગી બદલી નાંખી. આમ પણ જિંદગીમાં બદલાવ લાવવા માટે કોઈ હોમ-હવન કે પછી મંત્ર-જાપની જરૂર નથી હોતી. થોડા અસહ્ય શબ્દો જ કાફી હોય છે.

એ સાંજે ભગવાન ભાસ્કર વિદાય લઈ રહ્યા હતા અને સંધ્યા સોળે કળાએ ખીલી હતી. પંખીઓ માળામાં, ઢોર કોઢમાં, ગામલોકો ખેતરેથી ગામમાં, તો બાળકો રમત્યું પુરી કરી ઘર તરફ જઈ રહયા હતા. એમાંનો એક કાનો પણ હતો. સાંજે સાતેક વાગ્યે એ ઘરે પહોંચ્યો. શારદાબેન ખીચડી ચડવા મૂકીને રોટલા બનાવતા બનાવતા માવજીભાઈને કહેતા હતા.
" કાલે શાક કરવા માટે તેલ નથી તો ભાઈસા'બના ત્યાંથી એક કિલો તેલ લઈ આવોને ! "
માવજીભાઈ હજુ ખેતરેથી આવ્યા જ હતા. હાથ-પગ ધોવાના પણ બાકી હતા.
" પણ શારદા, મને હવે શરમ થાય છે. એના ત્યાં આઠસો રૂપિયા જેવું નામું થઈ ગયું છે. કદાચ બધા વચ્ચે કશું બોલી જશે તો... "
થાકીને આવેલા માવજીભાઈ બળદ માટે સુડાથી નિરણ કાપતા કાપતા નીચા મોંઢે બોલી રહ્યા હતા.
" તમે પણ કેટલું વિચારો છો ! એ તમારો માડીજાયો ભાઈ છે અને પાછો નાનો છે. તમને થોડું કંઈ કે'શે; અને આપણે ક્યાં પૈસા નથી આપવાના ? વરહ સારું આવશે તો બધા દૂધે ધોઈને આપી દેશું. "
એ સ્ત્રી પોતાના પતિને હિંમત આપતી હતી. એટલામાં કાનો આવ્યો.
" આ મારો લાડકો આવ્યો, હવે તમે રહેવા દો એને જ મોકલું છું. " છેલ્લો રોટલો તાવડીમાં નાખી કાથરોટમાં હાથ ધોઈને ઊભા થઈ ગયા.
" કાના ! કાકાની દુકાને જઈને એક કિલો તેલ લઈ આવ ને ! " શારદાબેન એક ટીનની(એલ્યુમિનિયમ) બરણી કાનાને આપતાં કહ્યું.

આમ તો કાનો કામની ના પાડી દેતો પણ માવજીભાઈને જોઈને બરણી લઈને ચાલી નીકળ્યો. બરણી પણ સાવ રીઢી થયેલી હતી. ઉપરથી ઊડતી ધૂળની મળી જામી ગઈ હતી. આખી બરણી પર ગોબા પડેલા હતા. ઢાંકણું ખેંચવા માટે ઉપર આપેલી કડી પણ નીકળી ગયેલી હતી. આવી બરણી લઈને કાનો તેલ લેવા માટે નીકળી ગયો.

કાનો અને બરણી બંને ડોલતા-ડોલતા ગામની બજારમાં હાલ્યા જતા હતા. કાનો રસ્તામાં આવતા નાના છોકરાને માથા પર થપાટુ મારતો જતો હતો; તો વળી, કોઇ બૈરાની સાડીઓ ખેંચતો જતો હતો અને ગાળો પણ ખાતો જતો હતો. કાનાનું તોફાન જેમ સૂર્ય ઊગે અને કમળ ખીલે એમ ઘર બહાર નીકળે અને ખીલી ઉઠતું. આમ પણ કાનાને જોઈને નાના છોકરા તો ઘરમાં જ લપાઈ જતા. એમને તો જાણે સાંઢ આવતો હોય એવી બીક લાગતી.
" એય નાનાકાકા ! હાલો એક કિલો તેલ ભરી દો. " દુકાને પહોંચતા જ કાનાએ રોફથી કહી દીધું.
દુકાને દસ-બાર લોકો બેઠા હતા.
" પૈસા લાવ્યો છું " કોઈ બીજા ઘરાકની ખાંડ જોખતાં-જોખતાં કાના તરફ તિરસ્કારની નજર નાખતાં એકદમ ગંભીર અવાજે કાનાના કાકાએ કહ્યું.
" પૈસા-બૈસા કંઈ ન મળે, તમે ખાલી તેલ જોખો.... ને. " કાનો પાછો રોફમાં બોલ્યો.
આ સાંભળી કાનાના કાકાનો બાટલો ફાટ્યો. એ ઝડપથી કાના તરફ આવ્યા અને બાવડું પકડીને એ છોકરાને દુકાનના ઓટા નીચે ઉતારી દીધો.
" છાનોમાનો નીકળ અહીંથી ! આવા ને આવા ભૂખડ ભઈઓ એ જ ભૂખ દીધી છે. તારો બાપ રળી નથી શકતો તો શું કામ બેય માં-દીકરાને ઘરમાં ઘાલીને બેઠો છે. તારા બાપને કે'જે વેચી દે. તારું તો કંઈ નહીં મળે પણ તારી માની કિંમત સારી આવશે. " કાનો તો સાવ નિઃશબ્દ થઈ ગયો હતો. મન થયું કે મોટા પથ્થરનો દુકાનમાં ઘા કરીને ભાગી જવ પણ કોણ જાણે કેમ આજે પથ્થર ઉપાડવાની હિંમત ના થઇ.

ખાલી બરણી લઈને પાછો ફરતો એ છોકરો આજે વિચિત્ર લાગતો હતો. એના ડગલાં પહેલીવાર સ્થિર થયા હતા. તેલ લેવા જતી વખતે ડોલતી બરણી પણ કદાચ નિરાશ થઈ ગઈ હતી. એટલે જ એ પણ એકદમ સ્થિરતાથી કાના સાથે ચાલી જતી હતી. કાનાને આવતો જોઈને નાના છોકરા સંતાવા લાગ્યા હતા પણ એનું ધ્યાન તો બીજી જ દિશામાં હતું. 'તારી માની સારી કિંમત આવશે' આ વાક્ય એને વારંવાર કોઈ મગજ પર હથોડાના ઘા કરતું હોય એવું લાગતું હતું. એક નાનકડું મગજ પહેલીવાર વિચારવાની કોશિશ કરતું હતું. એ મન કાનાને કેટલાય સવાલ પૂછતું હતું પણ એના કોઈ જવાબ નો'તા. આવો ધીર-ગંભીર બનેલો કાનો ઘરે પહોંચ્યો.

માવજીભાઈ તો હાથ-પગ ધોઈને રૂમાલથી મોઢું લૂછી રહ્યા હતા. શારદાબેન માતાજીને દિવાબત્તી કરી રહ્યા હતા. કાનો ખાલી બરણી ઓસરીના જેર પર મૂકીને એ નાના-નાના ગારાના બનાવેલા પગથિયાં દોડતો ચડી ગયો અને સીધો એના બાપને વળગી પડ્યો. એ ગરીબ બાપ પણ ના સમજી શક્યો કે અચાનક આ છોકરાને શું થયું.
" કાના ! બેટા શું થયું ? "
આટલા શબ્દો સાંભળતા જ એના રોકાયેલા આંસુ અને ગળામાં ભરાયેલો અવાજ બહાર આવી ગયો. એ એકદમ મોટા અવાજે રોઈ પડ્યો. માવજીભાઈ જાણતા હતા કે આ છોકરો કોઈ દિવસ કોઈના મારથી ના રૂંએ. આજે ઘણા વર્ષો બાદ એ બાપ પોતાના દીકરાના માથા પર હેતથી હાથ ફેરવતો હતો. હંમેશા બાપ માટે ઉપેક્ષાનું પાત્ર રહેલ કાનો પણ જાણી નહોતો શકતો કે આજે આ માણસને બથ ભરીને પોતે શું કામ રડી રહ્યો છે ?
" બાપા ! કાકાએ.... " કાનો આથી વધુ શબ્દો બોલી નહોતો શકતો.
" શું થયું બેટા ? કાકાએ તેલ ના આપ્યું ?"
એટલામાં હાંફળા ફાંફાળા બનેલા શારદાબેન પણ પાણી લઈને આવી ગયા. કાનાને પાણી પાયું અને શાંતિથી એક ખાટલા પર બેસાડ્યો.
" બાપા ! કાકાએ તેલ ના આપ્યું એનો વાંધો નથી પણ એ એવું બોલ્યા કે તારા બાપને કે'જે તારી માને વેચી દે, એની સારી કિંમત આવશે. આ શબ્દોને હું સારી રીતે સમજી નથી શકતો છતાં કોણ જાણે કેમ મને બહુ રોવડાવે છે. "
એ છોકરો પાછો એના બાપના ખોળામાં માથું નાંખીને રોવા લાગ્યો. માવજીભાઈ અને શારદાબેન આ શબ્દો સાંભળતા જ દંગ રહી ગયા. અને દુઃખ તો એ વાતનું થતું કે આવા શબ્દો પોતાનો જ નાનો ભાઈ બોલ્યો હતો.
" કાના ! બેટા આ દુનિયામાં ગરીબીથી મોટું કોઈ દુઃખ નથી. જ્યારે આપણો સમો નબળો હાલતો હોય ત્યારે આવુ બધું સાંભળી લેવામાં જ ભલાઈ છે. મેં તો આથી પણ ખરાબ શબ્દો સાંભળ્યા છે. છતાં હું તો કોઈ દિવસ નથી રડ્યો. અને તને જો સાંભળવામાં તકલીફ પડતી હોય તો કશું કામ કરવું પડે અને બે પૈસા કમાઈને દેખાડવું પડે."
આજે માવજીભાઈ ગરમ લોખંડ જોઈને હથોડો મારી રહ્યા હતા. આમ પણ દીકરાને સમજાવવા માટે યોગ્ય સમયે બોલવું જોઈએ અને એ સમયનો ફાયદો આજે માવજીભાઈ લઈ રહ્યા હતા. માવજીભાઈ અંદરથી તો ભાંગી પડ્યા હતા પણ દીકરા આગળ ઢીલા પડી જવાનું એમને યોગ્ય ના લાગ્યું. જ્યારે બીજી બાજુ આવી ગૂઢભાષા કાનો સમજી નહોતો શકતો છતાં એ તેના બાપ સામે દયાની દ્રષ્ટિથી જોતો જ રહ્યો.
" હવે જે થયું તે થયું. ભૂલી જા આ વાતને, હાલ હવે વ્યાળું-પાણી કરી લેવી "
માવજીભાઈએ વાતને ફેરવવાની કોશિશ કરી. વર્ષો પછી પહેલીવાર માવજીભાઈ કાનાને પોતાની બાજુમાં બેસાડીને જમાડયો. કાનો પણ જમવાનું નાટક જ કરતો હતો કારણ કે કાકાના શબ્દો ગળે ફસાયેલા હતા એ ખોરાકને નીચે ઉતરવા નહોતા દેતા. કાનાને બહાર રમવા જવા માટે માવજીભાઈએ કહ્યું પણ એને આજે વહેલું સૂઈ જવું હતું. કદાચ ઓઢીને સૂતા-સૂતા રડવું હતું. આજે આખું ઘર કોઈપણ વાતો કર્યા વગર પોતાની પથારીમાં જાગી રહ્યું હતું. કાનો ત્રણ વાગ્યે પથારીમાંથી બેઠો થયો અને દકતરમાંથી નવમા ધોરણના બધા ચોપડા કાઢી ફાડી નાંખ્યા. પાંચ વાગ્યે શારદાબેન જાગ્યા અને જોયું તો વિખરાયેલા પાનાં વચ્ચે આંસુ ભરેલી આંખે કાનો બેઠો હતો. આ દ્રશ્ય જોઈને આભા બની ગયેલા શરદાબેને માવજીભાઈને જગાડ્યા. ત્યારબાદ મા-બાપ ભેગા થઈને દીકરાને સમજાવવા લાગ્યા. પણ આ છોકરો કોઈ વાત સમજવા તૈયાર નહોતો. એ એક નવા જ આત્મવિશ્વાસ સાથે લવા વાળતો બોલી રહ્યો હતો;
" બાપા ! હવે ભણતર જાય તેલ લેવા, બાકી કાકાનું નામું પૂરું ના થાય ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહિ. "
એ જમાનો પણ એવો હતો કે ગામડામાં કોઈ છોકરો ભણવાની ના પાડે તો માં-બાપ માટે કોઈ નવાઈની વાત નહોતી. એમાં પણ કાનો આઠ ધોરણ સુધી પુરું ભણેલો હતો એટલે આમ પણ ઘણું કહેવાય.

આખી રાત વહેતા આંસુએ એના બધા તોફાનોને ધોઈ નાંખ્યા. એનું મન આ ગરીબીની ગટરમાંથી બહાર નીકળવા તરફડીયા મારી રહ્યું હતું. આ સાથે જ કાનાએ પોતાની જિંદગીને એક નવી જ દિશા આપી દીધી હતી. કોઈના પણ ખેતરમાં મજૂરી કરી લેતો, દેશી ખાતરના ગાડા ભરતો, ખેતરે પાણી વાળવા જતો, આવા અનેક કામમાં જાતને ઢાળી દિધી હતી. એના જીવનમાં એક જ લક્ષ્ય હતું કે ગમે તેમ કરીને કાકાનું નામું ચૂકતે કરવું અને એ એને વીસ જ દિવસમાં કરી બતાવ્યું. એ જાગે ત્યારથી નક્કી કરી લેતો કે આજે જ્યાં સુધી સો રૂપિયા રોજી ના મળે ત્યાં સુધી સુવાનું નહિ. એ દિવસમાં ત્રણ-ત્રણ જગ્યા પર મજૂરી કરી લેતો. ગામલોકોના મન પરથી તોફાની કાનાની છાપ ધીમે ધીમે ભૂંસાવા લાગી હતી. કાનાની એકલાની મજૂરીથી આખું ઘર ચાલતું હતું. બાપ-દાદાની દસ વિઘા જમીન માવજીભાઈ અને શારદાબેન બંને સાથે મળીને ખેડતા. આ જમીનની નીપજમાંથી થતી આવક ઘરની બચત રહેતી.

આવી જ રીતે ત્રણ વર્ષ વીતી ગયા. માવજીભાઈનો પરિવાર અમીર તો ના કહી શકાય પણ ગરીબીમાંથી બહાર આવી રહ્યો હતો. કાનો દિવસ-રાત એક કરી રહ્યો હતો. આટલું બધું કામ કરતો હોવાથી સ્વાભાવિક જ દરેક કામમાં એટલી નિપુર્ણતા આવી ગઈ હતી કે લોકો ખેતરના અમુક કામો તો કાનો જ કરશે એવી આશા રાખતા થયા હતા. કાનો જો નવરો ના હોય તો બે દિવસ રાહ જોતા પણ એ કામ કાના પાસે જ કરાવતા. કાનાની કામની આટલી કુશળતા ગામના નગરશેઠને બહુ ગમી ગઈ. આથી જ કાનાને એક દિવસ બોલાવીને કહ્યું કે તું મારી સો વિઘા વાડી છે ત્યાં સાથી રહી જા (સાથી એટલે ખેતરનું બધું કામ કરી ત્યાં જ રહેતો અને પગાર મેળવતો મજૂર એને પાકની ઉપજ સાથે કોઈ લેવાદેવા ના હોય.) અને બધું કામ કરજે. તારો સો રૂપિયાવાળો નિયમ નહિ તૂટવા દવ. તને મહિનાને અંતે ત્રણ હજાર પગાર મળી જશે અને સાથે સાથે જમવાનું પણ મારા ઘરેથી વાડીએ મળી જશે. કાનો પણ રાજી થઈ ગયો કારણ કે ક્યારેક કામ શોધવા માટે બાજુના ગામમાં પણ જવું પડતું તો ક્યારેક કામ ન પણ મળતું. આ શેઠના ત્યાં તેને બાર મહિના કામ કર્યું.

" કાનાકાકા તબિયત કેવી છે ? " આ સવાલે અચાનક જ કાનજી જમાદારને ભૂતકાળમાંથી વર્તમાનમાં લાવી દીધા. નજર સામે એક છવ્વીસેક વર્ષની નર્સ ઊભી હતી. આ ચહેરો થોડો જાણીતો લાગતો હતો.
" તબિયત તો સારી છે બેટા ! પણ શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે છે. "
કાનજી જમાદાર એ છોકરીને ઓળખવાની કોશિશ કરતા હોય એમ એક દુવિધા સાથે બોલી રહ્યા હતા.
" કાકા ! હું સ્વાતિ. ભૂલી ગયા કે શું ? હું તમારા ક્વાર્ટર પાસે પ્લાસ્ટિક વીણવા માટે આવતી હતી. પછી એક દિવસ મને બોલાવીને તમે ભણવા માટે કહ્યું હતું. અને કહ્યું કે બધો ખર્ચ હું આપીશ. મારી વિધવા માને પણ તમે તમારા ત્યાં કામે રાખી હતી. યાદ છે ?"એ છોકરી એક ઉત્સુકતા સાથે પોતાની ઓળખાણ આપતી હતી. " "અરેરે ! તું નાનકડી ઢીંગલી કેટલી મોટી થઈ ગઈ ! તો તું કંકુબાઈની છોડી છે ! બેટા તું જ્યારે 'કાનાકાકા' બોલી ત્યારે જ થયું હતું કે મને વલસાડના છોકરા સિવાય કોઈ કાનાકાકા કહેતું નથી. "

જમાદારને બધી જૂની યાદો તાજી થઈ ગઈ.
"કાકા, તમે નહિ માનો પણ તમારી મેં'રબાનીથી ભણેલા અમે સિત્તેરથી વધુ છોકરા-છોકરીઓ સરકારી નોકરી કરીયે છીએ. અને અમે અમારું એક વોટ્સએપ ગ્રૂપ પણ બનાવ્યું છે. જેનું નામ " son of kanakaka " રાખ્યું છે. એ ગ્રુપના dpમાં પણ તમારો જ ફોટો છે. અને કાકા, અમે આ ગ્રૂપ દ્વારા જ બીજા ઘણા છોકરાઓને ભણાવવાનો ખર્ચ એકઠો કરીયે છીએ."
એ છોકરી જેમ કોઈ ભક્ત ભગવાનને જોઈને રાજી થાય એવી ખુશ લાગતી હતી. એની આ ખુશી આંખોમાંથી છલકાતી હતી.
" કાકા કેટલા વર્ષે મળ્યા અને એ પણ આ હાલતમાં ! હું બીજા દર્દીને તપાસીને આવું. મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે. " આમ તો સ્વાતિની ઈચ્છા બીજા દર્દી પાસે જવાની નહોતી પણ જવું પડે એવું હતું.
" હા બેટા ! જા બધાની સેવા સારી રીતે કરજે. કોઈ દર્દીને તોછડાઈથી જવાબ ના દેતી. અને બને તો મારી પાસે ઓછી આવજે. બેટા આ રોગમાં કામ સિવાય ઓછા મળીયે એ જ સારું છે. "
એક બાપ જેમ દીકરીને સમજાવે એમ કાનજી જમાદાર બોલતા હતા. " હું ભલે મરી જાવ ! પણ તમારી પાસે તો બેસવાની જ છું. આ તો મારું દવાખાનું ના પાડે બાકી મારે તો તમારા ખોળામાં માથું નાંખીને સૂવું છે " એ છોકરી બાપ પાસે જીદ કરતી હોય એમ સજળ નેત્રે હસતા હસતા આગળ નીકળી ગઈ. કાનજી જમાદાર પણ હસવા લાગ્યા. અને મનમાં એક વિચાર આવ્યો કે " એક સમયનું પારકું વલસાડ ક્યારે પોતાનું થઈ ગયું એ ખ્યાલ જ ના રહ્યો. " આ વિચારે પાછી ભૂતકાળની સફર ચાલુ કરાવી.

એક દિવસ એ શેઠનો છોકરો ખેતર આંટો મારવા આવ્યો હતો. બંને વાતો કરતા હતા અને વાતમાંથી વાત નીકળી તો એને સીધું કાનાને પૂછ્યું " કાના કેટલું ભણ્યો છે ? " કાનાએ આઠ પાસનો જવાબ આપ્યો. તો એને પોલીસની ભરતી વિશે માહિતી આપી. એ સમયે ભરતી આઠ પાસ પર થતી હતી. અને બીજું કે કાનાની ઉંમર પણ અઢાર વર્ષ થઈ ગઈ હતી. તો કાનાની મરજીથી એ છોકરાએ અરજી આપી દીધી. અને કહેવાય છે ને જ્યારે તમારો સમય ચાલતો હોય ત્યારે અવળા નાંખો તોય સવળા પડે. કાના સાથે પણ આવું જ થયું. એનું કસાયેલું શરીરે શારીરિક કસોટી પાસ કરી અને નગરશેઠના છોકરાની મદદથી એને લેખિત પરીક્ષા પાસ કરી. એ સમયે આવતી પોલીસખાતાની છ મહિનાની તાલીમ તો એને હસતા હસતા પુરી કરી દીધી. આમ તો આ સમયે એનો દિવસમાં સો રૂપિયા કમાવવાનો નિયમ તૂટતો હતો છતાં બધાની સલાહથી એ નોકરીમાં પડ્યો રહ્યોં. તાલીમ પુરી થતા જ એને વલસાડમાં પહેલું પોસ્ટીંગ આપવામાં આવ્યું. અહીંથી એમની વલસાડ ખાતે કાનજી જમાદાર તરીકેની સફર શરૂ થઈ. વલસાડમાં નોકરી શરૂ થઈ ત્યારે એમની ઉંમર ઓગણીસ વર્ષની હશે. કાનજી જમાદાર પોતાની નોકરીમાં ખુશ રહેતા. પગાર સિવાય કોઈ રૂપિયા નહિ કમાવવાનો નિર્ણય કરેલો.

એક દિવસ કાનજી પોતાના ક્વાર્ટરની બાજુમાં બેઠા હતા અને એની બાજુમાં એક છએક વર્ષની એક છોકરી પ્લાસ્ટિક વીણતી હતી. જમાદારને થોડી દયા આવી એટલે એને પોતાની પાસે બોલાવી.
" બેટા ! કશું ખાવું છે ? " પ્રત્યુત્તરમાં એ છોકરીએ હામાં માથું હલાવ્યું.
" અહીં બેસ હું આવું છું. " કાનજી જમાદાર થોડી આગળ આવેલી એક દુકાન પર ગયા અને બિસ્કિટ લઈને આપ્યા.
" તું ભણવા નથી જતી ? " બિસ્કિટ આપવા માટે હાથ લંબાવતા પૂછ્યું.
" ભણવાથી છોકરા બગડી જાય. " બિસ્કિટનું પડીકું તોડતી એ છોકરી નિર્દોષ હાસ્ય સાથે બોલી રહી હતી.
" કોને કહ્યું " જમાદારે પાછો એક સવાલ કર્યો.
" મારી માએ. " તરત જ જવાબ મળી જતો જોઈ કાનજી ખુશ થયો.

" તું ક્યાં રહે છે ? "
" ઓલી ! ઝુંપડપટ્ટી રહી ન્યા. " છોકરીએ આંગળી ચીંધી બતાવ્યું.
" તારું નામ શું છે ? "
" સ્વાતિ " બિસ્કિટ ખૂટી રહ્યા એટલે એ પ્લાસ્ટિકનું કાગળ સાથેના થેલામાં નાંખી ઊભી થઈ ગઈ.
" હું જાવ ? "
" હા , જા બેટા. "

છોકરી તો જતી રહી પણ જમાદારના મનમાં હરિ વસ્યો. મનમાં એક વિચાર કરી લીધો કે આ છોકરીને ભણાવવી છે. પણ એ કોઈ માલદાર બાપનો છોકરો તો હતો નહિ કે રૂપિયા આવી રીતે બીજાની સેવામાં વાપરે. પણ એક વાત તો સાચી કે સારા વિચારમાં રસ્તા અઢળક મળી જાય. એમાંનો એક રસ્તો કાનજી જમાદારને મળી ગયો. અને એ રસ્તો હતો પગાર ઉપરની કમાણીનો. આમ પણ બાર મહીના નોકરી કરીને ખાતાના બધા કાવાદાવા કાનજી જમાદાર શીખી ગયા હતા. કાનાની જિંદગીનો આ ત્રીજો અધ્યાય ચાલુ થયો હતો. તોફાની કાનામાંથી કામગરો કાનો અને કામગરા કાનામાંથી હવે તે કાનજી જમાદાર બની ગયો હતો. પુરા વલસાડમાં બધા બુટલેગરો અને માફિયાઓને લૂંટવાનું એને ચાલુ કરી દીધું હતું. આ સિવાય બીજા અમીરો જે બે નંબરનો ધંધો કરતા તેમની પાસેથી પણ પૈસા ઉઘરાવી લેતો. નાનપણમાં જોયેલી ગરીબી, સ્વાતિને ભણાવવા માટેની ઈચ્છા, અને અમીરો પ્રત્યેની નફરત એને આવું બધું કરવા માટે પ્રેરતી હતી. એક મહિનાના અંતે એ સમયે પગાર સિવાયના સારા એવા રૂપિયા કમાઈ લેતો. આ આવતા રૂપિયામાંથી પહેલા સ્વાતિને ભણાવવાનું ચાલુ કર્યું અને એની માં કંકુબાઈને પોતાના ઘરે કામ કરવા રાખી. જેમ જેમ આવક વધતી ગઈ એમ એમ એ વધુને વધુ આદિવાસી બાળકોને ભણાવવાનો ખર્ચ કરતો જતો હતો. છતાં પૈસા વધે તો કોઈ ગરીબ બાપના દીકરી-દીકરાના લગ્નમાં વીસ-વીસ હજાર રૂપિયા આપી દેતો અને કહેતો કે;
" તમારા છે ને તમને આપવાના છે. "
આ સિવાય ઘરે પણ સો વિઘા જમીન વસાવી લીધેલી અને સારું મકાન બનાવી લીધેલું. એ કદાચ પહેલો ગુજરાતી રોબિનહુડ હતો. માફિયાઓ માટે માથાનો દુઃખાવો તો નિશાળમાં ભણતા બાળકો માટે કાનાકાકા હતો.

બીજી બાજુ ગામમાં માવજીભાઈ અને શારદાબેનને તો નાના રજવાડા જેવું હતું. માવજીભાઈ આખો દિવસ હિંચકે હીંચતા રહે અને મજૂરો કામ કર્યા કરે. આ સિવાય કાનાના કહેવાથી સેવાના કાર્યો પણ કરતા રહેતા. આટલું સુખ હોવા છતાં આ દંપતિને કાનાના લગ્નની એક મોટી ચિંતા હતી. કાનાને વારંવાર ફોન પર સમજાવતા તથા એ ગામમાં આવે ત્યારે મોટા મોટા પાંચ લોકો ભેગા થઈને સમજાવતા પણ કાનો ચોખ્ખી ના પાડી દેતો. એને પોતાની જિંદગી પરમાર્થ અને પરોપકારમાં જ પુરી કરવી હતી. એ હંમેશા કે'તો કે;
" કદાચ પત્ની સારી ના મળી તો મારા બધા સપના અધૂરા રહી જાય. " આ સવાલ પર પણ ઘણા વાદ વિવાદ ઘરે થતા પણ કાનો એકનો બે ના થયો તે ના જ થયો. બસ આવી જ રીતે સ્વાર્થી સમય ચાલ્યો જતો હતો. હવે ઘરે બધા કાનાને સમજાવીને થાકી ગયા હતા એટલે હવે કોઈ આ વાત ઉખાળતું પણ નહિ. આવી જ રીતે દસ વર્ષ પુરા થયા. માવજીભાઈ અને શારદાબેન પણ વયોવૃદ્ધ થઈ ગયા હતા. ત્યાર પછીના થોડા વર્ષો બાદ એક પછી એક કરીને બંને ઘડપણ આગળ હારીને ભગવાનને વ્હાલા થઈ ગયા. વર્ષો વીતવા લાગ્યા હતા. જમાદાર મનથી સાવ ફકડ ગિરનારી જેવા થઈ ગયા હતા. એ માણસને ના તો પોતાની કોઈ ચિંતા હતી કે ના કોઈ પોતાના અંગત વ્યક્તિની. પહેલેથી ભણાવેલા બાળકો હવે ઉચ્ચ અભ્યાસ કરવા લાગ્યા હતા. આથી વધુ નાણાંની જરૂર પડવા લાગી. એટલે વલસાડને વધુ ધમરોળવાનું ચાલુ કર્યું. મનમાં નક્કી કરી લીધું કે ' કાલે મરતો હોવું તો આજે મરું બાકી મારાથી જેટલા લોકોનું ભલું થાય એટલું તો કરવું જ છે. ' એમના આ વિચારે તો એમની બધી જમીન ગામના ગરીબ લોકોને આપી દીધી. નિવૃત્તિ સમયે શાંતિથી રહેવા માટે એક ઘર પોતાની પાસે રાખ્યું.

કાનજી જમાદારનું જીવન એક સાધુ જેવું બની ગયું હતું. એમની જિંદગી સાવ રંગહીન થઈ ગઈ હતી એટલે એમને કોઈ હરખ કે શોક થતો નહિ. એ હરેક સમયે ખુશ રહેતા અને વિચારતા ' મારે ક્યાં કોઈ આગળ પાછળ છે ?' પણ એક વાત તો સાચી હતી કે કાનજી જમાદારનો સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. એમની ઉંમર પણ ચાલીસી વટાવી ચુકી હતી. એમનું શરીર પણ મોટાભાગના પોલીસવાળાની જેમ રોગોનું ઘર બની ગયું હતું. વલસાડની અંદર એમની પચ્ચીસ વર્ષની નોકરી પુરી થવા આવી હતી. એમના આ કાર્યકાળ દરમિયાન એમને લગભગ સાતસો છોકરા છોકરીઓને ભણાવ્યા હતા અને લગભગ ત્રીસેક છોકરીઓના લગ્નનો ખર્ચ પણ આપ્યો હતો. ભલે આ બધું પારકા રૂપિયે જ થતું હતું.

બીજી બાજુ બુટલેગરો પર જમાદારનો ભય યથાવત જ હતો. હવે એ લોકો ખૂબ ત્રાસી ગયા હતા. આથી જ અધિકારીઓને ફરિયાદ કરીને એમની બદલી અમદાવાદ કરાવવામાં આવી. કાનજી જમાદારે વલસાડથી વિદાય લીધી. અમદાવાદની એમની શરૂઆત એટલે જિંદગીના ચોથા અધ્યાયની શરૂઆત. હવે તે કાનજી જમાદારમાંથી ફકીર જમાદાર બની ગયો હતો. પોતાના પગાર પર જ જીવન ચાલતું હતું. એમાં પણ જરૂર પૂરતા પૈસા જ રાખતા બાકી બધા રૂપિયા ગરીબ બાળકો માટે પારલે-જીમાં, તો વળી કેટલાક ભિખારી બાળકોના ભણાવવાના ખર્ચમાં, આવી રીતે વેડફી નાખતા. મહિનો પૂરો અને સાથે પગાર પણ પૂરો એવું જીવન હતું. એક જૂનું વાક્ય છે ને 'તૂટે ત્યારે સઘળું તૂટે છે.' આ માણસ સાથે પણ એવું જ થયું. અમદાવાદમાં નોકરીનો થોડો સમય થયો હશે ત્યાં જ કોરોનાના કહેરે પુરા શહેરને ભરડો લઈ લીધો. લોકોને સાવચેત રાખવા જતા આ જમાદાર પોતાની સાવચેતી ના રાખી શક્યા અને પોતે એનો ભોગ બન્યા.

આખી જિંદગી ફરી જીવીને એ દવાખાનાના ખાટલા પર પાછા આવી ગયા હતા. એમનો આખો ચહેરો નિર્દોષ બાળકની જેમ હાસ્યથી ભરપૂર હતો. આંખ પણ ખારા પાણીથી લથપથ હતી. હૃદયના ધબકારા ધીમે ધીમે ઓછા થવા લાગ્યા હતા. જાણે ખોળિયા અંદરના જીવને મૂંઝારો થતો હોય અને એ બહાર નીકળવાની કોશિશ કરતો હોય એવું લાગી રહ્યું હતું. એ જર્જરિત થયેલો દેહ પણ વિહામો લેવા માંગતો હોય એવું લાગી રહ્યું હતું. એટલામાં અવાજ આવ્યો 'કાનાકાકા' પણ આ અવાજ બહુ દૂરથી આવતો હોય એવું સંભળાતું હતું. નજર ઊંચી કરી તો એ છોકરી સામે જ ઊભી હતી. એ ફરીવાર બોલી પણ આ વખતે તો ખાલી એના હોઠ ફફડ્યા એ દેખાયા પણ અવાજ ના સંભળાયો. પાછો એ નાનકડો છોકરો શર્ટની બાંયોથી નાક લૂછતો દોડતો જતો દેખાતો હતો. અને આ સાથે જ જમાદારની જમણી આંખમાંથી એક દિવ્ય આંસુ નીકળી ગયું.

લેખક : અરવિંદ ગોહિલ