આ હકીકત ઈ.સ.૧૯૬૫ આસપાસ ની હશે...ઈ જમાનામાં હજુય ગામડાં માં હટાણું કે મુસાફરી કરવા માટે ગાડાં કે ઊંટ ગાડાનો ઉપયોગ ખૂબજ કરવામાં આવતો......
કાચા રસ્તા ને એમાંય પાકિસ્તાન ની બોર્ડર ને અડીને આવેલું , રણની રેતી થી તપતું ને સરકારી ચોપડે ઓરમાન સાબિત થયેલું ડાહ્યા કાકાનું ગામ. સંપૂર્ણ પણે આત્મ નિર્ભર અને કુદરતી રીતે સમૃદ્ધ..
ડાહ્યા કાકાને કરિયાણાની દુકાન...ને હોલસેલ વેપાર પણ ખરો...વાર-તહેવાર અને પ્રસંગોપાત હોલસેલ ઓર્ડર પણ લેતાં..... આસપાસ નાં ૭/૮ ગામમાં એમની શાખ ને વેપાર બેય ધમધમે.....માલ સો આની શુદ્ધ આપવાનો પણ વેપાર તો રોકડેથી જ કરવાનો .....એ એમની વેપાર નીતિ....
અને એટલે જ એમનો ધંધો દિવસ રાત વધતો રહેતો.... દરેક ઓર્ડરનો માલ-સામાન એ જાતે જ ઊંટગાડી માં લઈને ગ્રાહકો ને આપવા માટે જતાં...એમની સાથે કાયમ ભીમો એમનો નોકર અચૂક હોય જ...
ભીમો એમનાં નોકર કરતાંય ઘરનું માણસ વધારે .... ડાહ્યા કાકાનું એ વિશ્વાસુ પાત્ર ..... પત્ની ઉપર એમને કદાચ ઓછો વિશ્વાસ હશે પણ ભીમા પર તો અતૂટ વિશ્વાસ ....ને ભીમો છેલ્લા ૧૮ વર્ષ થી સંબંધો ની છેડાછેડી બાંધી હોય એમ સાથે ને સાથે જ.....દિવસ કે રાત ....બધુંય ડાહ્યા કાકાનું...એ સંબંધો માં અતિ સંવેદનશીલ....આખાયે ગામમાં એની વફાદારી અને નિષ્ઠા નાં ઉદાહરણ અપાય....બધાંજ સાથે એને ખૂબ બને.... કોઈ ની સાથે જરાય અણબનાવ નહીં...
.......કડકડતો ટાઢો માગસર મહિનો (ડિસેમ્બર) હતો....ટાઢ કે મારૂં કામ..!! માવઠું પણ સાથે ને સાથે હરિફાઈ માં ઉતર્યું હતું..... રણની ટાઢ ને લૂખ્ખા ટાઢા બોળ વાયરા.....ત્રણ દિવસ થી સૂરજદાદાએ પોરો ખાધો હતો..... વાતાવરણમાં ઠંડી હતી ને વસ્તી પણ
ઠુંઠવાઈ ને બહાર નીકળવાનું ટાળતી...
એવામાં ડાહ્યા કાકાને સાંચોર થી ૨૦૦ માણસની જાન માટે રસોડું કરવાનું હોવાથી એક મારવાડી એ એટલું કરિયાણા નો ઓર્ડર આપ્યો..... ઓર્ડર મળતા જ ભીમાએ તમામ સામગ્રીઓ બાંધીને તૈયાર કરી દીધી .....
"કાકા બધું જ તૈયાર છે....આ ફેરી તો હું એકલો જ જઈને આપી આવીશ....આવી ટાઢમાં તમે દોડાદોડી ના કરતા હવે..."ભીમા એ ચિંતિત થઈ કાકાને કહ્યું.
"કેમ ? એવું હેં? મને શું થયું છે ..માલ આપવા તો હું જાતે જ જઈશ....ને તું દુકાન સંભાળજે" ડાહ્યા કાકા એ હુકમ કર્યો
"ના હોં, દુકાન તો કેશો સંભાળશે, હું તો તમારી સાથે આવવાનો એટલે આવવાનો જ " ભીમા એ મોં બગાડ્યું
"સારૂં આવજે જા, કાલે મળસ્કે ઊંટગાડી માં જઈશું....વહેલો ડેલીએ આવી જજે...."
"હોં કાકા , આવી જઈશ જલ્દી" ભીમા એ દુકાન ની વસ્તી કરી....
બીજે દિવસે પરોઢિયે બંને જણા સાંચોર તરફ ઊંટગાડી દોડાવી મૂકી....આખા દિવસની મુસાફરી હોવાથી ભાતપાણી પણ સાથે લીધા..
બપોર સુધી માં સાંચોર ગ્રાહકને ત્યાં પહોંચી ને માલ ઉતારી દીધો , પણ મારવાડી ગ્રાહક સાથે બહુ જુના ને સારાં સંબંધ હોવાથી એમણે વાળું પતાવીને (રાતનું જમવાનું) જવાનો આગ્રહ કર્યો એટલે કાકા અને ભીમાએ એમનું મન અને માન રાખવા ત્યાં જ જમ્યું. ને આઠેક વાગ્યાની આસપાસ પાછાં વળવા પ્રયાણ આદર્યું......
જ્યાં સાડા પાંચ/ છ વાગ્યાની આસપાસ અંધારું થવા લાગે ત્યાં નવનાં સુમારે તો રણનાં ગામડાં ભેંકાર લાગે..... નિર્જન રેતાળ રસ્તા પર ચકલુંય ફરકતું નહોતું ...ઠંડો પવન તો જે સુસવાટાભેર એનો રોફ બતાવે કે જાણે ઈ જ એકલો કાફી છે માણસને ડરાવવા માટે .....!! પણ પેલું અંધારું ય મંદ મંદ હસતું હતું કે મારાથી માણસ ના ડરે તો મારી આબરૂ નું શું?? એટલે એ ય વધુ ઘેરાતું જતું હતું.....દુર દુર થી શિયાળવા નાં રડવાનો અવાજ આવતો હતો ....ને કૂતરાઓ તો પાછળ પાછળ ભસતાં આવતાં.....એ શાંતિ કંઈક અજબોગરીબ ભાસતી હતી....!!
આછેરી ચાંદનીમાં વાદળિયા આકાશમાં થોડા ઘણાં તારાં ટમટમતાં હતા એ ભીમો તાકી રહ્યો છે.. એનાં મનમાં આવનારા નાના મહેમાનની સ્વાગત ની તૈયારીઓ કેવી કરવી એ ગડમથલ ચાલતી હતી.....
ને કાકા ઊંટગાડી હાંકી રહ્યા છે..... એમનું ધ્યાન રેતીના રસ્તા પર હતું..... મનમાં આજે એક સારા ગ્રાહકને ત્યાં મળેલા આવકાર થી આનંદ હતો....ને ધંધા માટેનાં વિચારોની વણજાર ચાલતી હતી...
ત્યાં જ ભીમા ને ઊંટગાડી ની સમાંતરે એક નાનું ચારેક વર્ષ નું બાળક સફેદ કપડાં પહેરેલું દેખાયું..... સમાંતરે એમની સાથે ચાલતું હતું...ને ભીમા સામે વિચિત્ર રીતે જોઈ રહ્યું હતું......
ભીમા એ આ જોઈ ને પહેલાં તો એની આંખો બે વાર મસળીને ખાતરી કરી લીધી કે એ શું જોઈ રહ્યો છે?? પણ બે ય વાર એ જ દેખાયું....
એણે નોંધ લીધી કે છેલ્લી દસેક મિનિટ થી એ બાળક સાથે ચાલી જ રહ્યું છે......... ભીમાએ ગાડી ની આગળ - પાછળ - નીચે બધે જ જોઈ લીધું કે એનાં મા-બાપ ક્યાં છે? એ ભુલુ પડી ગયું લાગે છે...પણ નિર્જન વિસ્તારમાં કોઈ ના દેખાયું....
એટલે એણે ભોળા ભાવે ડાહ્યા કાકા ને કહ્યું
"કાકા , ગાડી રોકો તો, જોવો ને આપડી સાથે સાથે બિચારૂં કોઈ બાળક ભુલું પડી ગયું છે એ છેલ્લી દસેક મિનિટ થી ચાલ્યું આવે છે".....
આ સાંભળી ને ડાહ્યા કાકા એ બાજુમાં નજર નાંખી તો સાચેજ માં એક બાળક એમણે જોયું....ને એક જ પળમાં એમની પારખી નજર સમજી ગઈ કે હકીકત શું છે??
એમણે ઘડીનોય વિચાર કર્યા વગર ભીમા ને ચેતવતા કહ્યું, " ભીમા તું મને વાતો ના કરાવીશ હવે....... આપણે ઊંટગાડી નો સીલો છોડ્યો કામ નહીં આવે..... તું એ છોકરાં સામે જોતો નહીં... ઊંધો ફરી જા જલ્દી".
"શું તમેય કાકા , તમે આ નાના અમથા બાળકથી ડરો છો ને મનેય ડરાવો છો... કેટલું નિર્દોષ છે એ...!! એને આપડે આપડી ગાડીમાં બેસાડી દઈએ...ચાલો...." ભીમા ને કાકા ની સલાહ ના ગમી.
કાકાએ હવે ગાડી હાંકવાની ઝડપ બમણી કરી દીધી.... ઊંટ પણ જાણે પરિસ્થિતિ ને પામી ગયું હોય એમ હાકોટાભેર ઉડવા લાગ્યું.
ને ભીમો તો વળી વધારે ધ્યાન કેન્દ્રિત કરીને એ બાળકને જોવામાં મશગુલ થઈ ગયો. અને પછી તો પેલું બાળક પણ ઊંટગાડી ની નજીક સરકવાની કોશિશ કરવા લાગ્યું. ને આ હરકતથી ડાહ્યાકાકાએ ઓર તેજીથી ગાડી હાંકવા માંડી.....
"ભીમા , તું એ છોકરાની સામે ના જોતો.એની આંખોમાં આંખો ના મેળવતો........સાંભળે છે...."કાકા એ ફરી ચેતવ્યો......
પણ પાછળ તો કંઈક અલગ જ ભયાનક ઘટના આકાર લઈ રહી હતી... પેલું બાળક ધીમે ધીમે ઊંટગાડી ની નજીક સરકીને અટૃહાસ્ય કરતું કરતું ઊંચાઈ માં મોટું ને મોટું વધતું જ જતું હતું....ભીમો તો આ જોઈ ને ડઘાઈ જ ગયો....એની આંખો ફાટી ગઈ....એણે તો ક્યારેય આવું જોયું જ નહોતું....જીભ થોથવાવા લાગી... આખુંય શરીર કંપિત થવા લાગ્યું......
મોંમાં થી એક શબ્દ પણ બોલી શકતો નહોતો...ડરના માર્યા આંખે અંધારા આવી ગયા..ભીમાને તો પેશાબ પણ થઈ ગયો....એણે ડરવાની બધી જ હદો પાર કરી લીધી પછી ભારે ડરેલા અવાજે જોરથી બૂમ પાડવાની કોશિશ કરી પણ અવાજ જાણે નીકળતો જ નહોતો.... છતાં યે મુઠ્ઠીઓ વાળીને એણે ચીસ પાડી....
"કાકાઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆઆ, પાછળ જુઓ ".........
ડાહ્યા કાકા એ પાછળ જોયું તો એક પળ માટે એ ડઘાઈ ગયા પણ પછી સ્વસ્થ થઈ ને
એમણે ભીમા ને કહ્યું " તું મારી પડખે આવી જા જલ્દી. ઊભો થા ઝટ...."
ને પછી એમણે ગાડી સીલાની બહાર જાય નહિ એ ચીવટ રાખી ને ઝડપ વધારી....
ને ભીમો ધ્રુજતો ધ્રુજતો કાકા ની લગોલગ આવી લપાઈ ગયો....એટલે પેલું બાળક તો આગળ આવતા આવતા વધતું ગયું ને ઊંટગાડી ને પકડવાની કોશિશ કરતું રહ્યું પણ નિષ્ફળ ગયું.....કાકા અને ભીમા ને વશમાં કરવા માટે હાથ પગ થી ઝાવા માર્યા...ને એનાં અટ્ટહાસ્ય નાં પડઘા એટલા ડરામણા હતા કે રણનાં પશુપંખીઓ એ પણ ચીચીયારીઓ થી વાતાવરણ ભરી મુક્યું.... કાકાએ ખૂબજ જ બુદ્ધિ વાપરી ને રસ્તા નો સીધો પકડી રાખ્યો હતો....ને ભીમા ને પણ સાચવ્યો...
આવું સતત ૧૦ કીલોમીટર સુધી એ બાળક પાંચ માળની બિલ્ડિંગ ની ઊંચાઈ સુધી વધતું રહ્યું ને એમના ગામના પાદરમાં હનુમાનજી મંદિર ની હદ આવતા જ બંને ની નજર સામે જ મોટો ભડકો થઈને સળગીને અલોપ થઈ ગયું....ને એ ભડકો જોતાં જ ભીમો બેભાન થઈ ને ઢળી પડ્યો...... ડાહ્યા કાકા એ આખાયે રસ્તે સીલો ના છોડ્યો ને બંને પેલા બાળકથી બચી ગયા એ વિચારીને મનોમન ભગવાનનો આભાર માન્યો...
પછી એમણે ઘર આવતા જ ભીમા ને ખૂબ જ ઢંઢોળી ને જગાડી વાની કોશિશ કરી પણ એ જાગ્યો જ નહીં એટલે એમણે નીચે ઉતરી ને ગામનાં લોકોને સવારે ત્રણ વાગ્યે બધાને ભેગા કર્યા ને વૈધ બાપા ને તેડાવ્યાં.
વૈધ બાપાએ આવી ને ભીમા નાં નાડી અને હૃદય તપાસ્યા તો બેય બંધ થઈ ચૂક્યાં હતાં...
આ સમાચાર સાંભળીને ડાહ્યા કાકા , ભીમાની ગર્ભવતી વહુ ને આખુંય ગામ આઘાત માં સરી પડ્યું. ડાહ્યાકાકા એ ગામના લોકો ને માંડીને રસ્તા માં શું ઘટના ઘટી એ વાત કહી..આ સાંભળી ને સૌ અવાચક થઈ ગયા...
પછી તો ડાહ્યાકાકાએ ભીમાને ત્યાં દિકરી જન્મી એને અને એની વહુને આખી જિંદગી પોતાને ત્યાં જ રાખ્યાં પણ ભીમા ને એમણે ખોઈ દીધો એનો અફસોસ એમને આખી જિંદગી રહ્યો...
પણ એક સવાલ નો જવાબ એ ક્યારેય શોધી ના શક્યા કે એમણે ઊંટગાડી નો સીલો તો બરાબર સાચવ્યો હતો ને છતાંયે જન (પ્રેતાત્મા) થી મરવાનો સીલસીલો એ રોકી ના શક્યા.
(સીલો એટલે ગામડાનાં રસ્તા પર ગાડાં કે ગાડી નાં બે પૈડાં ની સમાંતર પડી ગયેલ નિશાની ઓ કે જેની હદમાં કોઈ પણ પ્રેતાત્માઓ કે જન પ્રવેશી ના શકે )
-ફાલ્ગુની શાહ ©