Corona.com - 5 in Gujarati Fiction Stories by jignasha patel books and stories PDF | કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 5

Featured Books
Categories
Share

કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 5

આજે નૈનાને પોતાની તબિયત ઠીક નહોતી લાગી રહી હતી. ઉજાગરાના કારણે માથું ભારે લાગતું હતું...ઓફિસે જવાનું બિલકુલ મન નહોતું પરંતુ નવા પ્રોગ્રામનું ટેલિકાસ્ટ પણ હતું અને પોતેજ બધું હેન્ડલ કરવાનું હોવાથી ઓફિસે જવું અનિવાર્ય હતું... ન છૂટકે તે તૈયાર થઇ ઓફિસે જવા નીકળી....
* * *
ઓફિસે પહોંચી કાર્યક્રમની વિગતવાર બનાવેલી રૂપરેખા પર એક વખત નજર ફેરવી લીધી. ત્યાં સુધી સોલંકી સાહેબ પણ આવી ચુક્યા હતા... આજે સોલંકી સાહેબ ખુશ હતા... એમની ખુશીનું કારણ આ નવો પ્રોગ્રામ હતો... કેમકે ઘણાં સમયથી એમની ચેનલને ઓછી ટી.આર.પી મળતી હતી.... કદાચ ચેનલને આ પ્રોગ્રામથી ટી. આર. પી મળશે એવી સોલંકી સાહેબને આશા હતી... આજે એમની ચાલમાં એક અજબ પ્રકારની સ્ફૂર્તિ હતી. નૈના પાસે આવી સોલંકી સાહેબે કહ્યું...
'તો નવા પ્રોગ્રામ માટે તૈયાર છે ને નૈના ?'
'જી સર, મારા તરફથી બધીજ તૈયારી થઇ ચુકી છે... બસ ટેલિકાસ્ટ ટાઈમની રાહ જોઈ રહી છું...'
' વેરી ગુડ... વેરી ગુડ... આઈ હોપ કે આ પ્રોગ્રામ હિટ જાય... '
'જી સર... આપણા કાર્યક્રમની પહેલા એપિસોડની પહેલી ગેસ્ટ લીલાબેન પણ તૈયાર છે... ફરીથી થોડીવાર ફોન કર્યો ... બધી વાત થઇ ગઈ... તે ઉપરાંત આપણા બે રીપોર્ટર જયારે એ ઓનલાઇન વિડિઓ કોલ પર આવશે ત્યારે એમની સાથે મૌજુદ હશે...જેથી કોઈ ગડબડ ન થાય...વળી તેઓએ પણ લીલાબેનને બધુ સમજાવી દીધું છે... '
'બરાબર...,બરાબર... નૈના બસ આ પ્રોગ્રામ હિટ જવો જ જોઈએ... '
'બિલકુલ સર..., મારી સંપૂર્ણ તૈયારી છે, મહેનત છે,આઈ વીલ ડુ માય બેસ્ટ બાકી તો જનતા પર...'
'નૈના જનતાને પસંદ આવવું જ જોઈએ... આવશે જ... ' સોલંકી સાહેબના અવાજમાં ઓવર કોન્ફિડેન્ટ છલકાતો હતો...
ત્યાં જ પ્યુને આવી સોલંકી સાહેબને કહ્યું કે તેમને કોઈ મળવા આવ્યું છે તેથી સોલંકી સાહેબ પોતાની કૅબિનમાં ચાલ્યા ગયા.... ને નૈના કાર્યક્રમની તૈયારીમાં લાગી ગઈ.
આમ તો આજના પ્રોગ્રામ માટે એને ઘણાં ઈમેલ મળ્યા હતા પણ એક રિપોર્ટરે મોકલાવેલ વિધવા વૃધ્ધા લીલાબહેનની દર્દનાક આપવીતી એનું હૃદય કંપાવી ગઈ...જે એ દરેક દર્શકો સુધી પહોંચાડવા માંગતી હતી ; જેથી અન્ય કોઈ લીલાબેન જેવું દુઃખ ન સહે... કદાચ આ શૉ દ્વારા લોકોને તે સમજાવી શકે કે આપણી આસપાસ એવું બને તો મદદ કરજો... આ પ્રોગ્રામ જોઈ એકાદ વ્યક્તિ પણ કોઈની મદદ કરશે તો તેનો શૉ સફળ જશે... તેથી ઈમેલ જોયા બાદ તુરંત ઈમેલ મોકલનારનો સંપર્ક કર્યો...અને શૉ પર લીલાબેનને લાવવા માટે કહ્યું... પહેલા તો લીલાબહેને ના પાડી કારણકે એમની તબિયત ખરાબ હતી પરંતુ બહુ સમજાવતા આખરે તેઓ તૈયાર થયા.અને પ્રોગ્રામ લાઈવ હોવાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તે માટે ઈમેલ મોકલનાર લેડી રિપોર્ટર અને પોતાના બે રિપોર્ટરને ત્યાં મૌજુદ રહેવા કહ્યું.
ટેલિકાસ્ટનો સમય થઇ ગયો... નૈના તૈયાર હતી... કાર્યક્રમની શરૂઆત કરતા નૈનાએ કહ્યું...
'નમસ્કાર દોસ્તો...હું આપની નૈના... આપ સહુ માટે લઈને આવી છું એક ખાસ પ્રોગ્રામ 'કોરોના ડોટ કોમ '... દોસ્તો આખી દુનિયા આ સમયે કોરોના ચપેટમાં આવી ગઈ...ચીન માંથી ઉત્પન્ન થયેલ આ વાયરસે દરેક દેશમાં પોતાનો પગ-પેશારો કરી પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે... દરેક વ્યક્તિ લોકડોઉનના કારણે અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે વળી પ્રવાસી મુસાફરોની હાલત દયનીય થઇ ચુકી છે... જે જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા છે...દોસ્તો... અમારી સામે પણ એક એવો કિસ્સો આવ્યો જે અમારી આંખો ભીની કરી ગયો... એક ગામડાની વિધવા વૃદ્ધા લીલા બહેન જે મોટા દીકરા સાથે ગામમાં રહેતી હતી શહેરમાં રહેતા નાના દીકરાની લોકડાઉન પહેલા તબિયત ખરાબ થઇ... મા નો જીવ ના માન્યો... નાના દીકરાને જોવા શહેરમાં આવી... 10 દિવસ સુધી દીકરાની સેવા કરી પણ દીકરાએ સાજા થતા જ માં ને ગામ જવા કહી દીધું...નિર્દયી દીકરો રાત્રે મા ને સ્ટેશન મૂકી ગયો...પણ પછી એ ' મા ' જોડે શું થયું એ આવો એમના મોંઢેથી જ સાંભળીયે....એક નાનકડા બ્રેક બાદ... '
* * *