karunamurti ma ni vividh chhabi jilti gazal-Ma in Gujarati Poems by Hardik Prajapati HP books and stories PDF | કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’

કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’

તું હજી પણ સ્વપ્નમાં આવી મળે છે મા;

આયખાની હા, બધી પીડા ટળે છે મા.

તેજ આખા ઘરને આપે, જાત સળગાવી,

કોડિયાની શગ થઈ હરપળ બળે છે મા.

દૂર છે એ પણ કરે સંચાર મારામાં,

રોમરોમે તેજ થઈને ઝળહળે છે મા.

છે ઘણી અટકળ હજી પણ દીકરા વિશે,

પણ સદાયે દીકરાને તો ફળે છે મા.

રાખવાના દીકરા વારા કરે તેથી,

ખૂબ સમૃદ્ધિ છતાં પણ ટળવળે છે મા.

- પીયૂષ ચાવડા (હાથ સળગે છે હજી, પૃ.૫૦)

ગુજરાતી પદ્ય સાહિત્યમાં આજે જો સૌથી વધુ કોઈ સાહિત્ય સ્વરૂપ ખેડાતુ હોય તો તે ગઝલનું છે. આ સાહિત્ય સ્વરૂપમાં શે’રના માધ્યમ દ્વારા ટૂંકમાં ઘણું બધું કહી શકવાની શક્તિ રહેલી છે, આજે ગઝલનો જે ફાલ ઉતરી રહ્યો છે એમાં કેટલીક સત્વશીલ ગઝલસંગ્રહો પણ પ્રકાશિત થાય છે, આવા જ એક યુવાકવિ શ્રી પીયૂષ ચાવડાનો સત્વશીલ ગઝલસંગ્રહ ‘હાથ સળગે છે હજી’માં ગ્રંથસ્થ ગઝલ ‘મા’ નો આસ્વાદ કરવાનો મારો ઉપક્રમ છે.

ભગવાન પછી જો બીજા કોઈનું નામ લેવામાં આવે તો તે મા છે, કદાચ ભગવાન કરતાં પણ ઊંચા સ્થાને મા ને ગણવામાં આવે છે. ભાગ્યેજ કોઈ એવો સર્જક હશે કે જેણે મા વિષય લઈને સર્જન કર્યું નહીં હોય. આખું આયખું, આખું જીવન મા સાથે હરખ-શોક, આનંદ- ઉલ્લાસ, સુખ-દુઃખ, વાર-તહેવાર, પ્રસંગો ઉજવ્યા હોય, મા પ્રત્યે અપાર સ્નેહ-લાગણી હોય ને જયારે મા નો સાથ છૂટી જાય ત્યારે કવિને મા સ્વપ્નમાં આવીને મળે છે અને મા ના મળવાથી કવિના આયખાની બધી જ પીડા, દુઃખ, દર્દો ટળી જાય છે. અને એટલે જ કવિ ગઝલના મત્લામાં લખે છે-

તું હજી પણ સ્વપ્નમાં આવી મળે છે મા;

આયખાની હા, બધી પીડા ટળે છે મા.

મા એટલે ત્યાગની મૂર્તિ, ઘરમાં ડગલેને પગલે મા નો ત્યાગ દેખાતો જ હોય, આપણે જોયું હશે કે જમતી વખતે બધા ઘરના સદસ્યો જમી રહે પછી છેલ્લે જ મા જમતી હોય છે, જો કદાચ ખૂટે એવું લાગે તો મા તે દિવસે જમતી નથી અને ઉપવાસ છે એમ જણાવી દે છે. આવા તો કેટલાંય ઉદાહરણો જોવા મળે છે. જેમ કોડિયામાં શગ(વાટ) પોતે સળગી અંધકાર દૂર કરે છે તેમ મા પોતાની જાત સળગાવી આખા ઘરમાં હરપળ પ્રકાશ પાથરતી હોય છે. અને એટલે જ કવિ શે’રમાં લખે છે કે-

તેજ આખા ઘરને આપે, જાત સળગાવી,

કોડિયાની શગ થઈ હરપળ બળે છે મા.

બાળપણથી લઈ મા નો સાથ હોય ત્યાં સુધી મા સાથેની કેટ-કેટલીયે યાદોના પહાડો થઈ ગયા હોય છે, પરતું હવે તો મા નો સાથ રહ્યો નથી. માત્ર ખાલીપો વર્તાઈ ગાયો છે. મા ખૂબ દૂર હોવા છતાં પણ, મા કવિ સાથે સંચાર કરે છે અને કવિના રોમેરોમમાં તેજ થઈ ઝળહળ્યા કરે છે, કવિનો આ ભાવ એમના આ શે’રમાં સ્પષ્ટ દેખાય છે-

દૂર છે એ પણ કરે સંચાર મારામાં,

રોમરોમે તેજ થઈને ઝળહળે છે મા.

દીકરા પ્રત્યે દરેક મા નો અખૂટ પ્રેમ હોય છે, જરાક પણ તકલીફ પડે દીકરાને તો પીડા મા ને થતી હોય છે, આટલો બધો પ્રેમ ને સ્નેહ વરસાવ્યા પછી દીકરો કેવું વળતર આપશે? આવા પ્રશ્નોની અટકળ મા ને દીકરા વિશે થતી હોય છે, પણ ‘મા તે મા’. કાયમ દીકરાનું સારું જ વિચારતી હોય છે, હંમેશાં દીકરાને ફળતી જ હોય છે અને ફળતી આવી છે, ગઝલનો શે’ર જોઈએ-

છે ઘણી અટકળ હજી પણ દીકરા વિશે,

પણ સદાયે દીકરાને તો ફળે છે મા.

જન્મથી લઈ મા દીકરાઓને મોટા કરે છે, ભણાવે-ગણાવે છે, ધંધા કે નોકરી તરફ વાળે છે, લગ્ન કરાવી સંસારમાં પગ મુકાવે છે, આ બધું જ કરવા માટે કંઈ કેટ-કેટલીયે અઢળક મુશ્કેલીઓનો સામનો કર્યો હશે ત્યારે મેળવ્યું હશે. પરંતુ છેલ્લે વળતરમાં દીકરાઓ શું આપે છે? જીવનના છેલ્લા પડાવમાં મા ને દીકરાઓ સાથે વિતાવવાની તીવ્ર ઝંખના હોય છે પણ દીકરાઓ મા નું બધું જ ઋણ ભૂલીને હિન્દી ફિલ્મ ‘બાગબાન’ની જેમ મા ને રાખવાના વાર કાઢે છે, અઢળક સંપતિ-સમૃદ્ધિ હોવા છતાં પણ જીવનના છેલ્લા પડાવમાં મા ટળવળે છે, કવિ ગઝલના છેલ્લા શે’રમાં લખે છે કે-

રાખવાના દીકરા વારા કરે તેથી,

ખૂબ સમૃદ્ધિ છતાં પણ ટળવળે છે મા.

મા પોતાના બાળકો માટે શું શું નથી કરતી? કવિની આ ગઝલનો છેલ્લો શે’રમાં જોઈ કવિ અનીલ ચાવડાનો એક શેર ફરી યાદ આવે છે- “દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે./દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.” ગાલગાગાના ત્રણ આવર્તન અને એક ગા એવા મીટરમાં કવિએ મા વિષેની આ ખૂબ સુંદર ગઝલ આપી છે. જુદા જુદા પ્રતીકો લઈ મા નું અનમોલ સ્થાન દર્શાવ્યું છે, બીજા શેરમાં મા ને શગની ઉપમા આપી મા નો ત્યાગ કવિએ ચમત્કૃત રીતે બતાવ્યો છે. એક એક શેર ભાવથી તરબોળ છે, આ ગઝલ માટે કવિને હાર્દિક અભિનંદન.

(હાથ સળગે છે હજી, લેખક: પીયૂષ ચાવડા, કિંમત: ૧૧૦ રૂપિયા, પ્રથમ આવૃત્તિ: જુલાઈ ૨૦૧૮,પ્રકાશક: આસ્થા પબ્લિકેશન, રાજકોટ.)



- હાર્દિક પ્રજાપતિ (MA,SI,PGDSC)

hardikkumar672@gmail.com

8141125140, 8320600582