Jida nu bhavishy politics in Gujarati Comedy stories by Bipinbhai Bhojani books and stories PDF | જિદા નું ભવિષ્ય પોલિટિકસ

Featured Books
Categories
Share

જિદા નું ભવિષ્ય પોલિટિકસ

જિદા નું ભવિષ્ય પોલિટિકસ

તરુણ અવસ્થામાં ડગ માંડી રહેલો જિદો બહુ જિદ્દી માણસ. જિદાને કોઈપણ કામ કરવું હોય તો જ કરે ! કરે ત્યારે જિદાના હો હા હોકીરો જુઓ . મોહલ્લાના લોકોથી માંડીને સગાવ્હાલા તેમજ સ્કૂલ મિત્રોથી માંડીને જે કોઈપણ લાગતાં –વળગતા હોય તેને પોતે કરેલું કામ જિદો પહોચાડે જ, ત્યારે જ જિદાને શાંતિ મળે , આવો જિદો , જિદ્દી ! તે પછી બાપુજીએ જિદાને શાકભાજી લેવા મોકલ્યો હોય કે પછી ગાંઠિયા લેવા કે પછી કરિયાણું લેવા , જિદો મનમાં આવે તો જ કામ હાથમાં લે અને કામ કર્યા પછી બધાને ખબર પડી જ જાય કે આજ જિદો શાક લાવ્યો , કરિયાણું લાવ્યો , ગાંઠિયા લાવ્યો , એ પણ ફાફડા ! પછી પૈસા ભલેને બાપુજી ના કેમ ન હોય ?!
કામ જિદો પોતાના નામે જ ચડાવે ! બાપુજી વિચારે કે મારુ બેટુ પૈસા મારા , દીકરો મારો અને બસ આટલું અમથું કામ કરે છે તેમાં તો જાણે કેમ સિંહ ન માર્યો હોય ? તેવું વર્તન કરે છે , આ જિદો ! બાપુજીને તો ચપટીકમાં સાઇડમાં ધકેલી દે છે , બધુ કામ પોતાની માથે જ ચડાવે છે , બાપુજી તો જાણે કેમ હોય જ નહિ ? આગળ જતાં શું કરશે , આ જિદો ? મને તો તેની ખુબજ ચિંતા થાય છે !
એટલામાં એક દિવસ જિદાના ઘરે એક જ્યોતિષી પધાર્યા , જિદાના બાપુજીએ જ્યોતિષીનો ખુબ જ આદરસત્કાર કર્યો અને પ્રેમથી સોફા ઉપર બેસાડયા . જિદાની મમ્મી ઘરે હાજર ન હોય એના પપ્પાએ જિદાને કહ્યું જો બેટા , જિદા ! આ જે આપણાં ઘરે જ્યોતિષી પધાર્યા છે તે બહુ મોટા વિદ્વાન છે . બેટા તેમના માટે ગોરા માથી એક ગ્લાસ પાણીનો ભરતો આવ , જા બેટા. જિદો થોડીવાર જીદ કરીને પછી પાણી ભરીને લાવ્યો અને પછી----- હું પાણી લાવ્યો ! મે જ્યોતિષ અંકલને પાણી પાયું , જોયું મે પાયું , જિદાની પ્રશિદ્ધિ ચાલુ થઈ ગઈ ! પેલા જ્યોતિષ તો આ બધુ જોઈને આભા જ બની ગયા ! તેમણે જિદાને પોતાની પાસે બોલાવ્યો , બેટા જરા અહિ આવ તો. જિદો પાસે આવતા પેલા જ્યોતિષીએ જિદાનો હાથ તપાસ્યો અને પછી બોલ્યા - વાહ બેટા ! તારા તો ગ્રહ ખુબજ જોર કરે છે , તું તો કોઈ મોટો પોલિટિશ્યન બને તેવું તારા ગ્રહ જોતાં લાગે છે !
આ બધુ સાંભળતા જિદાના પપ્પા નવાઇ પામ્યા અને બોલ્યા – ધન્ય ભાગ અમારા , ધન્ય ભાગ ! આજે આપશ્રી અમારા ઘરે પધાર્યા અને આપશ્રીએ મારા દીકરાનું ઉજ્જવળ ભવિષ્ય જોયું ! નહીં તો અમોને આ અમારા દીકરાનું ભવિષ્ય ડામાડોળ લાગતું હતું ! આ સાંભળી પેલા જ્યોતિષાચાર્ય બોલ્યા-- જુઓ વડીલ ! આમાં એવું છે ને કે દરેક વસ્તુ અમે લોકો ના હાથની રેખા જોઈને જ નથી કહેતા અમુક વસ્તુ અમે અમારા અનુભવોથી પણ કહીએ છીએ , આ તો ક્યારેક હાથ જોવો એ તો સામેવાળાને સારું લગાડવા માટે જ ફક્ત હોય છે , હકીકતે દરેક કિસ્સામાં હાથ જોવો જરૂરી નથી હોતો ! આ તમારા દીકરાએ જે પાણીના ગોરામાંથી મને એક ગ્લાસ પાણીનો આપ્યો અને પછી કઈ એની પ્રશિદ્ધિ કરી છે , કઈ પ્રશિદ્ધિ કરી છે કે ન પૂછો વાત ! આખો ગોરો પાણીનો તો તમારા ઘરમાં હતો જ , આ દીકરાએ તો ફક્ત આ પાણીને મારા સુધી પહોચાડવાનું જ કાર્ય કર્યું છે, બીજું કઈ નવું કાર્ય કર્યું નથી ! આતો એક સ્વાભાવિક વસ્તુ કહેવાય પરંતુ આ સ્વાભાવિક વસ્તુ ને તેને જે રીતે પ્રશિદ્ધિ આપી છે તે એક અસ્વાભાવિક વસ્તુ ગણાય ! આવી વસ્તુ એક પોલિટિશ્યન જીવ હોય તે જ કરી શકે , અન્ય નું આવું કામ નહીં ! કારણકે પૈસા પબ્લીકના , પાણી નદીનું , પોતાનું શું ? પોતાનું કામ ફક્ત લોકો સુધી પહોચાડવાનું જ ! આ જે તમારા દીકરાએ ગોરામાથી એક ગ્લાસ પાણી કાઢીને પહોચાડ્યુ એ રીતે જ તો ! જો ,જો ,તમે ગિરધારીલાલ આ જિદો તમારો દીકરો એક દિવસ પોલિટિશ્યન બનીને જ જંપશે ! આ એક જ્યોતિષાચાર્ય નું નહીં પરંતુ એક અનુભવી બુઝૂર્ગ નું કથન છે અને તે એક દિવસ જરૂર સાચું પડશે જ , તમે જરાય મુંઝાવ માં ગિરધારીલાલ !
આટલું કહી પેલા પ્રખર જ્યોતિષાચાર્યએ વિદાય લીધી , ગિરધારીલાલ ગદ- ગદ નયને તેમણે જતાં જોઈ રહ્યા અને જિદો ફરીને પાછો પેલા જ્યોતિષ અંકલને જે પોતે પાણી આપ્યુ હતું તેની પ્રશિદ્ધિમાં હો , હા , હોકીરો કરવામાં મોહલ્લામાં ઓત -પ્રોત થયો ! મોહલ્લાના બધા લોકો બહાર નિકળી આવ્યા , જિદાનો સ્પષ્ટ મોટેથી અવાજ સંભળાય રહ્યો હતો – મે મારા ઘરે આવેલા જ્યોતિષાચાર્ય અંકલને પાણી પાયું , મે પાણી પાયું , મૈ એ એ ......!! મોહલ્લામાં ચૂંટણી પ્રચાર જેવો માહોલ સર્જાણો હતો !!!
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)