હેલી ને કાળી નો આક્રોશ વ્યક્ત કરતા જોઈ રાખીબહેન થોડા ડરી ગયા અને બોલ્યા, ‘બેટા આવા લોકો થી દૂર રહેજે,ભૂલી જા એ ભૂતકાળ જો તારા પિતા ને મળી લે , જરૂર પડે તો આપણી સાથે એમને લંડન લઈ જઈશું પણ તું પેલા ગુંડા જેવા માણસો થી દૂર રહેજે’.
‘ ના રાખી આ છોકરી સાથે તે લોકો એ બહુ ખરાબ કયૅુ છે . તે પોતાના માટે ન્યાય લેવા જ ફરી જન્મી છે, તો આપણી ફરજ છે કે આપણે તેના પિતા સાથે મળી તેને ન્યાય અપાવીએ.
એ કાળી રૂપે પણ એ લડી શકે એમ હતી પણ નાથા ના વિશ્વાસઘાત ને કારણે તેને ભોગવવું પડ્યું. પણ આ વખતે નહીં’. અજયભાઈ તટસ્થતા થી બોલ્યા.
‘ હા તમે સાચું કહ્યું બળાત્કાર જેવી ક્રુરતા ને તો માફી નહીં જ . ખરેખર તો કોઈ પણ દેશ માં બળાત્કાર ની સજા તુરંત અને એટલી ક્રુર હોવી જોઇએ કે લોકો આ પ્રકારના કૃત્યો કરતા ડરે- અટકે . અને અજય કાળી ના સમય માં તો મોબાઇલ પણ ન હતા પણ આજે તો મોબાઇલ પર આવતી ગંદી ક્લીપ કે વિડીયો પણ આવા કૃત્યોનો વધારો કરે છે . ગવૅમેન્ટે સોશિયલ મીડિયામાં આવતી ગંદકી પર નજર રાખી અને બંધ કરાવવું જોઈએ’. રાખીબહેને અજયભાઈ સાથે સૂર મિલાવ્યો.
‘મોમ ગવર્મેન્ટ ની જેટલી જવાબદારી છે એટલી જ સીટીઝન્સ ની પણ છે લોકો આવા વિડીયો જોવે છે અને પ્રાઉડ થી શેર પણ કરે છે શા માટે ?’ ‘ યુ આર રાઈટ બેટા પણ તારા કેસ માં અમે તારી સાથે જ છીએ .
બીજે દિવસે રિસોર્ટ મેનેજમેન્ટ સાથે હેલી ના રિસર્ચ ની વાત કરી ગામ ના એક વ્યક્તિ ને ગાઇડ કમ ડ્રાઈવર તરીકે હાયર કર્યો, જે હેલી ને ગીર ની આસપાસ ના ગામમાં લઈ જઈ શકે.
હેલી રિસોર્ટ થી ગાઈડ સાથે એકલી જવા માંગતી હતી , તેને આ મામલા માં પોતાના માં-બાપ ના જીવન પર કોઈ જોખમ લેવું ન હતું. પણ રાખીબહેન ના આગ્રહ થી બંને જણા હેલી ની સાથે જ રહ્યા.
હેલી ને રસ્તો બરાબર યાદ હતો તો પણ તે ચૂપચાપ જોતી હતી, પણ એક જગ્યા એ તેને ડ્રાઈવર ને ડાબી તરફ વળવા કહ્યું.
ગાડી એક ગામ તરફ આગળ વધી રહી હતી હેલી ખૂબ નીરિક્ષણપૂવૅક ગામ ને જોઈ રહી હતી ……. કેટલો બદલાવ થઇ ચૂક્યો હતો આટલા વષૅો માં ….. એક યુગ બદલાય ગયો હતો……… ના….. ના…. એક જન્મ……..
શું મારા બાપૂ હશે?હું અત્યારે ૨૩ ની થઈ તો એ પહેલા કેટલો સમય વિત્યો હશે કોને ખબર…… આવા અગણિત વિચારો સાથે હેલી કાળી ના ગામમાં પ્રવેશી . ગામ માં મોટો પ્રવેશદ્વાર બંધાય ચૂક્યો હતો જેના ઉપર સાવજ બેય તરફ હતા.અજયભાઈ એ ગાઈડ રામભાઈ ને ગામ ના લોકો ને મળવાની , વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રામભાઈ એ આ માટે ગામ ના સરપંચ ની મંજૂરી પછી આગળ વધવાનું કહ્યું.
અજયભાઈ ને સાથે લઈ રામભાઈ સરપંચ ને મળી હેલી ના રિસર્ચ માટે ગામ લોકો ને મળવાની મંજૂરી લઈ આવ્યા . સરપંચે અજયભાઈ ને પરિવાર સાથે બપોર ના જમવાનું આમંત્રણ આપ્યું પણ અજયભાઈ એ થોડા સમય પછી કહી વાત ઠેલવી દીધી .
સરપંચ ની મંજૂરી પછી અજયભાઈ એ પરિવાર સાથે ગામમાં ફરવાનું શરૂ કર્યું. ગાઈડ રામભાઈ જરા મુંઝવણ માં હતો કેમકે ગામમાં તે આગળ અને અજયભાઈ એન્ડ ફેમિલી પાછળ હોવા જોઈએ તેના બદલે હેલી અને અજયભાઈ આગળ અને તે રાખીબહેન સાથે પાછળ ચાલતો હતો.
આગળ ચાલતા હેલી એક જગ્યા એ થોભી ગઈ સામે દેખાતું ઘર જોઈ હેલી મન માં બોલી પેલા તો કાચા ગાર નું છાણ થી લીંપેલું હતું આ ખોરડું પણ અત્યારે તો પાકું થઇ ગયું .
બહાર બે ગાયો ને એક ભેંસ ખુંટે થી બાંધેલી રહેતી . આંયા કોઈ દરવાજો નો’તો ખોરડા ને લાકડા નો જૂનો દરવાજો હતો પણ આ તો લોખંડ નો દરવાજો સે …. અંદર આટલી જગા ને પસી ખોઇડું બંધાયેલ સે આ….. મારું જ ઘર કે પસી બીજા કોઈ નું?.....
મનોમન વિચારતી હેલી તે લોખંડ ના દરવાજે થી અંદર પ્રવેશી રામભાઈ કંઈ બોલે એ પહેલા તે બધી દિવાલો ને નીરખી ઢોર બંધાયા હતા તે તરફ વળી . ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો, ‘કુણ સે ન્યા?
(ક્રમશઃ)