Dear Paankhar - 5 in Gujarati Fiction Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | Dear પાનખર - પ્રકરણ - ૫

Featured Books
Categories
Share

Dear પાનખર - પ્રકરણ - ૫

આકાંક્ષાએ ફોન કરીને શિવાલીને યોગિનીદેવીનું એડ્રેસ મોકલાવ્યું. નક્કી દિવસ અને સમય મુજબ શિવાલી એ જગ્યાએ પહોંચી ગઈ. આકાંક્ષાને આવવામાં સમય લાગે એવો હતો . આકાંક્ષા ની વાતો પરથી શિવાલી યોગિનીદેવીને મળવા ઉત્સુક હતી અને તેથીજ સમય વ્યર્થ કર્યા વગર સીધી યોગિનીદેવીને મળવા ગઈ.
પરંતુ ત્યાંતો રત્નાબહેન બેઠા હતા !

" બેન, તમે અહીં ? કેમ છો બેન ? કેટલા વર્ષે મુલાકાત થઈ આપણી !!! " આશ્ચર્ય અને ખુશીનાં મિશ્ર ભાવથી શિવાલીએ પૂછ્યું.

" તું કેમ છે ? અને ચંદ્રશેખર શું કરે છે ? મજા માં ને ? " રત્નાબહેને પૂછ્યું.

ચંદ્રશેખરનું નામ‌ પડતાં જ શિવાલી નાં ચહેરા પર એકદમ‌ શૂન્ય ભાવ વ્યાપી ગયો , ગળામાં ડૂમો ભરાઈ આવ્યો.
" શું થયું દીકરી ? બધું ઠીક છે ને ? " રત્નાબહેનને શિવાલીના ચહેરા પરના ભાવથી થોડો અણસાર આવી રહ્યો હતો . શિવાલીનાં આંખમાં થી આંસુ એવી રીતે વહી રહ્યા હતાં જાણે વર્ષોથી આંસુઓને રોકીને‌ ના રાખ્યા હોય ! રત્નાબહેને શિવાલીનાં માથે હાથ ફેરવ્યો. સહેજ વાર રહીને શિવાલી શાંત થઈ.
" બેન ! વર્ષો પહેલાં ચંદ્રશેખર એની ઑફિસથી ઘરે આવવા નીકળ્યો. પરંતુ આજ દિન સુધી હું એની રાહ‌ જોવુ છુ. એની કાર મળી પરંતુ એના કોઈ જ સમાચાર નથી. એ ક્યાં છે ? શું કરે છે ? કોઈ ને કશી જ ખબર નથી. કોઈ કહે સંસાર છોડ્યો, તો કોઈ કહે છે દુનિયા છોડી ! પણ મારુ મન કોઈ ની વાત માનવા તૈયાર નથી. મારુ મન કહે છે એ એક દિવસ જરુર પાછો આવશે. આમ જન્મોજન્મના વચન આપી ને જતો ના રહી શકે. " શિવાલીએ આટલા વર્ષોમાં કોઈ આગળ આ વિષય પર વાત નહોતી કરી ; એમ પણ કહી શકાય કે એ વાત કરવાનું ટાળતી હતી.
" બેટા ! " કહી રત્ના બહેને શિવાલી ને છાતી સરસી ચાંપી દીધી. કદાચ એ પણ શિવાલી નું આ દુઃખ સારીરીતે સમજતા હતા.
"બાળકો ?" એમણે પૂછ્યું.
" એક દિકરી છે. સૌમ્યા ! " શિવાલીએ કહ્યું.
" સરસ નામ છે ! " રત્ના બહેને કહ્યું.
" એના સહારે જ જિંદગી કાઢી રહી રહી છું. હવે તો એજ મારી જિંદગી છે. એ ઉપરાંત મારું ક્લિનિક છે. અને હું મહિલા સંસ્થા માં સામાજિક કાર્ય પણ‌ કરુ છું. એમ જ જિંદગી પસાર થઈ રહી છે. અત્યારે પણ એ સંસ્થાનાં કાજે જ આવી છું.‌ યોગિનીદેવીને આમંત્રણ આપવા. હું જલ્દી આવી ગઈ તો સીધી જ મળવા આવી ગઈ. આવી હતી યોગિની દેવી ને મળવા અને સંજોગે તમે મળી ગયા એ પણ કેટલાંય વર્ષો પછી ! ભગવાનનો ખૂબ ખૂબ આભાર . તમે પણ આવો ને ! સંસ્થાની મહિલાઓની મુલાકાત લેજો. અમને બધાં ને બહુ ગમશે. " શિવાલી એ આગ્રહ કરતાં કહ્યું.

આકાંક્ષા પવનવેગે આવી ને સીધી રત્નાબહેન ને પગે લાગી . " સોરી ! ટ્રાફિક માં ફસાઈ ગઈ હતી. આમંત્રણ પત્ર તો મારી પાસે જ રહી ગયો હતો. પ્રતિક્ષા કરાવા બદલ માફ કરજો ." કહી આકાંક્ષા એ શિવાલીનાં હાથમાં આમંત્રણ પત્ર આપ્યો . શિવાલી અવાક હતી, સમજવાનો પ્રયત્ન કરી રહી હતી . શિવાલીની સામે તો રત્નાબહેન હતા ! તો યોગિની દેવી કોણ‌ હતા ? ક્યાં હતા ? આકાંક્ષા રત્નાબહેન ને કેવીરીતે ઓળખે છે ? મનમાં એકસાથે ઘણાં સવાલ ઉત્પન્ન થઈ રહ્યા હતા. આકાંશાએ આમંત્રણ પત્ર આપવા શિવાલી ને ઇશારો કર્યો .

શિવાલીએ આશ્ચર્યથી રત્નાબહેનને પૂછ્યું , " તમે જ યોગિની દેવી છો ? " યોગિની દેવી એ સ્મિત આપ્યું. શિવાલીએ આમંત્રણ પત્ર એમનાં હાથ માં આપ્યું અને સંસ્થા માં પધારવા આગ્રહ કર્યો. " હા ! એજ છે યોગિની દેવી ! તમને કોણ લાગ્યું ? " આકાંક્ષા એ પૂછ્યું.
" મારા સ્કૂલનાં શિક્ષિકા ….! " કહી શિવાલી અટકી ગઈ.
" ઓહ ! એમનાં જેવા જ દેખાતા હશે ! " આકાંક્ષા એ કહ્યું.
શિવાલી અને યોગિનીદેવી બન્ને એ કશું જ જવાબ આપવા નું ટાળ્યું.
શિવાલી પગે લાગી અને જવા માટે રજા માગી.

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ આવી ગયો. સંસ્થાની મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેશનાં દરેક રાજયની વેશભૂષા સાથે લોકગીતો અને લોકનૃત્ય પ્રસ્તુત કર્યા. મહિલાઓ ખૂબ જ ઉત્સાહિત હતી. જિંદગીની નાની-મોટી ઠોકરો પછી ક્યારેક તો મન મૂકીને ને માણી શકતી ! યોગિનીદેવીને સ્ટેજ પર બોલાવી સ્વાગત કરવામાં આવ્યું .

"આજનાં આતંરરાષ્ટ્રીય મહિલા દિને યોગિનીદેવીએ આ સંસ્થામાં પધારીને સંસ્થાની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. સંસ્થા ની સર્વે મહિલાઓ તરફથી હું આપનો આભાર વ્યક્ત કરું છું. " આકાંક્ષા એ સ્ટેજ ઉપરથી યોગિનીદેવીનો આભાર માનતા કહ્યું અને ઉમેર્યું ,
" સમય નાં અભાવ ને કારણે પ્રશ્નોતરી આપણે ફરી કોઈ વખતે નિયોજિત કરીશું તથા એમનાં આધ્યાત્મિક અનુભવનો લ્હાવો લઈશું. મને વિશ્વાસ છે કે એ આપણને બધાં ને જીવનપંથ કાજે માર્ગદર્શન જરૂર પૂરું પાડશે. "

યોગિની દેવીએ માઈક હાથમાં લીધુ અને કહ્યું , " આ પૃથ્વી પર આપણે કોઈ ને કોઈ ઉદ્દેશ્યથી આવ્યા છીએ. તેથી હિંમત હાર્યા વગર જીવનમાં ઝઝુમતુ રહેવું. જેમ અત્યાર સુધી ઝઝુમયા છો. પરમેશ્વર નાં આશિર્વાદ હંમેશા તમારી સાથે રહે. મને અહીં આવીને ખૂબ જ આનંદ થયો અને હું ફરીથી ચોક્કસ આવીશ. ત્યારે આપણે આધ્યાત્મિક વાર્તાલાપ જરુરથી કરીશું. ૐ "

તાલીઓનાં ગડગડાટ વચ્ચે હૉલ ગુંજી ઉઠ્યો. સર્વેનાં મુખ પર એક આત્મવિશ્વાસ ભરેલું સ્મિત હતું. જીવનમાં આવેલા દરેક પડાવ પાર કરવા જ પડે છે પરંતુ હૃદય માં ઈશ્વર અને મુખ પર સ્મિત દરેક ભાર હળવો કરી દે છે.

( ક્રમશઃ )