WHO IS MENTALLY RETARDED PART-6 in Gujarati Fiction Stories by Tapan Oza books and stories PDF | મંદબુધ્ધિ કોણ...? ભાગ-૬

Featured Books
Categories
Share

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૬

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૬

ભાગ-૫માં આપણે વાંચ્યું કે સેજલનો રિપોર્ટ વાંચીને ડોક્ટર અમને સમજાવતા હતા તે સાંભળીને અમારી આંખોમાં આંસુ આવી ગયા...!! હવે આગળ...

ડોક્ટરે અમને મેડિકલ લેન્ગ્વેજ સરળ ભાષામાં સમજાવતા કહ્યું, સેજલ પડી ત્યારે તેને જે ઇજા થઇ તે દરમ્યાન તેના મગજની કોઇ એક નસ દબાઇ ગઇ છે જેની અસર તેના મગજ પર પડી છે. જેનું પરિણામ એ આવશે કે સેજલના મગજ સુધી સંદેશાઓ મોડા પહોંચશે, તેની સમજણ શક્તિ મંદ પડી જશે. યાદ શક્તિ જતી રહે અથવા ઘટી જવા જેવા પણ પરિણામો આવી શકે છે. જેમ-જેમ મોટી થશે તેમ-તેમ માત્ર શારિરીક બાંધો જ મોટો થશે. સમજણ શક્તિનો વિકાસ ધીરો થઇ જશે. બોલવામાં થોથવાતી હોય તેવું પણ ક્યારેક લાગે. હાવભાવમાં અલગતા જોવા મળશે. સાધારણ વ્યક્તિનો માનસિક વિકાસ જે રીતે થાય તેના કરતાં ધીમો વિકાસ થશે. તેના હાવભાવ અને વાણી-વર્તનથી સામાન્ય બાળકો કરતાં તે કંઇક અલગ જ લાગશે. આપણા સમાજમાં મોટા ભાગે આવી વ્યક્તિને સહજતાથી સ્વિકારવામાં આવતી નથી અને ક્યારેક તેને “ગાંડા અથવા મંદબુધ્ધિ” પણ ગણવામાં આવે છે.

અમે સેજલને લઇને ઘરે આવ્યા. ઘરના સભ્યો સાથે ડોક્ટરે કહેલી દરેક વાતો જણાવી. આ સાંભળી ઘરમાં શોક જેવો માહોલ થઇ ગયો. નાનો ભાઇ તો રડવા જ લાગ્યો. કારણ કે સેજલ તો એની લાડકી હતી અને તેની જ પત્નિના કારણે સેજલ સાથે આ હાદસો થયો હતો અને પાછું અધૂરામાં પૂરૂ તેનો જ ધક્કો લાગતા સેજલ પડી હતી અને સેજલને આ બધુ.....! એટલે નાના ભાઇને તો એમ જ લાગતું હતું કે તેના કારણે જ સેજલની આખી જીંદગી બગડી ગઇ છે. તેણે તેની પત્નિને ખુબ ઠપકો આપ્યો. પણ ઠપકો આપવાથી કે ઝઘડો કરવાથી સેજલ ફરી પહેલા જેવી હતી તેવી થવાની ન હતી. એટલે મેં નાના ભાઇને અટકાવ્યો અને તેની પત્નિને ઠપકો ન આપવાનું કહ્યું. મેં અને રાખીએ પણ એ બંનેને કંઇ ન કહ્યું અને એ જ દિવસે એ જ સમયે એવું નક્કી કરી લીધું કે ઘર છોડીને ક્યાંક બીજે રહેવા જતાં રહેવું એટલે માતા-પિતા સાથે એ બાબતે વાતચીત કરી અને થોડાક જ દિવસોમાં ઘર છોડી દેવાનો નિર્ણય લઇ લીધો. મેં મારા ભણતરની કુશળતા પ્રમાણે નોકરી શોધવાનું શરૂ કર્યું.

થોડાક જ દિવસોમાં મને અહિં દાહોદમાં નોકરી મળી ગઇ અને હું મારી પત્નિ અને દિકરી સેજલ સાથે અહીં રહેવા આવી ગયાં. અમે શરૂઆતથી જ આ સોસાયટીમાં રહીએ છીએ. આ મકાન મને કંપનીના એકોમોડેશન તરીકે કંપનીએ આપેલું. આ ઘર સેજલને ખુબ ગમી ગયેલું એટલે એક-બે વર્ષમાં મેં કંપની પાસેથી આ મકાન ખરીદી લીધું. એટલે હવે કાયમ માટે અહીં જ....!

મહેશને સેજલની આ વાતની ખબર છે. પણ છતાં એ ક્યારેક ગુસ્સે થઇને સેજલને “ગાંડી” કહી બેસે છે. અને ગુસ્સો શાંત થાય એટલે સેજલની માફી પણ માંગી લે છે. સેજલને પણ આ વાતની જાણ અમે કરેલી છે. પણ એને ખાસ યાદ નથી. હજી સેજલને મળવા એના નાના કાકા ક્યારેક અહી આવે છે. પણ એ ક્યારેય એની પત્નિને સાથે લઇને નથી આવતો. મેં સેજલની આ વાત સોસાયટીમાં બધાને કરી છે પણ નાના બાળકોને તો કંઇ ખબર ન હોય એટલે તેઓ સેજલને “ગાંડી” કહીને હેરાન કરે છે. પણ એ તો હવે એ બાળકોનાં માતા-પિતાએ સમજવું જોઇએ કે બાળકને કેવી રીતે સમજાવવું..!

તો આ હતી મારી વ્હાલસોયી સેજલની કહાની...! આમાં કોની ભુલ....! કોના કારણે....! કોણે ભોગવવાનું....! જીવન કોનું બગડ્યું....! અને લોકો મંદબુધ્ધિ કોને કહે....! સમજવાનું કોણે....! સમજાવવાનું કોને અને કોણે....! અફસોસ કોણે કરવાનો....! આખી જીંદગી દુઃખમાં કોણે કાઢવાની....! એ દિવસ ભુલવો કઇ રીતે....! આવા અનેક સવાલો મારા અને રાખીનાં મનમાં રોજ આવે છે. અને હજું તેના જવાબો શોધીએ છીએ. લોકો મારી દિકરીને મંદબુધ્ધિ, ગાંડી, ઘેલી, અણસમજુ કહે છે, પણ તેમાં સેજલનો શું વાંક...!!

મંદબુધ્ધિ કોણ....? સેજલ....? કે તેને મંદબુધ્ધિ બનાવનાર....? કે તેને મંદબુધ્ધિ કહેનાર....?

રમેશભાઇની આ વાતથી મને પણ સેજલની દયા આવી. હું આમ તો તેમની કોઇ મદદ ન કરી શકું પણ છતાં મારે સેજલના સારા માટે કંઇક કરવું હતું. શું કરવું એ પ્રશ્ન હતો. એક-બે દિવસ મેં વિચાર્યું અને મને ખુબ સરસ ઉપાય મળી ગયો.

એ દિવસ રવિવારનો હતો. મેં સાંજે સોસાયટીનાં ગાર્ડનમાં બાળકોને વાર્તા કહેવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. જેમાં બાળકોનાં માતા-પિતાએ પણ ભાગ લેવાનો. બાળકોને ઘરમાં તેમના માતા-પિતા તો ઘણી વાર્તાઓ કહેતાં હોય પણ એમાંની કઇ વાર્તા બાળકોને ગમે છે અને તે વાર્તા કેટલી તેમને યાદ હોય છે તે સોસાયટીના એ પ્રોગ્રામમાં બાળકોએ સ્ટેજ પર આવીને બધાને કહેવાનું અને પછી છેલ્લે મારે એક વાર્તા કહી પ્રોગ્રામ પુરો કરવાનો. એ દિવસે બાળકોએ પોતપોતાની મનગમતી ટુટી ફુટી વાર્તાઓ કહી અને પછી મેં સોસાયટીનાં બાળકોને સેજલની વાર્તા નામ બદલીને એક પરીની વાર્તાના સ્વરૂપમાં જણાવી. બાળકો સાંભળીને રડવા જેવા થઇ ગયાં તેમાં જ અચાનક એક બાળક ઉભો થઇને બોલ્યો, “અંકલ આ વાર્તા તો સેજલ દીદીની વાર્તા હોય એવું લાગે છે.” અને બાળકોએ ત્યારથી જ નક્કી કર્યું કે સેજલને ચીડવવી નહી અને તેને “ગાંડી” ક્યારેય ન કહેવી અને હંમેશા “સેજલ દીદી” જ કહેવાનું નક્કી કર્યું. અને આ રીતે મારો પ્રયાસ સફળ રહ્યો.

અહીં આ વાર્તા પૂરી થાય છે. પણ આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, “દરેક ગાંડી વ્યક્તિ કે મંદબુધ્ધિની વ્યક્તિ ઘણું ભોગવી ચૂકી હોય છે અથવા ભોગવતી હોય છે. તેનું અપમાન ન કરતાં તેને પ્રેમથી અને માનથી બોલાવીએ. તેનું સન્માન કરીએ.

મારી આ વાર્તા વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...! વાર્તા સારી લાગી હોય તો લાઇક અને કમેન્ટસ આપશો. ફરી મળીશું નવી વાર્તા સાથે...! (લેખક- તપન ઓઝા)