એક સરકારી બસ તાલાલા બસ સ્ટેશન ના પ્લેટફોર્મ ત્રણ પર ઉભી રહી. બસ મુંબઈ થી આવી હતી. બધા પેસેન્જર એક પછી એક ઉતરવા લાગ્યા. તેમાં થી એક પચીસ વર્ષનો યુવાન ઉતર્યો. હાથ માં એક સુટકેસ હતી ને બીજા હાથમા એક બેગ હતી. તે યુવાન તાલાલા વિસ્તારનો કે આજુ બાજુ ગામડાનો લાગી રહ્યો ન હતો.
સાંજ નો સમય થવા આવ્યો હતો. બસ સ્ટેશનમાં ભીડ ના બરાબર હતી. એટલે ગણ્યા ગાંઠ્યા માણસો હતા. તે પણ છેલ્લી બસ ની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. થોડા માણસો આ યુવાન પર નજર રાખી રહ્યા હતા અને બધા ના મન એક સવાલ હતો. આ યુવાન કોણ હશે ને અહી કેમ ? પણ બધા તેને પૂછવા માટે નજરઅંદાજ કરી રહ્યા હતા.
તે યુવાન ચાલતો થયો ને પૂછપરછ ની બારી પાસે ઊભો રહ્યો ને ત્યાં બેઠેલા કર્મચારી ને પૂછ્યું.
"સર માધુપુર જવા માટે કોઈ બસ મળશે".?
કર્મચારી એ આવો અવાજ અને આવી બોલી પહેલી વાર સાંભળી હતી અને ઉપર થી એક ગામડા ની પૂછપરછ થી નવાઈ થી તે યુવાન ને જોઈ રહ્યા.
તે કર્મચારી થાકેલા અવાજ માં જવાબ આપ્યો. છેલ્લી બસ નીકળી ગઈ છે યુવાન. હવે માધુપુર જવા માટે સવાર સુધી રાહ જોવી પડશે.
આ સાંભળી ને તે યુવાન કેમ તાલાલા ને પૂરેપૂરો જાણતો હોય તેમ હાથ માં બેગ લઈ ચાલતો થયો. ત્યાં ઉભેલા બધા લોકો ને નવાઈ લાગી. મુંબઈ થી આવેલો માણસ બધા ને પૂછ્યા વગર જ ચાલતો થઈ ગયો. ત્યાં એક માણસ બોલ્યો હસે તે માધુપુર ગામનો ને તે રસ્તો પણ જાણતો હશે. એટલે ચાલતો થઈ ગયો.
ધીરે ધીરે અંધારું થઈ રહ્યું હતું. ટ્રાવેલિંગ ને કારણે તેને ભૂખ પણ લાગી હતી. રસ્તા પર તે નોટિસ કરી રહ્યો કે કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ જોવા મળેને તો તે ત્યાં જઈ ભોજન કરી લે. પણ તે જે રસ્તે ચાલી રહ્યો હતો તે રસ્તા પર હોટલ કે રેસ્ટોરન્ટ હતી નહિ. થોડે દુર જતી વખતે તેને એક નાસ્તા ની લારી જોવા મળે છે. તે લારી પાસે જઈ જોયું તો પાઉંભાજી ની લારી હતી. તેને ચાક રોટી જમવું હતી પણ તે મળ્યું નહિ એટલે તેણે પાઉંભાજી ખાવાનું મન બનાવી લીધું. તે એક પ્લેટ નો ઓર્ડર આપે છે ને ત્યાં ઉભા ઉભા પાઉંભાજી ની એક પ્લેટ નાસ્તો કરે છે.
નાસ્તો કરતી વખતે તે યુવાન લારી વાળા ભાઈને પૂછે છે.
ભાઈ અહીંથી માધુપુર જવા માટે કોઈ વાહન મળશે ?
હવે વાહન મળવું તો મુશ્કેલ છે પણ તમારા ભાગ્ય સારા હોય તો કોઈ વાહન મળી શકે. પણ તમે આ વિસ્તારના તો લાગતા નથી. કપડાં પર નજર કરીને પેલા લારીવાળા ભાઈએ કહ્યું.
મારું નામ આકાશ છે અને હું મુંબઈ થી આવું છું. માધુપુર નો રહેવાસી છું. અને ત્રણ વર્ષથી ત્યાં જોબ કરું છું.
આકાશ લારી વાળા ભાઈ સાથે વાત કરી રહ્યો હતો ને રોડ પર નજર પણ રાખી રહ્યો હતો. પણ કોઈ વાહન ત્યાં થી પસાર થયું નહિ એટલે માધુપુર ચાલી ને જઈશ એવો નિર્ધાર કરી ચાલવા લાગ્યો.
પૂનમ ની રાત હતી ને ચંદ્રમાં નો પ્રકાશના કારણે જાણે દિવસ હોય તેવું લાગી રહ્યું હતું. આખોને ઠંડક આપતો ચંદ્રનો પ્રકાશ આકાશને ચાલવામાં હિમ્મત આપી રહ્યો હતો. પાંચ કિલોમીટર કપાયું ગયું તે આકાશને ખબર જ પડી નહિ, પણ જેવું જંગલ શરૂ થયું કે તેની ચાલવાની ગતી ધીમી પડી ગઈ. તેનું કારણ હતું તે આટલું ક્યારેય ચાલ્યો હતો નહિ ને બીજું કારણ હતું જંગલ અને આંબા ના બગીચાઓ આવવાથી. જે બગીચા ઓ જંગલ હોય એવું લાગી રહ્યું હતું. જંગલ ના પશુ પક્ષી ના અવાજ તેને થોડા ડરાવી રહ્યા હતા. પણ તેનો જાણીતો રસ્તો તેને ડર ગાયબ કરી દેતો હતો. તે આ રસ્તાથી અવગત હતો.
આકાશ ની ચાલવાની ગતી ધીમી પડી હતી પણ બધ થઈ નહોતી. સૂનસાન રસ્તા પર તે બિન્દાસ ચાલી રહ્યો હતો. અચાનક તેણે રસ્તાની બાજુના જંગલમાં એક યુવતીનો રડવાનો અવાજ સંભળાવ્યો. પહેલી વાર તો તેને ભાસ થયો હોય તેવું લાગ્યું પણ ફરી બીજી વાર અવાજ આવ્યો એટલે તેણે તે બાજુ નજર કરી. અને તે જંગલની સાઇડ ની અંદર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે એક યુવાન છોકરી અંધારામાં ઝાડ નીચે એકલી બેઠી હતી અને રડતી હતી.
આકાશ થોડો ડર્યો હતો પણ એક રડતો અવાજ સાંભળીને મદદ કરવાની જીજ્ઞાશા જાગી. આકાશ તેની પાસે પહોંચ્યો. તે જંગલ ના એક ઘટાદાર જાડ નીચે બેઠી હતી એટલે તે ઓળખાઈ નહિ. પણ તેને પૂછ્યું કે તમે કેમ રડી રહ્યા છો ? અને અહી કેમ ?
રડતી રડતી તે યુવતી ઉભી થઈ ને માથા પર રાખેલો દુપટ્ટો સરક્યો ત્યાં તો આકાશ તેને જોઈ ચોંકી ઉઠ્યો.
એટલું બોલી શક્યો તૃપ્તિ તું...?
રડતી રડતી મો હલાવી હા પાડી.
આકાશ ને તેની કોલેજ લાઈફ નજર સામે આવી ગઈ. ને તે દિવસોમાં ખોવાઈ ગયો.
આકાશ કોલેજ જવા માટે રોજ માધુપુર થી તાલાલા વાળી બસ માં જતો હતો. કોલેજ કરતી વખતે તેને તેના ગામની તૃપ્તિ સાથે મુલાકાત થાય છે.
રોજ કોલેજ ના ક્લાસમાં એક લાઈન માં બેસતા સાથે રોજ બસ માં પણ, એક સીટ પર બેસીને ઘરે જતા હતા. ધીરે ધીરે દોસ્તી માંથી બંને વચ્ચે પ્રેમ પાંગળી ગયો. આ પ્રેમની જાણ કોલેજમાં તો થઈ પણ તેના ગામમાં પણ થઈ ગઈ.
આ વાત બંને પરિવારને જાણ થઈ. બંને પરિવારને આ સંબંધ મંજૂર હતો એટલે બંને પરિવારો મળી ને તેમના લગ્ન કરાવી આપવા નું વિચાર્યું. લગ્ન માટે ની તારીખ લેવાઈ પણ તે બંને ની કોલેજ પૂરી થયા પછીની. તે તારીખ બંને પરિવાર ને યોગ્ય લાગી ને બંને પરવારે આ સંબંધ ને માન્ય રાખવા મો મીઠું પણ કર્યું.
બંને કોલેજ પૂરી થવાની રાહ જોઈ રહ્યા હતા. તૃપ્તિ તો લગ્ન ના સપના પણ જોવા લાગી હતી. બંને રોજ મળતા પણ તેમની મર્યાદામાં, તેમને ખબર હતી કે એક દિવસ તો આપણે એક થવાના છીએ તો ઉતાવળ કરવી યોગ્ય નથી.
કોલેજ પૂરી થઈ એટલે આકાશે એક કંપની માં જોબ માટે એપ્લાય કરી. થોડા દિવસ માં તેને ઇન્ટરવ્યૂ માટે મુંબઈ બોલાવવામાં આવ્યો. આકાશ બધા ની પરવાનગી લઈ ને મુંબઈ રવાના થયો. આકાશ તો મુંબઈ માં સેટ થઈ ગયો ને તૃપ્તિ તેની વિરહ માં રોજ રડતી. પણ સમય મળે એટલે ફોન પર વાતો કરી લેતી.
એક દિવસ તૃપ્તિ માધુપુર થી તાલાલા પોતાની સાયકલ લઈ કોઈ કામ થી ગઈ હતી. કામ પત્યું એટલે તે માધુપુર આવવા નીકળી ગઈ તે પોતાની સાયકલ લઈ ને માધુપુર આવી રહી હતી ત્યાં તે રસ્તા માં ગાયબ થઈ જાય છે. ગામ લોકોને ખબર પડી કે તૃપ્તિ ગાયબ થઈ ગઈ છે એટલે ગામ લોકોએ તૃપ્તિ ની ઘણી શોધખોળ કરી પણ ક્યાંય પતો લાગ્યો ન હતો. સમય જતાં આકાશ પણ તૃપ્તિ ને ભૂલી ગયો હતો.
પણ આજે ત્રણ વર્ષ પછી તૃપ્તિ ને જોઈ આકાશ ખુબ ખુશ થાય છે. બસ મનમાં ઘણા સવાલો તેને પરેશાન કરવા લાગ્યા. પણ અત્યારે તે સવાલો કરવા તેને યોગ્ય લાગ્યા નહિ એટલે તૃપ્તિ ને કહ્યું ચાલ મારી સાથે આપણે ઘરે જઈએ. તૃપ્તિ તો તૈયાર થઈ તેની સાથે ચાલવા લાગી.
મોડી રાત્રે બંને માધુપુર પહોંચ્યા. અત્યારે બધા ને જાણ કરવી અને તૃપ્તિ ને તેના ઘરે મૂકવા જવી આકાશ ને ઉચિત લાગ્યું નહિ એટલે તે તૃપ્તિ ને તેના ઘરે લઈ ગયો. આકાશ ની મમ્મી તો સૂઈ ગઈ હતી પણ રસોડા માં જઈ રાત નું ભોજન પડ્યું હતી તે તૃપ્તિને આપ્યું અને તેણે પણ થોડું ભોજન કર્યું ને બંને સૂઈ ગયા.
બીજા જ દિવસે, ગામમાં આ વાત ફેલાઈ ગઈ હતી કે આકાશ તૃપ્તિ ને શોધીને લાવ્યો છે. બધાએ જાણવાનો પ્રયત્ન ન કર્યો કે તૃપ્તિ અત્યાર સુધી કયા હતી ને શું કરતી હતી. તૃપ્તિના માં બાપ તેની ઘરે લઈ ગયા. ત્રણ વર્ષ પછી તૃપ્તિ ના આવવાથી તેનું ઘર અને ગામ લોકો ખુશ થયા. પાછી ખુશી ની વાત એ હતી કે આકાશ જેની સાથે લગ્ન કરવાના હતા તે લઈને આવ્યો. હવે તો ગામ લોકો બંને ના લગ્નના લાડુ ખાવાના સપના જોવા લાગ્યા.
એક દિવસ ફરી બંને ના પરિવારો ભેગા થયા. આકાશ અને તૃપ્તિ ને પૂછવામાં આવ્યું કે તમે લગ્ન કરવા ઈચ્છો છો ત્યારે આકાશ પણ હજુ તૃપ્તિ ને પ્રેમ કરતો હતો એટલે તેણે હા પાડી. તૃપ્તિ ને તો લગ્ન ના અબરખા હતા એટલે તે તો કેવી રીતે ના કહી શકે. તેને પણ હા પાડી દીધી. લગ્ન ની તારીખ લેવાઈ.
લગ્ન ના થોડા દિવસ બાકી હતા ત્યારે તૃપ્તિ એ આકાશ ને એક સારી જગ્યાએ બોલાવે છે ને તેની સામે શરત મૂકે છે. સાંભળ્યા પહેલા આકાશ શરત ને માન્ય કરી લે છે. શરત એ મૂકે છે કે
દરવાજો ખટખટાવ્યા વગર ક્યારેય મારા રૂમ માં પ્રવેચવું નહિ. નહિ તો હું તમારી લાઈફ માંથી જતી રહીશ. આ શરત સાંભળી આકાશ શરત ને કબૂલ કરે છે. પછી બંને ના લગ્ન થઈ જાય છે.
બધું બરાબર ચાલવા લાગ્યું. તૃપ્તિ ને પામી ને આકાશ બહુ ખુશ હતો. આકાશ તૃપ્તિ ને ખુબ જ પ્રેમ કરતો હતો. બંને પ્રેમ થી એક નવી જીંદગી શરૂ થઈ ગઈ હતી. આમ એક મહિનો વિતી ગયો. આ એક મહિના માં આકાશ પૂછ્યા વગર તૃપ્તિ ના રૂમ નો દરવાજો ખખડાવ્યો વગર ક્યારેય તેણે પ્રવેશ કર્યો ન હતો.
હવે સમય આવ્યો આકાશ નો મુંબઈ જવાનો. તૃપ્તિ તેની સાથે આવવા તૈયાર થઈ પણ આકાશે તેને કહ્યું હું બધી વ્યવસ્થા કરી લવ પછી તને ત્યાં લઈ જઈશ. સામાન પેક કરી આકાશ ઘરે થી નીકળી ગયો.
રસ્તા માં આકાશ ને એક વસ્તુ યાદ આવી ગઈ જે તે ભૂલી શુક્યો હતો. તે તરત ઘર તરફ પાછો ફરે છે. ઉતાવળ માં ઘરે આવે છે પણ દરવાજો ખખડાવ્યા વગર તૃપ્તિ ના રૂમ માં પ્રેવશ કરે છે. આકાશ તૃપ્તિ ને જોઈ ચોંકી જાય છે. ને તે જે જોવ છે તે તેને માનવામાં આવતું નથી.
તૃપ્તિ ના લાંબા વાળ અને ચેહેરો જાણે એક ભૂત નો હોય તેમ હતો. ઉપર થી તેના મોટા મોટા દાંત વધારે આકાશ ને ડરાવી રહ્યા હતા. આકાશે હિંમત કરી ને પૂછ્યું તું મારી તૃપ્તિ છે ને...?
બદલાયેલા અવાજ માં તૃપ્તિ બોલી મે તમને ના પાડી હતી ને કે દરવાજો ખખડાવ્યા વગર કેમ અંદર પ્રવેશ્યા.?
મારે ઉતાવળ હતી એટલે હું ભૂલી ગયો પણ તું મને જવાબ આપ તું તૃપ્તિ છે ને કે કોઈ ભૂત..?
તો સાંભળો હું તમારી તૃપ્તિ ખરી પણ એક ભૂત છું. જ્યારે હું ગાયબ થઈ ત્યારે હું ગાયબ થઈ નહોતી પણ મને કીડનેપ કરવામાં આવી હતી. જંગલમાં મારું શોષણ કરવામાં આવ્યું હતું. હું તમારા સપના જોઈતી હતી. પણ જ્યારે મારી સાથે આવું બનતું હતું ત્યારે મારા સપનાં જાણે મૃત્યુ પામતા હોય તેવું લાગી રહ્યું હતું. મે ઘણી વખત છુટકારો મેળવવાની ઘણી કોશિશ કરી પણ નીકળી શકી નહિ આખરે મને તેઓ એ મોત ને ઘાત ઉતારી દીધી. ને હું મૃત્યુ પામી પણ મારો જીવ તમને પામવામાં અને સાથે જીવવામાં હતો એટલે હું ભૂત બની ગઈ.
પછી જંગલ માં તમે મળ્યા. તમારી સાથે લગ્ન કરી મને મોક્ષ તો મળી ગયો હતો પણ તમારો મળતો રોજ પ્રેમ ને કારણે હું પરલોક માં જવાનું મન થતું ન હતું. આજે તમે મને આ રૂપમાં જોઈ ને ઘણું દુઃખ થયું હશે પણ સાચું માનો મે આપણા પ્રેમ માટે આ બધું કર્યું હતું.
આકાશ તૃપ્તિ ની વાત સાંભળતો સાંભળતો રડી રહ્યો હતો. એક બાજુ તેનો પ્રેમ સફળ થયો હતો તો બીજી બાજુ તૃપ્તિ ની આવું રૂપ જોઈ દુઃખી થયો હતો.
તૃપ્તિ જતી હતી એટલું કહેતી ગઈ કે હું આવતા જન્મ માં ફરી તમારી પત્ની બનીશ.
જીત ગજ્જર