Niswarth prem in Gujarati Magazine by Patel Prince books and stories PDF | નિઃસ્વાર્થ પ્રેમ

Featured Books
Categories
Share

નિઃસ્વાર્થ પ્રેમ


હું વિચાર કરતો હતો ને કુદરતે ટહુકો કર્યો…”અરે ઓ… જનાબ કયા વિચારોમાં ખોવાયેલા છો…?”અને મેં મારા મુખ પર સ્મિત આપતા ઉત્તર આપ્યો… “કંઈ નહીં”.

પણ સાચું કહું ને તો હું આ દુનિયામાં કોઈક ની શોધમાં હતો. પણ… પણ… પણ… તમને એ વાત ની ચોખવટ કરી લઉં કે હું જેની શોધમાં હતો તે કોઈ વ્યક્તિ તો નથી જ…

ચાલો વાત માંડી જ છે તો જણાવી દઈએ કે તમારા લેખક સાહેબ કોની શોધમાં છે… … … નિઃસ્વાર્થ પ્રેમ… …નિઃસ્વાર્થ પ્રેમ...? …જી હા તમારા લેખક સાહેબ જેની શોધમાં છે તે “નિઃસ્વાર્થ પ્રેમ”.
પણ હા આ નિઃસ્વાર્થ પ્રેમ માં તમે આ પ્રેમ શબ્દ વાંચીને એવી કોઈ અંધકારમય લાગણીઓના આવેશમાં ના આવી જતાં હો… ના આતો ચોખવટ કરી લેવી સારી… કેમ કે આપણને બધાયને આ પ્રેમ શબ્દ સાંભળીને અને વાંચતા કેવા વિચાર આવે છે કહું… હા આ પ્રેમ શબ્દ સાંભળીને ધોધમાર વરસતો વરસાદ,કાળા વાદળોથી અંધકારમય થયેલું આ વાતાવરણ અને બધી જ કળાએ ખીલી ઉઠેલ એક ઘટાદાર વૃક્ષ અને એની નીચે બેઠેલા ૧૮-૨૦ વયની છોકરી અને ૨૦-૨૨ વયનો છોકરો અને આ બંનેની પ્રેમભરી લાગણીશભર વાતો... જી... હા.હું જે વાત કરતો હતો અંધકારમય લાગણીઓના આવેશની એ આ જ... પણ સાચું કહું ને તો એવું કશું જ નથી.એના સિવાય પણ આ જગતમાં પ્રેમ છે. પરંતુ આપણી આ ઘેરાયેલી આંખો ને કશું જોવું જ નથી.

[“નિઃસ્વાર્થ પ્રશ્નોની પ્રશ્નવાહિકા લઇને નિકળ્યો હતો ને ઘરે આવતા આ પ્રશ્નો ની ઉત્તરવહી માત્ર ને માત્ર સ્વાર્થવૃત્તિના ઉત્તરથી ભરેલી હતી”.]

હજું તો કઇંક લખુ એ પેલા ફરીથી કુદરતે મને ટકોર કરતા કહ્યું, “લેખક સાહેબ શેના વિશે લખી રહ્યા છો તમે? તમે જે લખવા જઇ રહ્યા છો એના માટે કોઈ સ્વરનું અસ્તિત્વ જ નથી”.

ત્યારે ફરીથી ઉત્તર આપતા મેં કહ્યું, “હા. મને ખબર છે. હું જે લખવા જઇ રહ્યો છું તે એક કાલ્પનિક લાગણીઓ છે જે માત્ર મનથી અનુભવવાની અને તેની સહાનુભૂતિ મળે છે. બાકી તેને શબ્દરૂપમાં ઢાળવી અઘરી છે.

ચાલો હવે જેની વાત માંડી છે એ વિશે વાત કરીએ. પણ હા આ વાત મારી ટૂંકી અને મુદ્દાસરની છે.

“નિઃસ્વાર્થ પ્રેમ એટલે શું?”

“કેવો હોય આ નિઃસ્વાર્થ પ્રેમ?”

“કોના પ્રત્યે હોય આ નિઃસ્વાર્થ પ્રેમ?”

આ તમામ પ્રશ્નોના ઉત્તર તમને અમુક વાત દ્રારા રજૂ કરીશ...

સૌ પ્રથમ તો એક માતાને તેના ગર્ભમાં રહેલા બાળક પ્રત્યેનો પ્રેમ.

ખરેખર માતાને ખબર જ નથી કે આ બાળક કેવુ હશે. છતાં એનો નવ-નવ મહિના સુધીનો ઉછેર અને હા એના જન્મ પહેલાં એના બાળોતિયા તૈયાર કરવા,સુવડાવવા માટેની પથારી તૈયાર કરવી,પારણું બાંધવુ. આ બધી પૂર્વઆયોજિત તૈયારીઓ…

એક પક્ષીનો તેના બચ્ચાં પ્રત્યેનો પ્રેમ.

ભલે એ એના બચ્ચાંને રહેવા માટે માળો નથી બનાવતું. પણ હા… એ પક્ષીને ખબર જ હોય છે કે જ્યારે પણ આ મોટું થઈને ઉડતા શીખશે ત્યારે એ મારાથી દૂર અને પોતાનો અલગ માળો બનાવીને રહેશે. છતાંય એ પોતાના બચ્ચાં ઉડતા એટલે કે પોતાની બે પાંખો વડે ઉડાન ભરતા અને પોતાની સ્વતંત્રતા માટે શીખવાડે છે. આ છે એક નિઃસ્વાર્થ પ્રેમ.

અભ્યાસ ના પહેલા જ દિવસે બાળકનો એની નોટબુક ના પહેલા પાનાં પર મરોડદાર અક્ષરથી લખવાની આદત. ભલે ને પછી વર્ષના અંતે એ કઇ કામની ના હોય. ભલે આપણા અક્ષર ગમે તેવા હોય પણ પહેલા દિવસે અને નોટબુક ના પહેલા પાનાં પર લખવાની શરૂઆત તો આપણે આપણાથી શક્ય હોય એટલા મરોડદાર અક્ષરથી જ લખીએ છીએ. પછી ભલેને એના પછીના પાનાં પર બગડી જતાં. (નિઃસ્વાર્થ પ્રેમ)

અસ્તુ…

લિ. પટેલ પ્રિન્સ.

આપણા બધા ના હૈયા ના કોઇ એક ખૂણામાં પડી રહેલી લાગણીઓ અને તેના પર જામી ગયેલી ધૂળને સાફ કરવાનો મારો આ પ્રયત્ન હતો.

હવે મળીએ કોઈ અવનવા મુદ્દા અને અવનવી વાતો સાથે… પણ હા એક શરત… મુદ્દો તમારો અને વાત મારી…

તમારા મુદ્દાને મારા સુધી પહોંચાડવા માટે સંપર્ક કરો…

Instagram ID :@_prince126

Whatapp No :7043014445(PATEL PRINCE)