શીર્ષક:કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ
'નમું તે શિક્ષકબ્રહ્મને!'
પ્રસ્તાવના:-
યુરોપના બે મહાન રાષ્ટ્રો ફ્રાન્સ અને જર્મની વચ્ચે ખૂંખાર યુદ્ધ થયું અને તેમાં જર્મની જીત્યું.જર્મનીના સેનાપતિને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો ત્યારે તે સેનાપતિ બોલ્યો કે,"ફ્રાન્સ હાર્યું નથી, ફ્રાન્સનો શિક્ષક હાર્યો છે.જર્મની જીત્યું નથી,જર્મનીનો શિક્ષક જીત્યો છે.આ જીત અમારી સેનાની નથી, આપણી શાળાઓ,વિદ્યાલયોમાં જે શિક્ષણ અપાય છે અને નાગરિકોનું ઘડતર થાય છે તે કામ જર્મનીમાં સારું થયું છે.તે ઉત્તમ કામ કરનાર જર્મનીના સાચા શિક્ષકો જ અભિનંદનના અધિકારી છે,અમે સૈનિકો નહિ!"
લગભગ ભારતના તમામ સાહિત્ય ક્ષેત્રએ જેની જરૂર કરતાં વધારે અવગણના કરી છે તેવા દસ્તાવેજીકરણ ના એક અમૂલ્ય ખજાના જેવું આ પુસ્તક આપણા શિક્ષણક્ષેત્રના એક ખમીરવંતા શિક્ષક મોતીભાઈ પટેલે સંપાદિત કર્યું છે.કદાચ કવિઓ ગમે તેટલું સારું સાહિત્ય સર્જન કરે,કોઈ નટ ગમે તેટલો સારો અભિનય કરે, કોઈ ગાયક ગમે તેટલું સારું ગાયન કરે પણ જો એની કલાના છાંટણા શિક્ષણમાં ન પડે તો આજની અને આવતી પેઢી તેના આસ્વાદથી વંચિત જ રહેવાની! હું જાણું છું કે ઉપર લખેલો પ્રસંગ આજના શિક્ષકો માટે અતિશયોક્તિ વાળો છે જે શિક્ષણ ક્ષેત્રની આજે પડતી થઈ રહી છે એ જ શિક્ષણ ક્ષેત્રની ગઈકાલ ખૂબ ઉજળી હતી જે ઇતિહાસ અને સાહિત્યની ઝાકમઝાળમાં આપણે ચૂકી ગયા છીએ પરંતુ મોતીભાઈ પટેલ, ઈશ્વરભાઈ પરમાર,ભદ્રાયુભાઈ જેવા જૂજ લેખકો એ એના પર પ્રકાશ ફેંક્યો છે.આ પુસ્તક ઉપર મારું ગજું ન હોવા છતાં વિવેચન કરવાનું સાહસ કરું છું એ માટે ક્ષમાપ્રાર્થી છું.
વિષયસામગ્રી:-
ઉપર ઉલ્લેખ કર્યો તે મુજબ આ પુસ્તકમાં વિશે જેટલા ઉત્તમ શિક્ષણ રત્નોની વાત લેખકે કરી છે એ માટે ગર્વ લઈ શકાય કે આ વિષય શિક્ષકો ગુજરાતના છે અને આપણી વચ્ચે માનવ દેહ નહીં પરંતુ શબ્દ પ્રસ્તુત છે આ પુસ્તકમાં માનવબંધુના નમ્ર શિક્ષક દર્શક પણ છે અને ઋષિવર્ય નાનાભાઈ પણ છે, આદિવાસીઓના બેલી ઠક્કરબાપા ને નરસિંહભાઈ જેવા લોકશિક્ષક પણ છે,કેળવણીકાર નવલભાઈ શાહ અને રઘુભાઈ નાયક,જુગતરામ દવે ને ડાહ્યાભાઈ નાયક,કલ્યાણરાય જોશી જેવા સંસ્કૃતિ પૂજક અને હરભાઈ ત્રિવેદી,વિદ્યાનગરના શિલ્પી ભાઈકાકા,બાળકોની મૂછાળી મા ગિજુભાઈ અને સંત પૂજ્ય મોટા,શારદાગ્રામના શિલ્પી મનસુખભાઈ જોબનપુત્રા ને હાસ્યલેખક બુચસાહેબ પણ છે.ઉપરાંત શ્રેષ્ઠ અનુવાદક મૂળશંકર ભટ્ટ,પ્ર. ત્રિવેદી,સ્નેહરશ્મિ,ડોલરરાય માંકડ અને મગનભાઈ દેસાઈ ઇત્યાદિ શિક્ષણપુરુષો છે. આ બધાનો શિક્ષક સમુચ્ચય જાણે આ સંપાદનમાં એકઠો થયો છે.એ બધાના જીવન વિચારમાંથી શિક્ષણની એક અનોખી કેડી આપણે વાંચીએ એટલે મળે જ મળે!
નિરૂપણકલા:-
જેનું સંપાદન મોતીભાઈ પટેલ જેવા શિક્ષણ શાસ્ત્રીએ કર્યું હોય તેનું નિરૂપણ કરનાર લેખકની વર્ણનકલા ઉત્તમ હોય તે સ્વાભાવિક છે.બધા જ લેખકોએ ખુબ જ મુદાસર અને ઉત્તમ રીતે તમામ શિક્ષણયજ્ઞના આચાર્યની વાત કરી છે. તેમાં વિચારો નું તત્વજ્ઞાન ખૂબ જ ઉમદા રીતે રજૂ થયું છે.પણ ચરિત્રનિબંધમાં જેવી રસિકતા આ પુસ્તકમાં હોય તો વધુ ઉત્તમ અથવા તો વધુ રસપ્રદ ચિત્રણ થઈ શક્યું હોત!આ પુસ્તક કોઈ નિવૃત શિક્ષક વાંચે તો તેને પોતાની શૈક્ષણિક કારકિર્દીની ઝલક સ્મૃતિપટ પર ન આવે એવું ન બને,પણ કોઈ ઉભરતો શિક્ષક કદાચ આ વાંચે ને ગાંધીવિચારને એટલું પામી શકયો ન હોય તો કદાચ થોડો કંટાળો આવે પણ કોઈ પુસ્તક પરિપૂર્ણ ન હોય એ સ્વીકાર્ય હકીકત છે.વાચકે પણ ઘણી વખત સજ્જતા કેળવવાની હોય છે.
પ્રેરણાત્મક:-
ગુણવંત શાહે કહ્યું છે તેમ આ પુસ્તક વાંચ્યા પછી કોઈ શિક્ષક, હતો તેવો ને તેવો ન રહી શકે.ગુજરાતભરના શિક્ષણ યજ્ઞમાં આહુતિ આપવાની ઇચ્છા રાખનાર તમામ શાસ્ત્રીઓને મન આ પુસ્તક પ્રેરણાનું ઝરણું બની શકવાનું સામર્થ્ય ધરાવે છે. એકથી એક ચડિયાતા ચરિત્રો સશક્ત અને સમર્થ લોકોએ લખ્યા છે એટલે કહેવાની જરૂર નથી કે આ પુસ્તક શિક્ષકોની વિદ્યાના પ્રદાન માટેનો આદર્શ બની શકે તેમ છે.
ઉપસંહાર:-
ઉત્તમ પુસ્તકો તો ઘણાયે લખાય છે પણ તેના વાચકો ખૂટતા જાય છે એ ચિંતાનો વિષય છે અને દુઃખની વાત તો એ છે કે આવા પુસ્તકો સૌથી ઓછા શિક્ષકો વાંચે છે.પુસ્તક તો પ્રેરણા અને શિક્ષણચેતનાનો પુંજ છે પરંતુ એનો કણ આજનો શિક્ષકગણ મેળવે તો!આશા છે કે આ ગ્રંથમાંની ચેતનાનો કણ લઈને ઉત્તમ ભવિષ્ય માટેના ઉત્તમ ભવિષ્યનિર્માતાઓ પાકે એવી આ વિદ્યાર્થીની આશા ફળે!