પ્રીતિ કબાટમાં માધવની એક ફાઇલ શોધી રહી હતી, ત્યાં એની નઝર આલ્બમ પર પડી, પણ પહેલા તો માધવની ફાઇલ મળવી જરૂરી હતી.થોડાક કાગડીયા આડાઅવળા કરતા ,ફાઇલ દેખાઇ, પ્રીતિને હાશકારો થયો, એણે ફાઇલ પલંગ પર મૂકી,ટીપાઇ ખેંચી,આલ્બમ નીચે ઉતર્યો .આલ્બમને ખોળામાં લઇ , જોવા લાગી ત્યાં માધવ રૂમમાં પ્રવેશ્યો. આલ્બમ જોતી પ્રીતિને જોઈ બોલ્યો,"શું જોય છે? તને કે મને".પ્રીતિએ જવાબ આપ્યો ,"આપણા બધાને" અને પ્રીતિ જૂની યાદોમાં સરી પડી. માધવ સામેં જૉઇ કહેવા લાગી,"માધવ,આજકાલ કરતા આપણા લગ્નને દસ વર્ષ થયા, પણ મને હજી એ ક્ષણ યાદ આવે છે ,જયારે પરણીને હું આ ઘરમાં આવી અને પપ્પાને પગે લાગેલી,માથે હાથ મુક્તા પપ્પાએ કહેલું કે' તું પુત્રથી પણ વિશેષ છે અને તારો હક આ ઘરમાં માધવથી પણ વધારે છે'. પપ્પાના આ શબ્દોએ તે દિવસે મારી આંખને આંસુથી અને હૃદયને પ્રેમથી ભરી દીધુ હતું.આ સાંભળી માધવ ટીખળ કરતો બોલ્યો, "તો આ સાચુ જ છે આ ઘરમાં તો તારો જ હુકમ ચાલે છે". આ શબ્દો સાંભળતા, છણકો કરી પ્રીતિ બોલી," તે મારુ જ ચાલેને આ મારું ઘર છે". પ્રીતિના શબ્દો સાંભળી, માધવ મલકાયો પણ પ્રીતિના ચહેરા પર ચિંતાનો ભાવ ઉભરાઈ આવ્યો.આ જોઈ, માધવે પુછીયું ,"શું થયુ, કેમ કઈ વાતનું ટેંશન છે?".પ્રિતી બોલી" મમ્મીનું".માધવે પૂછીયું ,"કેમ".પ્રીતિ બોલી,"જો મમ્મી ગયા મહિને બીમાર પડ્યા ત્યાર પછી એમના સ્નાયુઓમાં ખૂબ દુખાવો રહે છે એમને ઉભા થવામાં તકલીફ પડે છે.હું ક્યારેક ઘરના કામમાં હોઉ,કે ક્યારેક ક્રિશ અને મિતુંને ટયુશન મુકવા લેવા જાઉ ત્યારે મમ્મી એકલા હોય અને મને મમ્મીની બહુ ચિંતા થાય છે".માધવે કહ્યું" તું સાચી છો પણ આનો ઉપાય શું?",પ્રીતિ બોલી," મને એક વિચાર આવ્યો છે".માધવે પૂછીયું, "શુ?",પ્રીતિએ કહ્યું,"આપણે મમ્મી માટે એક વ્યક્તિ રાખીએ તો?",માધવે કહયું "એવી વ્યક્તિ મળશે?",પ્રીતિ બોલી" પ્રયત્ન કરીએ કોઇ સારી વ્યક્તિ મળી જાય".માધવે કહ્યું, "ઓકે".આ વાતને લગભગ એકાદ અઠવાડિયુ થઈ ગયુ. પ્રીતિ રમાબેનને દવા ખવડાવી રહી હતી,ત્યારે પ્રીતિની મમ્મી ભાવનાબેનનો ફોને આવ્યો.રમાબેન બોલ્યા "પ્રીતિ, તારી મમ્મીનો ફોન છે લઈ લે".પ્રીતિ બોલી "મમ્મીજી તમે દવા ખાઈ લ્યો પછી હું મારી મમ્મીથી વાત કરી લઇશ". પ્રીતિ રમાબેનને દવા આપી ,ભાવનાબેનને ફોન લગાડી વાત કરી.સાંજે માધવ ઘરે આવ્યો એટલે પ્રીતિએ કહ્યું, "આજે મમ્મીનો ફોન હતો અને એમને એક છોકરી આપણા મમ્મી પાસે રહેશે એ વાત કરી છે".માધવે કહ્યુ,"ઓકે, જેમ તને યોગ્ય લાગે એમ" ,એટલે પ્રીતિએ કહ્યું "હું પપ્પાજીની પરવાનગી લઈ લઉં પછી કાલે જ ગાંધીધામ જઈ અને એ છોકરીને લઇ આવીએ".રાતે જમવા માટે ટેબલ પર બધા ગોઠવાયા, એટલે પ્રીતિ બોલી ,"પપ્પા મેં એવું વિચારીયુ છે કે મમ્મી પાસે એક વ્યક્તિને રાખીએ અને આ વિચારને લઇ મેં મારી મમ્મીને વાત કરેલી,તો અમારા ઘરે કામ કરતા જયાબેનની દીકરીને તેઓ અહીં મોકલાવવા તૈયાર છે, તો પપ્પા આપણે એ છોકરીને ઘેર લાવશું?"ગોવિદભાઇ બોલ્યા, "બેટા તે વિચારીયું હશે તો એ યોગ્ય જ હશે,આપણે એ છોકરીને જરૂર રાખીશું".એમ બોલી ગોવિંદભાઈ રમાબેન સામું જૉઇ રહ્યા,રમાબેન પણ બોલ્યા,"પ્રીતિ જે કરે એ બરાબર જ હોય".રસોડાનું કામ પતાવી પ્રીતિએ તરત એની મમ્મીને ફોને કર્યો "મમ્મી ,અમે કાલે આવીએ છીએ, જયાબેનને તું કહી દેજે".બપોરનું કામકાજ પતાવી પ્રીતિ,માધવ, ક્રિશ, મિતું ગાંધીધામ પહોંચ્યા.ભાવનાબેન જમાઈ દોહિતરા અને દીકરીની આવાની ખુશીમાં કેટલાય વાના બનાવી બેઠેલા, પણ પ્રીતિની આંખોતો આજ માત્ર જયાબેનના આવાની જ રાહ જોઈ રહી હતી.ડોરબેલ વાગતા તરત પ્રિતી દરવાજે ગઈ ,જયાબેન સાથે એક 18 વર્ષની નમણી,શાંત છોકરી હતી.પ્રીતિએ જયાબેનને પૂછયુ "આ તમારી દીકરી છે",જયાબેને કહયું "હા આ મારી દીકરી 'સીતા', તમારી સાથે ચાલશે". પ્રીતિ સીતા સામે જોઈ હસી,સીતા પણ પ્રીતિ સામે જોઈ જરાક મલકી.પ્રીતિ જયાબેનની સામે જોઇ કહ્યું ,"તમે જરાપણ સીતાની ચિન્તા ન કરશો, હવે એ અમારા પરીવારના સભ્ય જેવી જ છે".જયાબેન પણ વિશ્વાસ જતાવતા બોલ્યા,"તમારા ઘરે જવાની વાત આવી એટલે જ મેં હા કરી". પ્રીતિએ પણ જયાબેનના વિશ્વાસને ગરદનના ઈશારાથી સ્વીકારયો. માધવ,પ્રીતિ ક્રિશ અને મિતું,સીતા સાથે આઠ એક વાગે ભુજ પાછા ફર્યા .ડોરબેલ વાગતા ગોવિંદભાઈએ દરવાજો ખોલ્યો ,છોકરાઓ દાદાજી કહી વળગી પડ્યા , પ્રીતિ અને માધવ ઘરમાં પ્રવેશ્યા,ખચકાટ સાથે સીતા પણ ઘરમાં આવી.પ્રીતિ ઓળખાણ આપતા કહ્યુ "આ સીતા"અને સીતા સામે જોઈ કહ્યું "આ પપ્પા".સીતા ગોવિંદભાઇને પગે લાગવા નમી એટલે ગોવિંદભાઇ જરા દૂર ખસી ગયા,સીતા ગભરાઈ અને એક હાથ માથા પર મુકતા ગોવિંદભાઇ બોલ્યા,"તું તો દીકરી છો અને નિહાણી પગે ન પડે". આ શબ્દો જાણે સીતાના હર્દયને સ્પર્શયા હોય એમ તે સ્થીર ઉભી રહી.તરત રમાબેન બોલ્યા"બેટા, અહીં આવ મારી બાજુમાં બેશ".સીતા ખચકાતા એક ક્ષણ ઊભી રહી પણ રમાબેનના હાથ તેમને બોલાવતા હતા અને તે રમાબેનની બાજુમાં જઇ બેઠી.રમાબેન એને પ્રશ્નો પુછવા લાગ્યા અને સીતા પણ જરૂર પૂરતા જવાબ આપતી રહી.આમ અડધો કલાક વીતી ગયો ,પ્રીતિએ જમવા માટે પૂછુયુ એટલે ગોવિંદ ભાઇ બોલ્યા,"આજે સીતા આવી છે તો આપણે સૌ બહાર હોટેલમાં જમવા ચાલીએ".એટલે બધા બહાર જમવા માટે રેડી થવા ઉભા થયા. પ્રિતીએ સીતાને કહયું "તું પણ તૈયાર થઈ જા આપણે જમવા જવાનું છે".જમી રાતે લગભગ દસેક વાગ્યે પાછા ઘરે આવ્યા.બધા થાકયા હોવાથી સુવા માટે રૂમમાં ગયા અને રમાબેને સીતાને કહ્યું "ચાલ બેટા, આપણે આપણા રૂમમાં સુવા જઈએ". સીતાએ પોતાના સાથે લાવેલી નાની બેગ ઊપાડી રમાબેન સાથે બેડરૂમમાં ગઈ,રમાબેને હાથના ઇશારાથી સામેનો કબાટ બતાવતા કહયું "આ કબાટ ખોલ",રમાબેનના કહેવાથી સીતાએ કબાટ ખોલ્યો, કબાટ ખાલી હતો.રમાબેન બોલ્યાં"આ તારો કબાટ છે આમાં તું તારી વસ્તુ ગોઠવી', અને સામે પડેલી સેટી સામે ઈશારો કરતા કહ્યું ,'અહીં મારી બાજુમાં સૂઈ જજે".સીતા પોતાની સાથે લાવેલ કપડાં અને બીજી વસ્તુઓ ગોઠવી,સેટી પર સુવા પડી પણ આંખને એમ નિંદર કયાંથી આવે? સીતાને બાળપણની વાતો અને અઢાર વર્ષની ઉંમરમાં થયેલા કડવા અનુભવો એક પછી એક સ્મૃતિ પટ પર આવતા રહ્યા, આમ વિચારતા તે મોડી રાત સુધી જાગતી રહી.સવારે ઉઠવામાં પણ મોડું થયું.તે નાહી ધોહિ તૈયાર થઈ રસોડામાં આવી ત્યારે બધા નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર હતા અને પ્રીતિ ગરમ નાસ્તો બનાવી રહી હતી.સીતાને જોઇ પ્રીતિ બોલી,"સીતા, તું પણ નાસ્તો કરી લે".સીતા સંકોચ સાથે બોલી ,"દીદી આજે ઉઠવામાં મોડુ થઈ ગયું".પ્રીતિએ કહયું "મમ્મી સવારે જ કહેતા હતા કે સીતા મોડી રાત સુધી જાગતી હતી,એને નવા વાતાવરણ માં સહજ થતા સમય લાગશે".પ્રીતિએ ફરીથી કહ્યું "તું નાસ્તો કરી લે".પ્રીતિના કહેવાથી સીતાએ નાસ્તો કરી રસોડામાં ગઈ અને પ્રિતીને એક પછી એક પ્રશ્નો પુછવા લાગી અને પ્રીતિના જવાબ તો જાણે એને મોઢે કરવાના હોય એમ યાદ રાખતી ગઇ.ગોવિંદભાઇનો ગમતો નાસ્તો,માધવભાઈની આદું વારી ચા, ક્રિશ અને મિતુંને ભાવતું શાક,રમાબેનની દવાઓનો સમય આ બધું તો સીતાએ થોડાક જ દિવસમાં મોઢે કરી લીધું. હવે તો સવાર પડે એટલે બધાના મોઢે સીતાનુ જ નામ.સીતા એટલે ગોવિંદભાઇના ઘરનું સભ્ય અને સીતા પણ હવે ભૂલી જ ગઇ કે આ પરિવાર સિવાય એનો બીજો પરિવાર પણ છે.એટલું જ નહીં ધીમે ધીમેં તો ગોવિંદભાઇના અડોશીપડોશી અને સગા સંબંધીઓએ પણ સ્વીકારી લીધેલું કે ગોવિંદભાઇના ઘરમાં સાત સભ્યો. હોટેલમાં જમવા જવું હોય કે પછી મનાલી ફરવા જવું હોય સીતાનું નામ પેલા અને ટિકિટ પણ પેલી બુક થઈ જતી.આમ સમય વિતતો ગયો અને આજ કાલ કરતા દસ વર્ષ થઈ ગયા.
એક રવિવારની બપોરે બધા જમવા બેઠા અને સીતા ગરમા ગરમ રોટલી ઉતારી રહી હતી ત્યાં રમાબેન બોલ્યા,"સીતાને આપણા ઘેર દસ વર્ષ થયાં હવે તે ઉંમરલાયક થઈ છે એના માટે છોકરો ગોતવા એમના માતાપિતાને કહીએ".આ શબ્દો સીતાને કાને પડયા, સીતાની રોટલી સહેજ દાઝી અને સીતા રસોડામાં જ ઊભી રહી.મોડું થતા ગોવિંદભાઇ બોલ્યા,"સીતા, રોટલી ન લાવી".ગોવિંદભાઇનો અવાજ સાંભળી સીતા રોટલી લઈ ડાઈનિંગ ટેબલ પાસે આવી,સીતાના ચહેરા પર ન સમજી શકાય એવો ભાવ હતો.એ જોઇ ગોવિંદભાઇએ પુછીયું "શું થયું સીતા?",એટલે સહજ ગુસ્સામાં બોલી"'બા હવે મારાથી કંટાળી ગયા છે",આમ બોલી તે પોતાના રૂમમાં જતી રહી.દીકરીનો છણકો સમજી રમાબેન સીતા પાછળ એના રૂમમાં ગયા,સીતાની આંખોમાં આસુઓ જોઈ રમાબેન પણ ભાવવિભોર થયા અને સીતાના માથે હાથ ફેરવતા કહેવા લાગ્યા"બેટા માબાપ ક્યારે દિકરીથી ન કંટાળે પણ દિકરીની ચિંતા તો કરેને?". સીતા રમાબેનને ભેટી પડી અને કહેવા લાગી"હું તમને, બાપુજીને, આ ઘરેને છોડી કયાં નહીં જાઉ". રમાબેન સીતાને હાથ ફેરવી શાન્તવન આપતા કહેવા લાગ્યા,"ભલે તું કહીશ ત્યારે તને પરણાવીશું,હવે રડવાનું બંધ કર".આ વાત થયાને સમય વીતી ગયો.રમાબેનની તબિયત ધીમેધીમે વધુ બગડવા લાગી અને એક દિવસ અચાનક રમાબેન આ દુનિયામાંથી વિદાય લઇ ગયા. એ દિવસે આખા ઘર પર દુઃખનો પહાડ તૂટી પડેલો અને સીતાતો જાણે સુનમુન થઈ ગઈ. પણ સમય વીતવા લાગ્યો અને ધીમેધીમે ઘરમાં બધુ રૂટીન ગોઠવાવા લાગ્યું.
આજ કાલ કરતા રમાબેનના મૃત્યુને વર્ષ જેવું થઈ ગયું હતું.એક સાંજે ગોવિંદભાઇ ઓફિસેથી આવ્યા .સીતા તરત ચા બનાવી લાવી અને ટીપાઈ પર મૂકી.ગોવિંદભાઇએ સીતાને બાજુમાં સોફા પર બેસાડી કહેવા લાગ્યા,"જો સીતા,તારી બા ને તારી ચિંતા હતી અને એની ઇરછા હતી કે તારા લગ્ન કોઈ સારી જગ્યાએ થાય,જો તું હા કરે તો છોકરો જોઈએ".સીતાને પેલો દિવસ યાદ આવ્યો અને રમાબેનના વ્હાલસોયો હાથના સ્પર્શનો ફરી અનુભવ થયો.સીતાએ ગોવિંદભાઇ સામે જોઈ અને સહમતી માટે માત્ર ડોકું હલાવ્યું. ગોવિંદભાઇ પ્રીતિને કહી એના માતાપિતાને વાત કહેડાવી.સીતાના માતાપિતાએ પણ ગોવિંદભાઇ છોકરો પસન્દ કરે એ યોગ્ય હશે એવો જવાબ આપ્યો. હવે ગોવિંદભાઇએ પોતાની દીકરી માટે સારું પાત્ર સગા-સંબધી તેમજ મિત્રવર્તુળમાં ગોતાવાનું શરૂ કર્યું .નજીકની ઓળખણમાં ખૂબ સારો છોકરો મળ્યો.સીતાની વાતચીત કરાવ્યાં પછી સગાઇ ગોઠવાઈ.ધામધૂમથી સગાઇનું આયોજન કરેલું,સગાંવહાલાં,મિત્રો બધા જ આમંત્રિત હતા અને એ જ દિવસે લગ્નનું મુહૂર્ત નકકી કરાયું,10 ફેબ્રુઆરી 2020. એટલે હવે તો લગ્નને બસ દશેક મહિના જ બાકી.ગોવિંદભાઇના ઘરમાં સીતાના લગ્નનીની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઘરમાં પણ ગોવિંદભાઇ અવાર-નવાર સીતાને ચિડવતા કે હવે તું આ ઘરમાં થોડા દિવસ અને સીતા પણ બાપુજી પાસે છણકો કરતી કહેતી,"હું તમને બધાને છોડી કયાંય નથી જવાની".આમ સમય પસાર થતો ગયો.એક સવારે સીતાએ નાસ્તો તૈયાર કરી , ગોવિંદભાઈને રૂમમાં બોલાવા ગઇ પણ ગોવિંદભાઈ ચીરનિદ્રામાં પોઢી ગયા હતા.તે દિવસે ખરેખર સીતાએ એક પિતાની છત્ર છાયા ગુમાવી અને અનાથ થઈ હોય એવી લાગણી અનુભવી હતી.સમય પોતાની ગતિથી ચાલતો રહ્યો.ગોવિંદભાઈના મૃત્યુને છ મહીના થઈ ગયા હતા .
હવે એક સાંજે પ્રિતી અને માધવે સીતાને પોતાના રૂમમાં બોલવી અને માધવ સીતા સામે જોઈ કહેવા લાગ્યો,"જો સીતા, તારા લગ્નને હવે એક મહિનો બાકી રહ્યો છે , મમ્મી અને પપ્પા બંનેની ઈચ્છા હતી કે તારા લગ્ન ધામ ધૂમથી થાય અને અમારી પણ એ જ ઇરછા છે".સીતાએ ડોકું હાલાવ્યું અને બોલી,"મારી પણ એક ઇરછા છે",માધવે પુછયું,"શું?".સીતાએ હળવેકથી કહ્યું,"માધવભાઇ ,મારા લગ્ન ભલે લગ્નવાળીમાં કરો પણ મારી વિદાય આજ ઘરેથી કરજો". માધવે પણ હા માં ડોકું હલાવ્યું.સીતાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ, સગા સંબંધીઓ, મિત્રોને આમંત્રિત કર્યા,ખૂબ ધામ ધૂમથી લગ્ન સંપન્ન થયા.સીતાની ઇરછા મુજબ તેની વિદાયની રીતી ઘરેથી કરવા સમયસર સૌ ઘરે આવ્યા .વરરાજાની આગતાસ્વાગતા કરવામાં સમય વિતતો ગયો અને હવે સીતાના વિદાયની ધડી આવી.પ્રિતી અને માધવ સીતાને લેવા તેના રૂમમાં ગયા.સીતા ગોવિંદભાઈ અને રમાબેનના ફોટાને છાતી સરખો ચાંપી રડી રહી હતી,માધવ સીતાની નજીક જઈ ,સીતાના માથે હાથ ફેરવયો, સીતાની આંખો ચોધાર આંશુએ રડી પડી.માધવ પણ ગળગળા અવાજે બોલ્યો,"સીતા ,તારા માટે તારા આ ભાઈનું ઘર હંમેશા ખુલ્લુ જ રહેશે".સીતા ડૂમો ઉતારતા બોલી,"ભાઈ, મેં અઢાર વર્ષમાં કેટલાંય લોકોને જોયા અને અપમાન પણ સહન કર્યા હતા,ત્યારે મારા મગજમાં સમાજમાં લોકો આવ જ હોય છે એવી છાપ બંધાઈ હતી પણ આ ઘરમાં આવી બા,બાપુજી,તમે,પ્રીતિદીદીને મળ્યા પછી સમજાયુ કે આ દુનિયામાં તમારા જેવા લોકો પણ છે".આંસુને લૂછતી છણકાથી બોલી,"એ થોડું કહેવાનું હતું મને ખબર છે કે આ ઘર મારા માટે હંમેશા ખુલ્લુ જ રહેશે".સીતાના આ શબ્દોએ પ્રિતી અને માધવના ચહેરા પર આંનદ લાવી દિધો. હવે વિદાયની ઘડી આવી ગઇ, ગુલાલની થાળીમાં હાથ બોળી દિવાલ પર પંજાના નિશાન મુક્તી સીતા જાણે હ્ર્દયથી આશીર્વાદ આપતી હોય કે આ ઘરના લોકો હંમેશા સુખી રહે એવો ભાવ એની આંખમાં સ્પષ્ટ દેખાતો હતો.પ્રિતી અને માધવે પણ આંસુઓને પાંપણમાં છૂપાવી હસ્તે ચહેરે સીતાને વિદાય આપી.કારમાં બેઠેલી સીતા વળી વળી ઘર તરફ જોઈ રહી હતી અને કારના વળાંક લેવાથી ઘર દેખાવાનું બંધ થયું ત્યારે સીતાની પાંપણ ઝૂકી અને આસુંનુ ટીપું તેની આંખોમાંથી સરી પડ્યું.
*પલ્લવી શેઠ