perspective in Gujarati Comedy stories by Kinjal Patel books and stories PDF | દ્રષ્ટિકોણ - ચિંતા કે શંકા

Featured Books
Categories
Share

દ્રષ્ટિકોણ - ચિંતા કે શંકા

આજે ફરીથી મને ઑફિસથી આવતા મોડું થઈ ગયું અને હજી રસ્તામાંથી શાકભાજી પણ લેતા જવાનું હતું. કેટલું પણ વ્યવસ્થિત રાખવાની કોશિશ કરું ગડબડ થઈ જ જતી અને કામ પણ ઓછું ના થતું.

ફટાફટ શાકભાજી લીધા અને હું ઘર તરફ ચાલવા લાગી. થોડું ચાલી એટલામાં મારી મિત્ર મને મળી ગઈ. આજે એણે પણ ઘરે આવતા મોડું થઈ ગયું હતું એટલે એ પણ ઉતાવળમાં હતી.

અમે વાત કરતા કરતા ઘર તરફ ચાલવા લાગ્યા. એ થોડા ટેન્શનમાં લાગતી હતી એટલે મેં એને પૂછ્યું, " શું થયું? તું કંઇક ટેન્શનમાં લાગે છે."

એ પહેલાં તો કઈ ના બોલી પણ એના હાવભાવ જોઈ મે ફરીથી પૂછ્યું અને આખરે એણે બધું જ કહેવાનો નિર્ણય કર્યો પણ બંનેને ઘરે પહોંચવામાં મોડું થતું હોવાથી અમે ચાલતા ચાલતા જ વાતો કરવાનું નક્કી કર્યું.

વાતની શરૂઆત ત્યારે થઇ જ્યારે સ્મૃતિ માટે ભાવેશ સાથે લગ્નની વાત ચાલી હતી. થોડા સમયમાં જ સ્મૃતિ લગ્ન કરીને અહી આવી ગઈ. શરૂઆતમાં બંને એકલા રહેતા પણ થોડા સમય પછી એના સાસુ પણ એમની સાથે રહેવા આવી ગયા.

એનાથી પણ કઈ જ સમસ્યા નહોતી પણ એના સાસુના આવ્યા પછી ભાવેશનો સ્વભાવ બદલાઈ ગયો. પહેલા બધી વાતમાં સ્મૃતિનો અભિપ્રાય લેવામાં આવતો પણ અચાનકથી સ્મૃતિનું મહત્વ આ ઘરમાં ઘટવા લાગ્યું.

એટલું જ નહિ સ્મૃતિ ના કામ કરવા પર પણ વાંધો ઉઠવા લાગ્યો. આ વાત સ્મૃતિ સમજી નહોતી શકતી કે લગ્ન પહેલામાં અને પછી આટલો બદલાવ કેવી રીતે આવી શકે?

આખરે હદ તો ત્યારે થઇ જ્યારે સ્મૃતિ ને ઘરે પહોંચવામાં મોડું થયું ત્યારે ક્યાં ગઇ હતી એમ પૂછવામાં આવ્યું. ભાવેશ જાણતા હતા કે સ્મૃતિને હાલ ઑફિસમાં વધારે કામ રહે છે અને એ જ કારણ હતું એણે મોડું થવાનું તો પણ એ દિવસે ભાવેશે એના મમ્મીનો પક્ષ લીધો.

જ્યારે ભાવેશ ને ઘરે આવતા મોડું થાય તો ચિંતા થાય અને જો એણે થોડું મોડું થાય તો શંકા. આ બાબતને નાની સમજી જતી કરી પોતે સાસુ અને પતિની ઈચ્છા પ્રમાણે જીવવાનું શરૂ કરી સ્મૃતિ પોતાના માટે જીવવું જ ભૂલી ગઈ.

જ્યારે એની વાત પૂરી થઈ ત્યારે મે એની તરફ જોયું તો એની પીડા એની આંખો દ્વારા ટપકી રહી હતી. વાતો વાતોમાં અમે ક્યારે ઘરે પહોંચી ગયા ખબર જ ના પડી.

એનો વધારે સમય ના બગાડતા અમે એકબીજાની વિદાય લીધી અને હું પણ મારા ઘરમાં આવી. ઘરમાં આવતા જ રસોડામાંથી બહુ જ સરસ રસોઈની સુગંધ આવતી હતી એટલે હું સીધી રસોડામાં ગઈ. રસોડામાં જઈને જોયું તો મારા પતિ જમવાનું બનાવી રહ્યા હતા. મારા માટે આ કોઈ નવી વાત નહોતી પણ અત્યારે આ જોઈ મને સ્મૃતિ યાદ આવી ગઈ.

શાકભાજી ટેબલ પર મૂકી હું ફ્રેશ થવા મારા રૂમમાં ગઈ. જ્યારે હું પાછી આવી ત્યારે જમવાનું ટેબલ પર હતું અને એ મારી રાહ જોઈ રહ્યા હતા. જમતા જમતા મને સ્મૃતિની વાત યાદ આવી એટલે મે બધી જ વાત મારા પતિને કરી.

આ વાત સાંભળી એમણે વધારે આંચકો ના લાગ્યો કારણ કે અમે બંને સમાનતા માં માનીએ છીએ. સમાજમાં ચાલતા આવા બધા ત્રગાઓથી અજાણ નહોતા.

મને આ વાતથી વધારે પ્રભાવિત જોઈ એમને કહ્યું, " તારી વાત સાચી છે પણ આ બાબતમાં આપણે કઈ ના કરી શકીએ. અહી ભૂલ ફક્ત સ્મૃતિના સાસુ અને પતિની નથી, ભૂલ એમના દ્રષ્ટિકોણ ની છે. પહેલા એમણે પોતાનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ પછી એમનો વ્યવહાર આપોઆપ બદલાઈ જશે.

હવે તારે વધારે વિચારવાની જરૂર નથી. જો જરૂર લાગે તો આરામથી સ્મૃતિ સાથે વાત કરજે, ઠીક છે?

એમની વાત સાંભળી મને થોડી રાહત થઇ અને જમવાનું પતાવી હું ઘરના બીજા કામમાં લાગી ગઈ.

- કિંજલ પટેલ (કિરા)