ચાર્મી ફ્લેટ ને લોક કરી ઓફિસ જવા નીકળી ને ફોન લગાડી કેમ છે મમ્મી ? પુછી વાતો કરતા કરતા સોસાયટી ગેટ તરફ જવા લાગી.
એ જોઈ સોસાયટી ની બેન્ચ પર અડ્ડો જમાવી બેઠેલા સીનીયર સીટીઝન બૈરા ના મહિલા મંડળ માંથી એક માજી બોલ્યા આજકાલ ની છોકરીઓ ને શું ખબર શું થઈ ગયું છે બસ ઘરેથી ઓફિસ જાય એટલે માનો ફોન ચાલૂ થાય અને ઓફિસ થી ઘરે આવતા પણ ચાલૂ હોય.
ચાર્મી અને કાર્તિક ના નવા લગ્ન થયા હતા અને અઠવાડિયા પહેલા જ આ સોસાયટી મા રહેવા આવ્યા હતા.
સવાર નાં કાર્તિક ને દુકાને જવાનું હોય એટલે જલ્દી ઊઠી એનું ટીફીન બનાવી આપતી પછી બધા ઘરકામ કરી પોતાનું ટીફીન લઈ ઓફિસ જવા નીકળતી સાંજે શાકભાજી અને જરૂરી ખરીદી કરી ઘરે આવી રસોઈ અને બાકી ના કામ મા સમય ક્યાં નીકળી જતો ખબર જ ન પડતી એટલે એને મમ્મી સાથે વાત કરવા એ વચ્ચે નો ટાઈમ જ મળતો.
આ રોજ નો ક્રમ હતો એટલે મહિલા મંડળ ને એક નવો ટોપીક મળ્યો હતો અને હા માં હા પુરાવતી આખી મંડળી બોલવામાં કચાશ ન રાખે.
આવા મહિલા મંડળ ની ખાસિયત કહો કે અનુભવ એ લોકો કોઈના વિશે કાંઈ જાણકારી ન હોવા છતા પોતપોતાના ધાર્યા પ્રમાણે એનું વિશ્લેષણ બધા કરી લેતા.
જેમ કે ચાર્મી સાસુ સાથે ઝગડો કરી વર ને સાસુ થી અલગ કરી અહીયાં સ્વચ્છંદ રહેવા આવી હશે અને સવાર સાંજ પોતાની માને ફોન કરી બધી વાતો કરી રિપોર્ટ આપતી હશે, અને બીચારી સાસુ ક્યાંક ખૂણોખાંચરે પડી હશે.
તરત જ બીજા બહેન બોલે હા આ જોને મારી વહુ બસ રાહ જોઈ ને જ બેઠી હોય ક્યારે આ ડોસી બહાર જાય અને હું મારી માને ફોન લગાડું, શું ખબર એની મા થી વાત કરતા ધરાતી જ નથી આજકાલ ની વહુઓ.
મજાની વાત તો એ છે કે પોતાની છોકરી નો ફોન આવે ત્યારે આ મંડળી નો રોલ અલગ જ થઈ જાય, એની છોકરી ને સલાહ આપશે જો સાસુ થી દબાઈ ન જાતી, સામનો કરી ને રહેજે , ફોન કરી હાલહવાલ આપતી રહેજે.
આવતા જતા ચાર્મી ના કાને આવી વાતો પડતી પણ એ આંખ આડા કાન કરી સાંભળી લેતી એને કોઈ ની ફિકર ન્હોતી એ તો બિંદાસ મમ્મી સાથે વાતો કરતી વટથી નીકળતી અને પોતાની રીતે રહેતી.
એક દિવસ રવિવાર રજા ના દિવસે ચાર્મી પણ નીચે મહિલા મંડળ ની બાજુની બેન્ચ પર બેસી ફોન પર વાત કરતી હતી કે મમ્મી બધું ગોઠવાઈ ગયું છે હવે થોડા દિવસ માં કાર્તિક ને હું મનાવી લઇશ પછી તમને અહીંયા બોલાવી લઈશ અને આપણે સાથે રહેશું, મને પણ તમારો સહારો થઈ જશે. ચાલો પછી ફોન કરૂં કાર્તિક ઊપર બોલાવે છે એને ખબર પડશે કે તમને ફોન કર્યો છે તો રામાયણ થશે.
અને મંડળી પર તો જાણે બોમ્બ પડ્યો હોય એમ તડાફડી મચી ગઈ, છે આને કાંઈ લાજશરમ પોતાના વર ની નામરજી છતા માને અહિંયા સાથે રહેવા બોલાવવી છે, હળાહળ કળિયુગ આવી ગયો છે. બીજી બોલી આના સાસુના નંબર ગોતી એમને ફોન કરી આને બરોબર કરવા જેવી છે. એટલામાં બીજો અવાજ આવે નંબર ક્યાં ગોતવા એના વર ને જ કહી દઈએ એટલે અહીંયા જ ફેંસલો થઈ જાય પણ આપણને શું પંચાત જે કરવુ હોય એ કરે આખરે તો એને જ ભોગવવું પડશે.
આમજ એકાદ મહિના પછી રવિવાર ના દિવસે ઓલા કાર સોસાયટી ના કંપાઉન્ડ માં ઊભી રહી સામાન સાથે એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા બહેન ઊતર્યા, સામેથી ચાર્મી દોડતી આવી આવેલ મહિલા ને ગળે વળગી પડી અને મમ્મી તમે આખરે આવી ગયા બોલી સામાન ઊપાડી એમને ઊપર લઈ ગઈ.
મહિલા મંડળ માંથી અવાજ આવ્યો દેખાવે જ જબરી લાગે છે અને ગુણ પણ એવાજ છે હવે છોકરી ની કમાઈ પર જીંદગી કાઢી નાખશે.
મમ્મી આવતા હવે ચાર્મી ને થોડી શાંતિ થઈ આરામથી ઊઠતી ત્યારે ચા નાસ્તો અને કાર્તિક નું ટિફિન તૈયાર હોય.
કાંઈ કામ કરવા જાય એટલે મમ્મી કહેતા રહેવા દે બેટા તારે ઓફિસ નું પણ કામ હોય ને તો થાકી જઈશ, હું છું ને કડેધડે બધું સંભાળી લઈશ.
ચાર્મી નાં આંખ માં જળજળીયા આવી ગયા મમ્મીને વળગી પડી અને તૈયાર થઈ ઓફિસ જવા નીકળી પણ આજે એનો ફોન બંધ હતો, જોઈ મંડળ માંથી કોઈ બોલ્યું જોયું મા ઘરે આવી ગઈ એટલે ફોન પણ પર્સ માંથી બહાર નહીં નીકળે.
સાંજે ચાર્મી ના મમ્મી નીતા બેન શાકભાજી લેવા નીચે ઊતર્યા મહિલા મંડળ ને વાત કરવી હતી પણ નીતા બેન નો રૂઆબ જોઈ કોઈની બોલાવાની હિંમત ન ચાલી, અડધો કલાક પછી શાકભાજી લઈ નીતા બેન પાછા આવ્યા અને થાક ઊતારવા બેન્ચ પર બેઠા.
લાગ જોઈ મંડળ માંથી એક બેન કેમ છો બોલી વાતચીત શરૂ કરી, નીતા બેને પણ હસીને જવાબ આપ્યો અને બોલ્યા હું તો એકદમ મજામાં પણ તમે બધા અહીંયા જે બધાના વખાણ કરતા બેસો છો એ વીશે મારી દિકરી અવારનવાર ફોન પર જણાવતી હતી.
અને દિકરી મમ્મી ને ફોન કરે તો ખોટું શું છે ?
જરા વિચારો જેની કૂખ થી જન્મી હોય, એના સાથે પોતાનું બચપણ વિતાવ્યું હોય અને વીશ પચ્ચીશ વર્ષ એની પરવરીશ માં પાંગરી હોય એને ભુલાવી દેવાની ?
એને હક્ક છે એની મમ્મી સાથે વાત કરવાનો.
હા એ મમ્મી ને ફોન કરી કાંઈ ખોટું કરતી હોય તો હું પણ એનો વિરોધ કરૂં.
તમારા જમાના માં મોબાઇલ ની સગવડ ન્હોતી એટલે તમે આનો વિરોધ કરો છો, તમને આવી સગવડ મળી હોત તો તમે પણ આવું જ કરત.
તમારી દિકરી તમને ફોન કરે તો સારી પણ તમારી વહુ એની મમ્મી ને ફોન કરે તો ખરાબ.
તમને ચાર્મી વિશે ખબર નથી પણ એને ફોન પર વાત કરતી જોઈ અનુમાન લગાડી ગમેતેમ બોલતા હતા પણ સાચી હકીકત સાંભળો, હું ચાર્મી ની મમ્મી છું એ વાત સાચી પણ પરણ્યા પછી ની મમ્મી એટલે કે હું ચાર્મી ની સાસુ છું.
અને કાર્તિક મારો સગો દિકરો છે પણ અમુક વાતે અમારા મતભેદ હતા મનભેદ નહીં અને એ પણ મારી દિકરી ચાર્મી એ પોતાની સુજબુજ થી દૂર કર્યા છે.
સાંભળી મહિલામંડળ ના પગ નીચેથી ધરતી ખસકતી લાગી.
નીતા બેન આગળ બોલ્યા તમને ખબર છે દિકરી ને મા તરફ ધકેલવાનો મોકો આપણે જ આપીએ છીએ, આપણે જ એને પારકા ઘરની સમજી અપનાવતા નથી અને પછી કહીએ કે એ આખો દિવસ માને ફોન કરતી રહે છે.
અરે તમારી વહુ ને દિકરી સમજી વ્યવહાર કરો એ પણ પોતાનું બધુ છોડી તમારી પાસે આવી છે એને દિકરી તરીકે અપનાવો તો બધી વહુઓ એમની મમ્મી ને સ્થાને તમને બેસાડી તમારી પૂજા કરશે બિલકુલ મારી ચાર્મી ની જેમ.
વધુ પડતું બોલાઈ ગયુ હોય તો માફ કરશો અને જય શ્રીકૃષ્ણ કહી નીતા બેન પોતાના ઘર તરફ ચાલતા થયા.
મહિલા મંડળ ને સાંભળી લેવા સિવાય બીજો કોઈ રસ્તો ન્હોતો એથી એ પણ બધા પોતપોતાના ઘર તરફ રવાના થઈ ગયા.