ચેતનવંતી ચેતના
આ વાતની શરૂઆત થાય છે લગભગ ૨૦૦૯ ની પુર્ણાહુતી અને ૨૦૧૦ ના પ્રારંભથી. એક દાયકો પૂર્ણ થવા આવ્યો. અમારા ઘર થી બે મકાન છોડી એમનું ઘર હતું. શરૂઆતમાં એમનું પરિવાર ચાર વ્યક્તિનું હતું. બે પતિ પત્ની પોતે અને બે એમના સંતાનો. સંતાનોમાં એક દીકરો અને એક દીકરી હતા. દીકરાને કાનો કહી બોલાવતા હતા અને દીકરીને ગોપી કહેતા હતા. દીકરો અસલ કાના જેવો જ સામર્થ્યવાન હતો. ગોકુલઅષ્ટમી નો જન્મ હોવાથી ઘરના અને શેરી મહોલ્લાના બધા એમને કાનો કહીને જ બોલાવતા હતા. શરૂઆતમાં અમે એ શેરીમાં નવા હોવાથી મારા ધર્મપત્ની અને એ મકાન નં -88 વાળા મેડમ માત્ર આંખ ના ઈશારાવાળો જ હાય..., હેલો..., નો કહેવા પૂરતો સંબંધ ધરાવતા હતા. નામ એનું ચેતના પણ મારા મનમાં એની છાપ શરૂઆતથી '' લેડી સિંઘમ '' જેવી પ્રસ્થાપિત થઇ ચુકી હતી. લેડી સિંઘમ એટલા માટે કે એનો ચેહરો જોતા થોડી અંદરથી ગભરામણ થવા લાગે પરંતુ અંદરથી સાવ નરમ અને હસમુખી...!! વાત નીકળી એટલે જરા કહી દઉં કે એમના શ્રીમાન નું નામ હસમુખભાઈ છે. એમનું તો નામ જ હસમુખ છે બાકી તો ચેહરો જોતા સિરિયસ કેસ લાગે આવું અમે કોઈ નહિ પણ એમના શ્રીમતીજી ના મુખારવિંદ માંથી જ ઘણી ઘણી વખત સાંભળેલું.
એનામાં ઘણા ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા હતા. શેરીમાં કોઈને પણ સામાન્ય તકલીફ કેમ ન હોય તો પણ સૌ પ્રથમ તકલીફ આ લેડી સિંઘમ ને જ થતી હોય છે. કદાચ એમના ઘરથી પાંચમા ઘરે કોઈને તાવ આવ્યો હોય, કે સામેના ઘરે કોઈનું માથું દુઃખતું હોય, કે છેવાડા ના ઘરે કોઈનું છોકરું રડતું હોય. એટલે તો મેં કહ્યું ને કે એનામાં જથાબંધ ગુણો સચવાયેલા હતા. જરૂરિયાત પ્રમાણેના ગુણો એનામાંથી સૌ સીંચી લેતા હતાં. આજ લેડી સિંઘમ ક્યારેક નિરુપા રોય બનીને એક માતાનું પાત્ર , તો ક્યારેક ફરીદ જલાલ બનીને એક પ્રેમાળ આન્ટીનું પાત્ર પણ ભજવી લેવામાં કુશળ હતા. મધર ટેરેસાની માફક સામાજિક સેવાનું એમનું કાર્ય તો અવિરતપણે ચાલ્યા જ કરતું રહેતું હતું અને હજી પણ તેમનો આ યજ્ઞ ચાલુ જ છે અને કદાચ રહેશે. બીજાનું દુઃખ કદાચ એમને નહિ જોવાનું એમનો જીવનમંત્ર હશે એવું હું ચોક્સપણે માનું છું. કારણ કે એમના જીવનને મેં અને મારા પરિવારે એટલું બધું નજીક થી જોયું છે કે એ ચેતના ની ચેતનવંતી વેદના હું ચોક્સપણે સમજી શકું છું.
ધીમેધીમે ૨૦૧૦ થી વણાયેલો એ સંબંધ હવે હળવેથી તાંતણો બનવા લાગ્યો હતો. મારા ધર્મપત્ની ને તો એમની સાથે જાણે કે આગલા સાત જનમ ની જુગલબંધી હોય અને પાછલા ચૌદ જનમ સુધી નિભાવવાના હોય એવું જામતું હતું અને આજે પણ એવુ જ જામે છે. સાથે પાપડ વણવા , તહેવારોમાં મીઠાઈ કે ફરસાણ બનાવવા જેવા કાર્યોનું એ લોકો સાથે રહીને જ સાહસ ખેડતા રહેતા. એકલા ન ખાવું એ આપણા સ્વભાવમાં નથી. એ ન્યાય પ્રમાણે ગમે ત્યારે કોઈ પણ સારી વસ્તુ એમના ઘરે બની હોય કે અમારા ઘરે બની હોય એ ચીજ દાણચોરી ના માલ ની જેમ આ ઘરથી એ ઘર સુધી હેરફેર થયા કરતી હતી. એ મારા ઘર પ્રત્યે જેમ મીઠાઈ બાટવામાં કંજુસાઈ ન કરતા એજ રીતે મુસીબત બાટવામાં પણ ખરા ઉતારતા હતા. અને અમારા ઘરને પણ એ ઘર પ્રત્યે ખુબજ લાગણી હતી. એમના ઘરના પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિમાં દૈવીવૃત્તિ નો વાસ રહેતો અને એટલા માટે જ કદાચ એ ગમે તેના દુઃખમાં ભાગ લેવા માટે તત્પર રહેતા હતા. અમારી આખી શેરીમાં ગમે તેને કામ હોય અથવા તો કંઈપણ ચીજવસ્તુઓ લેવા માટે બજારમાં મોકલવામાં ચેતનાબેન ના કાનાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારે તો કદાચ એ કાનો હવે થોડો મોટો થઇ ગયો હોવાથો તેના અભ્યાસના કારણે હવે તેને કોઈ કંઈપણ જાતનું કામ ચીંધતું નથી. કહેવાય છે ને કે જે ઘરમાં ધન ઓછું હોય એ ઘરમાં કલા નો વ્યાપ વધારે હોય છે. બસ એજ રીતભાત પ્રમાણે બંને બેન-ભાઈ કાનો અને ગોપી ના હાથમાં જાણે ચિત્રકલાનો જાદુ જોવા મળતો હતો. ચિત્રકલામા બંનેનો અવ્વલ નંબર જ આવતો હતો. કુદરતનો આદિકાળથી ચાલ્યો આવતો એક ક્રમ રહ્યો છે કે એ જે ઘરમાં ધનનો વૈભવ નથી આપી શકતો એ ઘરમાં એ સુખનો વૈભવ સંતાનો ડાહ્યા ડમરા આપીને એનો બદલો વાડી દે છે.
પ્રારબ્ધ પાસે બધું જ પાંગળું છે , એનાથી તો ખુદ કુદરત પોતે પણ બાકાત નથી તો આ કાળા માથાના માનવીની શું ઔકાત છે....?? આપણને ઘણી વખત એવો વિચાર આવતો હોય છે કે મેં તો સ્વપ્નમાં પણ ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું તો પણ ભગવાન શા માટે મારા પ્રત્યે જ ભેદભાવ દાખવે છે. આવા વિચારો ક્યારેય આપણે કોઈ સાથે શેર કરતા નથી અને મનમાં ને મનમાં આપણી જાતને આપણે કોતર્યાં કરીએ છીએ. પણ જે કુદરતની રીતભાત છે એમાં તો કોઈ પણ જાતનો ફેરફાર થવાનું તો સંભવ જ નથી...!! બસ આજ રીતભાત લેડી સિંઘમ ચેતનાબેન સાથે બિલકુલ બંધ બેસતી હતી. ક્યારેય કોઈનું ખરાબ ન કરનારી અને સૌ ના દુઃખમાં ભાગીદારી નોંધાવનારી ચેતનાબેનના ઘરમાં જ કેમ દવાખાનાનો માર બહુજ વધારે પ્રમાણમાં રહેતો હતો. એમ કહી શકાય કે એમનું શરીર અંદરથી તો સાવ કાચના કચકડાનું હતું. કહેવાનો મતલબ કે એમના શરીરમાં એટલા બધા ઓપરેશન કરેલા છે કે તેમનું શરીર અંદરથી સાવ નાજુક થઇ ગયું હતું. શરીર ભલે નાજુક હતું પણ મનોબળ તો સિંહણનું હતું. સિંહણ ગમે તેવી ઘાયલ થાય પણ તેનું મનોબળ તો એકદમ અકબંધ જ રહે છે. આ કિસ્સામાં પણ એવુ જ કહી શકાય એમ છે. કેમકે આટલા બધા ઓપરેશનો હોવા છતાં પણ એમનો ચહેરો સદાય ને માટે હસતો જ હોય છે. તેમનો દયામણો ચહેરો જોવો કે હરણ ની નાભિમાંથી કસ્તુરી શોધવી એ બંને સમાન કાર્યો છે. એમને ઘણા ભયંકર રોગોમાંથી પણ પોતાની પાસે રહેલા લોખંડો મનોબળ થકી જ છુટકારો મેળવ્યો છે અને એમાં એને જીત હાંસિલ કરી છે.
સામાન્ય તાવ અને શરદીના રોગ તો તેના માટે મચ્છર મારવા સમાન રોગ હતા. એવા દર્દ માટે તો દવાખાને જવાનું પણ ન થતું હતું. માંડ થોડાક દિવસ થયા હોય ત્યાં એના મોઢામાંથી દવાખાનું શબ્દ અચૂકપણે સાંભળવા મળેજ. ઘણી વાર તો અમારા ઘરેથી ખુશખબર પૂછવા માટે અમસ્તો કોલ કર્યો હોય પરંતુ ત્યાંથી દુઃખ ખબર થી જ શરૂઆત થાય. છેવટે કઈ ના હોય તો એ ચાલવા ગયા હોય ત્યાં ગાડીવાળા ઠોકર મારીને ચાલ્યા જાય. થોડા સમય પહેલા મેં કોલ કરેલો ત્યારે જાણવા મળ્યું. મારી પત્નીએ તો અમસ્તો એમજ તબિયત પૂછવા માટે કોલ કરેલો ને સામેથી બગડેલી તબિયત ના સમાચાર સાંભળેલા. એવું તો ક્યારેક જ બન્યું હશે કે એમે કોલ કર્યો હોય ને દુઃખદ સમાચાર સાંભળવા ના મળે,..!! એ દુઃખદ સમાચાર સંભળાવતા હોય ત્યારે કોઈ સનસની ખેજ બુલેટિન પર સંભળાવતા હોય એવું લાગે. શરીરમાં એટલા બધા ઓપરેશનો છે કે વધારે જોશથી છીંક ખવાઈ જય કે વધારે ઉધરસ આવી જય તો જુના ઓપરેશન ના ટાંકા ખુલી જાય. અને એક વાર તો એવું પણ બનેલું કે આગળ એક ગાંઠ કાઢવા માટે જે સર્જરી કરાવી તેના ટાંકા ખુલી ગયા. ન હોય એવી સમસ્યા એના શરીરમાં આપોઆપ આવી જતી હતી. એક વખત રસોડું સાફ કરતા હતા અને ટેબલ પરથી ગબડી ગયા. કહેવાય સામાન્ય પણ દોઢ મહિનાનો પાટો આવ્યો. સારી હોસ્પિટલમાં એક્ષ-રે લેવડાવ્યો ત્યારે ખબર પડી કે એક પગની હાંસડી ભાંગી ગઈ અને એક હાથનું હાડકું ક્રેક થઇ ગયું હતું. બે વખત હર્નિયા નું ઓપરેશન કરાવેલું , એક વખત એપેન્ડિક્સ નું , એક વખત પથરીનું , બે વખત સીઝર કરેલું આમ ઘણી શસ્ત્રક્રિયા એમના શરીર પર કરવામાં આવેલી. ઘણી વખત તો એ જાહેરમાં એવું કહેતા હતા કે: હું તો મારા કાનાને કહું છું કે , જો તું ડોક્ટર બનીશ તો મારા આ મુલવાન દેહમાંથી તને ઘણું શીખવા મળશે. પછી પાછા પોતે ખડખડાટ હસતા જાય હા..હા..હા.. શરીરમાં આટલા ફોલ્ટ ઓછા હતા ત્યાં ન જાણે ક્યાંથી સ્તનમાં ચેપ લાગ્યો હશે...!! અને અચાનક એક દિવસ છાતીમાં થોડો દુખાવો થયો પણ એમને તો દર્દ ને સામાન્ય ભાષામાં લેવાની પહેલેથી ફાવટ આવી ગઈ હતી. પણ આ દર્દ ધીમે-ધીમે વધતું જતું હતું. દવાખાને બતાવા ગયા ત્યારે એમની સાથે મારા શ્રીમતીજી પણ હતા. ડોકટરે શંકા વ્યક્ત કરતા કહ્યું કે , રિપોર્ટ કરાવવો પડશે. ડોક્ટર રિપોર્ટનું કહે ત્યારે મન શંકાઓના દાયરામાં તો ઘુસી ચૂક્યું હોય છે. પણ આવા સમાચાર સાંભળીને સ્વંય પર સંયમ જાળવવો એ મહત્વનું છે. સ્વંય પર સંયમ જાળવવામાં તો આ લેડી સિંઘમ ખુબજ આવડત ધરાવતા હતા. કેન્સર શબ્દ ખુબજ મોંઘો શબ્દ છે. એ હોય કે ન હોય એ તો રિપોર્ટ અને ઉપરવાળાની મરજી બતાવે પરંતુ એ શબ્દ સાંભળીને જાત સંભાળવી એ તો ચેતનાબેન પાસેથી ઘણું શીખવા મળે. મને બરોબર યાદ છે એ દિવસે કે જયારે હું કામ પરથી આવ્યો અને અમે જમવા બેઠા ત્યારે જમતા-જમતા મારા શ્રીમતીજી એ ખરાબ સમાચાર સંભળાવ્યા કે આજે હું ચેતનાબેન સાથે દવાખાને ગઈ હતી. ડોકટરે સ્તનને લગતો રિપોર્ટ કરાવવાનું કહું છે. હું સમજી ગયો. અમે હજુ જમીને ઉભા થયા ત્યાં તો ચેતનાબેન હાથમાં રિપોર્ટ નું કાગળ લઈને હસતા હસતા આવી ગયા. એનામાં એક અનેરું જોમ હતું કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ ડગી જાય એ આપણે નહિ હો......!! રિપોર્ટ મારા હાથમાં મુકતા કહું જુઓજી હજી શું બાકી રહી ગયું હશે..? મેં રિપોર્ટ ફક્ત જોવા ખાતર જોયો કારણ કે મેડિકલ સાયન્સ ની લેંગ્વેજ આપણે શું સમજીએ..?? પરંતુ દિલાસા ખાતર મારી ફરજ હતી કે મારે તે રિપોર્ટ જોઈ લેવો જોઈએ. થોડીવાર રિપોર્ટમાં નજર ફેરવી મેં આશ્વાસન આપતા કહ્યું કે, મારુ મન કહે છે કે , તમારો રિપોર્ટ અવશ્ય નેગેટિવ જ આવશે. આટલું સાંભળી એ હસતા હસતા ચાલ્યા ગયા અને જતાંજતાં બોલ્યા કે , '' મારા ઠાકોરજી ની ઈચ્છા ''.
બીજા દિવસે સ્તન કેન્સર નો આગળના દિવસે કરાવેલા ટેસ્ટ નો રિપોર્ટ લેવા જવાનું હતું. એમના શ્રીમુખ પર તો જાણે એમકે હોકીમાં મેળવેલી જીત ની ટ્રોફી લેવા જવાનું હશે એમ બાહ્ય હાસ્ય રેલાવતા જતા હતા. પણ મનોબળ કામ કરી ગયું. રિપોર્ટ નેગેટિવ આવ્યો. પછી તો લેડી સિંઘમ નીકળ્યા શેરીમાં વધારેલું શ્રીફળ અને સાથે સાકર લઈને. શરૂઆત કરી અમારા ઘરેથી. જયારે આગલા દિવસે આવ્યા ત્યારે પણ હસતા હતા અને જયારે રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે પણ હસતા હતા. અમારા ઘરે આવ્યા ત્યારે મેં તક ઝડપીને તરતજ કહ્યું કે જુઓ મેં કહ્યું હતું ને એમજ થયું ને..!! એના હાથમાં જે થાળી હતી તેમાં શ્રીફળ અને સાકર તથા એક ડબીમાં થોડું ઘોળાયેલું કંકુ હતું. મારી વાત સાંભળીને એને કંકુનો ચાંદલો કર્યો અને મારા ગાલે હળવી થાપલી મારીને ચાલ્યા ગયા. એના નેગેટિવ રિપોર્ટ થી અમોને બંનેને થોડો હાશકારો થયો. મને એ દિવસો પણ હજુ યાદ છે કે જ્યારે એક વખત મારી પત્નીને કસુવાવડ થઇ ગઈ હતી ત્યારે સૌથી પહેલી ખીચડીનો વાટકો એમના ઘરેથી આવતો હતો અને એ પણ પોતે બીમાર હોવા છતાં...!! મેં ઘણી વખત જોયું છે કે ગમે ત્યારે , ગમે તેને , ગમે તેટલું દવાખાનું દૂર કેમ ન હોય પણ ચેતનાબેન પાસે સમય અવશ્ય હોય. એક વખત રાત્રે મારી પત્નીને પેટનો જૂનો દુઃખાવો ઉપડ્યો કેમેય કરીને રાત્રી તો ઘરગથ્થુ ઉપચાર કરી પસાર કરી પણ દુઃખ હજુ એટલું ને એટલું જ હતું. બપોરે અગિયારેક વાગ્યે એક મોટી હોસ્પિટલ માં બતાવવા જવાનું થયું. બપોરના સમયે બધાને છોકરાઓ ને શાળાએ મુકવા જવાના હોય છતાં પણ ચેતનાબેન અમારી સાથે આવવા તૈયાર થયા. એમના છોકરા પણ એટલા સમજુ કે ક્યારેક એમની મમ્મી ને કામ હોય તો જાતે તૈયાર થઈને શાળાએ જાતે જ જતા રહે.
અમે જયારે પણ થોડા વધારે સમયગાળા ના અંતરે ફોન કરીએ અથવા તો એમનો ફોન આવવામાં સમય લાગે તો સમજવું કે પાછા દવાખાનાના વાદળો ઘેરાયા લાગે છે. અને ખરેખર બને પણ એવુ જ..!! મારી પત્ની તો કયારેક કયારેક મજાકમાં એવું પણ કહેતી કે તમારે લોકોએ તો ખરેખર એક સારા એવા દવાખાનાની બાજુમાં જ રહેવા ચાલ્યા જવું જોઈએ તો એ પણ હંસતા મોં એ સ્વીકારભાવ સાથે આપણી વાતમાં સુર પુરાવતા રહેતા. એમના મુખેથી ઘણી વખત તો કરુણાસભર વાતો પણ સાંભળવા મળતી હતી. એમાની એક વાત મને યાદ છે કે એક વખત ચેતનાબેન એવું કહેતા હતા કે ઘણી વખત પોતે બીમાર પડતા તો ડોકટરે આઈસ્ક્રીમ ખાવાનું કહેતા હતા પણ પરિસ્થિતિ ને આધીન ઘરમાં એકજ આઈસ્ક્રીમ આવતી તો તેમના બંને છોકરા જીદ કર્યા વગર જ રુમની બહાર જતા રહેતા હતા. એક માં નું હ્ર્દય ક્યારેય પણ સારી ચીજવસ્તુઓ પોતાના બાળકો ને મૂકીને ખાવામાં માનતું ન જ હોય પરંતુ ક્યારેક સમય ને આધીન થઈને ન છૂટકે કઠોર બનવા મજબુર થવું પડે છે. તેમના મુખેથી ઘણી વખત તો એવું પણ કહેલું કે મારા છોકરાવે ક્યારેય પણ સારું ફ્રૂટ ખાધું પણ નહિ હોય અને ક્યારેય કોઈ પણ વસ્તુઓની જીદ પણ નથી કરેલી કે ક્યારેય કોઈ પણ જાતની ફરિયાદ પણ નથી કરેલી. ત્યારે આપણે ખરેખર ઈશ્વર ને માનવો પડે કે વાહ ભગવાન કેવી સરસ વ્યવસ્થા છે તારી કે તે જે ઘરમાં ધન ની થોડી કમી આપી તો ઘરના સભ્યોની હોજરી પણ સાવ સીધીસાદી આપી વાહ રે ભગવાન.....!!
એના બંને સંતાનો કાનો અને ગોપી એ બંને ભાઈ-બહેનનું વ્યક્તિત્વ જન્મથી જ તન, મન, અને ધનથી સાવ સરળ અને સાદગીભર્યું હતું. બંને ભાઈ-બહેન પાસેની કોઈ પણ ચીજ તમને ક્યારેય પણ ઉચ્ચ ગુણવતાની મતલબ કે મોંઘીદાટ હોય એવી જોવા મળે નહિ. આપણે એમને પૂછીએ તો પણ સરસ જવાબ મળે કે '' મને એ નો ગમે ''. એનો સાફ મતલબ છે કે મન થી ગમે છે પણ ધનથી પરવડે તેમ નથી. કેટલા ઉચ્ચ સંસ્કાર છે...!! પણ આ બધું તો લોહીમાંથી આવતું હોય છે. કહેવાય છે ને કે ભગવાનના ઘરે અન્યાય શબ્દનો ઉપયોગ થતો નથી. એ હિસાબથી જોઈએ તો સંતાન એ સંપત્તિ છે એ ડાહ્યા અને સમજુ હોય તો એ સંપત્તિ આપણને ફળી કહેવાય. ચેતનાબેનને પણ ધનની નહિ પણ સંતાનરૂપી સંપત્તિ ફળીભૂત થયેલી છે. એના સંતાનોની આપણે ફક્ત વાતો કરીએ તો ન સમજાય પરંતુ આપણે તેનો વ્યવહારિક અનુભવ કરીએ તો જ આપણને ખ્યાલ આવે કે ખરેખર તેના સંતાનો કંઈક અલગ માટીના છે.
પોતે તો દુઃખ ના બડભાગી છે જ પણ ઘરના સભ્યો પણ એમાં થોડા ઘણા અંશે હિસ્સેદાર છે. એમના પતિદેવે ખેતી કામમાં ખુબજ રાત ઉજાગરા કર્યા હોવાથી તેની આંખો એટલી હદે થાકી ગઈ હતી. ધીમે ધીમે આંખો નિસ્તેજ થવા લાગી હતી. આથી તેનો ઈલાજ સમયસર કરાવવો પડે એમ હતું. એ પણ પાક્કા કર્મયોગી કામ સિવાય કોઈ સાથે વાતચીત બિલકુલ નહિ. વિશેસમાં એને પણ પથરીનો દુખાવો અને ક્યારે ઉપડે એનું નક્કી નહિ એટલે એનું પણ ઓપરેશન લગભગ બેએક વખત કરાવેલું. વળી થોડા દિવસ થાય ત્યાં છોકરા-છોકરી ને આંખના સામાન્ય નંબર ચેક કરાવવા લઇ જવા પડે. એમાં વળી થોડા દિવસ થાય ત્યાં ચશ્માં ખોવાઈ જાય અથવા તો કોઈ તોફાની છોકરા મસ્તીમાં તોળી કાઢે. એટલે પડ્યા માથે પાટુ જેવો ઘાટ રચાઇ જાય. કાનાએ બહુ કીધું ત્યારે એના પપ્પાએ એક જૂની સાઇકલ લઇ દીધી. એ સાઇકલ લઈને એ અમારી ઘરે આવ્યો તો પાછળથી એની સાઇકલ ચોરાઈ ગઈ. ત્યારે એ છોકરાના મુખ પર મેં જે ભાવ જોયા ત્યારે મને અંદરથી એટલું દુઃખ થયું કે કદાચ એ સાઇકલ ચોર મળી જાય તો હું એને ઢીબી જ કાઢું. એ છોકરા પ્રત્યે મારી લાગણીઓ જાગી ઉઠી અને મેં તેને પ્રોમિસ આપ્યું કે , બીટા તારી સાઇકલ નહિ મળે તો હું તને બીજી લઇ દઈશ. એ છોકરા પર આજે પણ મને બહુજ લાગણી છે.
દુઃખના વહાણો તો ચેતનાબેનથી કોસો દૂર રહે. એ સ્ત્રીનું મનોબળ એટલું મજબુત છે કે એના ચહેરા પર તો દુઃખનું પેઇન્ટિંગ જોવું અશક્ય છે. દુઃખમાં પણ સુખ ભોગવે એનું નામ ચેતના. જયારે એના પર કઈ પણ સંકટનું વાદળ ઘેરાયેલું હોય ત્યારે તો એના મોઢેથી અવનવી વાતો સાંભળવા અવશ્ય મળે. એક વખત એ કપડાં ધોતા જતા અને વાતો ના તડકા પણ માર્યે જતા હતા. આજુબાજુની સ્ત્રીઓ પાછી એના સૂરમાં સુર પણ પુરાવે. એ પોતાના કોલેજકાળની વાતો કરી રહ્યા હતા. એણે હોંશે-હોંશે પોતાની વાત માંડી કે, એક વખત મારી કોલેજમાં બ્યુટી કોમ્પિટિશન હતી. બધા બહુજ મારી પાછળ લાગ્યા કે તું કેમ આ વખતે કોમ્પિટિશનમા ભાગ નથી લઇ રહી. તો મેં કહ્યું કે હું તો દર વખતે ફર્સ્ટ આવું છું એટલા માટે આ વખત બીજાને ચાન્સ મળવો જોઈએ ને...!! અને પછી સાથે કપડાં ધોનારી પાડોશ ની બધી સ્ત્રીઓ ખડખડાટ હસવા લાગતી. એ થોડા ભીના વાને હતા એટલે આડોશ-પાડોશ ની સ્ત્રીઓ એને એશ્વર્યા કહીને પણ ચીડવતી રહેતી હતી. નામ એમના પતિદેવનું હસમુખ હતું પણ એમનો ચેપ ચેતનાબેનને લાગ્યો હતો. એ હંમેશા હસતા જ જોવા મળે. તમે ગમે તેવી ટીખળ કરો તો પણ ચેતનાબેનને માઠું લાગવાની ખબર જ ન પડતી. એતો બસ એની જિંદગીમાં મોજથી જીવતા જ જાય છે.
ઘરની સ્થિતિ સામાન્ય હોવાથી આર્થિક રીતે ઘરમાં મદદગાર થવા માટે એ નાનું-મોટું કઈ પણ કામ કરતા રહતા. પોતે ભણેલા હોવાથી ધીમે-ધીમે ટ્યુશન ચાલુ કરવાનો વિચાર કર્યો. શરૂઆતમાં તો કોઈ પૂછવા જ ના આવ્યું. તો પણ એની હિમ્મત ને દાદ આપવી પડે કારણ કે કોઈ પૂછવા ન આવ્યો તો એ પણ હસતા મોઢે જ નહિ પણ ખળ ખળ હસતા જાય અને એમ કહેતા જાય કે , આ વર્ષે નો મળે તો કઈ નહિ આવતા વર્ષે વાત. એના મોઢે નબળી વાત જ ન હોય ને...!! અને થયું પણ એમજ ખરું કે બીજા જ વર્ષે ત્યાં ઘણા વિદ્યાર્થીઓ ટ્યુશનમાં આવવા લાગ્યા. આ ચમત્કાર હતો તેની સકારાત્મક વિચારધારા નો....!! માણસની અંદર પડેલી શક્તિઓ જ તેને જીવન સંગ્રામમાં જોશથી જીતાડે છે. ચેતનાબેનના જીવનમાં પણ ઘણા કિસ્સો એવા છે કે એણે હારેલી બાઝીઓ પણ જીતી બતાવી છે. એના જીવનમાં ટ્યુશનનો યોગ આજ દિવસ સુધી અવિરત ચાલુ જ છે. છોકરાઓ ને ભણાવવાથી લઈને બીજી પણ ઘણી પ્રવૃત્તિઓ કરતા રહે છે. પોતાના શેરી-મહોલ્લાના લગભગ ૮૫ થી ૯૦ છોકરાઓ ની અમ્માનું કામ કરે છે. નાના છોકરાઓ તેને પજાવવામાં બિલકુલ કચાશ ન રાખે તો પણ એનો શિક્ષણરૂપી આશ્વમેઘયજ્ઞ તો અવિરતપણે ચાલુ જ હતો. છોકરાઓ ના મળમૂત્ર સાફ કરવા , નાક સાફ કરવા તથા બીજી ઘણી એવી પ્રવૃત્તિ હતી જેમાં એને બિલકુલ સૂગ ન આવતી. આપણે એની ઘરે જઈએ તો આપણને તો નંદ ઘરમાં આવ્યા હોય એવો એહસાસ થવા લાગે. કોઈ બાળકો ના રડવા ના અવાજ, તો કોઈ બાળકોના કલરવ તો કોઈ બાળકોની ફરિયાદના શબ્દો કાને સંભળાતા હોય. જાણે કે જસોદામાં કેટલા બધા કાનાને મમતા આપવા ન બેઠી હોય એવું લાગે. જેવી રીતે શાળાએ બધા જ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય એવી રીતે ચેતનાબેનના ટ્યુશનમાં પણ બધીજ જાતના તહેવારો ઉજવવામાં આવે એક વખત મને આ વાતની ખબર પડી કે ચેતનાબેન તેમના ટયુશનમાં ઘણા બધા તહેવારો બાળકો સાથે ધૂમધામથી ઉજવે છે જેમકે, આપણા રાષ્ટ્રીય તહેવારો પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી હોય ત્યારે છોકરાવને ઘરેથી તિરંગા બનાવીને લઇ આવવાના અને આખી સોસાયટીમાં રેલી કાઢવાની એક અનોખી પ્રથા બનાવેલી. જયારે જન્માષ્ટમી જેવા ધાર્મિક તહેવાર હોય ત્યારે છોકરાવ ને ઘરેથી કાનુડા બનીને આવવાનું અને છોકરીઓને ગોપીઓ બનીને આવવાનું થતું હતું. ત્યાં સુધી તો વાંધો ન હતો કે બાળકો ને ફક્ત તહેવારો પૂરતું સીમિત હતું પરંતુ એક વખત તો ચેતનાબેને નાના એવા પ્રવાસનું આયોજન કર્યું જે આયોજન સફળ ન રહ્યું. પ્રવાસના આયોજનની તો મને બાદમાં ખબર પડી પછી મારાથી ન રહેવાયું એટલે મેં ચેતનાબેનને હળવો ઠપકો આપ્યો કે તમે શું કામ આવા ખાતરભર્યા અખતરા કરો છો...?? તો બાજુમાં બેઠેલી એમની દીકરી ગોપી પણ કહેવા લાગી કે , હું પણ એને બહુજ ખિજાવ છું કે તું શું કામ આટલી મોટી જવાબદારી ઉઠાવે છે કે જે આપણા હિતમાં નથી...!! પણ આ તો ચેતનાબેન છે ગમે એમ તો લેડી સિંઘમ કહેવાય હો.....!! સાવ આસાનીથી અને પાયા વિહોણો એવો જવાબ આપે કે '' એમાં કાંઈ નો થાય હવે ''. અને આપણે માનવું પણ પડે કે ખરે ખરે કંઈપણ નો થાય...
આખા મહોલ્લમાં ચેતનાબેનની એવી તો ધાક પડે કે, એ શેરીમાં નીકળે એટલે છોકરા છોકરીઓ પોતપોતાના ઘરમાં સંતાવા માંડે અને કદાચ ઘર દૂર હોય તો બીજાના ઘરમાં પણ પનાહ લઇ લેતા હતા. આવો રુઆબ છે લેડી સિંઘમ ચેતનાબેનનો....!! બાળકોને ડરાવે પણ અને લીલાલહેર પણ કરાવે. બાળકો માટે એ સરસ્વતી બનીને શિક્ષા પણ પીરસતા અને ક્યારેક ક્યારેક માં દુર્ગા બનીને તેમના હિત માટે ગમે તેની સામે લડી પણ લેતા હતા. છોકરાંઓ ના વાલીઓ ની ફરિયાદ પણ સાંભળે અને છોકરાઓ ની પણ સાંભળે એવું દ્વિવિચારક માનસ ધરાવતા ચેતનાબેન બધાની વાત સાંભળતા રહે છે. ક્યારેક ક્યારેક તો છોકરાઓના ટ્યુશન સિવાયના પોતાના વ્યક્તિગત ઝગડાળુ સવાલોમાં પણ તે મધ્યસ્થી બનીને ચુકાદો લાવવામાં સફળ રહ્યા છે. ઘણી વખત તો સામેવાળા ને અણગમો થતો હતો છતાં પણ તે વકાલત કરવા માટે પહોંચી જતા હતા. કારણ કે એ પોતાના એ પોતાના માયાળુ મન ના બંધનથી બંદીવાન હતા. સામેવાળાને ગમે કે ન ગમે પણ એમનો ઈરાદો સદાય ને માટે સ્પષ્ટ હોય છે કે સામેવાળાનું ગમે તે ભોગે કલ્યાણ...., કલ્યાણ...., અને કલ્યાણ....!!
એની પાસે કોઈજ સરકારી હોદ્દો ન હોવા છતાં પણ એનું કામકાજ સરકારી હોદાથી કઈ કમ નથી. તે પોતાના ઘરે પુષ્ટિમાર્ગીય સંપ્રદાયની નાના નાના બાલ-ગોપાલો ની પાઠશાળા ચલાવે છે. જેમાં બાળકો ને નાની વયથી જ સંસ્કારો પીરસવામાં આવે છે. સાથે સાથે બાળકોને જેમાં રુચિ પડે એવી દરેક પ્રવૃત્તિ કરવામાં આવે છે. બીજા હોદા તરીકે તે માયાળુ મનડું ધરાવતા હોવાથી સમાજના દુઃખ , દર્દ બાંટવા માટે તે એક સમાજસેવ પણ છે. કોઈના ઘરમાં કોઈ બીમાર રહેતું હોય તો તે દેશી વૈદપણું કરવા પણ પહોંચી જતા હોય છે. કોઈના અઘરા અને અટકેલા કામ બનાવવામાં પણ સહાયક ની ભૂમિકા અદા કરે છે. સાથે સાથે પોતાન ઘરને પણ તે ખુબ સરસ રીતે સાચવે છે. ઘરના બધાં સભ્યોને પણ ભાગે પડતું વ્હાલ આપી દે છે. એણે કોઈ દિવસ પોતાના કાર્યની જવાબદારીથી પીછે હઠ કરી નથી અને હાલ પણ પોતાની જવાબદારી અનોખી રીતભાત થી નિભાવી રહ્યા છે. ઘણીવાર તેમના ઘરના સભ્યો દ્વારા જ મીઠી રીતે ટોર્ચર કરવામાં આવે છે. છતાં પણ તે હસતા હસતા જ બધા ઘૂંટડા પી જાય છે.
આધુનિક નારીનું એક વળગણ રહ્યું છે કે જયારે જયારે તેમના માથે થોડું પણ સંકટ આવે ત્યારે તેને ઝટ દઈ પોતાનું પિયર સાંભળશે પણ ઘણી સ્ત્રીઓ આમા અપવાદની ભૂમિકા માં હોય છે અને લેડી સિંઘમ ચેતનાબેન પણ એ યાદીમાં જ હતા. ગમે તેવી મુસીબત હોય તો પણ ચેતનાબેનના પિયરિયાવાળા તો દેખાઈ પણ નહિ. એની સાથેના એક દાયકાના સંબંધમાં અમે ક્યારેય પણ એના મમ્મી-પપ્પા કે ભાઈ-ભાભી ને હજુ સુધી જોયા નથી. કહેવાનો સાફ મતલબ એવો છે કે ગમે તેવા દુઃખ-દર્દ હોય કર મુસીબતોના મહાસાગર ભીંજવે તો પણ તે એકલી લડી લે એવી સિંહણ છે. બીજાને પણ પાછા સલાહ આપતા ફરે કે '' એમાં વળી મમ્મી-પપ્પા ને શુ તેડાવવા હોય...?? '' આવા વાક્યો થી ખબર પડી જાય કે એના માં ઠાંસી-ઠાંસી ને કેટલું અદભુત જોમ અને જુસ્સો ભર્યા હશે...!! રોંદણાં રડવા એના શબ્દકોશની વિરુદ્ધ હતા. સ્વભાવના તીખા તેજીલા ખરા પણ એના કડવા વચનોમાં પણ સ્વાદિષ્ષ્ટ લાગે એવો સ્નેહનો સ્વાદ આવતો હોય છે.
એનું મન શ્વેત રંગની માફક સાફસૂથરું અને હૃદય પાણી જેવું ચોખ્ખું કોઈ પણ જાતની એમાં મિલાવટ નહિ. એને જે કહેવું હોય એ નિસ્વાર્થ ભાવે આપણી પ્રત્યક્ષ જ કહે ક્યારેય આપણી પરોક્ષમા તો વાત જ નહીં. એનો મારી સાથેનો સંબંધ કદાચ આગલા જન્મ નો હશે એવી ક્યારેક અનુભૂતિ થયા કરે છે. એનો કોલ આવે અથવા હું કોલ કરું અને પૂછું કે બોલો શુ કામ હતું...?? તો એનો જવાબ પણ સાંભળવl લાયક હોય : '' બસ તમારી યાદ આવ હતી એટલે કોલ કર્યો હતો ''. આવો જવાબ સાંભળીને તો કોઈપણ વ્યક્તિ હચમચી જાય પરંતુ મને એનો દૈવીગુણો થી ભરેલો અને નિખાલસ સ્વભાવ હવે સમજાય છે. એના મુખમાંથી ક્યારેક તો એ હદે રમુજી વાતો નીકળતી કે , ભલભલા શરમાઈ જાય. પણ હવે તો બધાજ એના માયાળુ-દયાળુ એવા જાતિગત સ્વભાવને જાણી ગયા હોવાથી એની સાથે વાત ચિત કરવામાં હવે સંકોચ અનુભવતા નથી. પણ એક ચમત્કાર છે કે એની સાથે શરમ નહિ પણ મુક્તમને સુખ દુઃખ ની વાતો શેર કરવાથી ઘણી વખત આપણા વણઉકેલ્યા સવાલોના ઉકેલ તદ્દન ફ્રી માં ઉકેલાઈ જાય છે. એની એક ખાસિયત અમારા આખા ઘરને બહુજ ગળે વળગે એવી વ્હાલી લગતી હતી. પોતાના ઘરના પ્રત્યેક સભ્યોની હાસ્યાસ્પદ વાતો હોય કે પછી ભૂલભરેલી વાતો હોય તે નિઃસંકોચપણે કહી દેતા બિલકુલ શરમાતા નહીં. તેની આ પ્રકૃતિ એ વાતની સાબિતી આપતી હતી કે તેનામાં સંપૂર્ણ સ્વીકારભાવ નામનો એક સદ્દગુણ પણ ધરબાયેલો હતો. સામાન્ય પણે આજનો માનવી પોતાના સારા વિચારો કે સારી આદતો દુનિયા સામે ખુલ્લી મૂકી દેશે પરંતુ પોતાના મનમાં ઘર કરી ગયેલા ગંદા વિચારો કે પરિવારમાં ચાલતા ક્લેશો સંઘરીને જ રાખશે. પરંતુ ચેતનાબેન નોખી માટીની અનોખી પુતળી હતી. એ એવું કહેતા હતા કે જે મારા ઘરમાં ચાલે છે એ કહેવામાં સંકોચ શાનો...?? એની વિચારધારા જરા જબરી હતી. ચેતનાબેન એવું માનતા કે સમસ્યા તો દરેક ઘરમાં હોય જ છે, તો પછી એને છુપાવવાની ક્યાં વાત જ છે..!! એનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. જેના પ્રત્યેક પાના પર દરરોજ અલગઅલગ કહાનીઓ લખાય છે અને ભૂંસાય છે.
એ સિંઘમ લેડીના જીવનનો પ્રત્યેક દિવસની શરૂઆત સંઘર્ષથી શરુ થાય અને અથાગ શ્રમ સાથે પૂર્ણ થાય. દવાખાના સાથે એનો ખૂબજ જૂનો નાતો હશે , કદાચ એ પૂર્વભવ ન પણ હોઈ શકે...!! અધૂરામાં પૂરું હતું ત્યાં એના જીવનમાં એક નવો વળાંક આવ્યો. એક નવો અધ્યાય શરુ થયો. આ અધ્યાય એના માટે અગ્નિપરીક્ષા સમાન હતો. લગભગ પાંચેક વર્ષ પહેલાની આ વાત હશે. એમના સાસુ-સસરા ત્યારે પોતાના વતનમા ગામડે રહેતા હતા. ત્યાં એક દુર્ઘટના ઘટી કે , એ દિવસ વહેલી સવારે તેમના સાસુ તુલસીના છોડ ને પાણી પાઇ રહ્યા હતા. ચોમાસાના દિવસો હતા. એટલે વહેલી સવારે થોડું અંધારું હતું. જેવો તે લોટો લઇ પાણી રેડવા ગયા ત્યાં તો એ ઘટાદાર તુલસીના છોડમા અંદર બેઠેલા સાપે ડંખ માર્યો. એ ડોશીમાં ને ત્યાં સારવાર તો મળી ગઈ પરંતુ હવે તેમનાથી કંઈપણ કામ થઇ શકે તેમ ન હતું. અને આમ પણ તે ઉંમરલાયક તો થઈજ ગયા હતા. આથી તેમના સાસુ-સસરા પોતાનું વતન છોડી ચેતનાબેન સાથે રહેવા માટે શહેરમાં આવી ગયા. એમનું નાનું એવું ઘર હતું. ઘરમાં અગાઉથી ચાર સભ્યો તો હતા જ હવે તેમાં બે નો વધારો થયો. દસ બાઈ દસ ના બે ઓરડાઓ તથા સાત બાઈ સાત નું રસોડું હતું. એમ ક્યાં લિવિંગ રૂમ ..., ક્યાં બેડ રૂમ.., ક્યાં કિચન..., ક્યાં વોશ બેસીન..., કય ક્યાં બાળકો માટે સ્ટડી રૂમ..., ક્યાં ઠાકોરજી નું મંદિર..., આવી બધી સવલતો આમાં ક્યાં હશે...?? છતાં પણ આપણને તો એમજ કહે કે , આવો ક્યારેક આપણા બંગલે બેસવા માટે...!! આવા રમૂજભર્યા ટહુકાની તો તેની પાસે ખાણ છે. કોઈ એમને કહે કે હવે તો તમારા દાદા અને બા ગામડેથી અહીં તમારી સાથે રહેવા કાયમ માટે આવી ગયા છે તો શું તમારા ઘરમાં હવે તો સાંકળ થતી હશે ને....?? ત્યારે એવો સરસ જવાબ આપતા કે સામેવાળા પણ ક્ષોભિલા થઇ જતા હતા. તે કહેતા કે, એણે મારા પતિને જે ભ્રુણમા સાચવ્યો એ ભ્રુણ તો મારા ઘરથી ક્યાંય નાનું હતું અને જગ્યા ઘરમાં નહિ પણ દિલમાં હોવી જોઈએ. આવો જવાબ સાંભળી સામેવાળા પાસે તો કઈ જ કહેવાલાયક રહેતું જ ન હતું.
એમના સાસુ-સસરા એમની સાથે રહેવા આવ્યા તો પણ એમના જીવનમાં કઈ જ ફેરફાર નહીં. પહેલા જેવુંજ હસતું , ખેલતું , દોડતું , અને ઉભરતું જીવન હજુ પણ ધબકે છે. વર્તમાન સમય થોડો પ્રભાવશાળી હોવાથી અત્યારે ઘણાખરા યુગલોને વૃદ્ધ લોકો સાથે મનમેળ બેસતો નથી. પણ ચેતનાબેનના મુખમાંથી એક વખત એવો શબ્દ સાંભળેલો કે , '' આ ડોહલાઓ તો ઘરનું તાળું અને છાપરું કહેવાય. એના આવા શબ્દોથી એની અંતર વેદના અને એની મનોદશા પારદર્શકપણે અલગ જ તરી આવે. એ પોતાના સાસુ-સસરા ને ખુબજ સ્નેહ આપે એ મેં માર સગી આંખથી ઘણી વાર નિહાળ્યું છે. એને પોતાના સાસુ-સસરા પ્રત્યે ક્યારેય પણ અન્યાય કર્યો નથી. મારી દષ્ટિએ તો એ પોતાના સાસુ-સસરાને જ પોતાના માતાપિતા માનીને ખરી સેવા કરી રહ્યા છે. એક દિવસ અમે એની ઘરે બેસવા માટે ગયા ત્યારે ચેતનાબેન પોતાના સસરા ને એક દીકરી જેમ પોતાના પિતાને હક થી ખીજાતી હોય એવા હકથી તે ખુબજ ગુસ્સથી ખિજાઈ રહ્યા હતા. ઘડીક તો મને કઈ સમજાયું નહીં કે તેણી શા માટે આ દાદા ને આમ ખીજાતા હશે એટલે મેં કુતુહલવશ થઈને પૂછ્યું કે શા માટે દાદા ને....?? તેનો જવાબ આ કળયુગી વહુઓ માટે ખુબજ પ્રેરણાદાયક હતો. એ કહેવા લાગ્યા કે '' એના માટે કાજુ-બદામ નાખીને દૂધ બનાવ્યું છે અને એ પિતા નથી ''. તેનો જવાબ સાંભળી મારા અંતરમાંથી ઉમંગની ઊર્મિઓ ઉછળવા લાગી કે , હાશ.........!! આ જમાના માં પણ...!! મારુ અધૂરું વાક્ય મારા હૃદય સોંસરવું નીકળીને આ બ્રહ્માડમાં ક્યાંક લુપ્ત થઇ ગયું. ઘણાને એવો સવાલ થશે કે , એમા વળી, કઈ નવીનવાઈ કે સાસુ-સસરાની આટલી સેવા કરે એમાં..?? પણ એની સેવામાં મેં ક્યારેય પણ મેવાની લાલચ જોઈ નથી એ વાત સનાતન સત્ય જેવી છે. એની આંખોમાં મેં હંમેશા નિઃસ્વાર્થભાવ ની સેવાના દર્શન જ કર્યા છે.
પ્રકૃતિ પોતાના ક્રમ પ્રમાણે પોતાનું કાર્ય કરતી જ રહે છે. માણસ વૃદ્ધાવસ્થામા પહોંચે ત્યારે એના જીવન માં ફરીથી બાળપણ ખીલવા લાગે છે. એના જીવનમાં ફરીથી જીદ નામનું તત્વ આવી જાય છે. આનું પ્રત્યક્ષ ઉદાહરણ મેં ચેતનાબેનના ઘરમાં જોયું છે. દાદા અને બા એમની સાથે રહેવા આવ્યા પછી એમનો સ્વભાવ ઘણો ચિડચિડો થઇ ગયો હતો. એમના સમય કરતા જરા પણ જમવામાં મોડું થાય તો ચેતનાબેનનું તો સમજો ને કે આવી જ બન્યું. ક્યારેક તો બા અને દાદા ઝગડો કરીને ચેતનાબેનને એવું બતાવવા માંગતા હતા કે તારી કંઈક ભૂલ છે પણ અમેં તને સ્પષ્ટ નહિ કહીએ અને આમ ને આમ તારા પર દાઝ ઉતારતા રહેશુ..!! પણ ચેતનાબહેન તો જીવનમાં આવતી દરેક ઇનિંગ રમવા માટે તૈયાર જ હોય છે. ક્યારેક દાદા રિસાઈ જાય તો એ ન જમે અને ક્યારેક બા રિસાઈ જાય તો એ ખીજવાઈ ને બહાર જતા રહે. આ બા અને દાદા ના પાણીપત યુદ્ધમાં ચેતનાબેન પિલાતા હતા છતાં પણ તે મધ્યસ્થી દ્વારા કંઈક ને કંઈક ઉકેલ લાવવામાં સફળતા મેળવતા રહેતા હતા. કેટલી વખત તો એવું પણ બનતું રહેતું હતું કે ઘણા દિવસો સુધી બા અને દાદા વચ્ચે અબોલા પણ રહેતા હતા. જેમાં ચેતનાબેનનો ટેલિફોનિક રીતે ઉપયોગ થતો રહેતો હતો. તેઓ બા અને દાદા ને મનભાવતી વાનગીઓ બનાવવામાં પણ મોટું મન રાખતા હતા. આપણે આગળ વાત થઇ તેમ તેમના ઘરની સ્થિતિ સાવ સામાન્ય હોવા છતાં પણ તેને ક્યારેય પણ એવો વિચાર આવ્યો જ નથી કે પહેલા સારી વસ્તુ બનાવીને લાવને મારા સંતાનોને ખવડાવું...!! આવા અદેખાઈ અને ઈર્ષા ને વશ ન થયેલા વિચારો તો ખુદાના ફરિશતા હોય તેને જ આવે એ વાત સત પ્રતીશત સત્ય છે.
છેલ્લા બે વર્ષથી તો એમના દાદા બહુજ બીમાર રહેતા હતા. અમે દરરોજ તો નહિ પણ ક્યારેક ક્યારેક એમની ઘરે બેસવા જતા ત્યારે મારી સગી આંખોએથી અથવા તો કહું તો પ્રત્યક્ષ જોયેલી એમની બિનશરતી સેવા...!! આની પહેલા કદાચ મેં ક્યારે જોયેલી નથી અને કદાચ હવે જોવી પણ અશક્ય છે. કારણ હવે જમાનો મોર્ડન આવી ગયો છે. હવે પછીની નવી જનરેશન કદાચ માબાપ ને અખૂટ પ્રેમ આપી શકશે પણ માતાપિતા બીમાર હોય કે ઉંમર ને વશ હોય ત્યારે એની ગંદકી સાફ કરવા જેવી સેવાઓથી કોશો દૂર રહેશે , કારણ કે જેમ ટેક્નોલોજી આવતી ગઈ એમ માણસના જીવનમાં પોતાના પ્રત્યે પણ જો સૂગ હોય તો બીજાની તો વાત જ શું કરવી...!! પણ ચેતનાબેનની ગંદકી સાફ કરવાની સેવાના મહાયજ્ઞ વિશે તો મેં બીજા એમની આજુ બાજુના ઘણા લોકો પાસે સાંભળેલું. જેવા એ સૂગ વગરના હતા એવા જ એમના પતિદેવ પણ બિલકુલ સુગરવા ન હતા. એ ઘણી વખત તો કામેથી આવતા વેત પોતાના બાપુજીને સરફસફાઈથી નવડાવી પણ દેતા હતા.
એક વખત તો અમે એમના ઘરે જમવા માટે ગયા હતા. ત્યારે એમના દાદાની જે અણસમજ જીદ જોઈ ત્યારે એમ થયું કે ખરેખરે આ સ્ત્રી ને ધન્યવાદ છે. અમે બધા બેઠા હતા. થોડીવાર પછી એ ઉભા થઇ દાદાની દવા લાવ્યા પણ દાદા તો મનથી અસ્વસ્થ હોવાથી દવા પીવાની તો એમને બિલકુલ ખબર જ ન પડે. જેવા ચેતનાબેન દવા પીવડાવા જાય ત્યાં તો દાદા પોતાનો હાથ એટલો જોશથી ફેરવે કે દવા આમતેમ ફગાવી કાઢે અને પોતે સાલ ખેંચીને નાના બાળક ની માફક સુઈ જાય. આપણે ગમે તેટલું જોર લગાડીયે છતાં પણ તેના માથા પરથી આપણે સાલને ઉંચકાવી ન શકીએ. એ જયારે દાદા ને ફોસલાવતાં હોય ત્યારે તો એમજ લાગે કે એક માતા એના બાળકને દવા પીવડાવી રહી છે. આ કોઈ અહેવાલ કે દંતકથા નથી પણ મેં , મારી પત્ની એ અને મારી પંદર વર્ષની દીકરીએ પ્રત્યક્ષ અને સ્પષ્ટપણે જોયું. ત્યારે ચેતનાબેને અમને જણાવ્યું કે, દાદાનું આ તો રોજ નું નાટક છે , અને રાત્રે ઉઠીને પાછા એમની આપમેળે દવા પી લેશે. ક્યારેક ક્યારેક તો એ દાદા રાતના રડવા પણ લગતા તો એ રાત્રે ઉઠીને એને દિલાસો આપી એક માતૃત્વભાવથી સુવડાવી પણ દેતા હતા.
જે દાદા નો આપણે વારંવાર ઉલ્લેખ કરીએ છીએ એ દાદા હમણાં થોડા દિવસ પહેલા જ એટલે કે : તારીખ ૧૧-૦૭-૨૦૨૦ , અષાઢ વદ ૬ ને શનિવાર ના રોજ દેવચરણ પામેલા. છેલ્લા એક વર્ષથી ચેતનાબેન નો સંઘર્ષ બમણો થઇ ગયેલો હતો. એની શરૂઆત ગુડ મોર્નીગ થી નહિ પણ બેડ મોર્નિંગ થી થતી હતી. દાદા ઉઠતાવેંત ગાળ થી શરૂઆત કરે , છેલ્લા એક વર્ષથી એમનો ક્રમ કંઈક આવો હતો : સૂર્યના સોનેરી કિરણો કંઈક નવું લઈને આવે પરંતુ ચેતનાબેન માટેના કાર્યક્મમાં પ્રભુએ કઈ નવીન ફેરફાર કરેલ ન હતો. સવાર પડે એટલે ચતનાબેન દાદાને સ્નેહ થી જગાડે પરંતુ દાદા સ્વરમાં ઉઠતાવેંત જ સો-બસો ગ્રામની ગાળ થી જ બોલાવે છતાં પણ પોતે બહેરા હોય એમ બિલકુલ મનમાં લે અને દાદાનો હાથ પકડી એને બેઠા કરે અને સૌ પ્રથમ તો એને જાજરૂ લઇ જવાના અને જેન નાના બાળક ને સાફ કરીએ એમજ સાફ કરવાના. ત્યાર બાદ દાદા ગાળો આપતા જાય અને ચેતનાબેન તેને ઘસી ઘસીને નવડાવતા જાય. કપડાં પહેરાવી નાસ્તો કરાવી દાદાને બજારમાં થોડે સુધી મૂકી આવે અને એમના ગજવામાં થોડા પૈસા પણ આપે અને કહે પણ ખરા કે તમારે કઈ લેવું હોય તો તમતમારે છૂટથી વાપરજો. ખૂટી જશે તો હું પાછા આપીશ. દાદાને સારા સારા પુસ્તકો પણ વાંચી સંભળાવે. ક્યારેક તો એવું પણ બનતું કે , ચેતનાબેનની સવાર ટ્રાફિક થી ભરચક હોય. કારણ એક તરફ દાદા રીસાણા હોય, છોકરા-છોકરી ને પોતપોતાની શાળાએ જવામાં મોડું થતું હોય , એમાં પતિને કામ પર જવાનું હોય તો તેમને પણ મોડું થતું હોઉં, ટ્યુશનના વિદ્યાર્થીઓ પણ આવવા લાગ્યા હોય , આટલું બધું ભેગું થયું હોય તે દિવસે બા પણ મનમાં કંઈક વાસવસટ લઈને બેઠા હોય એટલે એ પણ કામમાં કોઈ પણ જાતની મદદ કરે નહિ. આટલો બધો ખેલ સવારમાં એક સાથે કરવાનો હોય...!! દાદા નો સ્વભાવ તો ખુબજ ભોળો હતો પણ બા નો સ્વભાવ પણ અતિ માયાળુ. અમને ઘણી વખત તેનો સુખદ અનુભવ થયો છે. અમે થોડી વાર માટે બેસવા ગયા હોય એટલી વારમાં તો એ અમને એ ત્રણ ટાઈમ નું ભોજન એક સાથે ભેગું ખવડાવી દેવાની મથામણ કરતા હોય. આવો મમતાસભર તેમનો સ્વભાવ છે.
થોડા દિવસ પહેલા આ કોરોનાના પ્રભાવને કારણે દાદા ના ધામ પ્રસ્થાન પછી ટેલિફોનિક બેસણું હતું. મેં બે દિવસ પછી કોલ કર્યો એટલે એમના પતિ હસમુખભાઈ સાથે ઔપચારિક વાત જ થયેલી. પણ થોડા દિવસ પહેલા મને સ્વેચ્છાએ ફોન કરવાનો સ્ફુર્ણા થઇ આવી આથી મેં એને કોલ કર્યો તો એની પાસેથી દાદાની અંત સમયની બે વાતો સાંભળી ને આત્માને આનંદ થયો. ચેતનાબેન સાથે ફોન માં દાદા વિશેના થોડા શબ્દો કંઈક આવા હતા. '' તે દાદા ને કહેતા હતા કે , દાદા તમારે તો આનંદ છે હો બાકી...!! જમવાનું તૈયાર, નહાવાનું મારે તમને , તમારું જાજરૂ પણ મારે સાફ કરવાનું...., આવી ઘણી વાતો તે દિવસે થઇ હતી અને આ બધી વાતો સાંભળીને દાદા જરા અમથા મલકાયા પણ ખરા અને એના મુત્યુ ના બે કે ત્રણ દિવસ પહેલાજ શ્રીમદ ભાગવદ પણ વાંચ્યું કે પૂર્ણ કર્યું એ કઈ ખાસ યાદ આવતું નથી. એમના વિશે તો વાતોનો વરસાદ થાય એમ છે પણ વાંચનાર માટે કદાચ સમય ને આધીન થઇ આટલું પર્યાપ્ત છે એવું માનીને હું મારી કલમ ને વિરામ આપું છું....
મારા સ્નેહરૂપી બે શબ્દો....
વાંચનાર ને હું એટલી જ વિનંતી કરવા માંગુ છું કે, મારી આ પ્રસ્તુત રચના એ એક સત્ય હીકકત છે. વાંચનાર ને કદાચ આ સત્ય હકીકત રચનામાં લેવામાં આવેલા મુખ્ય પાત્ર પ્રત્યે અતિશયોક્તિ લાગે તો માફ કરજો પણ હું એનો સાક્ષી બનીને કહું છું કે આ બધી ઘટના મારી આંખો જોયેલી અને હૃદય થી અનુભવેલી છે. જીવનમાં બે વ્યક્તિ સારા મળી જાય તો ભવ સુધરી જાય. એક પત્ની અને બીજો મિત્ર...!! ચેતનાબેન મારા એકના નહિ પણ મારા આખા પરિવારના સારા એવા સુખ-દુઃખ ના મિત્ર છે. એમની સાસુ-સસરા પ્રત્યેની સેવા થી હું ખુબજ પ્રભાવિત થઇ ને દાદા ને મારી શબ્દનાંજલી પાઠવું છું....
ભાવેશ ના જય શ્રી કૃષ્ણ........
ભાવેશ લાખાણી..
આ દુનિયામાં ઘણી અનામી સ્ત્રીઓ એવી છે કે એના વિશે લખવામાં કદાચ શબ્દો ખૂટી પડે બસ એવી સ્ત્રીઓના જીવનચરિત્ર ને ઉજાગર કરવામાં આવે તો આજે ભ્રુણમાં જે દીકરીઓની હત્યા થાય છે એને જાકારો આપવામાં આવે છે એનો કદાચ અંત આવી જાય....