સ્ટેપ 2 ભાગ 26
વિવિધ ગુણ આવડતો વિકસાવો
આમતો ગુણ એ ચર્ચાનો નહી પણ જીવનમા ઉતારી લેવાનો વિષય છે. ગુણ વિશે આપણે ગમે તેટલી ચર્ચાઓ કરી લઈએ પણ તે આપણા જીવનમાજ ન ઉતરે તો લાંબી લાંબી ચર્ચાઓનુ કશુજ મહત્વ રહેતુ હોતુ નથી. વિશ્વના કોઈ પણ કાર્યને સુઘડતાથી પાર પાડવા માટે વિવિધ ગુણ આવળતો અનીવાર્ય બનતા હોય છે, તેના વગર કાર્ય પાર પડી શકે નહી.
તમે જ્યારે ગુણ આવળતોનુ લીસ્ટ બનાવવા જશો તો તેનો આંકડો ૧૦૦ની આસપાસ પહોચશે. તો તેવા સમયે આપણને એમ થાય કે આટલા બધા ગુણ હું કેવી રીતે અથવાતો ક્યારે વિકસાવી લઈશ. શું આટલા બધા ગુણો વિકસાવવા શક્ય છે ? તો તેનો જવાબ છે હા, તેની એક ટ્રીક છે.
ગુણ વિકસાવવા એ જીમમા જઈ કસરત કરવા જેવી બાબત છે. જો આપણે પહેલાજ દિવસે જીમમા જઈ ૬૦-૭૦ કીલોનો વજન ઉપાડવા લાગીએ કે જોશમા આવીને ધરારથી કસરત કરીએ તો આપણે વહેલા થાકી જતા હોઈએ છીએ, બીજા દિવસે શરીર આખુ જબરજસ્ત રીતે દુખવા લાગતુ હોય છે અને પછીતો જીમ પડતુ મુકીને આપણે કોઈ બીજીજ પ્રવૃત્તીમા લાગી જતા હોઈએ છીએ. તેના કરતા જો ધીમે ધીમે માર્ગદર્શન મુજબ આગળ વધવામા આવે તો ખુબ સારી રીતે શરીરનો વિકાસ કરી શકાતો હોય છે.
ગુણો સાથે પણ આવુજ કંઈક થતુ હોય છે. આપણે જોષમાને જોષમા નક્કીતો કરી લેતા હોઈએ છીએ કે હું આટલા સમયમા આટલા ગુણો વિકસાવી લઈશ પણ જ્યારે તેનો અમલ શરુ કરતા હોઈએ છીએ ત્યારે આપણને તેમા કંટાળો આવતો હોય છે, આળસ આવતી હોય છે કે આ કામ મારુ નથી તેમ કહીને યોજના આખી માંડી વાળતા હોઈએ છીએ. તો આ રીતે ક્યારેય ગુણો વિકસે નહી કારણકે ગુણ આવળતો વિકસાવવા માટે ધીરજથી અને સતત પ્રયત્નો કરતા રહેવા પડતા હોય છે ત્યારે જતા તેમા સફળતા પ્રાપ્ત થતી હોય છે. ગુણો વિકસાવવા એ જ્યોતથી જ્યોત જલાવવા જેવી પ્રક્રીયા છે. જેમ એક જ્યોતથી બીજી અનેક જ્યોત જલાવી શકાતી હોય છે તેવીજ રીતે એક ગુણ વિકસાવવાથી બીજા અનેક ગુણો વિકસાવવા માટેના દરવાજાઓ ખુલી જતા હોય છે કારણકે એક ગુણ બીજા ગુણના વિકાસ માટેનો આધાર બનતો હોય છે. એટલેકે એક ગુણ વિકસાવવાથી તેના આધારે બીજા અનેક ગુણો વિકસાવવાનુ આપણને પ્રોત્સાહન મળી રહેતુ હોય છે. આ વાત નીચેની પ્રક્રીયા દ્વારા વધારે સમજાશે.
દા.ત. તમે સ્વચ્છતાનો એક ગુણ વિકસાવી લ્યો તો ધીરે ધીરે તમને બધી વસ્તુઓ વ્યવસ્થીત રાખવાનુ મન થશે જેથી તમારામા સુઘડતા વિકસશે. આ રીતે જેમ જેમ તમને સુઘડતાની ટેવ પડતી જશે તેમ તેમ તમારા મનને સ્વૈચ્છીક રીતે અંતર મનથીજ ગુણવત્તાયુક્ત કામ કરવાની ઈચ્છા થશે. તમને એમ થશે કે જેવુ તેવુ કામ મને મંજુર નથી હો, મને તો પરફેક્ટજ કામ જોઈએ. આવો વિચાર તમને પેલી સ્વચ્છતા અને સુઘડતાની ટેવને કારણે આવશે જેથી તમે વધુ ગુણવત્તાયુક્ત કામ કરવા પ્રેરાશો. પણ અહિ જેવુ તમે નક્કી કરશો કે મનેતો ગુણવત્તા યુક્તજ કામ ખપે કે તરતજ તમને વિચાર આવશે કે મારે ગુણવત્તાયુક્ત કામ કરવુ છે પણ એ કેવી રીતે કરી શકાય ? એટલે આ પ્રશ્નનો જવાબ ગોતવા માટે તમે પરફેક્ટ રીસર્ચ કરશો, વિવિધ માહિતીઓ મેળવશો, શ્રેષ્ઠ આયોજન તૈયાર કરશો, ટાઈમ મેનેજમેન્ટ કરશો અને બીજી ઘણી બધી બાબતો તમે શીખતા જશો. આમ એક પછી એક નવા નવા ગુણ તમારામા વિકસતા જશે. તો હવે તમે વિચાર કરો જોઈએ કે આયોજન, ટાઈમ મેનેજમેન્ટ, રીસર્ચ કરવા જેવા ગુણ શીખવાની શરુઆત ક્યાંથી થઈ ? પેલી સ્વચ્છતા જાળવવાના ગુણથી ખરુને !
આમ અહિ સમજવા જેવુ રહસ્ય એજ છે કે એક ગુણ એ બીજા અનેક ગુણોના વિકાસનુ કારણ બનતો હોય છે, આધાર બનતો હોય છે. એટલેકે જો કોઈ પણ એક ગુણ વિકસાવવાની પણ શરુ આત કરી દેવામા આવે તો સમય જતા અનેક ગુણ વિકસાવી સરળતાથી સફળતા પોતાને નામ કરી શકાતી હોય છે.
તો ચાલો હવે સફળતા મેળવવા માટે કેવા કેવા ગુણ અને આવડતો વિકસાવવા જોઈએ તેના વિશે વિસ્તાર પુર્વક ચર્ચા શરુ કરીએ.