Prernadaayi Naari Patr sita - 7 in Gujarati Women Focused by Paru Desai books and stories PDF | પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 7

Featured Books
Categories
Share

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 7

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 7

या श्री: स्वयं सुकृतिनां | ‘પુણ્યશાળી માણસોના ઘર્મ સ્વયં જગદંબા લક્ષ્મી બનીને વસે છે.’ સીતાજી રામ સાથે વિમાનમા ઊંચા સુંદર સિંહાસન પર બિરાજમાન થઈને લંકાથી નીકળ્યાં. શ્રીરામ જ્યાં જ્યાં શત્રુઓનો સંહાર કર્યો હતો તે રણભૂમિ બતાવતા હતા. ભગવાન શિવજીની સ્થાપના કરી હતી તે રામેશ્વર મહાદેવને સીતાજીને પ્રણામ કરાવ્યાં. આગળ જતાં ગંગાજીનું પૂજન કરી આયોધ્યા પહોંચ્યાં.

અયોધ્યામાં નગરજનોએ દુંદુભિ વગાડીને, દીવાઓ કરી સ્વાગત કર્યું. કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી એ સહર્ષ આવકાર્યા. સીતાજીને માંગલિક સ્નાન કરાવી દિવ્ય વસ્ત્રો અને સુંદર આભૂષણોથી સજાવ્યાં. રૂપ અને સદગુણોના ભંડાર એવા સીતાજી શ્રી રામનો રાજ્યાભિષેક થઈ જતાં રાજરાણી સીતા બન્યા છે. અનેક દાસ દાસીઓ હોવા છતાં સીતાજી જ પોતાના હાથથી ઘરની પરિચર્યા કરે છે. જે રામને ગમે તે મુજબ જ કરે. રામને અનુકૂળ થઈને મન લગાવીને કાર્ય કરતાં. ચંચળતા નહીં પણ સમતા રાખીને સૌની સંભાળ લેતા. આ પતિવ્રતા નારી રાજગઢની ત્રણેય માતાઓ એટ્લે કે પોતાની સાસુઓની સમાન ભાવે સેવા કરતાં. તેઓ રાજરાણી હોવા છતાં મદ કે અભિમાન બિલકુલ ન હતાં.

ભારતીય નારી સીતાને પગલે ચાલનારી હોય છે. તે વિચારોમાં આધુનિક હોય, શિક્ષિત હોય સાથે જ તેઓ લગ્ન બાદ શ્વસુરપક્ષને અનુકૂળ થતી હોય છે. તે કુટુંબ- પરિવાર સાથે હળીમળીને અને રીતરિવાજોને અપનાવીને પોતાની સમર્પણ ભાવના દાખવતી જોવા મળે છે. સાસુ-સસરાની સેવા કરવી, દિયર-નણંદને પોતાના ભાઈ-બહેન માનીને તેની સાથે પ્રેમાળ વ્યવહાર કરતી હોય છે. સમય નથી બદલાતો પરંતુ વ્યક્તિના મન બદલાય તેવા સંજોગોમાં અમુક પત્નીઓ કર્ક્શા અને સ્વાર્થી હોય છે. તે પતિના માતા-પિતા કે કોઈ સંબંધીનો સ્વીકાર કરતી નથી અને સ્વછંદી બની જઈ પોતાનું જ ધાર્યું થવું જોઈએ એવો દુરાગ્રહ સેવતી હોય તેવું જોવા મળે છે. આવી જૂજ નારીઓ સમગ્ર નારી સમાજને કલંકિત કરે છે.

ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામ ચરિતમાનસમાં રામ અને જાનકી ગાદી પર બેસે એટલું જ માનવજીવન માટે ઉપયોગી છે એમ જાણી રઘુકુળની કથા પૂર્ણ કરી છે. મા જાનકીનો બીજી વખતનો વનવાસ તેઓથી કદાચ સહ્ય ન થઈ શક્યો.

મહર્ષિ વાલ્મીકિ રચિત રામાયણમાં ભગવતી સીતાજીના ત્યાગની વાત વર્ણવી છે.

અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈને આવેલા સીતાજી પવિત્ર જ હતાં. પરંતુ રાજ દરબારમાં ધોબી અને તેની પત્નીની વાતમાં શ્રી રામ ધોબણને ન્યાય અપાવી શકતા નથી. તે સંજોગોમાં અયોધ્યાવાસીઓ પોતાની રાજરાણી સીતાજી રાવણની લંકામાં રહીને આવ્યાં હોવાથી તેની પવિત્રતા પર શંકા કરે છે. સીતાજી અયોધ્યાની રાજરાણીને યોગ્ય નથી એમ પ્રજા માને છે. શ્રી રામ કહે છે કે આ ખોટું છે. સીતાજીએ અન્યાયનો વિદ્રોહ –વિરોધ કરવો જોઈએ પરંતુ સીતાજી કહે છે જો નારી પણ તીર-તલવારનો ઉપયોગ કરીને વિરોધ કરશે તો સંસારમાં મીઠાશ અને ભાવના નહીં રહે. તલવારથી લોકોને જીતી શકાય પણ મનના ભાવો ન જીતી શકાય. સીતા કહે છે કે આ ન્યાયનો નહીં પરંતુ રઘુકુળના ગૌરવનો વિષય છે માટે દલિલ ન કરીએ. તે માટે તો બલિદાન જ આપવું પડે. આપણે વિખૂટાં પડ્યાં પછી મનથી વાતો કરી લેશું. જે પ્રજા પોતાની રાણીને સ્વીકારવા તૈયાર નથી ત્યારે પોતે રાજમહેલ છોડીને વનમાં જતાં રહેવું જોઈએ. રાજધર્મ નિભાવવા માટે પોતે વનમાં જવા માંગે છે. તેની રામને રઘુકુળની રીત માટે પોતાની પ્રિય સીતાનો ત્યાગ કરવા સમજાવે છે. રાજરાણી સીતાજી શ્રી રામને કર્તવ્ય નિભાવવા- પ્રજાને સંતાન ગણી તેઓના મતને સ્વીકાર કરવા સમજાવે છે. સૂર્યવંશના વંશજ તરીકે રાજા બનતી વખતે લીધેલી પ્રતિજ્ઞાની યાદ અપાવે છે કે રાજાનું કામ છે કે પ્રજાના મતનો આદર કરવો. ગર્ભવતી સીતા રઘુકુળના વંશજને એવા શૂરવીર, તેજસ્વી બનાવશે કે પ્રજાને લાંછન લગાવવા બદલ પસ્તાવો થશે. ત્યારે તેઓ નતમસ્તક માફી માંગશે. એ લાંછન લગાવનારને શરમ આવશે. સૂર્યવંશનું માન-સન્માન જળવાઈ રહે તે હેતુથી સીતા રઘુવંશની આત્માઓને સંબોધીને કહે છે કે પોતે પોતાનું સીતા નામ પણ ત્યાગી દેશે. પોતે વનમાં એકલાં જ જવાનો દ્રઢ નિર્ણય કરી લીધો.

ફરી મુનિશ્રી જેવા વસ્ત્રો, વત્કલ પહેરેલાં, આભૂષણ વગર સુંદર રથમાં બેસીને લક્ષ્મણ સાથે વન જવા નીકળે છે. પિતાની ઘેરથી તો પતિગૃહે વિદાય થઈ પણ આ વિદાય તો કેવી વિચિત્ર. જીવિત અવસ્થામાં સગર્ભા સીતા પતિગૃહેથી વિદાય લઈ રહ્યા હતા. બધાએ કહ્યું કે પ્રજા ખોટી છે તેની વાત ન માનવાની હોય પરંતુ સીતા કહે છે કે પ્રજાને એવું ન થવું જોઈએ કે રાજા છે એટ્લે પોતાનું ધાર્યું કર્યું. રાજન ધર્મ છે કે પ્રજા જે ઈચ્છે તે આપવું જ જોઈએ. બધાએ ધીરજ રાખવાની છે, મન કઠોર રાખી દરેકે પોતપોતાનો ધર્મ નિભાવવાનો છે.

સીતાજીની આ છે ત્યાગ ભાવના. જો ધાર્યું હોત તો રાજરાણી તરીકે પોતે ધોબીને દેશવટો અપાવી શક્યાં હોત. તેમણે પ્રજાને પડકાર કરી તેઓને મૂંગા કરી શક્યાં હોત. પણ આ વિદુષી કુળના માન સન્માન માટે પોતે દેશવટો વહોરી લીધો. શ્રી રામનું શરીર પોતાનો રાજધર્મ નિભાવવા અયોધ્યામાં રહ્યો અને મન તો સીતા સાથે જ ગયું.

નારી સહનશીલતાની મૂર્તિ છે. તેણી પોતાના પર લાગેલ આરોપને પણ ચૂપચાપ સહન કરી શકે છે. તેણીમાં એ ક્ષમતા હોય છે કે પોતાની સત્યતા પુરવાર કરવા ધીરજ ધરીને ઈશ્વર પર શ્રધ્ધા રાખીને કુટુંબનું માન સન્માન જાળવવા મક્કમ બને છે. આજે કળિયુગમાં પણ ઘણી નારીઓ પર કોઈ લાંછન લાગે ત્યારે તે રડતાં રડતાં ન્યાય માંગવાની બદલે સમાજને પોતાની જાતને પુરવાર કરવાનો નિર્ધાર કરતી જોવા મળે છે. તે દલીલો કરીને લડવાની બદલે પડકાર ઝીલીને પ્રગતિ કરે છે. આવી નારીઓ સાક્ષાત સીતાનો જ અવતાર ગણાય.આજે ઘણી સ્ત્રીઓ પોતાના કુટુંબ-પરિવારના નાના –મોટા રિવાજોને અપનાવતી નથી તેણે પ્રેરણા લેવી જોઈએ કે જે કુટુંબમાં લગ્ન કરીને આવ્યાં હોઈએ તેનું બધુ અપનાવીને એ કુળ- જ્ઞાતિ, ધર્મના ગૌરવ જળવાઈ તેવો વ્યવહાર કરવો જોઈએ.

ક્રમશ:

પારૂલ દેસાઈ