આજે સમગ્ર વિશ્વમાં કોરોના નામની મહામારી ફેલાયેલી છે.થોડા સમયના લોકડાઉન પછી સમગ્ર વિશ્વ જાણે પોતાને કોરોના સાથે જ જીવવાની ટેવ પાડી રહ્યું હોય એમ યથાવત રીતે કાર્યરત થયું છે.કોરોના નામનો મહેમાન આપણા ઘરમાં રહેવા આવી ગયો છે અને તે જલ્દી જવાનો તો નથી એટલે બને ત્યાં સુધી તેની સાથે જ રહેવાની ટેવ પાડવી પડે એમ છે અને એ પણ થોડું ધ્યાન રાખીને.જેમ કે, માસ્ક ફરજિયાત પહેરવું, કામ વગર બહાર ન નીકળવું, બને તેટલું સામાજિક અંતર જાળવવું, ઘરે રહીને કામ કરવું ( Work from home ) વગેરે વગેરે...આ બધામાં બાળકો શિક્ષણથી અળગા ન રહી જાય એ માટે એક નવો જ વિકલ્પ સામે આવ્યો છે અને તે છે ઓનલાઇન શિક્ષણ...
ઓનલાઇન શિક્ષણ
ઓનલાઇન શિક્ષણ આમ તો ખુબ જ સારો વિકલ્પ છે. બાળક ઘરે રહીને ભણે અને તે પણ માતાપિતાની નજર સામે એનાથી વધુ સારું શું હોય? માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના બાળકોને તો ઓનલાઇન શિક્ષણ જલ્દીથી ફાવી જશે કારણ કે, તેઓ આમ પણ મોબાઈલ સાથે એક મજબુત સબંધ સ્થાપી ચૂક્યા છે.ઓનલાઇન શિક્ષણ પુખ્ત વયના બાળકો માટે ખુબ સારું છે, પરંતુ નાના બાળકોનું શું? જે પ્રાથમિક શાળાના બાળકો શાળામાં સરખા બેસીને શિક્ષણ ગ્રહણ નથી કરતાં તેઓ ઘરે બેસીને શાંતિથી અને ધ્યાન ભટકાયા વગર ભણશે ખરાં ? બાળક ધ્યાન આપીને ભણે તે માટે માતા કે પિતા બંને માંથી કોઈ એકે ફરજિયાતપણે બાળકની સાથે રહેવું પડે છે.નાના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ એ તેમના માતાપિતા માટે માથાનો દુખાવો બની ગયો છે કારણ કે, કોઈ એકને પણ ફરજિયાતપણે પોતાના બધા કામ પડતાં મૂકીને બાળક સાથે બેસી રહેવું પડે છે.આજે પણ ભારતમાં એવા ઘણા ગામડા છે જ્યાં ઇન્ટરનેટ નથી પહોંચ્યું, જ્યાં લોકો પાસે સ્માર્ટ ફોન નથી, જ્યાં શાળાએ જવું એ પણ એક મોટું પરાક્રમ કહેવાય, એ બધા વિસ્તારોમાં ઓનલાઇન શિક્ષણ કઈ રીતે અસરકારક રહેશે એ એક મોટો પ્રશ્ન છે...
પરંપરાગત શિક્ષણ
શાળાઓમાં અપાતું શિક્ષણ એ ફક્ત પરંપરાગત શિક્ષણ નહીં, પરંતુ બાળકનો સર્વાંગી વિકાસ હોય છે.બાળકનો આ જ સર્વાંગી વિકાસ આગળ જતાં તેનું વ્યક્તિત્વ ઘડે છે.શાળામાં બાળક ફક્ત શિક્ષણ જ નથી મેળવતું, પરંતુ સાથે સાથે કેટલાક માનવીય મૂલ્યોનું જતન કરતાં પણ શીખે છે.શાળામાં બાળક પોતાના ગુરુજનોનો આદર કરતાં શીખે છે.મિત્રો બનાવતાં શીખે છે.પોતાની પાસે જે વસ્તુઓ હોય ( જેમ કે, પેન્સિલ, રબર વગેરે ) તેને અભાવવાળા બાળક સાથે વહેંચતા શીખે છે.અહી તે જરૂરિયાત વાળા વ્યક્તિની મદદ કરતાં શીખે છે.પોતાની પાસે ભલે બધું હોય પણ જેની પાસે તે નથી તેની પાસેથી તે પોતાની વસ્તુઓની કિંમત કરતાં શીખે છે.અહી તે વસ્તુઓની કદર કરતાં પણ શીખે છે.પોતાનો નાસ્તો વહેંચીને ખાવાનું શીખે છે.જે મિત્ર ટિફિન લાવવાનું ભૂલી ગયો હોય તેને પોતાનું અડધું ટિફિન વહેંચીને જમતાં શીખે છે. રમત ગમતના મેદાન પર તે નવી નવી રમતો રમીને પોતાની પ્રતિભાને ખીલવતા તથા પોતાના શરીરને મજબુત બનાવવાનું શીખે છે.શાળાના સાંસ્કૃતિક કાર્યક્ર્મમાં ભાગ લઈને પોતાની અંદર જે પણ કળા હોય તેને તે ઓળખાતા શીખે છે.તે જાણી શકે છે કે તે ભણતર ઉપરાંત બીજી કઈ કઈ બાબતોમાં હોશિયાર છે.આ બધી બાબતો ભલે નાની અમથી લાગતી હોય પણ આ બધા જ પરિબળો એક વ્યક્તિના વ્યક્તિત્વનો પાયો હોય છે.મને શાળામાં બનેલા મિત્રો અને ફેસબુકમાં બનેલા મિત્રો વચ્ચેનું અંતર સમજાવવાની કોઈ જરૂર નથી લાગતી.શું આ બધું એક બાળકને ઓનલાઇન શિક્ષણ શીખવી શકે છે? જવાબ છે ' ના '
ઓનલાઇન શિક્ષણ માત્ર માર્કશીટ પર સારા ગુણ મેળવવા જેટલું જ શિક્ષણ આપી શકે છે.પરંતુ શાળામાં અપાતું શિક્ષણ એ વ્યવહારલક્ષી શિક્ષણ હોય છે.બીજી રીતે સમજીએ તો તમે ગુલાબજામુન કે પછી રસગુલ્લાને ઓનલાઈન બનાવવાની રીત જોઈ શકો છો પણ તેનો અસલ આનંદ તો તેને જ્યારે મોઢામાં મૂકો ત્યારે જ આવે ! ઓનલાઇન તમારું બાળક ક્રિકેટ રમતાં શીખી શકે છે પરંતુ જો ખરેખર સાચી રીતે શીખવું હોય તો તેને મેદાનમાં જઈને બેટ પકડવું જ પડે.આ જ તફાવત છે ઓનલાઇન અને પરંપરાગત શિક્ષણનો.ઓનલાઇન બાળક શીખી તો શકે પરંતુ તેનો વાસ્તવિક આનંદ જેવો પરંપરાગત શિક્ષણમાં જોવા મળે છે તેવો ઓનલાઇન શિક્ષણમાં જોવા નથી મળતો. વાસ્તવિક આનંદ મેળવવો હોય તો શાળામાં જઈને શાળાની એ બેન્ચ પર બેસવું પડે, ઘરમાં સોફા પર પડ્યા રેહવાથી તે ના મળે. ઘરના સોફા અને શાળાની એ બેન્ચ વચ્ચે કેટલો તફાવત હોય છે એ તો ફક્ત એ જ જાણી શકે જેણે શાળાજીવનનો ભરપુર આનંદ ઉઠાવ્યો હોય.
એક રિસર્ચ પ્રમાણે લાંબા સમય સુધી મોબાઈલ કે કમ્પ્યુટરની સ્ક્રીન પર બેસી રહેવાથી બાળકની આંખો અને તેની યાદશક્તિ પર ખુબ જ નકારાત્મક અસરો પડે છે.લાંબા સમય સુધી ચાલેલું ઓનલાઈન શિક્ષણ કંટાળાજનક લાગે છે અને બાળકની યાદશક્તિ પણ ઘટી જાય છે.જ્યારે શાળામાં બાળક મિત્રો સાથે બેસીને, મોજ મસ્તી કરતું કરતું શિક્ષણ ગ્રહણ કરે છે ત્યારે બાળકનું મન પ્રફુલ્લિત રહે છે.જ્યાં સુધી કોરોના નામની મહામારી દૂર નથી થતી કે પછી તેની કોઈ કારગત દવા કે રસી નથી મળી જતી ત્યાં સુધી બાળકો માટે ઓનલાઇન શિક્ષણ એકમાત્ર વિકલ્પની સાથે એક મજબૂરી પણ છે.
બીજા વિશ્વ યુદ્ધના વિજયની ખુશીમાં બ્રિટનના તે સમયના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના સન્માનમાં એક સમારોહનું આયોજન થયું હતું જેમાં હિટલરને હરાવનાર વિન્સ્ટન ચર્ચિલનો બધા જય જયકાર કરતાં હતાં.ત્યારે વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, " યુદ્ધ જીતવાની કળા,રમત ગમતના મેદાનોથી પ્રારંભ થાય છે..." તેમનું ફક્ત આ એક જ વાક્ય દર્શાવે છે કે શાળાજીવનમાં શીખેલા મૂલ્યોનું જીવનમાં કેટલું મહત્વ હોય છે અને તે એક વ્યક્તિના જીવન પર કેટલો પ્રભાવ પાડે છે....
પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )