Sundari Chapter 14 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૧૪

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૧૪

ચૌદ

સુંદરી વારેવારે આકાશ તરફ જોઈ રહી હતી અને પોતાનો અત્યંત શ્વેત અને સપ્રમાણ હાથ લાંબો કરીને વરસાદનું જોર ધીમું પડ્યું કે કેમ એની તપાસ કરી રહી હતી. સુંદરીનો સુંદર હાથ વારેવારે વરસાદમાં હાથ લાંબો કરવાને કારણે સુંદરીના એ ગોરા હાથ પર જાણેકે ગુલાબના સફેદ ફૂલ પર ઝાકળ બાઝ્યાં હોય એવું દેખાઈ રહ્યું હતું, અને તે વરુણને વધુ બેચેન બનાવતો હતો, પરંતુ તેની પાસે મૂંગા રહેવા અને આ દ્રશ્યને સહન સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો.

“હું વોશરૂમ જઈને આવું.” અચાનક જ કૃણાલે આ બંનેનું ધ્યાનભંગ કર્યું.

વરુણે માથું હલાવીને કૃણાલની વાત નોંધી. કૃણાલે પોતાની બેગ વરુણને પકડાવી અને તે વોશરૂમ તરફ રવાના થયો. થોડો સમય આમને આમ વીત્યો. બીજા બે-ત્રણ વિદ્યાર્થીઓ પણ વરુણ અને સુંદરીની આસપાસ આવીને ઉભા રહી ગયા. વાતાવરણમાં ભારે વરસાદના અવાજ સીવાય શાંતિ હતી. થોડીવાર પછી પેલા બે-ત્રણ વિદ્યાર્થીઓએ એકબીજા સાથે ચર્ચા કરી અને તે તમામ આ ભારે વરસાદમાં જ બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા. ફરીથી વાતાવરણમાં વરસાદી અવાજ સિવાય શાંતિ પથરાઈ ગઈ. વરસાદ એકસરખો અને વગર વિજળીના કડાકા કે વાદળોના ગડગડાટ બસ વરસી જ રહ્યો હતો.

“ખબર નહીં ક્યારે ધીમો પડશે.” અચાનક જ સુંદરી બોલી પડી. તેનું ધ્યાન હજી પણ વરસાદ તરફ જ હતું, પરંતુ ત્યારે તેના અને વરુણ સીવાય બીજું કોઈજ ન હતું એટલે વરુણ સમજી ગયો કે તે એને ઉદ્દેશીને જ બોલી છે.

“હા, જુઓને. સવારે એવું લાગતું હતું કે બપોર સુધીમાં આટલો બધો વરસાદ પડશે?” વરુણે હવે પોતાની જીભ ખોલી અને એ પણ સુંદરી સામે. બે ઘડી તો વરુણને પણ નવાઈ લાગી.

“હમમ.. અધૂરામાં પૂરું સવારે ઘરેથી કોલેજ આવવા નીકળી ત્યારે મારા હોન્ડામાં પણ પંક્ચર હતું એટલે રિક્ષામાં આવવું પડ્યું. વરસાદ ધીમો નહીં પડે ત્યાં સુધી તો કોઈ રિક્ષા પણ નહીં મળે.” સુંદરીએ તેનાથી થોડે દૂર ઉભેલા વરુણ સામે જોઇને કહ્યું. તેના ચહેરા પર અને તેના અવાજમાં ભારોભાર ચિંતા હતી.

“તમે ક્યાં રહો છો?” વરુણને હવે હિંમત આવી. આમ પણ તેને સુંદરી અમદાવાદના કયા વિસ્તારમાં રહે છે એ જાણવાની ઉત્સુકતા હતી જ.

“આંબાવાડી.” સુંદરીએ ફરીથી વરુણ સામે જોઇને કહ્યું. આ વખતે તેના ચહેરા પર નાનકડું સ્મિત હતું જે વરુણથી માંડમાંડ સહન થયું.

“તો તો ખાસ દૂર નથી.” વરુણે સુંદરી કયા વિસ્તારમાં રહે છે તે જાણીને પોતાને થયેલો આનંદ માંડમાંડ છુપાવ્યો.

“પણ આ વરસાદમાં કેવી રીતે જવાય? મેં તો છત્રી પણ નથી લીધી અને રિક્ષા વરસાદ બંધ પડશે પછી મળશે. ઘેરે પપ્પા રાહ જોતા હશે.” સુંદરીના અવાજમાં હવે ચિંતાનું પ્રમાણ વધી ગયું હતું.

“મારી પાસે બાઈક છે, જો તમને વાંધો ન હોય તો...” વરુણે વાક્ય અધૂરું જ છોડ્યું.

“થેન્ક્સ, પણ બાઈક પર પણ પલળી તો જવાય જ ને?” સુંદરીએ મુદ્દાની વાત કરી.

“તમે મારો રેઈનકોટ પહેરી લેજો, આઈ મીન આ જમ્પર પહેરી લેજો, વાંધો નહીં આવે.” વરુણ હવે આ તક જતી કરવા માંગતો ન હતો. હવે તેનામાં હિંમત પણ આવી ગઈ હતી.

“તો પછી કૃણાલ?” આટલા મહિનાઓ વીત્યા પછી સુંદરી તેના તમામ વિદ્યાર્થીઓને નામથી જાણતી હતી અને એને એ પણ ખ્યાલ હતો કે વરુણ અને કૃણાલ કાયમ સાથેજ કોલેજ આવતા અને અહીંથી ઘરે જતા હોય છે.

“એની પાસે રેઈનકોટ છે જ મેડમ, એ અહીંથી ચાલીને બસ સ્ટેન્ડ જતો રહેશે અને ત્યાંથી અમારા ઘર સુધીની સીધી બસ મળે જ છે. તમે એની ચિંતા ન કરો. તમારું ઘરે જલ્દી પહોંચવું જરૂરી છે. અને આ વરસાદ ક્યારે ધીમો પડે કે બંધ પડે એની ક્યાં ખબર છે?” વરુણે હવે સુંદરીને પોતાની સાથે, પોતાની બાઈક પર જવા માટે લગભગ બાંધી જ લીધી.

એવામાં કૃણાલ આવ્યો.

“કૃણાલ, હું મેડમને મુકવા એમને ઘરે જાઉં છું, આંબાવાડી.” વરુણે આંબાવાડી શબ્દ પર ભાર મૂક્યો.

“હેં?” કૃણાલને પોતાની સમક્ષ અચાનક જ આવી પડેલા આ બ્રહ્માસ્ત્રનો જવાબ કેવી રીતે આપવો એની સમજણ ન પડતાં તે ફાટેલી આંખે વરુણ અને સુંદરી સામે જોવા લાગ્યો.

“હા, તેં રેઈનકોટ પહેર્યો છે તો તું બસ સ્ટેન્ડ જતો રહે ત્યાંથી ૪૦ નંબર તને સીધો ઘરે પહોંચાડી દેશે. હું ત્યાં સુધીમાં મે’મને એમને ઘરે મુકીને આવું, એમના પપ્પા ચિંતા કરતા હશે.” વરુણે કૃણાલ સામે જે પ્રકારનું સ્મિત કર્યું તેનાથી કૃણાલને બે ઘડી લાગ્યું કે વરુણે તેની વિરુદ્ધ ફરીથી કોઈ ભયંકર કાવતરું કર્યું હતું અને તે કાવતરાને પાર પાડવામાં એ સફળ રહ્યો છે.

“ચલો મે’મ! તમે આ પહેરી લ્યો.” આટલું કહીને વરુણે પોતાના રેઈનકોટના જમ્પરની ચેઈન ઉતારી અને તેને ખોલી અને ઉતારી દીધું અને સુંદરી સામે ધર્યું.

સુંદરીએ પોતાના હાથમાં રહેલી પોતાની ડાયરી અને બે પુસ્તકો વરુણને આપ્યા. વરુણે તેને હાથમાં લઈને એ જ જગ્યાએ પોતાની આંગળીઓ મૂકી જ્યાં સુંદરીએ પોતાની ટૂંકી પરંતુ મરોડદાર અને દૂધ જેવી સફેદ આંગળીઓ મૂકી હતી.

સુંદરીએ વરૂણનું જમ્પર પોતાની સાડી પર પહેર્યું અને ચેઈન બંધ કરી. વરુણ માટે સુંદરીનું આ નવું જ સ્વરૂપ આજે સામે આવ્યું હતું. ગૌરવર્ણની સુંદરી પર તેનું કાળા રંગનું જમ્પર એકબીજાને વધુ આકર્ષક બનાવી રહ્યા હતા. વરુણને મન થયું કે તે સુંદરીને આ રૂપમાં બસ જોતો જ રહે... જોતો જ રહે... તો બીજી સેકન્ડે તેને થયું કે તે સુંદરીનો એક ફોટો પાડી તેને પોતાના મોબાઈલમાં કાયમ માટે સેવ કરી લે જેથી તેને જ્યારે પણ તેને જોવાની ઈચ્છા થાય ત્યારે તે જોઈ શકે.

પરંતુ અચાનક જ સત્યનો સામનો કરાવતો એક અન્ય વિચાર વરુણના મનમાં આવ્યો કે તે આ બંનેમાંથી કશુંજ કરી શકવાનો નથી, કારણકે અત્યારે તેની અને સુંદરીની વચ્ચે વિદ્યાર્થી અને શિક્ષકની એક મર્યાદા છે.

“ચાલો જઈશું?” વરુણે સુંદરીને અચાનક જ પૂછ્યું.

“પણ આ પુસ્તકો? અને મારી ડાયરી?” સુંદરીએ પ્રશ્ન કર્યો.

“એ મને આપો. મારી બેગમાં મૂકી દઉં. ચોમાસું છે ને? એટલે હું અંદર પ્લાસ્ટિક બેગમાં જ મારા પુસ્તકો અને નોટ્સ રાખું છું.” વરુણે પોતાના જ હાથમાં રહેલા સુંદરીના પુસ્તકો અને ડાયરીને પોતાની બેગમાં રહેલી પ્લાસ્ટિક બેગમાં સહુથી આગળ મૂકી દીધા.

“હવે જઈશું?” વરુણે એક સ્મિત સાથે સુંદરીને પૂછ્યું. કોઈ બીજી છોકરી કે સ્ત્રી હોત તો આ સ્મિતના બદલામાં વરુણને જરૂર પોતાનું દિલ દઈ બેઠી હોત.

“હા, ચાલો.” સુંદરીએ પણ સામે સ્મિત કર્યું. એના સ્મિતમાં આભારની લાગણી હતી. પરંતુ વરુણને એ સ્મિત સોંસરવું ઉતરી ગયું, પરંતુ તેણે ગમેતેમ કરીને પોતાના પર કાબુ મેળવ્યો.

વરુણ અને સુંદરી એકબીજાથી થોડું અંતર જાળવતા પાર્કિંગ તરફ ચાલવા લાગ્યા. કોલેજના એક્ઝીટ ગેઇટના પગથિયાં પર લગભગ મોઢું ખુલ્લું રાખીને ઉભો રહેલો કૃણાલ એ સમજવાની કોશિશ કરી રહ્યો હતો કે માત્ર દસેક મિનીટ માટે એ વોશરૂમ શું ગયો કે અચાનક જ એવું તે શું થઇ ગયું કે તેણે હવે આ ભારે વરસાદમાં બસ સ્ટેન્ડ તરફની મજલ કાપવી પડશે અને બસ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તેની રાહ જોવી પડશે.

જબરદસ્ત વરસાદમાં વરુણ પાર્કિંગ સુધી પહોંચતા તો સાવ પલળી ગયો હતો, પરંતુ તેને એની ફિકર ન હતી. તેના મનમાં પોતાની બાઈક પાછળ આજે સુંદરી બેસવાની છે એ વાતના પતંગીયા ઉડી રહ્યા હતા. વરુણે પાણીમાં ડૂબેલી બાઈકને બહાર કાઢી, હેલ્મેટ પહેરી અને તેના પર બેસીને કિક મારી અને બાઈક ચાલુ થઇ ગઈ. તેણે પાછળ વળીને પોતાનું માથું હલાવીને સુંદરીને બેસવાનો ઈશારો કર્યો. સુંદરીએ સાડી પહેરી હોવાથી તે બાઈકની પાછલી સીટ પર એક તરફ બેઠી.

વરુણે કિક મારી અને બાઈક ચાલી પડી. જો કે વરુણે બાઈક સંભાળીને ચાલુ કરી હતી, તેમ છતાં બાઈક ચાલવાની શરૂઆતમાં હળવો આંચકો આવતા સુંદરીએ વરુણનો જમણો ખભો મજબૂતીથી પકડી લીધો. સંપૂર્ણપણે ભીંજાઈ ગયેલા શર્ટને કારણે વરુણના શરીરમાં સુંદરીની આ મજબૂત પકડે સનસનાટી મચાવી દીધી, પરંતુ તેણે તેની ભાવના પર કાબુ મેળવ્યો, હા તેનો ચહેરો એક લાંબા-પહોળા સ્મિતને કારણે ચમકી જરૂર ઉઠ્યો અને તેણે સફર આગળ વધારી.

બીજી તરફ સુંદરી સાવ નિસ્પૃહભાવે પાછળ બેઠી હતી. તેના મનમાં તો આ પ્રકારે મદદ કરવા બદલ વરુણ જે એનો વિદ્યાર્થી જ હતો તેના પ્રત્યે આભારની લાગણી જ હતી. તેને ખબર જ ક્યાં હતી કે વરુણના મનમાં તેના પ્રત્યે કેવી લાગણી છે.

ધાર્યા કરતા રસ્તા પર પાણી ઓછા ભરાયાં હતા. ઉપરાંત ભારે વરસાદને કારણે ટ્રાફિક રોજ કરતાં ઓછો હતો આથી વરુણને કોલેજથી ખાસ દૂર નહીં એવા આંબાવાડી વિસ્તાર સુધી બાઈક ચલાવવામાં કોઈ ખાસ તકલીફ નડી નહીં.

“આપણે હવે પાંજરાપોળ ચાર રસ્તા નજીક આવી ગયા છીએ, પછી કઈ તરફ વળવાનું છે?” વરુણે સહેજ પાછળ જોઇને જરા જોરથી કહ્યું કારણકે વરસાદનો અવાજ પણ ખૂબ જોરમાં હતો.

“બસ, ચાર રસ્તાથી ડાબી તરફ વળીને સીધા જ જવાનું છે અને સીએન સામેની ગલીમાં જ મારું ઘર છે. સૌંદર્ય સોસાયટીમાં.” સુંદરીએ પણ પોતાના મીઠડા અવાજમાં જોરથી કહ્યું અને વરુણના કાનમાં મધ ઘોળાયું.

માત્ર બે જ મિનીટમાં વરુણ અને સુંદરી સૌંદર્ય સોસાયટીમાં આવી ગયા, અહીં ૧૬ નંબરના બંગલા પાસે સુંદરીએ વરુણને બાઈક રોકવાનું કહ્યું.

બાઈક પર ઉતરતાંની સાથેજ સુંદરી વરૂણનું જમ્પર ઉતારવા લાગી.

“અરે, ના, ના તમે કાલે લેતા આવજો. તમારે તમારી બુક્સ અને ડાયરી પણ લેવાની છે ને? ક્યાંક એ પલળી ન જાય.” વરુણે સુંદરીને સલાહ આપી.

“ના, હવે તો ઘર આવી ગયું બસ દરવાજાથી ઘર ક્યાં દૂર છે. તમે આ લઇ જ લો અને મને મારા પુસ્તકો અને ડાયરી આપી દો, એટલે ફટાફટ હું ઘરમાં જતી રહું.” આટલું કહીને સુંદરીએ જમ્પર ઉતારીને વરુણ સામે ધર્યું. તો વરુણે પણ પોતાની બેગ ખભેથી ઉતારીને તેમાં રહેલા સુંદરીના પુસ્તકો અને ડાયરી કાઢીને તેને આપ્યા.

“સોરી, વરસાદ ખૂબ છે એટલે તમને કોફી માટે અંદર બોલાવી નથી શકતી, તમારે ઘરે પણ પહોંચવાનું છે ને?” સુંદરીએ વિવેક કર્યો.

“કશો વાંધો નહીં, મેં તો ફક્ત મારી ડ્યુટી કરી છે. અને તમે હવે અંદર જાવ નહીં તો પલળી જશો તો આ બધી મહેનત પાણીમાં જશે.” વરુણે સ્મિત કર્યું.

“અરે હા! એતો હું ભૂલી જ ગઈ.” આટલું કહેતા જ સુંદરી હસી પડી અને એ જોઇને વરુણનું દિલ ફરીથી લપસી પડ્યું!

==: પ્રકરણ ૧૪ સમાપ્ત :==